(ગયા અંકમાં આધુનિકીકરણ પામેલ હિંદુધર્મ વિશે વાંચ્યું, હવે આગળ…)
હાર્દરૂપ ફિલસૂફી
ષડ્દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત) હિંદુધર્મનાં મૂળભૂત શાસ્ત્રો છે. આને આસ્તિક તરીકે ઓળખાયાં છે. એટલે કે તે શાસ્ત્રો વેદોને શાસ્ત્રીય રીતે પ્રમાણભૂત ગણે છે. આ પૂર્વે અન્ય સંદર્ભમાં નિર્દિષ્ટ બીજી ત્રણ વિચારસરણીઓ (લોકાયત, જૈન અને બૌદ્ધવાદી) નાસ્તિક છે એટલે કે તેઓ વેદોનો પ્રમાણરૂપે સ્વીકાર કરતી નથી. પાછળથી આસ્તિક ગ્રંથની યાદીમાં શૈવમત ઉમેરાયો હતો અને નોંધપાત્ર રીતે ન્યાય અને વૈશેષિક મતનું મહત્ત્વ ઘટ્યું. મીમાંસા અને વેદાંતમત એકબીજામાં વિલીન થઈ ગયા છે અને માત્ર ચાર મુખ્ય મત હાલમાં પ્રવર્તે છે : સાંખ્ય, યોગ, વેદાંત અને શૈવ. આપણે સાત આસ્તિક મતોના હાર્દરૂપ ખ્યાલોની સંક્ષિપ્તમાં સમાલોચના કરીશું અને જોઈશું કે તેઓ કેવી રીતે હિંદુધર્મને સુદૃઢ સ્વરૂપ આપવા પ્રયત્નશીલ છે. આ ફિલસૂફીઓ (મતો) મોક્ષ પ્રતિ દોરતા ત્રણ કે પાંચ માર્ગો (યોગ)માં રહેલ આચરણોનો અમલ કરવા તરફ દોરી જાય છે.
સાંખ્ય : આ દર્શન અવિનાશી, સનાતન અને સ્વતંત્ર એવાં બે અસ્તિત્વોની વાત કરે છે : (૧) પુરુષ – આત્મા કે ચૈતન્ય, સનાતન અસ્તિત્વ ધરાવતું તત્ત્વ અને (૨) પ્રકૃતિ – સર્જક શક્તિ, જડતત્ત્વ અને પ્રકૃતિ. પ્રકૃતિ ત્રિગુણાત્મિક છે – સત્ત્વ, રજસ્ અને તમસ્; સાદી ભાષામાં સંવાદિતા, પ્રવૃત્તિ અને નિષ્ક્રિયતા. આ ત્રણ તત્ત્વોમાંનું અસમતોલન પ્રકૃતિમાંથી જગત્-સર્જન માટે કારણભૂત બને છે. શાશ્વત પુરુષ મન, બુદ્ધિ અને અહંકાર સાથે એકાત્મ સાધે છે. પુરુષ જ્યારે પોતે પ્રકૃતિથી ભિન્ન છે, એવું અનુભવે છે ત્યારે પુરુષ જન્મ-મૃત્યુના ફેરારૂપ સંસારથી મુક્ત થાય છે. કર્મ અંગે સાંખ્યમત કહે છે કે અધિષ્ઠાન, કર્તા, કારણ, ચેષ્ટા અને દૈવ એ પાંચ તત્ત્વોને કારણે કર્મ ઉદ્ભવે છે. કર્તાનું પરિણામ પર પૂરતું નિયંત્રણ હોતું નથી. નાસ્તિકવાદી મતનું અનુસરણ કરનારાઓ કર્મયોગ કે ધ્યાનયોગની અંતર્ગત આવે છે.
યોગ : રાજયોગ નામે જાણીતી આ ફિલસૂફી દ્રષ્ટા (આત્મા)ને તેના ‘સત્સ્વરૂપ’માં પ્રતિસ્થાપિત કરવાનો ઉદૃેશ ધરાવે છે. ‘સમાધિ’ સ્થિતિને પામવા માનસિક-તરંગો વચ્ચેના અંતરાલોને વધારાય છે, અને તે સ્થિતિ પરમશાંતિ અને પરમઆનંદની સ્થિતિ છે. સમાધિ પ્રાપ્ત કરવા માટે અષ્ટાંગયોગ સૂચવાયો છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. યોગિક આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ આની અંતર્ગત આવે છે. ઈશ્વરને ‘કર્મફળની અસરોથી મુક્ત વ્યક્તિ’ તરીકે વ્યાખ્યાયિત કર્યા છે. આનું અનુસરણ કરનારાઓ ચિંતકોના ધ્યાનમાર્ગની અંતર્ગત આવે છે.
ન્યાય : યથાર્થ સદ્જ્ઞાનને પ્રસ્થાપિત કરવા આ મત તાર્કિક ન્યાયસંગતતા પ્રયુક્ત કરે છે. જ્ઞાનનાં માત્ર ચાર સ્રોતો છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. આ પ્રકારે મેળવેલું જ્ઞાન યથાર્થ કે ખોટું હોઈ શકે તેથી સાચી યથાર્થતા પ્રસ્થાપિત કરવા કેટલાક માપદંડો વિકસાવ્યા છે. આ પદ્ધતિનો બીજા દ્વારા ઉપયોગ કરાય છે જ્યારે લોકાયત મત આનું ખંડન કરે છે.
વૈશેષિક : આ મત નિર્વિવાદપણે પ્રસ્થાપિત કરે છે કે અણુ એ મૂળભૂત તત્ત્વ છે અને જીવમાંના ચૈતન્યનું કારણ બ્રહ્મ છે. યથાર્થ વાસ્તવિકતા નવ વર્ગાેની લખેલી છે : ચાર અણુ (પૃથ્વી, જળ, તેજ, વાયુ), આકાશ, દિક્, આત્મા અને મન. વ્યષ્ટિ આત્માઓ દેહમાં કેટલોક સમય વસેલા રહે છે. આ સત્યનું જ્ઞાન એટલે સાક્ષાત્કાર છે.
મીમાંસા : આ મતનો ઉદૃેશ વેદોને અકાટ્ય તરીકે પ્રસ્થાપિત કરવાનો હતો. વેદાન્ત અર્થઘટન માટે તેઓએ નીતિનિયમોની રચના કરી. યજ્ઞોનાં અનુષ્ઠાન એ મોક્ષ માટેનો એકમાત્ર માર્ગ છે. મોટાભાગના હિંદુ ક્રિયાકાંડો અને વિધિઓનાં મૂળ આ મતમાં છે.
વેદાંત : એકમાત્ર બ્રહ્મ જ સત્ય છે અને જગતનું હોવાપણું એ બ્રહ્મ પરનું માયાનું આરોપણ છે. વેદાંતની અંતર્ગત ઉપનિષદો પર આધારિત ત્રણ વિભન્ન મતો છે-અદ્વૈત, દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત. ‘હું બ્રહ્મ છું’ અથવા ‘મેં બ્રહ્મ-સ્થિતિ પ્રાપ્ત કરી છે’ એવી અનુભૂતિ જ સત્ય છે. આ મતના અનુયાયીઓ ધ્યાનયોગ નિર્દિષ્ટ અધ્યાત્મપથનું અવલંબન કરે છે.
શૈવ : સર્જન પામેલ જગત જડ અને ચેતન એમ બે વિભાગમાં વહેંચાયેલ છે. જડ-જગત ૧૩ કારણ અને ૧૦ કાર્યરૂપી તત્ત્વોમાં વિભાજિત છે જે પૈકી કારણમાં પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને પાંચ કર્મેન્દ્રિયો તેમજ મન, બુદ્ધિ અને અહંકાર સમાયેલાં છે. આત્માના અનાત્મા સાથેના તાદાત્મ્ય માટે કારણ તત્ત્વ જવાબદાર છે. મુક્તિ એટલે બુદ્ધિના માધ્યમથી આત્માનું પરમ શિવ સાથેનું ઐક્ય. આ મતને અનુસરનારાઓ મુક્તિ (મોક્ષ) માટે જ્ઞાનમાર્ગનું અનુસરણ કરે છે.
સુવિકસિત અને વિસ્તૃતપણે ચર્ચિત આ પ્રત્યેક મતનું સંક્ષિપ્ત વિવરણ (જેનો નિર્દેશ નથી કરાયો તેવાં તેનાં ઉપ-વિભાજનો) બે મૂળભૂત મુદૃાઓ પ્રસ્તુત કરે છે. એક, આત્મા, સંસાર અને મોક્ષના પ્રસ્થાપિકરણનો બધા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે; બીજો, અન્ય મતોને બાકાત રાખ્યા વિના આ પૈકીના ગમે તે એકનો પ્રમાણિત માર્ગ તરીકે સ્વીકાર કરવામાં ફરજિયાત આગ્રહ નથી. મતભેદના કોઈપણ જાતના દબાણ સિવાય સ્વતંત્ર વિચારસરણીને નોંધપાત્ર છૂટછાટ આપવામાં આવી છે. આપણે નોંધીએ કે આ વિચારસરણીઓ હિંદુધર્મનું સુદૃઢીકરણ કરે છે કે જે ધર્મ સ્પષ્ટપણે તાત્ત્વિક ચિંતન આધારિત વિશ્વધર્મ બનવાનું શ્રેય ધરાવે છે. યથાર્થપણે તે નોંધનીય છે કે હિંદુઓ પૈકી અલ્પાંશ જ આ વિચારસરણી કે મતોથી માહિતગાર છે. વળી તે પૈકીનો અલ્પાંશ જ તેમને રુચતી આમાંની કોઈક વિચારસરણીનું અનુસરણ કરવાનો પ્રયાસ કરે છે. પૂર્વે જણાવ્યું તે મુજબ, કર્મયોગ અને ધ્યાનયોગ પથના, ધાર્મિક જ્ઞાનથી સુસંપન્ન ૧૦% થી ૨૦% લોકો આ વિચારસરણીઓનું અનુસરણ કરે છે. હિંદુધર્મ એવો દાવો કરે છે કે મોક્ષાર્થી આ ત્રણ માર્ગાે માંહેના ગમે તે એકનું અનુસરણ કરીને અવર્ણનીય અને અનંત બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. છતાં પણ બ્રહ્મ વિષયક મતનાં ચિંતનાત્મક સમજણ અને પરમસત્ય તરીકેની આત્માનુભૂતિ વચ્ચે મોટું અંતર છે. આવું લાંબા સમયથી કહેવાતું આવ્યું છે, ‘હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્યસ્વરૂપે જાણે છે.’ આ વિચારસરણીઓ અમૂર્ત અને સમજવા તેમજ જીવન-વ્યવહારમાં મૂકવા માટે કંઈક અંશે મુશ્કેલીભરી હોવાથી મોટા ભાગના લોકો સગુણ ભક્તિમાર્ગે વળે છે. હિંદુઓની બહુમતી સગુણ બ્રહ્મનો માર્ગ અનુસરે છે જેમાં સગુણ સાકાર ઈશ્વર સર્વવ્યાપી છે : વ્યક્તિ આવા ઈશ્વરની પૂજા કરી શકે છે, પોતાના કલ્યાણ માટે અને વિપત્તિ સમયે સહાય અર્થે તેમની પ્રાર્થના કરી શકે છે. હિંદુધર્મમાં સવિશેષપણે જોવા મળતો આ ભક્તિમાર્ગ છે.
આપણે ૨૧મી સદીમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આધુનિક હિંદુધર્મમાં વ્યક્તિ સમાજમાં પોતાનો ભાગ કેવી રીતે ભજવે છે તેનું વર્ણન કર્યા બાદ હિંદુઓ જે વિવિધ માર્ગે તેમના ધર્મનું આચરણ કરે છે, તે બાબત આગામી પ્રકરણમાં આવરી લેવામાં આવશે. (ક્રમશ 🙂
Your Content Goes Here




