મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું અંદર જ રહેલું છે. મનુષ્ય ‘જ્ઞાન મેળવે છે’, એમ જે આપણે કહીએ છીએ તેને ચોક્કસ માનસશાસ્ત્રીય ભાષામાં એમ કહેવું જોઈએ કે, તે ‘ઢાંકણ દૂર કરે છે’ અથવા ‘આવરણ ખસેડે છે.’ મનુષ્ય જે કાંઈ ‘શીખે છે’ તે ખરેખર તો અનંતજ્ઞાનની ખાણરૂપ પોતાના આત્મા ઉપર રહેલા આવરણને દૂર કરીને જે ‘શોધી કાઢે છે’ તે છે. આપણે કહીએ છીએ કે, ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. શું એ નિયમ તેના માટે રાહ જોઈને કોઈ ખૂણામાં ક્યાંક બેસી રહ્યો હતો? તે તો તેના પોતાના મનમાં રહેલો હતો; યોગ્ય સમય આવ્યો અને તેણે એ શોધી કાઢ્યો. જે કંઈ જ્ઞાન જગતે ક્યારેય પ્રાપ્ત કર્યું છે તે બધું મનમાંથી જ આવે છે; જગતનો અનંત ગ્રંથભંડાર તમારા પોતાના જ મનમાં રહેલો છે. બહારનું જગત તો તમારા પોતાના મનનો અભ્યાસ કરવા માટે, તમને પ્રેરણા આપનાર સૂચનમાત્ર, પ્રસંગમાત્ર છે. સફરજનના નીચે પડવાથી ન્યૂટનને એક સૂચન મળ્યું અને પરિણામે તેણે પોતાના મનનો અભ્યાસ કર્યો. અગાઉની તમામ વિચાર-કડીઓને તેણે પોતાના મનમાં ફરીથી ગોઠવી અને તેમાં એક નવી કડી શોધી કાઢી. આપણે તેને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ. એ નિયમ ન હતો સફરજનમાં કે ન હતો પૃથ્વીના કેન્દ્રમાં રહેલી અન્ય કોઈ વસ્તુમાં.

આ ઉપરથી ફલિત થાય છે કે, લૌકિક કે આધ્યાત્મિક સઘળું જ્ઞાન મનુષ્યના મનમાં જ રહેલું છે. ઘણા દાખલાઓમાં તે છતું થતું નથી પણ અણછતું રહે છે; અને જ્યારે તેના ઉપરનું આવરણ ધીમે ધીમે દૂર કરવામાં આવે છે, ત્યારે આપણે કહીએ છીએ કે, ‘આપણે શીખીએ છીએ.’ આવરણ દૂર કરવાની આ પ્રક્રિયા દ્વારા જ્ઞાનપ્રાપ્તિમાં આગળ વધાય છે. જે માણસ ઉપરથી આ આવરણ દૂર ખસતું જાય છે તે અધિક ને અધિક જ્ઞાન પ્રાપ્ત કરતો જાય છે; જે માણસ ઉપર એ આવરણ ગાઢ થઈને પડેલું છે તે અજ્ઞાન છે; જે માણસ ઉપરથી એ આવરણ સંપૂર્ણ અંશે દૂર થયું છે તે સર્વવિદ્, સર્વજ્ઞ છે.

—સ્વામી વિવેકાનંદ

Total Views: 325

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.