(૧૮૯૩ની શિકાગો ધર્મસભામાં જૈનધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ ગાંધીએ કરેલ વ્યાખ્યાનોના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.)

હું તમને બધાને લાંબું સંભાષણ આપી તકલીફ નહિ આપું. હું હિંદથી આવું છું અને જૈનધર્મનો એક પ્રતિનિધિ છું. આ ધર્મ બૌદ્ધધર્મથી અતિ પ્રાચીન છે. એનું આચારશાસ્ત્ર બૌદ્ધધર્મને મળતું છે, છતાં આધ્યાત્મિક તત્ત્વોની દૃષ્ટિએ જોતાં એ એનાથી કાંઈક જુદું પણ છે. અત્યારે હિંદુસ્તાનમાં લગભગ પંદર લાખ જૈનો વસે છે, જેઓ શાંતિપ્રિય અને નિયમબદ્ધ નાગરિકો તરીકે જીવે છે. આપ સૌએ અહીં ઘણા સારા વક્તાઓનાં ભાષણો સાંભળ્યાં છે.

જૈનધર્મનો સવિસ્તર ખ્યાલ તો હું આગળ ઉપર આપવાની ઇચ્છા રાખું છું. અત્યારે તો માત્ર હું મારા સમાજ વતી અને મારા ગુરુવર્ય શ્રી આત્મારામજી મહારાજ વતી મને ભાવભર્યું નિમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. ધર્મ અને દર્શનશાસ્ત્રોના વિદ્વાન નેતાઓ જેઓ આ એક જ મંચ ઉપર એકઠા થયા છે અને ધાર્મિક વિષયો ઉપર જે પ્રકાશ પાડી રહ્યા છે એના વિચારનું એક જીવનસ્વપ્ન શ્રી આત્મારામજી મહારાજ સેવી રહ્યા હતા. આજે એમનું એ સ્વપ્ન સિદ્ધ થાય છે ત્યારે તેઓશ્રી મારી મારફતે આપ સૌને અભિનંદનો પાઠવે છે, તેમના પોતાના તરફથી અને જૈન સમુદાય વતી. અને વિશ્વધર્મ-પરિષદ બોલાવવાનું નક્કી થયાના નિર્ણયથી તેઓ અત્યંત હર્ષની લાગણી વ્યક્ત કરે છે.

જૈનધર્મના ઇતિહાસ અને દર્શન ઉપર બોલવાનું નિમંત્રણ તો એ મહાપુરુષને શિરે હતું અને મારા કરતાં એમની જવાબદારી એ બાબતમાં સવિશેષ હતી, પરંતુ અહીંની આબોહવાની પ્રતિકૂળતા, દરિયાની લાંબી મુસાફરી અને એવાં અન્ય કારણોને લીધે એ મુનિવર જૈન મુનિ આચારાનુસાર હાજર રહી જૈન દર્શનનો પરિચય આપવા ઉપસ્થિત થઈ શક્યા નથી. મને તો માત્ર એમના એક અદના સેવક તરીકે કે એમના પડઘારૂપ જ માનજો. એ વિદ્વાન મહાપુરુષે પોતાની આખી જિંદગી જૈનધર્મ અને દર્શનના અભ્યાસમાં નિર્ગમન કરી છે અને મુનિમહારાજ શ્રી આત્મારામજી અહીં જાતે આવી આપને ઉદ્દેશી શકતા નથી તે બદલ હું મારો અફસોસ જાહેર કરું છું.

(વિશ્વધર્મ પરિષદ સમયે આપેલા પ્રથમ ભાષણમાંથી)

વિશ્વ એક કુટુંબ

“આશ્ચર્યની વાત તો એ છે કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણોની આફત આવ્યા છતાં ભારતનો આત્મા જીવંત રહ્યો જાગૃત રહ્યો છે. એના આચાર અને ધર્મ સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તરફ મીટ માંડીને જોવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ, ખેતી, કારીગરી, કલા, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, આતિથ્ય-સત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર બધું જ ભારતમાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લૅન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શકત, પોતાની બનાવી શકત, પણ એવું નથી બન્યું, નહિ બની શકે.”

“આપ સૌ જાણો છો કે અમે સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક નથી. અમે તો મહારાણી વિક્ટોરિયાનાં પ્રજાજન છીએ. પરન્તુ જો અમે સાચી રાષ્ટ્રીયતા બતાવી એક રાષ્ટ્રના સભ્ય હોવાનો ગર્વ લઈ શક્યા હોત અને અમારી પોતાની રાષ્ટ્રીય સરકાર અમારી પાછળ હોત, અને અમારી સંસ્થાઓનું કે અમારા કાયદાકાનૂનનું સંચાલન અમે સ્વેચ્છાએ અમારી મરજી મુજબ કરી શક્યા હોત તો હું ખાતરીપૂર્વક કહું છું કે અમે વિશ્વનાં બધાં રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધની ગાંઠ બાંધી એને કાયમ રાખવાનો સતત પ્રયત્ન આદરત. અમે તો સૌનું સન્માન કરવામાં માનીએ છીએ, નહિ કે કોઈના અધિકારો લઈ લેવા, અગર કોઈની ભૂમિ ઉપર છાપો મારવો. અમે તો રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે કુટુંબભાવ અને ભ્રાતૃભાવ કેળવવામાં માનીએ છીએ અને સમગ્ર માનવજાતિની એકતા ઝંખીએ છીએ. સંસ્કૃતમાં એક કવિએ કહ્યું છે: આ મારો દેશ છે, એવો સંકુચિત વિચાર સ્વાર્થી લોકો જ કરે છે. ઉદાર મનવાળા લોકો તો માને છે કે આખું વિશ્વ એક કુટુંબમાત્ર છે.”

સુખ-દુ:ખને પાર

“મનુષ્યજીવનનું સાચું ધ્યેય વિષયભોગ નહિ, પણ યથાર્થ જ્ઞાન સંપાદન કરવાનું છે. આપણે ઘણાં કાર્યો શા માટે કરીએ છીએ? માત્ર ભોગ કે આનંદ માટે નહિ પણ જ્ઞાનની ઉપાસના માટે હોય છે. દુ:ખ અથવા સુખ માત્ર દુ:ખથી બચવામાં કે સુખને પકડી લેવામાં નથી પણ એમાંથી નવું બળ અને નવી દૃષ્ટિ મેળવવામાં છે. આ દૃષ્ટિએ સુખ-દુ:ખનો વિચાર કરવામાં આવે તો માણસ સાહજિક રીતે એ દ્વંદ્વથી પર થઈ જાય, મુક્ત થાય. આટલું થઈ શકે તો માનો કે એ ભવપાર થઈ ગયો અને સંસારની બધી સંપત્તિઓ ઉપર એણે આધિપત્ય જમાવી લીધું.”

મુક્તિની દશા

“જૈનધર્મ કહે છે કે વિશ્વ જો બધી વાસ્તવિકતામાંથી બનેલું હોય તો સ્થળ અને કાળની દૃષ્ટિએ અનંત, અનાદિ છે પરન્તુ જ્યારે એને માત્ર સ્થળનાં બંધનોથી જોઈએ તો તે પરિમિત લાગે છે અને એ કલા કાળની દૃષ્ટિએ જોતાં આદિ હોય એવી પ્રતીતિ થાય છે; એટલે એ વ્યુત્પત્તિ અને વિકાસના ક્રમથી સંકળાયેલું હોય અને એમ એનું પુનરાવર્તન થતું હોય એવું લાગે છે.

જૈન ધર્મ એમ પણ કહે છે કે દરેક આત્મા અલગ-અલગ છે. એને કોઈએ ઉત્પન્ન નથી કર્યો. એ તો અનાદિ છે. વળી દરેક આત્મા અનાદિ કાળથી કોઈ ને કોઈ શરીરમાં સ્થિત હોય છે અને એનાં કર્મો પ્રમાણે કાર્યકારણના ભાવવિભાવનો પ્રભાવ એની ઉપર પડે છે. કર્માનુસારી એ આત્મા ઉચ્ચ દશા પ્રાપ્ત કરતો આવે છે અને જ્યાં સુધી પૂર્વકૃત કર્મોનો ક્ષય થતો નથી ત્યાં સુધી એ પુનર્જન્મ પામતો જાય છે. આમ એક પછી એક એમ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાંથી પસાર થતાં થતાં આત્મા કોઈ પવિત્રતા પ્રાપ્ત કરતો કરતો પૂર્ણોન્નતિમાં વિકસે છે. આવી પુણ્યમય પૂર્ણોન્નતિ નિર્વાણ કે મુક્તિની દશા કહેવાય છે.”

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.