એક બ્રાહ્મભક્તે પૂછ્યું – મહાશય, ઈશ્વરને શું જોઈ શકાય ? જો જોઈ શકાતો હોય તો તે દેખાતો કેમ નથી ?’

શ્રીરામકૃષ્ણ – હા, જરૂર દેખી શકાય. સાકારરૂપ દેખી શકાય, તેમજ અરૂપ પણ દેખી શકાય; પણ એ તમને સમજાવું કેવી રીતે ?

બ્રાહ્મભક્ત – કયા ઉપાયે દેખી શકાય ?

શ્રીરામકૃષ્ણ – વ્યાકુળ થઈને ઈશ્વર માટે રુદન કરી શકો ?

માણસો, સ્ત્રી, પુત્ર કે ધન સારુ ઘડો ભરાય એટલું રડે, પણ ઈશ્વર માટે કોણ રડે છે ? જ્યાં સુધી બાળક લાલ ચૂસણિયું લઈને માને ભૂલીને રમ્યા કરે, ત્યાં સુધી મા રસોઈ વગેરે ઘરનું કામકાજ બધું કર્યા કરે. પણ બાળકને જ્યારે ચૂસણિયું ગમે નહિ ને ચૂસણિયું ફેંકી દઈને જોરથી રડવા માંડે, ત્યારે મા ભાતની તપેલી ચૂલેથી ઉતારીને દોડતી દોડતી આવીને છોકરાને ખોળામાં લઈ લે.

બ્રાહ્મભક્ત – મહાશય ! ઈશ્વરના સ્વરૂપની બાબતમાં આટલા બધા જુદા જુદા મત શા માટે ? કોઈ કહે સાકાર, તો કોઈ કહે નિરાકાર. વળી સાકારવાદીઓની પાસે જુદાં જુદાં રૂપોની વાતો સાંભળીએ. આટલા બધા મતમતાંતર શા માટે ?

શ્રીરામકૃષ્ણ – જે ભક્ત (ઈશ્વરને) જે સ્વરૂપે જુએ, તે તેને તેવા માને. ખરું જોતાં કશો મતભેદ નથી. ઈશ્વરને કોઈ પણ રીતે જો એકવાર પ્રાપ્ત કરી શકાય, તો તે પોતે જ બધું સમજાવી દે. પણ એ શેરીમાં જ પેઠો નહિ, પછી બધા ખબર ક્યાંથી મળે ?

‘એક વાત સાંભળો. એક જણ શૌચ ગયો હતો. તેણે જોયું તો ઝાડની ઉપર એક જાનવર બેઠું છે. તેણે આવીને બીજા એક જણને કહ્યું કે ‘જુઓ પેલા ઝાડ ઉપર એક સુંદર લાલ રંગનું જનાવર છે, તે હું જોઈ આવ્યો.’ પેલાએ જવાબ આપ્યો કે ‘હું જ્યારે શૌચ ગયો ત્યારે મેં પણ એને જોયું હતું. પણ એ લાલ રંગનું કહો છો શા માટે ? એ તો લીલા રંગનું હતું.’ ત્રીજો બોલ્યો, ‘ના, ના, મેં એને જોયું છે, એ પીળું છે.’ એ પ્રમાણે બીજા પણ કહેવા લાગ્યા કે જરદા, વાદળી, જાંબુડિયું વગેરે. છેવટે બધામાં ઝઘડૉ. એટલે પછી એ બધા ઝાડની નીચે જઈને જુએ, તો એક માણસ બેઠેલો. તેને પૂછતાં તે બોલ્યો, ‘હું આ ઝાડ નીચે જ રહું છું. હું એ જનાવરને સારી રીતે ઓળખું છું. તમે જે જે કહો છો એ બધું સાચું. એ ક્યારેક લાલ, તો ક્યારેક લીલું, ક્યારેક પીળું, તો ક્યારેક વાદળી, ને એ ઉપરાંતેય બીજા કેટલાક રંગનું ! એ છે કાકીડૉ. વળી ક્યારેક જોઉં તો તેનો કોઈ રંગ જ નહિ. ક્યારેક સગુણ તો ક્યારેક વળી નિર્ગુણ.’

(શ્રીરામકૃષ્ણ કથામૃત : ૧.૧૧૯-૧૨૦)

Total Views: 415

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.