સંસ્કૃત ભાષામાં લખાયેલ આદિ શંકરાચાર્ય કૃત ‘વિવેકચૂડામણિ’ ગ્રંથ એ બધા જ વેદોનો સાર છે. શંકરાચાર્યે આ ગ્રંથ દ્વારા અદ્વૈત મતનું સ્થાપન કર્યું છે. અદ્વૈત મત એટલે ‘ઈશ્વર એક જ છે.’ એવો મત. ‘બ્રહ્મ સત્યં જગત્ મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપર:’ એટલે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે; જીવ અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. શંકરાચાર્યને થયું કે જેમાં ચારેય વેદોનો સાર હોય, એવો કોઈ ગ્રંથ હોવો જોઈએ. જેમાં ઓછા શબ્દોમાં સંપૂર્ણ અધ્યાત્મ-વિદ્યાનો સિદ્ધાંત હોય. જનસામાન્ય પણ આત્મા-અનાત્માનો ભેદ સમજી શકે, એ હેતુથી આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથ દ્વારા એમણે વેદોના નીતિમૂલ્યોની પુન:સ્થાપના કરી. આ ‘વિવેકચૂડામણિ’ ગ્રંથ વેદાંતના જિજ્ઞાસુઓ તથા મોક્ષની પ્રબળ આકાંક્ષાવાળાઓ માટે અતિ મહત્ત્વનો છે.
સ્વામી તદ્રુપાનંદજી સરસ્વતીએ આ ગ્રંથનું ગુજરાતીમાં ભાષાંતર કરેલ છે. ૮૫૮ પૃષ્ઠના આ અનુવાદિત ગ્રંથમાં ‘વિવેકચૂડામણિ’ ના ૫૮૧ શ્લોકોને ખૂબ જ તો સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે. આપણે એ ગ્રંથમાંના કેટલાંક શબ્દપુષ્પોનું એ ગ્રંથમાંથી જ લીધેલા શબ્દો દ્વારા આચમન કરીશું, ત્યારે જ એની સાચી સમજ અને આનંદ પ્રાપ્ત થશે.
‘મણિ’ એટલે રત્ન અને ‘ચૂડા’ એટલે મુગટ. મુગટમાં જડેલા મણિને ચૂડામણિ કહેવાય. જેમ ઘોર અંધકારમાં મણિ પોતાનું સાચું સ્વરૂપ કે પ્રકાશત્વ પ્રગટ કરી શકે, તેમ જેની પાસે સ્વયંપ્રકાશિત સૂક્ષ્મબુદ્ધિ રૂપી ચૂડામણિ હશે, એ વ્યક્તિ અજ્ઞાનના અંધકારમાં પણ આત્મસ્વરૂપનું પ્રકાશત્વ જાળવી, અજ્ઞાનનાં આવરણ તળે દબાયા વગર સૂક્ષ્મબુદ્ધિ રૂપી ચૂડામણિના બળે અજ્ઞાન અને આસક્તિનાં બંધનથી પોતાને અસંગ જાણી અને જણાવી શકશે.
આ ગ્રંથમાં માનવદેહની દુર્લભતા દર્શાવવામાં આવી છે. મનુષ્યને મોક્ષાભિમુખ કરી જીવનસાફલ્યની જડીબુટ્ટી બતાવવામાં આવી છે. આ ગ્રંથ દિશાશૂન્ય માનવીને સાચું આત્મદર્શન કરાવે છે. ધ્યેયહીનને પરમલક્ષ્યનું દર્શન કરાવે છે. આ ગ્રંથ આત્મ-વિચારણાના માર્ગે નક્કર અને નિશ્ચિત પગલાં ભરે છે. આ ગ્રંથમાં બ્રહ્મનિષ્ઠાનું મહત્ત્વ, જ્ઞાનોપલબ્ધિનો ઉપાય, આત્મજ્ઞાનનું મહત્ત્વ, મુક્તિ કેવી રીતે મળે, વગેરે જેવા તત્ત્વજ્ઞાનના વિભિન્ન વિષયોનું અતિ સુંદર નિરૂપણ થયેલું છે.
આદિ શંકરાચાર્યએ ‘વિવેકચૂડામણિ’ દ્વારા પરમ તત્ત્વને સમજાવ્યું છે. જીવ બ્રહ્મ જ છે, એવું જ્ઞાન નહીં થાય તો કરોડો જન્મો સુધી મુક્તિ પ્રાપ્ત નહીં થાય. આદિ શંકરે મોક્ષમાર્ગના પથિકો માટે અત્યંત નજીક, સુખદાયી, અદ્વિતીય બ્રહ્મનું દર્શન કરાવતી, મુક્તિદાયિની આ ‘વિવેકચૂડામણી’ રૂપી અમૃતમય વાણીનો સૌ મુમુક્ષુઓ પર પવિત્ર અભિષેક કર્યો છે.
ભારતવર્ષની સંશય અને સમાધાન રૂપી કે પ્રશ્નોત્તર જેવી અલૌકિક પરંપરા દ્વારા આત્મજ્ઞાનનો અમૃતરૂપી ઉપદેશ આ ગ્રંથને નિમિત્ત બનાવીને આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ગુરુ અને શિષ્ય જેવા કાલ્પનિક પાત્રોની રચના કરી છે. શિષ્યના તમામ સંદેહની નિવૃત્તિ કરવા જેવા પરમ કર્તવ્ય માટે સદ્ગુરુના મુખમાં વેદ, શ્રુતિ અને સ્મૃતિનાં અમર વાક્યો ઉપદેશ રૂપે મૂકવામાં આવ્યાં છે. તેથી ગ્રંથમાં દર્શાવ્યા પ્રમાણે અંતે શિષ્યની હૃદયગ્રંથિ ભેદાઈ ગઈ, કર્મો નષ્ટ થયાં અને સંદેહો છેદાઈ ગયા. આમ, ગુરુ-શિષ્યના સંવાદ દ્વારા મુમુક્ષુને જ્ઞાનનાં સાધનોનો નિર્દેશ કરી, ભવ-તરણનો ઉપાય સમજાવવામાં આવ્યો છે. અજ્ઞાનના આવરણનું અનાવરણ કરવાની અલૌકિક કળા સમજાવવામાં આવી છે.
ગ્રંથને અંતે ઉપદેશનો સ્વીકાર કરીને ગદ્ગદ થયેલો શિષ્ય કૃતકૃત્યતાની ભાવના સાથે મુક્તિરૂપી અલંકારથી સુશોભિત થઈ, ગુરુની આજ્ઞાને શિરમોર માની સદ્ગુરુનાં ચરણકમળને સ્પર્શ કરી વિદાય લે છે. ત્યાર પછી સદ્ગુરુ પણ સદાસર્વદા આત્માનંદમાં રહેવા ટેવાયેલા હોવાથી, પૂર્વવત્ નિજાનંદના મહાસાગરમાં મગ્ન બની વિહાર કરવા લાગ્યા.
આપણું એ સદ્ભાગ્ય છે કે ‘વિવેકચૂડામણિ’ જેવા ઉત્તમ ગ્રંથનું આપણા જ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પૂજ્ય સ્વામી ચંદ્રમોહન મહારાજ (શ્રી ધર્મપાલાનંદજી) આપણને હાલ રસપાન કરાવી રહ્યા છે.
‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
Your Content Goes Here




