મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા,
આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વિશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો છું. જગતના સૌથી મોટા લોકશાહી દેશના સર્વોચ્ચ વહીવટી વડા હોવા ઉપરાંત ડૉ. શંકર દયાલ શર્મા એક ઉદાર મનવાળા તથા માયાળુ હૃદયવાળા સમર્થ વિદ્વાન પણ છે. રામકૃષ્ણ મઠ, રામકૃષ્ણ મિશન વતી, શતાબ્દી ઉત્સવ સમિતિ વતી, પ્રતિનિધિઓ અને અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનો વતી આપણા લાડીલા રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્માને આ ધર્મસંસદમાં આવકારતાં હું આનંદ અનુભવું છું.
ઉદ્ઘાટનને દિવસે તેમની હાજરી ન હતી તે આપણને રુચ્યું ન હતું એ સાવ સાચું છે, પરંતુ તેઓશ્રી આ સમાપન-સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે, તેથી આપણને પૂરતો બદલો મળી ગયો છે. આ સમાપન સમારોહ પણ ઉદ્ઘાટન સમારોહ કરતાં ભલે વધુ નહીં તોપણ તેના જેટલો જ શુકનવંતો અને મહત્ત્વનો છે. પુરાતનકાળમાં હોમહવન વખતે બધા જ યજ્ઞવિધિઓના શિરમોર સમો વિધિ એ સમાપનવિધિ ગણાતો હતો અને તે ‘પૂર્ણાહુતિ’ રૂપે ઓળખાતો હતો. આપણી ચાર દિવસ ચાલેલી આ ધર્મસંસદને આપણે જ્ઞાનયજ્ઞ તરીકે ઓળખીએ કે જેમાં દરેક વક્તાએ પોતાના જ્ઞાનની એક એક આહુતિ અર્પી છે. અને આ સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિજીની ઉપસ્થિતિને પૂર્ણાહુતિ તરીકે ગણી શકીએ.
૧૮૯૩માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વધર્મ મહાસભામાં સ્વામી વિવેકાનંદે લીધેલા ભાગના શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે જ આપણી આ ધર્મસંસદ છે. માનવ-જાતિના સાંસ્કૃતિક ઇતિહાસમાં પેલી વિશ્વધર્મ-મહાસભા એક નવું સીમાચિહ્ન બની હતી. માનવજીવનની બાબતોમાં ધર્મ શો ભાગ ભજવે તે માટેનો એક નવો જ અભિગમ પેલી મહાસભામાં જોવા મળ્યો હતો. તેણે પૂર્વ તથા પશ્ચિમને પરસ્પર નજીક આણ્યાં અને પશ્ચિમની પ્રજા સમક્ષ ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિનો ખજાનો ધરી દીધો હતો. અને તેની સાથે જ બાકીના વિશ્વથી અળગું રહેલું ભારત અન્ય સૌની નિકટ આવી ગયું તેમ જ ભારતે પણ વિશ્વનાં સેવા કાર્ય-મિશનમાં ભાગ ભજવવાનો છે, તે નિશ્ચિત બન્યું. આ બધું શક્ય બનાવવામાં માત્ર એક જ માનવ હતા અને તે હતા સ્વામી વિવેકાનંદ.
સ્વામી વિવેકાનંદનાં વ્યક્તિત્વ અને સંદેશનાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પરિમાણો છે. ભારત માટે સ્વામીજીએ જે કંઈ કર્યું છે તેનો પૂરેપૂરો અંદાજ હજી કોઈને આવ્યો નથી. અત્યાર સુધી માત્ર ખાસ માનીતા ગણાતા એક વર્ગ માટે સદીઓથી અનામત ગણાતાં અમૃતસંજીવની સમાન ધાર્મિક સત્યો તેમણે આમજનતાને અપાવ્યાં. પોતાના ભવ્ય ભૂતકાળ અને ગૌરવની જાગૃતિનો તેમણે ભારતીયોનાં હૃદયમાં સંચાર કરી દીધો. તેમની હાકલથી રાષ્ટ્ર ખડું થઈ ગયું. ભારતવર્ષે વિદેશી દમનકારી શાસન દ્વારા જામેલી જડતાને ફગાવી દીધી અને આઝાદીની દિશામાં કૂચકદમ આરંભી દીધી. સ્વામીજી એવા સર્વપ્રથમ ધાર્મિક નેતા હતા કે જેઓ ભારતની ગરીબ જનતા માટે કંઈક બોલ્યા હોય. ખેડૂતોની તથા માછીમારોની ઝૂંપડીઓ, મોચી અને ભંગીઓની ગંદી ઝૂંપડપટ્ટીમાંથી જ નવીન ભારતનું નિર્માણ થશે, એનું કલ્પનાચિત્ર તેઓ અગાઉથી આંકી શક્યા હતા. તેમની આગ વરસાવતી વાણીએ હજારો શિક્ષિત હિન્દુઓનાં હૃદયને ચેતનવંતાં બનાવ્યાં અને પોતાનું જીવનસર્વસ્વ રાષ્ટ્રની અને ખાસ કરીને દેશની કંગાળ જનતાની સેવામાં સમર્પિત કરવાની તેમને પ્રેરણા પૂરી પાડી.
શિકાગોની મહાસભામાં અને ત્યાર બાદ પશ્ચિમના દરેક સ્થળે ભારતની એવી પ્રતિમા તેમણે રજૂ કરી કે ભારત એટલે ધાર્મિક સ્વાતંત્ર્ય, સંવાદિતા અને શાંતિની ભૂમિ. આજે સમગ્ર વિશ્વમાં એવા હજારો લોકો છે કે જેઓનાં મનમાં ભારતની આ પ્રતિમા મોજૂદ છે. આથી દરેક ભારતવાસીની એ ફરજ થઈ પડે છે કે માતૃભૂમિની આ પ્રતિમા ખરડાય નહીં તે તેણે જોવું જોઈએ, તેવું કહેવાની પણ જરૂર નથી.
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ તો એટલું અસાધારણ રીતે મહાન હતું કે તેને કોઈ એક દેશના સીમાડાઓમાં બાંધી ન શકાય. વિશ્વસંસ્કૃતિ અને માનવકલ્યાણના ક્ષેત્રે તેમનું પ્રદાન એટલું તો વિપુલ અને વિશાળ માત્રામાં રહ્યું છે કે જગતના સમર્થ ચિંતકોએ તેમને ‘આધુનિક વિશ્વના એક ઘડવૈયા’ તરીકે ગણાવ્યા છે. સમસ્ત માનવજાતિના કલ્યાણ માટે સર્વગ્રાહી દર્શન તેમણે આપ્યું, એ સ્વામીજીનું વિશ્વસંસ્કૃતિને મળેલું મુખ્ય પ્રદાન છે. આ દર્શન ત્રણ સિદ્ધાંતો ઉપર નિર્ભર છે : માનવજાતિની એકતા, ધર્મની એકતા અને વિશ્વની એકતા.
આત્મા સહજ રીતે જ દિવ્ય છે અને બધા જ આત્માઓ એક પરમ આત્માના અંશ હોઈને સમગ્ર માનવજાત એક જ છે, તેવો એકાત્મભાવ આ રીતે જાગે છે. સમસ્ત માનવજાતિની પ્રગતિ એટલે આપણામાં રહેલી દિવ્ય શક્તિનું આપમેળે ખીલવું, એમ સ્વામીજી માનતા હતા. બધા જ ધર્મોમાં પણ એકતા રહેલી છે એ સત્યનું પ્રતિપાદન કરવા માટે તેઓ શ્રીરામકૃષ્ણની અનુભૂતિનો આધાર લેતા હતા. શ્રીરામકૃષ્ણની અનુભૂતિ એ છે કે બધા જ ધર્મો આખરે તો એક જ ધ્યેયની પ્રાપ્તિ તરફ આપણને દોરી જાય છે.
વિશ્વની એકતા માટેની સ્વામીજીનો કલ્પનાનો આધાર એ છે કે ધર્મ અને વિજ્ઞાન ભિન્ન નથી અને આધ્યાત્મિકતા અને પરમાર્થને અળગા પાડતા અવરોધોને પણ તે દૂર કરે છે.
હાલની ધર્મસંસદમાં વિચારણા માટે આપણે પસંદ કરેલો વિષય છે : ‘સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સંવાદિતા : તેની સંભવિત સફળતા તથા સમસ્યાઓ.’ આમ કરવા પાછળનો આપણો હેતુ એ છે કે વિસંવાદિતા અને સંઘર્ષનાં બળોથી ઘેરાયેલા સમાજને ઉગારવા માટે સંવાદિતાની આવશ્યકતા પ્રત્યે માણસોનું આપણે ધ્યાન દોરીએ.
જીવનનાં વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા દુનિયાના લગભગ એકસો વિદ્વાનોએ પોતાનાં અનેક વર્ષોનાં અભ્યાસ, ચિંતન અને અનુભવના નીચોડ રૂપે સંવાદિતા પરત્વેના સ્વામી વિવેકાનંદના દૃષ્ટિબિંદુને આપણી સમક્ષ રજૂ કર્યું છે. એ જ રીતે સ્વામી વિવેકાનંદ અને તેમના જીવનસંદેશ પ્રત્યેના પોતાના પ્રેમને કારણે વિશ્વના વિવિધ ભાગોમાંથી અત્રે આવેલા ૧૨૦૦૦થી પણ વધુ ભક્તોએ રોજ કેવળ હાજરી આપીને જ નહીં, પરંતુ તેમના આત્માની શાંત તેમજ અપ્રગટ શક્તિ દ્વારા આપણને ટેકો આપ્યા કર્યો છે.
ઝડપથી પલટાતું જતું જગત આજે જ્યારે ધાર્મિક મતાંધતા અને ઝનૂની પરિબળોની ચીરફાડથી અલગ પડી ગયું છે ત્યારે સદ્ગુણ, સંવાદિતા અને આધ્યાત્મિકતાનાં પરિબળોની આવી એકવાયતા અવશ્ય લાખો લોકો માટે આશા અને પ્રેરણા પૂરી પાડશે. આપણા સૌના સામૂહિક પુરુષાર્થના આ ફળને શતાબ્દીની આહુતિ તરીકે ચાલો આપણે સ્વામી વિવેકાનંદની શાશ્વત સત્તાને સમર્પિત કરીએ. આ સંસદે આપણા સૌના હૃદયમાં સ્નેહ, સમજણ અને સંવાદિતાની જે નાનકડી જ્યોત પેટાવી છે તે આગામી અનેક વર્ષો સુધી આપણા જીવપથને અજવાળતી રહે તેવી ઉત્કટ આશા સાથે મારું પ્રવચન પૂરું કરું છું. આપ સૌને મારી શુભકામનાઓ. આભાર.
Your Content Goes Here




