ત્રૈલોકય – સંસારમાં પણ સારા માણસો તો છે ને? જેવા કે પુંડરિક વિદ્યાનિધિ, ચૈતન્યદેવના ભક્ત; તે તો સંસારમાં હતા.
શ્રીરામકૃષ્ણ – તેને ગળા સુધી (ઈશ્વરીય પ્રેમનો) દારૂ આવી ગયો હતો. જો જરાક વધુ પીધો હોત તો પછી એ સંસાર કરી શકત નહિ.
ત્રૈલોકય ચૂપ થઈ ગયા. માસ્ટર એક તરફ થઈને ગિરીશને કહે છે, ‘ત્યારે તો એમણે જે લખ્યું છે એ બરાબર નથી.’
ગિરીશ – તો તો પછી આપે જે લખ્યું છે એ બરાબર નથી!
ત્રૈલોકય – કેમ? સંસારમાં રહીને ધર્મ થાય એ શું ઠાકુર માનતા નથી?
શ્રીરામકૃષ્ણ – થાય; પણ જ્ઞાન-પ્રાપ્તિ કરીને પછી રહેવું જોઈએ. ભગવાનને મેળવીને પછી ‘પંકસાગરે રહે તોય, પંક ન લાગે અંગ.’ ત્યારે કાદવી માછલીની પેઠે રહી શકે. ઈશ્વર-પ્રાપ્તિ પછીનો જે સંસાર એ વિદ્યાનો સંસાર. કામ-કાંચન એની અંદર ન હોય, માત્ર ભક્તિ અને ભગવાન હોય. મારેય સ્ત્રી છે, ઘરમાં ઠામવાસણેય છે, કોઈ માણસો આવે તેને જમાડીયે દઉં, તેમ વળી હાવીની મા વગેરે આવે ત્યારે તેમને પણ સરભરા કરું!
એક ભક્ત (ત્રૈલોકયને) – આપનું પુસ્તકમાં જોયું કે આપ અવતારમાં માનતા નથી. ચૈતન્યદેવની વાતમાં જોયું.
ત્રૈલોકય – એમણે પોતે જ એ વાતનો પ્રતિવાદ કર્યો છે. જગન્નાથપુરીમાં જયારે અદ્વૈત ગોસ્વામી અને બીજા ભક્તોએ ‘આપ જ ભગવાન’ એમ કહીને કીર્તન ગાયું હતું ત્યારે ગીત સાંભળીને ચૈતન્યદેવે ઓરડાનું બારણું વાસી દીધું હતું. ઈશ્વર અનંત ઐશ્વર્ય. ઠાકુર જેમ કહે છે કે ભક્ત ઈશ્વરનું દીવાનખાનું, એ ખરું. પણ દીવાનખાનું ખૂબ શણગારેલું હોય એટલે એનું શું બીજું કંઈ ઐશ્વર્ય ન હોય?
ગિરીશ – પરમહંસદેવ કહે છે કે પ્રેમ જ ઈશ્વરનો સારાંશ. જે માણસ દ્વારા આપણને ઈશ્વરનો પ્રેમ મળે તેની જ આપણને જરૂર. ઠાકુર કહે છે કે ગાયનું દૂધ તેનાં આંચળમાંથી આવે; એટલે આપણને આંચળની જરૂર. ગાયના શરીરનાં બીજાં અંગોની આપણને જરૂર નહિ, હાથ પગ કે શીંગડાંની.
ત્રૈલોકય – ઈશ્વરનું પ્રેમ રૂપી દૂધ અનંત નાળીઓ દ્વારા આવે. એ તો અનંત શક્તિમાન.
ગિરીશ – આ પ્રેમની પાસે બીજી કઈ શક્તિ ટકી શકે?
ત્રૈલોકય – જેની એ શક્તિ, તે મનમાં ધારે તો સર્વ કંઈ બની શકે.
ગિરીશ – બીજી બધી એમની શક્તિ ખરી; પણ અવિદ્યા-શક્તિ.
ત્રૈલોકય – અવિદ્યા એટલે શું? અવિદ્યા નામની શું કોઈ વસ્તુ છે? અવિદ્યા એટલે એક અભાવ, જેમ અંધકાર એ પ્રકાશનો અભાવ છે તેમ. ઈશ્વરનો પ્રેમ આપણે માટે અતિ મૂલ્યવાન એ ખરું; તેના બિંદુમાં આપણો સિંધુ એ બરાબર; પણ એ જ છેવટની વાત એમ કહીને તો ઈશ્વરની સીમા કરવા જેવું થયું.
શ્રીરામકૃષ્ણ (ત્રૈલોકય અને બીજા ભક્તોને) – હા, હા, એ બરાબર; પણ જરાક દારૂ પીવાથી જ જો આપણને નશો ચડી જાય તો પછી કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ પડયો છે એ બધી ગણતરીનું આપણને કામ શું? અનંત શક્તિના ખબર લેવા જવાનું આપણને કામ શું?
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૩, પૃ.૬૭-૬૮)
Your Content Goes Here




