જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ છે. શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિ : ‘જેટલા મત એટલા પથ’ની વ્યાખ્યા તેમના જીવનાલોકમાં તેઓ આ લેખમાં સચોટ રીતે રજૂ કરે છે.
શ્રીરામકૃષ્ણ પરમહંસે પોતાના શિષ્યોને કહેલું : “મેં બધા ધર્મોનું અનુસરણ કર્યું છે. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી. એટલું જ નહિ હિન્દુધર્મના પણ જુદા જુદા સંપ્રદાયોના માર્ગે ચાલ્યો છું. મેં જોયું છે કે બધા એક જ ઈશ્વર ભણી જાય છે, ભલે માર્ગ જુદા જુદા હોય. તમારે સૌએ બધા વિશ્વાસ પારખવા જોઈએ અને બધા માર્ગો પાર પણ કરવા જોઈએ. જ્યાં જોઉં છું ત્યાં હું લોકોને ધર્મને નામે લડાઈઝઘડા કરતા જોઉં છું. હિન્દુ-મુસલમાન, બ્રાહ્મણ-વૈષ્ણવ, વગેરે પણ એ લોકો એ નથી જોતા કે જેને કૃષ્ણ કહેવાય છે, એને જ શિવ કહેવાય છે, વળી એ જ આદ્યાશક્તિ છે, એ જ ઈશુ ખ્રિસ્ત છે અને અલ્લાહ પણ – અને એ જ સહસ્ર નામધારી રામ પણ.”
“એક જ તળાવના અનેક ઘાટ છે. એક ઘાટેથી હિન્દુઓ ઘડો ભરે છે, તે જળ હોય છે, બીજા ઘાટેથી મુસલમાન મશક ભરે છે તે પાણી હોય છે, ત્રીજેથી ખ્રિસ્તીઓ જે ભરે છે તે વૉટર કહેવાય છે. આપણે એવી કલ્પના પણ શું કરી શકીએ કે તે પ્રવાહી જળ નથી, માત્ર પાણી કે વૉટર છે? તો તો કેવી મૂર્ખતા ગણાય? એક જ તત્ત્વનાં અનેક નામ છે. હરેક જણ એક જ પરમ તત્ત્વની ખોજમાં છે. દેશ, કાળ, સ્વભાવ અનુસાર નામ બદલાય છે. પણ તત્ત્વ બદલાતું નથી. દરેક જણ પોતપોતાને માર્ગે ચાલે. તેનામાં જો સચ્ચાઈ અને લગન હશે તો તેનું અવશ્ય કલ્યાણ થશે. એને ભગવાન જરૂર મળશે.”
શ્રી ઠાકુરની આ ઉક્તિ કોઈ સર્વધર્મ સમન્વય કે સમભાવની ઉપરછલ્લી અનેકવાર અનેક રીતે કહેવાતી ઉક્તિ માત્ર નથી. એમનું સમગ્ર જીવન એના પૂર્ણ દૃષ્ટાંત રૂપ છે. એ કહેતા-કોઈ પણ દેવનું ધ્યાન ધરતાં એનું સ્વરૂપ મને પ્રત્યક્ષ થઈ જાય છે.
નાનપણમાં શ્રી ઠાકુરને શિવનો આવેશ આવતો. પછી તો આપણે સૌ જાણીએ છીએ એમ દક્ષિણેશ્વરની ભવતારિણી કાલીમાતાના પૂજારી થયા. શ્રી કાલી પ્રત્યે ઠાકુરનો શ્રદ્ધાભાવ અનન્ય હતો, તે એટલે સુધી કે માની હાજરીનો એ અનુભવ કરતા. જાણે મુખોમુખ વાતો કરતા. પરંતુ શ્રીરામકૃષ્ણની સાધના કાલીપૂજા સુધી સીમિત રહેવાની નહોતી. એક વખતે દક્ષિણેશ્વરના ઘાટ ઉપર એક તેજસ્વી ભૈરવી આવી પહોંચી. શ્રી ઠાકુરને જોતાં આનંદથી આંસુ વહાવતાં એમણે કહ્યું : “બેટા, હું તને કેટલા સમયથી શોધું છું. હવે આજે તું મળ્યો.”
ભૈરવીએ હિન્દુશાસ્ત્રો, વૈષ્ણવસાહિત્યનું અને તંત્રોનું અધ્યયન કરેલું હતું. ઠાકુરે સ્ત્રીને ગુરુસ્થાને સ્થાપી તંત્ર-સાધનાને માર્ગે ગતિ કરી. બહુ ઓછા સમયગાળામાં સાધનાની બધી ભૂમિકાઓ એ વળોટી ગયા. એમને અષ્ટ મહાસિદ્ધિઓ સુલભ બની ગઈ. પણ આ અનાસક્ત યોગીને સિદ્ધિઓ મેળવીને કરવાનું શું? સિદ્ધિઓને એમણે દૂર જ રાખી.
આ પછી શ્રીરામકૃષ્ણે વાત્સલ્યભાવ અને મધુરભાવની સાધના કરી. બાળક રામ એમને પ્રત્યક્ષ દેખાતા. બા એ રામને રોજ રમતા જોતા. એ તડકામાં જતા દેખાય તો ઠાકુર બોલી ઊઠતા – ‘તડકામાં ન જવું. પગે ફોલ્લા પડી જશે.’ એમણે દાસ્યભાવની ઉપાસનામાં હનુમાનભાવે સીતાજીનાં પણ દર્શન કરેલાં. મધુરભાવની ઉપાસનામાં તો શ્રી ઠાકુર સાક્ષાત ગોપી બની ગયા. એમણે ગોપીના કપડાં પણ ધારણ કર્યા. એમનાં સમગ્ર વાણીવર્તનમાં સ્ત્રીભાવ આવી ગયો. એમને જાણે રાધાનાં દર્શન થયાં. એમણે કહેલું, ‘રાધાના દેહની કાંતિ નાગકેસરના ફૂલ જેવી હતી’. એ પછી તો પોતાને રાધા માનવા લાગેલા. એ પછી શ્રીરામકૃષ્ણે કહેલું, ‘ભાગવત, ભક્ત અને ભગવાન ઉપરથી જુદા લાગવા છતાં ખરેખર એક જ છે.’
એક દિવસ દક્ષિણેશ્વરમાં એક રમતારામ સંન્યાસી આવી પહોંચ્યા. નામ તોતાપુરી. ઠાકુર પછી એમને ‘નાગાજી’ કહેતા. તોતાપુરી તો ઠાકુરને જોઈને જ પામી ગયા અને લાગલો જ પ્રશ્ન પૂછ્યો, ‘અદ્વૈત વેદાંતની સાધના કરવાની ઇચ્છા છે?’ શ્રીરામકૃષ્ણે કહ્યું કે, એ તો મારી મા જાણે. પછી માની ‘અનુમતિ’થી ઠાકુર નિર્વિકલ્પ સમાધિને માર્ગે અગ્રેસર થયા, એ જીવબ્રહ્મની એકાત્મતાની બ્રાહ્મી સ્થિતિએ પહોંચી ગયા. તોતાપુરી તો નવાઈ પામી ગયા. એમને થયું કે જે સાધના કરતાં એમને જીવનનાં ચાલીશ વર્ષ લાગ્યાં, ત્યાં શ્રીરામકૃષ્ણ એક જ દિવસમાં પહોંચી ગયા! નિર્વિકલ્પ સમાધિ એટલે અદ્વૈત સાધનાની ચરમ અવસ્થા.
દક્ષિણેશ્વરનું મંદિર સર્વધર્મના લોકો માટે ખુલ્લું હતું. એક દિવસે શ્રીરામકૃષ્ણે ત્યાં ગોવિંદરાય નામના મુસલમાનને નમાજ પઢતાં જોયો. એમને લાગ્યું કે આ વ્યક્તિએ ઈસ્લામ દ્વારા પણ ઈશ્વરને પામી લીધો છે. શ્રીરામકૃષ્ણે આ ગોવિંદરાય પાસે દીક્ષા લીધી અને મંદિરની દીવાલોની બહાર રહી અલ્લાહના નામનું રટણ કરતા રહ્યા. આ દરમ્યાન પોતાના ઈષ્ટદેવતાનું નામ પણ ન લીધું. પૂજા પણ ન કરી એમણે મુસલમાનનો વેશ પણ પહેર્યો. એક પૂરેપૂરા બીજા પ્રકારના મનોજગતમાં પ્રવેશી એમણે એક નવી આધ્યાત્મિક યાત્રા સિદ્ધ કરી, રોમાંરોલાં નોંધે છે એમ ઈસ્લામની નદી પણ એમને એ જ ‘મહાસાગર’ સુધી લઈ ગઈ.
એ પછી થોડાંક વર્ષો વીત્યાં. શ્રીરામકૃષ્ણે ખ્રિસ્તી ધર્મ સાથે એકાત્મતા અનુભવી. એક મલ્લિક નામના માણસે ઠાકુર આગળ બાઈબલનો પાઠ કર્યો. ઈશુનું જીવન એમના પર છવાઈ ગયું. ત્યાં કોઈને ઘેર દીવાલ પર ઈશુ અને માતા મેરીની છબી જોઈ અને એ છબી રામકૃષ્ણ આગળ જીવંત થઈ ઊઠી. એક જુદા જ પ્રકારની ભાવદશામાં ઠાકુર રહેવા લાગ્યા. એ દિવસોમાં મંદિર જવાનું પણ એ ભૂલી ગયા. એમણે એક દિવસ જોયું કે એક વિશાળ આંખો અને શાંત મુદ્રાવાળી વ્યક્તિ એમની સન્મુખ આવી રહી છે. ઠાકુરે અંતરાત્મામાં અવાજ સાંભળ્યો – ‘જો આ ક્રાઈસ્ટ છે, જેણે સંસારના ઉદ્ધાર માટે પોતાનું રક્ત વહાવ્યું અને મનુષ્ય માટેના પ્રેમને લીધે અપાર યાતનાઓ સહી.’
શ્રીરામકૃષ્ણની આ વિશેષતા છે એટલે એમણે કહ્યું છે : ‘જતો મત તતો પથ.’ જેટલા મત છે એટલા માર્ગ છે. મત અનંત છે, કેમ કે ઈશ્વર પોતે અનંત છે. શ્રીઠાકુરે કદી ધાર્મિક પ્રવચનો આપ્યાં નથી, એ તો સહજ બોધગમ્ય ભાષામાં વાતો કરતા. વાતચીતમાં વ્યંગવિનોદ હાસ્ય એવી રીતે ભળી ગયાં હોય કે ક્યારેક થાય કે આ ગ્રામીણ ભારતનું. ના, ભારતનું અસલ સારલ્ય છે. લોકધર્મ અને લોકજ્ઞાનની સહજ સરવાણી એમના શબ્દોમાં વહેતી લાગે. એમની ઘરગથ્થુ દૃષ્ટાંત કથાઓ અને ઉપમાઓમાં તળભૂમિનો સ્પર્શ અનુભવાય. પેલું સાપનું કરડવું નહિ પણ ફુંફાડો તો મારવો એ દૃષ્ટાંત એમનું. વળી કહેતા વાઘમાં પણ નારાયણ છે, પણ એથી વાઘ નારાયણને ભેટી પડાય નહિ. વાઘનારાયણને તો દૂરથી જ નમસ્કાર કરાય. ઈશ્વરનાં વિભિન્ન રૂપની વાત કરવી હોય તો કુંભારનાં જુદાં જુદાં આકારનાં વાસણ અને માટીની ઉપમા આપે. મૂળ માટી એક છે. વાસણના આકાર જુદા જુદા.
શ્રીરામકૃષ્ણે એક બાજુ નિત્ય નિરંતર અસીમનો સંપર્ક સાધ્યો હતો, બીજી બાજુ એકદમ સાધારણ જનનું જીવન વ્યતીત કરતા. અંદરથી સંપૂર્ણ જ્ઞાની, બહારથી સરળ ભક્ત. સ્વામી વિવેકાનંદને એમણે જ જનસેવા માટે પ્રબોધ્યા. વિવેકાનંદ પણ યોગીની નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં રહેવા ઇચ્છતા હતા. ઠાકુરે ના પાડી દીધી, ‘નિર્વિકલ્પ સમાધિ નહિ. માનવસમાજની સેવા કર. મનુષ્યમાત્રમાં વસેલા ભગવાનને પ્રેમ કર.’ શ્રીરામકૃષ્ણ એટલે જાણે શતાબ્દીઓની ભારતની આધ્યાત્મિક મનીષાનું એક અવતારમાં મૂર્તિમંત રૂપ.
Your Content Goes Here




