જોગી ને જોગંદર જાગો!
ધોરી ને ધુરંધર જાગો!
દવ લાગ્યો છે ડુંગ૨ જાગો!
જાગો સહુ સૂતા નર જાગો!
જાગ્યું છે તોફાન જવાનો!
લઈ લો હાથ સુકાન જવાનો!
ઊઠો આવો આમ જવાનો!
હૈયે રાખી હામ જવાનો!
ક૨વાનું છે કામ જવાનો!
કામ જવાનો નામ જવાનો!
થઈ જાઓ તૈયા૨ જવાનો!
સતની લઈ તલવાર જવાનો!
સાચે સાચા વી૨ તમે છો,
મીર તમે છો પીર તમે છો.
તેગ તમે છો તીર તમે છો.
ભારતનું તકદીર તમે છો.
સાચા તમે છો પ્રાણ જવાનો!
હાડ ક૨ી લો પ્હાણ જવાનો!
મમતાળું કૈં માત રડે છે,
બેની રડે છે ભ્રાત રડે છે
માત રડે છે તાત રડે છે
લૂછો અશ્રુધા૨ જવાનો!
કાંઈ કરો ઉપચાર જવાનો!
જિસ્મ બળે છે જાન બળે છે,
સીમ બળે છે સ્થાન બળે છે,
વૃક્ષ બળે છે પાન બળે છે.
રાન બળે છે ઉદ્યાન બળે છે
ઓલવો આ આગ જવાનો!
સળગી રહ્યો છે બાગ જવાનો!
ટાણું કમર આ કસવાનું છે,
આગળ આગળ ધસવાનું છે.
લેશ ન પાછું ખસવાનું છે,
હામ ન હારી ચસવાનું છે,
ના દેખાડો પીઠ જવાનો!
જીવ આપો જણ દીઠ જવાનો!
હિન્દુ મુસલમાન પધારો,
ભારતનાં સંતાન પધારો,
થાવા સહુ કુર્બાન પધારો,
મુઠ્ઠીમાં લઈ જાન પધારો
માગે છે બલિદાન જવાનો!
આજે હિંદુસ્તાન જવાનો!
ખેંચો સતની તેગો ચૂમો,
શૌર્ય કસુંબા પીને ઝૂમો,
ઝૂમો સમરાંગણમાં ઘૂમો,
ઘૂમો આમરણાંત ઝઝૂમો
હસી ઝીલો આઘાત જવાનો!
ભોમે પાડો ભાત જવાનો!
શિશ જાએ પણ સત ના જાએ,
સત ના જાએ પત ના જાએ,
શાન અને શૌકત ના જાએ,
પૂર્વજની ઈજ્જત ના જાએ.
આવે ભલે અવસાન જવાનો!
પણ ન જાએ આન જવાનો!
ઘાયલની આ વાણી ફળશે,
કુર્બાનીનો બદલો મળશે,
અંતરની જ્યોતિ ઝળહળશે.
અંધારાના ઓળા ટળશે.
ટળશે કાળો કે૨ જવાનો.
થાશે લીલાલહેર જવાનો.

– શ્રીઅમૃત ઘાયલ

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.