બાહ્ય અને આંતરિક સંયમ શું છે એ સમજવા માટે સ્વામી તુરીયાનંદજીએ કહેલું કથન આપણને ઉપયોગી થશે. સ્વામી તુરીયાનંદજી ભગવાન શ્રીરામકૃષ્ણના શિષ્ય તથા વેદાંતના જીવંત પ્રતિમૂર્તિરૂપ હતા. સ્વામીજીની વિનંતીથી તેઓ અમેરિકા ગયા અને કેલિફોર્નિયામાં એમણે શાંતિ આશ્રમની સ્થાપના કરી. સ્વામીજીએ ત્યાં અમેરિકન ભક્તોને કહ્યું હતું: ‘અત્યાર સુધી તમે મારા પ્રવચન સાંભળતા રહ્યા છો. હવે હું તમારી પાસે ભારતના એક એવા સંન્યાસીને લાવીશ કે જે વેદાંતની જીવતી-જાગતી પ્રતિમૂર્તિ છે. મેં તમને જે કંઈ શીખવ્યું કે બતાવ્યું છે એ બધું મારા ગુરુભાઈ એવા એ સંન્યાસીમાં તમે પ્રત્યક્ષ રૂપે જોઈ શકશો.’ આ સંન્યાસી સ્વામી તુરીયાનંદ હતા. જ્યારે સ્વામી વિવેકાનંદે એમને અમેરિકા જઈને પોતાના કાર્યમાં સહાય કરવા માટે વિનંતી કરી ત્યારે પહેલાં તો એમણે ના જ પાડી અને કહ્યું: ‘ના, હું અમેરિકા જવા ઇચ્છતો નથી. હું તો ભારતમાં જ રહેવા માગું છું.’ પરંતુ સ્વામીજીના પ્રેમે સ્વામી તુરીયાનંદને જીતી લીધા અને જ્યારે સ્વામીજીએ એમને કહ્યું: ‘સારુ, ભાઈ હરિ (સ્વામી તુરીયાનંદ)! મેં શ્રી ગુરુ મહારાજ રામકૃષ્ણ માટે મારું પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. શું તમે મારી સાથે રહીને મને મદદ નહિ કરો?’ આ સાંભળીને સ્વામી તુરીયાનંદજી જવાબ આપ્યો: ‘હું તમારી જેમ પ્રવચન ન આપી શકું, કારણ કે હું પ્રવક્તા નથી.’ સ્વામીજીએ તેમને કહ્યું: ‘ના, પશ્ચિમના લોકોએ પૂરતા પ્રમાણમાં વ્યાખ્યાનો સાંભળ્યા છે. તેઓ હવે એક સાચા વેદાંતીનું જીવન જોવા માગે છે. મેં જે વેદાંતનું શિક્ષણ આપ્યું છે એને તમે પોતાના જીવન દ્વારા પ્રદર્શિત કરો.’ સ્વામી તુરીયાનંદજીએ ઉત્તર આપ્યો: ‘હા, તો તો હું જઈ શકું છું.’ એમણે નિશ્ચિત રૂપે એક આદર્શ સંન્યાસી જીવન વિતાવ્યું હતું. તેઓ અમેરિકામાં હતા ત્યારે કોઈ અમેરિકન વિદ્યાર્થીએ અર્ધચેતનમન પર સંયમ મેળવવાની સમસ્યાનો ઉલ્લેખ કર્યો. સ્વામી તુરીયાનંદજીએ કહ્યું: ‘સામાન્ય રીતે આપણને આપણા પોતાના મનના ઉપરી સ્તરની લહેરોનું જ્ઞાન હોય છે. પરંતુ યોગાભ્યાસ દ્વારા આપણે એના ઊંડાણમાં પ્રવેશ કરવાનું શીખી શકીએ છીએ. પોતાના મનનું નિરીક્ષણ કરતાં કરતાં આપણે ઉપરની ચેતનામાંથી નીચે તરફ ડૂબકી લગાવીએ છીએ અને નીચે ઘટેલી ઘટનાઓને નિહાળીએ છીએ. ત્યાં અનેક સંસ્કાર અને ગુપ્ત ઇચ્છાઓ એકઠી થયેલી હોય છે. એ બધાં પોતાની અભિવ્યક્તિ માટે અવસરની રાહ જોતા હોય છે. અંતર્દૃષ્ટિ દ્વારા આપણે એમને સપાટી પર આવતાં પહેલાં જ શોધી શકીએ છીએ. એક વિચાર સપાટી પર આવે ત્યાર બાદ એના પર નિયંત્રણ કરવું અત્યંત કઠિન છે આ એક અત્યંત આવશ્યક વાત છે. પરંતુ પ્રારંભિક પરિસ્થિતિમાં એ સરળ છે. એક બીજ સરળતાથી નાશ પામે છે, પરંતુ જ્યારે એ અંકુરિત થઈને વિશાળ સશક્ત વૃક્ષ બની જાય છે ત્યારે એને કાપવા કે પાડવા માટે ઘણી શક્તિની જરૂર પડે છે. એટલે આપણે પોતાની ઇચ્છાઓ પર તેમની પ્રારંભિક અવિકસિત અવસ્થાઓમાં અંકુશ રાખવો જોઈએ. અહીં મનના સંયમ પર એક સંકેત કર્યો છે. સ્વામી તુરીયાનંદજીએ કહ્યું છે કે આપણને પોતાના મનના કેવળ ઉપરી સ્તરનું જ જ્ઞાન છે. જપ, સાધના તેમજ ધ્યાન દ્વારા આપણે આ ચેતનાના સ્તરથી નીચે ડૂબકી મારી શકીએ છીએ તથા જેમની મનની ધરાતલ પર આવવાની સંભાવનાઓ છે એ ઇચ્છાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આ ઇચ્છાઓ અંકુરિત બનીને વિશાળવૃક્ષનું રૂપ ધારણ ન કરી લે એ સુનિશ્ચિત કરી લેવું આપણા માટે અત્યંત પ્રયોગાત્મક તેમજ લાભદાયી નીવડશે. જેમ સ્વામી તુરીયાનંદજીએ કહ્યું છે કે આપણે આ ઇચ્છાઓ એક વિશાળ વૃક્ષ બને તે પહેલાં તેમન નાશ કરી દેવાનો બધો શક્ય પ્રયાસ કરવો જોઈએ. એકવાર જો કોઈ વિચાર સપાટી પર આવીને મન પર કાબૂ મેળવી લે તો તેને વશમાં રાખવું અત્યંત કઠિન કાર્ય બની જાય છે. જપ, સાધના દ્વારા આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ અર્ધચેતન મનની સપાટીઓ વિશે સતર્ક-સાવચેત રહી શકશે. આ અર્ધચેતન મનની સપાટીઓ પર આજન્મ તેમજ પૂર્વ જન્મના વિભિન્ન સંસ્કાર સંચિત છે. હવે એ બધા ઊભરે અને આપણા પર આક્રમણ કરે તે પહેલાં આપણે એમની પ્રારંભિક પરિસ્થિતિનો વિનાશ કરવો જોઈએ. જો આપણે એમ કરી શકીએ તો આપણે પોતાના મન પર સંયમ કે પ્રભુત્વ પ્રાપ્ત કરી શકીએ.

જ્યારે ધ્યાન માટે આપણે બેસીએ છીએ ત્યારે આપણા મનમાં અપવિત્ર વિચાર ઉદ્‌ભવે છે. શું આનાથી બચવાનો કોઈ ઉપાય છે ખરો? આપણા મનનાં ભિન્ન ભિન્ન સ્તર છે, ચેતન, અવચેતન, અચેતન વગેરે. આપણામાંથી મોટા ભાગના લોકોનો અનુભવ એવો છે કે અવાંછિત વિચાર આપણા મનના અવચેતન સ્તરમાંથી ઉત્પન્ન થાય છે. જો આવા અવાંછિત વિચાર ધ્યાન સમયે આપણી ઉપર આક્રમણ કરે તો એનો નિશ્ચિત સંકેત એ છે કે પવિત્રીકરણની પ્રતિક્રિયા હજુ પૂર્ણ નથી થઈ અને આપણે એને માટે પરિશ્રમપૂર્વક પ્રયાસ કરતાં રહેવાનું છે. આવું કેવી રીતે કરી શકાય? આપણે આપણું ધ્યાન આપણા પોતાના આત્માનાં ઊંડાણ પર કેન્દ્રિત કરવું જોઈએ. આવું કરીએ અને આવા વારંવાર પ્રયાસ કરીએ તો પણ આપણને એવું લાગશે કે આપણે એ દિશામાં કોઈ પ્રગતિ સાધી શકતા નથી. સંભવત: આપણે એવી સ્થિતિમાં છીએ કે જે આપણને આગળ જતા રોકે છે. પ્રાય: બધા સાધુ-સંન્યાસીઓ તથા સત્યના સાચા જિજ્ઞાસુઓનો આવો અનુભવ છે. 

આપણે આ વિઘ્નોને હટાવવામાં સફળ થઈ શકીએ એ માટે કોઈ ઉપાય છે ખરો? કોઈ પિપાસુ પરમલક્ષ્ય પ્રાપ્તિના માર્ગે આવનારી બાધાઓ પર વિજય પ્રાપ્ત કરી શકે એવો કોઈ ઉપાય છે ખરો? એનો ઉત્તર છે ‘હા’ – એક પ્રમાણિત વિધિ છે. આ પ્રમાણિત વિધિ એટલે જપસાધના. આ વિશે શ્રીમા શારદાદેવીએ પોતાના કોઈ પ્રિય શિષ્યને કહેલી કથાનો ઉલ્લેખ કરવો ઉપયુક્ત બનશે : એમનું નામ સ્વામી શાંતાનંદ હતું. આ લેખકને (મને) એમના પવિત્ર સાંનિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. બધા એમના આદર્શસાધુ જીવન પ્રત્યે ગાઢ શ્રદ્ધાભાવ વ્યક્ત કરતા. એમણે અમને કહ્યું કે એકવાર જ્યારે તેઓશ્રીમા શારદાદેવીને મળ્યા અને તેમને પૂછ્યું: ‘મા, હું ઈશ્વર પ્રાપ્તિ કેવી રીતે કરી શકું? મારો આત્મવિકાસ કેવી રીતે થાય?’ શ્રીમાએ સાધારણ ઉપાય બતાવીને કહ્યું: ‘જપાત્‌ સિદ્ધિ! જપાત્‌ સિદ્ધિ! જપાત્‌ સિદ્ધિ! – કેવળ જપ કરવાથી જ માનવ અનુભૂતિ પ્રાપ્ત કરી શકે છે.’ આ સાધના શું છે? એ તો કેવળ આધ્યાત્મિક ગુરુ દ્વારા પ્રદત્ત એક પાવન ફોર્મ્યુલા (સૂત્ર) છે, એક નામ, એક સિદ્ધિજપ મંત્રની વિધિવત્‌ પુનરાવૃત્તિ છે. એ યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે કોઈ મંત્ર ગ્રહણ કરીએ ત્યારે કોઈ સુયોગ્ય આધ્યાત્મિક ગુરુ પાસેથી એ મંત્ર મેળવવો જોઈએ. મંત્રમાં એક નિહિત શક્તિ હોય છે. આપણે તંત્ર સાધના પરનું કોઈ પુસ્તક વાચીએ તો તેમાં આપણને અનેક મંત્રોનો ઉલ્લેખ જોવા મળશે. આમ હોવા છતાં પણ આપણે કોઈ એક મંત્ર લઈને જપ કરવાનું શરૂ કરી દઈએ તો એનું કોઈ ફળ નહિ મળે. આ મંત્ર તો પુસ્તકોમાં લખેલા છે. આવશ્યકતા એ વાતની છે કે એ મંત્ર ગુરુ-પરંપરા અર્થાત્‌ ગુરુશિષ્યોની ઉત્તરોત્તર વંશપરંપરામાંથી પ્રાપ્ત થાય. આપણે એ મંત્રને કોઈ ગુરુ પાસેથી શીખવો જોઈએ. ગુરુના દ્વારા મંત્રના માધ્યમથી શક્તિ શિષ્ય સુધી પહોંચી જાય છે. આ શિષ્ય જ્યારે સિદ્ધ બની જાય ત્યારે તે એ મંત્રને શક્તિ સાથે પોતાના શિષ્યને આપે છે. એટલે આપણે ગુરુ દ્વારા શિષ્યને અપાયેલ આધ્યાત્મિક શક્તિ પર શ્રદ્ધાવિશ્વાસ રાખવાં જોઈએ. કેવળ યોગ્ય ગુરુ પાસેથી શ્રદ્ધા સાથે મંત્ર પ્રાપ્ત કરવાથી જ આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. પણ એ માટે આપણે એમણે બતાવેલા માર્ગનું અનુસરણ કરવું જોઈએ.

પરમ લક્ષ્ય તરફ આગળ વધવા માટે આપણી પાસે આપણે પોતે પસંદ કરેલ ઈશ્વર કે ઇષ્ટદેવ અવશ્ય હોવા જોઈએ. હવે આપણે પોતાના પ્રિય ઇષ્ટનું ધ્યાન કેવી રીતે કરી શકીએ? એનો માર્ગ આપણે સુયોગ્ય આધ્યાત્મિક ગુરુ પાસેથી જ શીખવો પડે. ગુરુ પોતાની અસીમ કૃપાને કારણે શિષ્યને મંત્ર આપે છે. શિષ્યે એ મંત્રને કેવળ અક્ષર કે વર્ણની જેમ ગ્રહણ કરવાનો નથી. એ મંત્રમાં એક રહસ્યમય શક્તિ હોય છે. જો આપણને પોતાના ગુરુના કથન પર પૂરો વિશ્વાસ હોય અને જો આપણે જપસાધના કરતાં રહીએ તો આપણને ઇષ્ટની અનુભૂતિ થશે. એટલે જો આપણી પાસે ઇષ્ટદેવતા તથા તેની સાથે ને સાથે સાચો સિદ્ધ બીજમંત્ર હોય તો શું થાય છે? એનાથી આપણી પાસે પકડ માટે એક નિશ્ચિત આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બને છે. વારંવાર આપણે પોતાના ઇષ્ટદેવ પાસે જવું જોઈએ એ નિતાંત આવશ્યક છે. જ્યારે આપણે નામની પુનરાવૃત્તિ સાથે ગુરુજીએ બતાવેલ અર્થને પણ ધારણ કરીએ ત્યારે જપ ફલિત થાય છે. પતંજલિના યોગસૂત્રમાં કહ્યું છે: ‘તદ્‌ જપ: તદર્થ ભાવનમ્‌’ અર્થાત્‌ આપણે મંત્રના આધ્યાત્મિક મહત્ત્વ વિશે નિરંતર સતત રહેવું જોઈએ. પ્રારંભમાં મંત્રની પુનરાવૃત્તિમાં કોઈ રુચિ ન રહે તો એમાં કોઈ વાંધો નથી પણ આપણે એને જપતાં રહેવું જોઈએ. ઈશ્વરનું નામ કેટલું પ્રિય છે એ અંતે આપણને જણાશે. એટલે પ્રારંભમાં આપણે અંધવિશ્વાસ સાથે મંત્રનો જપ કરીએ તો એમાં કોઈ વાંધો નથી.

જપસાધના ધ્વનિ સંકેતોની સહાયતા લેવાની વાતને મહત્ત્વ આપે છે. કારણ કે ધ્વનિ ને વિચાર પરસ્પર સંબંધિત છે. એક ટાઈપિસ્ટ એ વાત જાણે છે કે જ્યારે તે એક અક્ષર પર આંગળી મૂકે છે ત્યારે તે એ અક્ષરની ચાવી દબાવે છે અને એ જ અક્ષર તરત કાગળના ટૂકડા પર છપાઈ જાય છે. એ રીતે જેવા આપણે ધ્વનિ શબ્દોનો સ્પર્શ કરીએ છીએ જેવાં કે ‘રામ’, ‘કૃષ્ણ’ કે ‘હરિ’નું નામ તેવા જ અવિલંબ એની સાથે સંબંધિત વિચાર આપણા મનમાં આવે છે તેમજ એ આપણી પરમ લક્ષ્યપ્રાપ્તિની યાત્રામાં સહાયક બને છે. જો મંત્રમાં આપણને શ્રદ્ધાવિશ્વાસ હોય તો આપણે યંત્રવત્‌ એમને દોહરાવવાના. અંતે એનો પ્રભાવ અવશ્ય પડવાનો. કારણ કે દિવ્યનામમાં મહાન શક્તિ હોય છે. એ આપણા વિભિન્ન વિચારોના પ્રતિરોધમાં મદદ કરે છે. બધા આધ્યાત્મિક ગુરુઓના મત પ્રમાણે આધ્યાત્મિક અનુભૂતિની પ્રાપ્તિ અને આપણા અંતરમાં રહેલ દેવત્વની અભિવ્યક્તિ માટે જપસાધના સર્વશ્રેષ્ઠ સાધનોમાંનું એક છે.

આંતરિક પવિત્રીકરણની આપણને આવશ્યકતા છે. આપણને પોતાના મનોદૈહિક અવયવોનું વાસ્તવિક રૂપાંતરણ જોઈએ છે. જ્યાં સુધી આપણે પોતાનાં મન, વચન અને કર્મમાં પવિત્રતા લાવવાના અધ્યાસનું કષ્ટ વેઠીશું નહિ ત્યાં સુધી વિકાસ સંભવ નથી. પરંતુ આ પૂર્ણ પવિત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય? અમારા રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી બ્રહ્માનંદજીએ એકવાર કહ્યું હતું: ‘મારા પોતાના અનુભવના આધારે હું તમને બતાવી શકું કે જપસાધના કર્યા વિના કોઈ પણ વ્યક્તિ પૂર્ણત: પવિત્ર બની ન શકે.’ મને પોતાના સંઘના એક પરમ પૂજ્ય સ્વામી વિશુદ્ધાનંદજીએ ઉપદેશ આપતાં કહ્યું હતું: મનની પવિત્રતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ પ્રતિદિન નિશ્ચિત સંખ્યામાં જપ કરવો જોઈએ. એમના મતાનુસાર આ સંખ્યા દસ હજારથી ઓછી ન હોવી જોઈએ. રામકૃષ્ણ સંઘના બીજા એક વરિષ્ઠ અને શ્રદ્ધેય સંન્યાસી શ્રીમત્‌ સ્વામી સિદ્ધેશ્વરાનંદજીએ મને ઈશ્વરનાં નામજપ કરવાનો ઉપદેશ આપ્યો હતો. એમણે મને લખ્યું હતું: ‘તમારા આધ્યાત્મિક જીવનને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેજો. શ્રીરામકૃષ્ણદેવના કહેવા પ્રમાણે આ કળિયુગમાં ઈશ્વરના પવિત્ર નામનો જપ કરવો એ સર્વોચ્ચ સાધના છે. મને જપસાધનાનું ઘેલું લાગ્યું છે.’

પરંતુ આપણે તો ગમે તે રીતે દરરોજ ૧૦૮ વાર યંત્રવત્‌ જપ કરીને ઈશ્વરપ્રાપ્તિ કરવા ઇચ્છીએ છીએ. અને ક્યારેક એને માટે પણ આપણી પાસે સમય નથી. પ્રશ્ન એ ઊભો થાય છે કે આવું સમયના અભાવને થાય છે કે આંતરિકતાના અભાવે થાય છે? આપણે આપણા પોતાના વિચારો પ્રત્યે દ્રોહી ન બનવું જોઈએ. આપણે સ્પષ્ટવાદી બનવું જોઈએ. બધી ચીજો માટે આપણી પાસે સમય છે, પણ જપધ્યાનના અભ્યાસ માટે આપણી પાસે સમય નથી! આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે ‘આવું કેમ છે?’

આપણને આ મહાનુભાવોની મહાનુભૂતિઓના કથન પર વિશ્વાસ હોવો જોઈએ. ભલે આપણું મન વ્યાકુળ અને બહિર્ગામી હોય અને તેમાં અનેક કુવિચાર પણ આવતા હોય તો પણ નિદાન તો કેવળ પરિશ્રમ અને લગની સાથે જપસાધના કરવાં એ જ છે. આ બાબત અત્યંત આવશ્યક છે. તેનું કારણ એ છે કે જપસાધના કે પવિત્ર નામસ્મરણથી શરીર અને મન પવિત્ર બને છે. પરિણામે ઈશ્વરનાં પવિત્ર નામનું નિરંતર રટણ કરવાથી આપણી ભીતર એક પ્રકારનું આધ્યાત્મિક અનુકંપન ઉત્પન્ન થાય છે. આપણે જેમાં રહીએ છીએ એવો આ સંસાર અપવિત્ર, આધ્યાત્મિકતા વિહોણા અને સાંસારિક અનુકંપનોથી પરિપૂર્ણ છે. આપણી આસપાસના પ્રતિકૂળ વાતાવરણમાં પ્રાપ્ત પવિત્ર અનુકંપનોને રોકવા માટે આપણે પવિત્ર અનુકંપનો પેદાં કરવાં પડશે. આ આપણે કેવી રીતે કરી શકીએ? જપસાધના દ્વારા. જપસાધના દ્વારા આપણે પોતાની ચારે તરફ આધ્યાત્મિક અનુકંપનોનું એક એવું વર્તુળ બનાવી લઈએ છીએ કે પછી ભલે આપણે ગમે તેટલા અપવિત્ર અનુકંપનોથી ભરપૂર ભરેલા વાતાવરણમાં રહીએ તો પણ એ બધાં નઠારાં અનુકંપનો વીંધીને આપણને ગ્રસી શકતાં નથી. એનું કારણ એ છે કે આપણે પહેલેથી જ જપસાધના દ્વારા આધ્યાત્મિક અનુકંપનોનો એક પવિત્ર દુર્ગ બનાવી દીધો છે. પવિત્ર નામના નિરંતર અભ્યાસથી બધી જાતનાં અપવિત્ર અનુકંપન નિષ્પ્રભાવી બની જશે. આ ઉપરાંત જીવાત્મા પરમાત્મા સાથે પોતાનું સાંનિધ્ય સ્થાપી શકશે. 

જપસાધનાનાં મૂલ્યો બે પ્રકારના છે. એક અંતરંગ અને બીજું બહિરંગ. કોઈ નિશ્ચિત ધ્વનિના અનુકંપનથી જ એક પ્રકારના આધ્યાત્મિક જાગરણની ભાવના ઉત્પન્ન થાય છે. તેમજ આપણી સામે જાગરણનું એક નવીન ક્ષેત્ર પ્રગટ થાય છે. રહસ્યમય ભાષામાં આને જપસાધનાનું અંતરંગ મૂલ્ય કહેવાય છે. જ્યાં સુધી જપસાધનાના બહિરંગ પ્રભાવનો પ્રશ્ન છે ત્યાં સુધી – એનાથી આપણી ભીતર એક શક્તિ ઉત્પન્ન થાય છે જે આપણી અંદર રહેલ વિવિધ શક્તિઓને એકત્રિત કરીને એક શક્તિમાં જોડી દે છે. આપણી શક્તિઓ સદૈવ અનેક દિશાઓમાં વિખરાયેલી રહે છે. જપસાધના આ વિવિધગામી શક્તિઓને એક સ્થાને કેન્દ્રિત કરે છે તથા એને સંયુક્ત બનાવી દે છે. એના દ્વારા એક જિજ્ઞાસુ પોતાની ભીતર સુષુપ્ત અવસ્થામાં દબાયેલી કુંડલિની શક્તિને જાગ્રત કરી શકે છે. વાસ્તવમાં બંગાળી ભાષામાં એક ગીત છે, જેમાં ભક્ત જગદંબાને પ્રાર્થના કરે છે: ‘હે કુંડલિની મા! તમે મૂળાધારમાંથી જાગો.’ આપણી કરોડરજ્જુમાં સુષુમ્ણા તથા તેની ડાબી અને જમણી બાજુએ ઈડા અને પિંગલા નાડીઓ છે. પવિત્ર નામનો નિરંતર જપ કરવાથી એક જિજ્ઞાસુ પોતાના મૂળાધારમાં સુષુપ્ત અવસ્થામાં કુંડળી મારીને બેઠેલા સાપની જેમ દબાયેલી શક્તિને જાગૃત કરી શકે છે. અને એ ત્યાર પછી સુષુમ્ણા નાડીમાંથી ઉપર ઊઠીને વિભિન્ન ચક્રોમાંથી પસાર થતી પરબ્રહ્મમાં જોડાઈ જાય છે.

કુંડલિની શક્તિની જાગૃતિ વિશે સ્વામી બ્રહ્માનંદજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એમણે આવો ઉત્તર આપ્યો: ‘એને જાગ્રત કરવા માટે કેટલાક વિશિષ્ટ અભ્યાસ છે. પરંતુ મારો એવો વિશ્વાસ છે કે એને જપ અને ધ્યાન દ્વારા સારી રીતે જાગ્રત કરી શકાય છે. વર્તમાન યુગમાં જપનો અભ્યાસ વિશેષ રૂપે ઉપયોગી છે.’ એટલે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંક આપણે કુંડલિની જાગૃત કરવાની અતિ આકાંક્ષામાં કોઈ ગુપ્તવિધિ ન અપનાવી લઈએ કે જેને લીધે પાછળથી આપણે દુ:ખકષ્ટ ભોગવવાં પડે. બધાથી સુરક્ષિત માર્ગ દિવ્યનામનું નિરંતર રટણ કરવું એ છે. એમાં કુંડલિની શક્તિ જાગ્રત કરવાનું સાચું રહસ્ય રહેલું છે.

એક બીજી મહત્ત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. એના પર સ્વામી વિવેકાનંદ અત્યધિક ભાવ દેતા. તેઓ કોઈ પણ પ્રકારના સસ્તા હર્ષોન્માદના વિરોધી હતા. વાસ્તવમાં કાશીપુર ઉદ્યાનગૃહમાં એમણે પોતાના ગુરુભાઈઓને અત્યંત સમૂહનૃત્ય અને સમૂહગાન કરવાની વિરુદ્ધ ચેતવ્યા હતા. તેનું કારણ એ છે કે એ બધાં મનના ઉચ્ચ સ્તર સુધી લઈ તો જઈ શકે છે પણ જ્યારે ઉત્તેજના સમાપ્ત થાય છે ત્યારે ઉચ્ચ સ્તર પરથી મન અચાનક નિમ્નતર કેન્દ્રો પર ઊતરી જાય છે. એટલે સત્યશોધના કરવા આપણે પોતાના આત્માનાં ઊંડાણોમાં ડૂબકી મારવી પડે. જપસાધનાથી જ ઉચ્ચ ચેતનાને સરળતાથી જાગ્રત કરી શકાય છે.

અવિરામ પ્રાર્થનાનો અભ્યાસ કરી શકાય ખરો? સંભવત: એવું જણાય છે કે કેવળ પ્રાર્થનામાં જ બધો સમય વ્યતિત ન કરી શકાય. એની નિરંતરતામાં અવકાશ અવશ્યંભાવી છે. પરંતુ જો કોઈ આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવા ઇચ્છે તો તેણે નિરંતર અવિરામ પ્રાર્થના કરવી જોઈએ. વ્યક્તિએ હરસમયે અને હર સ્થળે પ્રાર્થના કરવી જોઈએ. અન્ય વિચાર આપણા મન પર આક્રમણ કરે તો આપણને નિરંતર પ્રાર્થના કરવા નહિ દે એ વાત નિ:સંદેહ છે. એનું સમાધાન પોતાની ઇચ્છાશક્તિનો પ્રયોજવામાં અને બીજા બધા વિચારોનો ત્યાગ કરવામાં છે. આપણે જો આવું કરવા ઇચ્છીએ તો કરી શકીએ ખરા. જો આપણે પોતાની જાતને સદૈવ મંત્રજપ કરવા માટે બાધ્ય કરીએ અને સતત પ્રયત્નશીલ રહીએ તો આપણે સફળ થવાના એ વાત નક્કી છે. વળી, આપણને એ પણ જોવા મળશે કે આપણું હૃદય વિકસિત બનીને નિરંતર અનાયાસે જ સ્વયં મંત્રજપ કરતું રહેશે; આને અવિરામ પ્રાર્થના કહે છે. આપણે નિદ્રા, ભૂખ ઇત્યાદિ શરીરની સામાન્ય આવશ્યકતાઓ પ્રત્યે ધ્યાન દેવું જોઈએ. આપણે આપણી જાતને અનેક કર્તવ્યો તથા ક્રિયાકલાપોમાં વ્યસ્ત રાખવી જોઈએ. શું આ બધાની વચ્ચે ઈશ્વરની પ્રાર્થના સંભવ છે ખરી? આ સંદર્ભમાં એક રશિયન તીર્થયાત્રીની વાર્તા છે કે જે પોતાની પ્રાર્થનાનો એટલો અભ્યાસુ બની ગયો હતો કે જ્યારે ક્યારેય તે એક ક્ષણ માટે પણ પ્રાર્થના કરવાનું બંધ કરી દે તો તેને એવો અનુભવ થતો કે જાણે એનું કંઈક ખોવાઈ ગયું છે અને એ સાથે જ એ સમયે જ ફરી પાછો એ પ્રાર્થના કરવાનું શરૂ કરી દે. આવું સરળતા અને પ્રસન્નતા પૂર્વક થતું રહેતું. તે અવિરામ પ્રાર્થનાનો એટલો અભ્યાસુ બની ગયો કે નિદ્રાવસ્થામાં પણ ક્યારેક તે પોતાના અનુભવી ગુરુ પાસેથી શીખેલી પ્રાર્થના કરી રહ્યો છે એવું સ્વપ્નમાં જોતો. એટલે અભ્યાસશીલ રહેવાથી કોઈ પણ વ્યક્તિ નિરંતર પોતાની પ્રાર્થના કરી શકે છે. તેના હૃદયમાં ઉત્પન્ન થતી નિરંતર પ્રાર્થનાથી વધારે કોઈ બીજી બહુમૂલ્ય કે પ્રિય વસ્તુ આ સંસારમાં નથી તેને એવું લાગે છે.

આપણા ઋષિતીર્થયાત્રીએ કહ્યું કે તેના જીવનમાં એવા પણ અવસર આવ્યા હતા કે જ્યારે તેને દરરોજ ૪૦ થી ૬૦ માઈલ પગે ચાલવું પડતું. પદયાત્રા વખતે તે નિરંતર ઈશ્વર નામનો જપ કરતો રહેતો અને એને આ પદયાત્રાનો કોઈ થાક ન લાગતો. એને તો કેવળ એક જ તથ્યનું જ્ઞાન હતું કે તે અંત:કરણપૂર્વક પ્રાર્થના કરી રહ્યો છે. 

શ્રીરામકૃષ્ણે અવિરામ પ્રાર્થના કરતાં રહેવાના સત્યની પુષ્ટિ માટે અનેક દૃષ્ટાંત આપ્યાં છે. તેઓ ગામડાની છોકરીઓનું ઉદાહરણ આપતા : આ છોકરીઓ ગામના સાર્વજનિક કૂવામાંથી પાછા ફરતી વખતે પોતાના માથે પાણીના મટકા ભરીને લાવે છે. તેઓ બીજી સ્ત્રીઓ સાથે વાતચીત કરતી રહે છે, પણ હરસમયે એમનું ધ્યાન માટલું ક્યાંક પડી ન જાય એના પર જ રહે છે. આ રીતે પોતાનાં દૈનિક કાર્ય કરતાં કરતાં કે બીજા લોકોની સાથે મળીને અન્ય કાર્ય કરતાં કરતાં પણ આપણે આંતરિક રૂપે ઈશ્વરનું નામ લઈ શકીએ છીએ, પણ આપણે એ માટે કષ્ટ વેઠવાનો પ્રયાસ કરવો પડે. સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું કે આપણા બધા દૈનિક આવશ્યક વિચાર ઈશ્વરના માધ્યમથી આવી શકે છે. આ વાત સ્વામીજીના શબ્દોમાં કહીએ તો: ‘ઈશ્વરને માટે ભોજન કરો, એમને માટે પાણી પીઓ, સૂઓ તથા એમાં એમનાં દર્શન કરો.’ એમણે ફરીથી કહ્યું: ‘જ્યારે અંતરાત્મા પૂરેપૂરો નિરંતર ધારાના રૂપે ઈશ્વર તરફ પ્રવાહિત થાય છે તથા ધન, નામ, યશ કે કોઈ પાર્થિવ વસ્તુને પ્રાપ્ત કરવાનો સમય ન રહે; જ્યારે ઈશ્વર સિવાય કંઈ બીજું વિચારવાનો સમય ન રહે ત્યારે આપણા હૃદયમાં ઈશ્વર પ્રત્યે અનંત અદ્‌ભુત પ્રેમ જન્મે છે.’

આ સંદર્ભમાં ભાઈ લોરેન્સનો ઉલ્લેખ કરવો ઉપયોગી નીવડશે. રસોડામાં અનેક માણસો અનેક ચીજવસ્તુની માગ કરતાં ખૂબ કોલાહલ કરતા ત્યારે ભાઈ લોરેન્સ કઠોર પરિશ્રમ કરવા છતાં પણ સાવ શાંત રહેતા અને જેમ કોઈ માણસ ગિરિજાઘરમાં ઈશુની સામે ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરતાં શાંત રહે તેમ તેઓ રહેતા. ભાઈ લોરેન્સને રસોડામાં કામ કરીને આવી જ શાંતિ મળતી. આવું કેવી રીતે સંભવ બને? આવું સંભવ બન્યું કારણ કે ભાઈ લોરેન્સ કોઈ પણ કાર્ય પોતાના માટે કરતા ન હતા. એમને જે કોઈ કાર્ય મળતું તેને તેઓ ઈશ્વરનું કાર્ય સમજીને કરતા. તેઓ કહેતા કે જો કોઈએ ઈશ્વરની ઉપસ્થિતિના નિરંતર અભ્યાસમાં લીન બનવું હોય તો ‘તેને ઈશ્વર સુધી પહોંચવાના માર્ગમાં બાધક નીવડે એવી અને જેમને ઈંદ્રિયોથી જોઈ રહ્યો છે એ બધી વસ્તુઓનો હૃદયથી ત્યાગ કરવો પડશે.’

અવિરામ પ્રાર્થનાનો અર્થ એ નથી કે આપણે ઈશ્વરનું નામ નિરંતર દોહરાવતા રહીએ પરંતુ એનો અર્થ એ છે કે એ ઈશ્વરની ઉપસ્થિતિમાં જીવન વ્યતીત કરતા રહીએ. આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આપણે ઈશ્વરને નાખુશ કરનારી કોઈ વાત ન કરીએ, ન કહીએ અને ન વિચારીએ. અવિરામ પ્રાર્થના કરવાની કળા શીખવા માટે અત્યંત આવશ્યક વાત એ છે કે જ્યારે આપણે ઈશ્વરને ચાહીએ ત્યારે આપણે એમાં સફળ થઈ શકીએ. આપણે પ્રાત: અને સાયં લગભગ એક કલાક માટે એમની પ્રાર્થના કરીએ છીએ. અમારા રામકૃષ્ણ સંઘના શ્રીમત્‌ સ્વામી યતીશ્વરાનંદજી કહેતા કે આપણે લોકો અડધો કલાક પ્રાત:કાળે અને અડધો કલાક સાયંકાળે ધાર્મિક બનીએ છીએ, પરંતુ એનાથી આપણા આધ્યાત્મિક જીવનનું નિર્માણ થતું નથી. આધ્યાત્મિક જીવનનું તાત્પર્ય આપણી ભીતર અને બહાર ઈશ્વરના અસ્તિત્વનાં નિરંતર જ્ઞાન અને બોધ જો આપણે એવું કરીએ તો અવિરામ પ્રાર્થના એક ક્રિયાત્મક પ્રસ્તાવના બની જાય છે. ઈશ્વરના નિરંતર સ્મરણનો અર્થ એ નથી કે આપણે પોતાના ગુરુ દ્વારા પ્રાપ્ત પ્રાર્થના કે મંત્રના જપ કેવળ નિશ્ચિત સમયે જ કરીએ. એનો અર્થ તો ઈશ્વરની નિરંતર કામના છે. વ્યક્તિનું આખું જીવન પ્રાર્થનાથી ઓતપ્રોત બનવું જોઈએ. એનું રહસ્ય છે ઈશ્વર પ્રત્યેનો ગાઢપ્રેમ. જેમ વર સાથે પ્રેમ કરનારી કોઈ વધૂ પતિનું નિરંતર સ્મરણ કરતાં કરતાં એનાથી પૃથક થઈ શકતી નથી, તેવી રીતે ઈશ્વરના ગહનપ્રેમમાં ડૂબેલો આત્મા સદૈવ એમાં જ રહે છે અને એની સાથે વાર્તાલાપ કરે છે. આ જ રહસ્ય છે. આપણને ઈશ્વરના અસ્તિત્વનું નિરંતર જ્ઞાન થવું જોઈએ. ઈશ્વર સર્વત્ર છે અને આપણે એ પણ જોવું જોઈએ કે આપણા વિચાર સદૈવ ઈશ્વરની સાથે રહે. જો આપણે કોઈ વ્યક્તિ કે વિષય પ્રત્યે આસક્ત રહીએ તો આપણે આવું કરી શકતા નથી. અધોગતિના માર્ગે લઈ જનાર બધી બાબતોથી આપણે પોતાના હૃદયને અલગ રાખવું પડશે. આપણે પોતાના હૃદયની રક્ષા ઈશ્વરનાં નિરંતર સ્મરણજપથી કરવી જોઈએ અને આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણા કેટલાક મૂળ શત્રુ છે કે જે આપણને અવિરામ પ્રાર્થનાનો અભ્યાસ કરવા નથી દેતા. આ શત્રુઓ કોણ છે? અસાવધતા, અવહેલના, ઈશ્વરની વિસ્મૃતિ તેમજ કેવળ પોતાનાં સુખોનું ચિંતન. જો આપણે અસાવધાન રહીએ, અવહેલના કરીએ, ઈશ્વરને ભૂલી જઈએ અને કેવળ પાર્થિવ સુખોની કામના કરતા રહીએ તો આધ્યાત્મિક ક્ષેત્ર પૂરેપૂરું આપણા માટે બંધ થઈ જશે. જો આપણે આ ઊંડી ગર્તામાં પડવા ન ઇચ્છતા હોઈએ તો આપણે પોતાના મુખ્ય શત્રુ એવી વિસ્મૃતિથી સાવધ રહેવું જોઈએ. એટલે આપણે સદૈવ ઈશ્વરની પ્રાર્થના માટે કાર્ય કરવું જોઈએ. ઈશ્વર સર્વવ્યાપી છે. જો કોઈ પૂછે: ‘શું ઈશ્વર વિદ્યમાન છે?’ તેનો ઉત્તર છે: ‘હા.’ તેઓ કેવળ ભીતર જ હાજરાહજૂર છે એવું નથી પણ આ ઓરડામાં છે, આ ઓરડાની બહાર પણ છે, મંદિરમાં છે, તમારા ઘરમાં પણ છે અને સર્વત્ર છે. જેમ કોઈ પક્ષી ભલે ગમે ત્યાં ઊડે પણ તે આકાશમાં અને હવામાં જ રહે છે. તેવી રીતે આપણે ગમે ત્યાં જઈએ પણ ઈશ્વરમાં જ રહીએ છીએ. કારણ કે ઈશ્વર સર્વવ્યાપી છે. અત: એવી અવસ્થામાં આપણે સદૈવ સતર્ક અને સચેત રહેવું જોઈએ તેમજ પ્રત્યેક કાર્ય ઈશ્વરની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરવું જોઈએ.

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.