સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને ઈશ્વરનાં મધુર નામ લે છે. ભક્તો ચારે બાજુ બેઠેલા છે અને એ મધુર નામ સાંભળી રહ્યા છે. ગિરીશ, માસ્ટર, બલરામ, ત્રૈલોકય અને બીજા અનેક ભક્તો હજી બેઠા છે. કેશવ-ચરિત્ર નામના ગ્રંથમાં ત્રૈલોકયે શ્રીરામકૃષ્ણનો સંસાર વિષેનો અભિપ્રાય બદલાયાની વાત જે લખી છે તે વાત ત્રૈલોકયની સામે કાઢવાનું ભક્તોએ નક્કી કર્યું છે. ગિરીશે વાત ઉપાડી. ત્રૈલોકયને કહે છે કે આપે જે લખ્યું છે કે સંસાર સંબંધે આમનો (શ્રીરામકૃષ્ણનો) અભિપ્રાય બદલાયો છે એ બરાબર નથી.
શ્રીરામકૃષ્ણ (ત્રૈલોકય અને બીજા ભક્તોને) – આ બાજુનો આનંદ મળે તો પેલો આનંદ ગમે નહિ. ભગવાનનો આનંદ પ્રાપ્ત થાય તો સંસાર ફિક્કો લાગે. શાલ મળે તો ધાબળી ગમે નહિ.
ત્રૈલોકય – જેઓ સંસાર કરવા ઇચ્છે છે તેમની વાત હું કરું છું; જેઓ ત્યાગી, તેમની વાત હું નથી કહેતો.
શ્રીરામકૃષ્ણ – એ બધી તમો લોકોની કેવી વાત?
જેઓ ‘સંસારમાં રહીને ધર્મ,’ ‘સંસારમાં રહીને ધર્મ’ એમ કર્યા કરે છે તેઓને એક વાર જો ભગવાનનો આનંદ મળે તો પછી તેમને બીજું કાંઈ ગમે નહિ. કામકાજ કરવાનો ઉત્સાહ બધો ઓસરી જાય. ક્રમે ક્રમે જેમ આનંદ વધતો જાય તેમ કામ થઈ શકે નહિ, માત્ર એ આનંદ જ શોધતા ફરે. ભગવાનના આનંદની સરખામણીમાં વિષયાનંદ અને રમણાનંદ! એકવાર ભગવાનના આનંદનો સ્વાદ મળે તો એ આનંદને માટે દોડાદોડી કરવા માંડે. પછી સંસાર રહે કે જાય તેની કોને પડી હોય?
‘ચાતક તરસથી છાતી ફાટી જતી હોય તોય; ભલે સાત સમુદ્ર, તેર નદીઓ, બધાંય સરોવર પાણીથી ભરપૂર હોય તોય એ પાણી પીએ નહિ. સ્વાતિ નક્ષત્રના વરસાદના પાણી માટે મોઢું વકાસીને બેઠું રહે. ‘‘વિના સ્વાતિ કે જળ સબ ધૂળ!’’ આ લોકો કહે છે કે બન્ને બાજુ સાચવીશું, સંસાર પણ કરીશું ને ઈશ્વરનેય ભજશું. એક પ્યાલી પીધી હોય, તો બન્ને બાજુ સંભાળવાનો વિચાર આવે. વધારે નશો કર્યો હોય તો પછી શું બન્ને બાજુએ સંભાળી શકાય?
‘‘ઈશ્વરનો આનંદ મળે તો બીજું કંઈ ગમે નહિ. એ વખતે પછી કામકાંચનની વાતો જાણે કે છાતીમાં વાગે. (ઠાકુર કીર્તનના સૂરમાં બોલે છે) ‘સંસારીજનની સંસારી વાતો જરાય ગમે નહિ!’ ઈશ્વરી આનંદ મળે, ત્યારે પછી માણસ ઈશ્વર સારુ ગાંડો થઈ જાય. એ વખતે રૂપિયા બુપિયા કંઈ ગમે નહિ.
ત્રૈલોકય – સંસારમાં રહીએ એટલે રૂપિયા પણ જોઈએ ને સંગ્રહ પણ કરવો જોઈએ. થોડાંક દાન દયા –
શ્રીરામકૃષ્ણ – શું? પહેલાં રૂપિયા ભેગા કરવા ને પછી ઈશ્વર? અને દાન દયા કેટલાં કરાય છે એ તો સૌને ખબર છે! પોતાની દીકરીઓના વિવાહમાં હજારો રૂપિયાનાં ખરચ, અને પાડોશના ઘરનાં ભલે ને ભૂખે મરતાં હોય, તેમને પાશેર લોટની ચપટી દેતાં જીવ નીકળી જાય, કેટલીય ગણતરી કરીને દેવાય! ત્યાં ખાવા નથી મળતું માણસને; તેમાં અમે શું કરીએ? અમે અને અમારાં ઘરનાં બધાં સુખે રહીએ એટલે થયું! મોઢેથી કહેશે કે સર્વ જીવો પર દયા!
— (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી)
Your Content Goes Here




