સુવિખ્યાત સાહિત્યકાર ડૉ. ભોળાભાઇ પટેલે અત્યંત વ્યસ્તતાની વચ્ચે સમય ફાળવી રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે પોતાનાં યાત્રા સંસ્મરણો લખી મોકલ્યાં તે બદલ અમે આનંદ અને આભારની લાગણી અનુભવીએ છીએ. – સં.
ચોમાસા પછી વરસાદ ઓસર્યાના દિવસો હતા. શાંતિનિકેતનથી મારા મિત્ર સુનીલ સાથે વિષ્ણુપુર જવા નીકળ્યો. વિષ્ણુપુર એટલે બંગાળના બાંકુડા – મેદિનીપુર વિસ્તારનું એક જૂનું નગર. આ બધા વિસ્તારમાં આપણે બહુ જતા નથી. આપણે માટે બંગાળ એટલે મુખ્યત્વે કલકત્તા નગર અને પછી કેટલાક ‘પ્રબુદ્ધ’ લોકો માટે બહુ બહુ તો શાંતિનિકેતન.
અમે વિષ્ણુપુર જવા નીકળ્યા, પણ શુકન કંઈ સારા નહોતા. કોઈ પક્ષે આપેલા ‘ચક્કજામ’ના આંદોલન-ને લીધે. બસ રસ્તે અટકી પડી. બસના કન્ડક્ટરે અમને એક ગામની ભાગોળે ઉતારી દીધા. હવે આમ પણ ન જવાય, તેમ પણ ન જવાય.
કોઈએ કહ્યું કે રાજ્ય પરિવહનની બસો હજુ ચાલુ છે. અમે એવી એક બસમાં બેસી ગયા. ગામડાઓના રૂટ પર થઈને જતી હતી. પણ અમને તો એ પણ ગમ્યું. બંગાળનું આ ગ્રામરૂપ ક્યાં જોવા મળવાનું હતું? શરદબાબુની નવલક્થાઓમાં જ એ કદાચ જોયું હતું.
વિષ્ણુપુરનાં ટેરાકોટાનાં મંદિરો વિખ્યાત છે. આ વિષ્ણુપુરને ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસે ‘ગુપ્ત વૃન્દાવન’ કહેલું છે. એ ત્યાં જ્યારે સાંભળ્યું ત્યારે કહેનારે કહ્યું કે અહીંથી નજીકમાં જ જયરામવાટી છે.
જયરામવાટી એટલે માતા શારદામણીદેવીનું ગામ. અમને ઇચ્છા થઈ કે આટલે આવ્યા છીએ તો જયરામવાટી જઈએ. વિષ્ણુપુર એક રાત રોકાયા પછી વહેલી સવારની એક બસમાં જયરામવાટી જવા નીકળ્યા.
એ જ ખડનાં છાપરાંવાળાં માટીનાં ઘર, ઘરના આંગણમાં પુકુર, ઊંચાં તાલ અને દૂર દૂર સુધી લહેરાતાં ડાંગરનાં ખેતર. અમે જયરામવાટી આવી પહોંચ્યાં. બીજા અંતરિયાળ ગામો કરતાં આ ગામની રોનક જરા જુદી હતી, તે જયરામવાટી એક અભિનવ તીર્થ હોવાને કારણે.
શ્રીરામકૃષ્ણ કલકત્તાના કાલીમંદિરમાં થોડો સમય પૂજારી રહ્યા પછી જ્યારે તેમના ગામ કામારપુકુર પાછા આવ્યા, તે પછી એમના લગ્નની વાત નીકળી. કન્યાની શોધ ચાલી. પણ કંઈ ગોઠવાય નહિ. આખરે શ્રીરામકૃષ્ણે ભાવાવેશમાં આવી કહ્યું : ‘જયરામવાટીના રામચંદ્ર મુખોપાધ્યાયને ત્યાં જાઓ.’
જયરામવાટીના રામચંદ્ર મુખોપાધ્યાયને દીકરી હતી, તેમનું નામ શારદામણિ. પણ હજુ તેમની વય તો માંડ પાંચ વર્ષની હતી. પરંતુ શ્રીરામકૃષ્ણે જ એમના પર પોતાની પસંદગી ઉતારી હતી. ત્રેવીસ વર્ષના રામકૃષ્ણનાં અહીં જયરામવાટીમાં પાંચ વર્ષનાં શારદામણિ સાથે લગ્ન થયાં હતાં!
શ્રીરામકૃષ્ણ અને શારદામણિદેવીના દિવ્ય દામ્પત્યજીવનની વાત તો અત્યંત ન્યારી છે. શ્રીરામકૃષ્ણે શારદામણિ દેવીને પછી અનેક રીતે તૈયાર કર્યાં, તે કરતાં તો તેઓએ શારદામણિને ઊંચે સ્થાને પ્રતિસ્થાપિત કર્યાં હતાં.
શારદામણિદેવીનાં જીવનનાં ઘણાં વર્ષો જયરામવાટીમાં વીતેલાં. એ પુરાણું સ્થાન આજે અનેક ભાવિકોને માટે યાત્રા સ્થળ બની ગયું છે. અમે એ સ્થાને જઈ ભક્તિભાવપૂર્વક એ ભૂમિને પ્રણામ કર્યા.
ગામ જોતાં તો એવું લાગ્યું કે હજી ઓગણીસમી સદીના ઓળા ઊતર્યા નથી. ગામની ભાગોળમાં હવે નવું મંદિર બન્યું છે, ભગવાન શ્રીરામકૃષ્ણનું.
પરંતુ અમને થયું કે હવે અહીંથી કામારપુકુર શા માટે ન જવું? કામારપુકુર એટલે શ્રીરામકૃષ્ણનું જન્મસ્થાન.
અમે બીજી બસ લીધી. કામારપુકુર પહોંચ્યા ત્યારે તો બપોર થઈ ગયા હતા. અહીં તો ભવ્યમંદિર હતું. પણ અમે પહોંચ્યા ત્યારે પ્રવેશ કરવાનો સમય વીતી ગયો હતો. હવે તો સાંજે મંદિરનો મુખ્ય દરવાજો ઊઘડવાનો.
મેં સુનીલને પૂછ્યું, શું – કરીશું? સુનીલે મારી ઇચ્છા પર છોડ્યું. મે કહ્યું – આપણે શ્રીરામકૃષ્ણનું ગામ પહેલાં જોઈ લઈએ પછી વાત.
અમે ગામની શેરીઓમાં નીકળ્યા. ગોકુળ વૃન્દાવનના યાત્રિકને તેની શેરીઓમાં ભમતાં જેમ કૃષ્ણની બાળલીલાઓ યાદ આવે, તેમ મને કામારપુકુરની શેરીઓમાં ભમતાં શ્રીરામકૃષ્ણના બચપણના તોફાની, કૌતુકભર્યા દિવસો વિશે જે વાંચેલું, તે યાદ આવતું હતું. આ શેરીમાં રામકૃષ્ણ ઘૂમ્યા હશે, એવા ભાવ સાથે ભમવામાં એક સુખ મળતું હતું.
જોતજોતામાં તો અમે ગામમાં આંટો મારી લીધો. હવે? એક સ્થળે બેસી અમે થોડો નાસ્તો કર્યો. મારી યોજના પ્રમાણે મારે એ જ સાંજે કલકત્તા પહોંચવું જોઈએ. એકાએક સુનીલને કહ્યું કે ચાલો, હવે નીકળી જઈએ.
અમારે જુદી જુદી બસો લેવાની હતી. સુનીલે વર્ધમાનની બસ લીધી. એ ત્યાંથી પાછો શાંતિનિકેતન જશે. મેં કલકત્તાની બસ લીધી. બસમાં બેઠા પછી મનમાં વસવસો થયો કે શ્રીરામકૃષ્ણનું જન્મસ્થાનક જોયા વિના કેમ નીકળી ગયો? ફરી ફરી આવાં સ્થળોએ ક્યાં આવવાનું થાય છે?
પણ હવે તો બસ કલકત્તાની દિશામાં જતી હતી.
***
એવું તો નહોતું કે આ વખતે દક્ષિણેશ્વર પહેલી વાર જતો હતો. વર્ષો પહેલાં ૧૯૬૧માં જવાનું થયું હતું. પણ પછીનાં વર્ષોમાં જેમ જેમ વચનો વાંચ્યાં, અને તેમાંય શ્રી અચિંત્ય સેન ગુપ્તનાં બે પુસ્તકો એક ‘પરમપુરુષ રામકૃષ્ણ’ અને બીજું ‘શ્રીશ્રીમા શારદામણિ દેવી’ – તે પછી આ બધાં સ્થળોને નવી નજરે જોવાનું થતું હતું.
તે દિવસે દક્ષિણેશ્વરમાં ખબર નહિ પણ પૂજાઅર્ચનનો દિવસ હતો, અને અનેક બહેનો હાથમાં પૂજાપાના થાળ લઈ શાન્ત ભાવે પોતાનો પૂજાનો વારો આવે એની રાહ જોતી કાલીમંદિરના પ્રાંગણમાં ઊભી હતી. થોડો તડકો પણ થયો હતો – તેમ છતાં એમના ભક્તિદીપ્ત ચહેરા જોઈ મારા મનમાં એમના પ્રત્યે નમનનો ભાવ જાગતો હતો.
મને તો શ્રીરામકૃષ્ણ જે ઓરડામાં બેસતા, ત્યાં થોડી વાર શાન્તિથી બેસવાનું વધારે ગમ્યું. આખા ખંડમાં જાણે ભગવાન શ્રીરામકૃષ્ણની અદષ્ટ ઉપસ્થિતિ હતી. શું આ ઓરડામાં કથામૃતના પ્રેરક સંવાદો થયા હશે? નરેન્દ્ર સાથે આ ભૂમિ પર મળવાનું થયું હશે? રાણી રાસમણિ અને મથુરાબાબુની ભગવાન શ્રીરામકૃષ્ણ પ્રત્યેની ભક્તિભાવના પણ સ્મરણમાં ઊભરાતી હતી. એટલું જ નહિ ભગવાન શ્રીરામકૃષ્ણના જીવનના આ મંદિરની ભૂમિ પર બનેલા અનેક ઘટના પ્રસંગો, જે વાંચેલા, તે પણ ઊભરાતા હતા.
તેમાંય હુગલી નદીના ઘાટ તરફ જતા માર્ગને દ્વારે ઊભા રહી ઘાટનાં પગથિયાં જોતાં તો એકાએક ભૈરવીની છબી તરી રહી. આ દરવાજેથી તેમણે દક્ષિણેશ્વરના મંદિરમાં પ્રવેશ કરેલો હશેને!
શ્રીરામકૃષ્ણ ઓગણીસમી સદીના ભારતવર્ષમાં એક ‘ઘટના’ રૂપ ગણાયા છે.’ ‘જેટલા મત તેટલા પથ’નો મંત્ર એમણે આપ્યો, એટલું જ નહિ જીવી બતાવ્યો હતો. સર્વધર્મોની સંવેદના એમણે ઝીલી હતી. ભગવાન શ્રીરામકૃષ્ણને મળ્યા સ્વામી વિવેકાનંદ. નાસ્તિક નરેન્દ્રમાંથી વેદાંતના ઉદ્ગાતા સ્વામી વિવેકાનંદનું રૂપાંતર આ ગુરુદેવે કર્યું હતું.
અને સ્વામી વિવેકાનંદે અદ્ભુત રીતે એ ગુરુકાર્ય આધ્યાત્મિકતા, રાષ્ટ્રીયતા અને માનવતાના ત્રિવેણી સંગમથી સિદ્ધ કર્યું. સ્વામી વિવેકાનંદે સમયને અનુરૂપ ‘ધર્મ’ શબ્દનો અર્થવિસ્તાર કર્યો અને વેદાંતને વ્યાવહારિક રૂપ આપી આધુનિક જીવનમાં એની સંગતિ સિદ્ધ કરી બતાવી.
શ્રીરામકૃષ્ણ મિશન અને બેલુરમઠની એમણે કરેલી સ્થાપના દ્વારા ગુરુના આદર્શોની પરંપરાને પ્રવાહિત રાખવાનો એમનો આશય આજે પણ આપણે મિશનની પ્રવૃત્તિઓ દ્વારા સિદ્ધ થતો જોઈએ છીએ.
આ બેલુ૨મઠ વિષે સૌથી પહેલાં કાકાસાહેબના ‘હિમાલયના પ્રવાસ’માં વાંચેલું. પણ ત્યારે કલ્પના નહિ કે કલકત્તા જેવા મહાનગરની હુગલીને સામે તીર આવી ભવ્યરમ્ય તીર્થભૂમિ હશે. કાકાસાહેબ તો છેક ૧૯૧૨માં ગયા હતા. એ વખતે બેલુરમઠની પ્રવૃત્તિઓનો હજી આરંભ હશે, પણ અવશ્ય એ ગંગાકાંઠો વધારે શાન્ત અને રમણીય હશે.
બેલુરમાં સ્વામી વિવેકાનંદની સમાધિ સ્થળે ઊભા રહેતાં ભાવવિહ્વળ બની જવાય. આપણને થાય કે પૂરા ૪૦ વર્ષની જિંદગી પણ નહિ, અને છતાં દેશની આધ્યાત્મિક ઉન્નતિને કેવી તો ચરમકોટિએ એમણે પહોંચાડી હતી? તે પણ ‘નિવૃત્તિ’ દ્વારા નહિ, ‘પ્રવૃત્તિ’ દ્વારા. આપણા મનીષી ગોવર્ધનરામે જે ‘પ્રવૃત્તિમય સંન્યાસ’ ની વાત કરી છે, એનો જાણે મૂર્તિમંત આદર્શ.
જયરામવાટી, કામારપુકુર, દક્ષિણેશ્વર અને આ બેલુરમઠ – આ તીર્થોની યાત્રાથી ભગવાન શ્રીરામકૃષ્ણ – માતા શ્રી શારદામણિદેવી-સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રવર્તિત અને પ્રવાહિત ભારતવર્ષની આધ્યાત્મિક પરંપરાનો સંસ્પર્શ થયા સિવાય રહેતો નથી. આજે પણ શ્રીરામકૃષ્ણ મિશન અને બેલુરમઠની પ્રવૃત્તિઓ આપણે માટે પ્રેરક બની રહી છે.
Your Content Goes Here





