(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત “આનંદધામના પથ પર” પુસ્તકમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. -સં.)
ત્યાગ જ છે યોગનો ખરો મર્મ
એક નવદીક્ષિત સંન્યાસીએ પૂછ્યું, ‘મહારાજ, સંન્યસ્તજીવનમાં કયા કયા નિયમો પાળવા જોઈએ? પરમહંસ ઉપનિષદ અને નારાયણ ઉપનિષદમાં સંન્યાસી માટે જે બધા વિધિ-નિયમો આપેલા છે, તે તો બધાં અમારાં આ બધાં કામકાજમાં દર વખતે પાળવા શક્ય નથી. સુધીર મહારાજ (સ્વામી શુદ્ધાનંદ) સાથે કાલે રાતે એ જ બધી વાત થઈ હતી.’
શ્રી મહાપુરુષ મહારાજ – હા, સંન્યાસી માટે ઘણા નિયમો છે, પરંતુ એ બધા નિયમો તમારે પાળવાની જરૂર નથી, એ તમારે માટે નથી, તમે તો કર્મયોગી સંન્યાસી છો. તમારે માટે સ્વામીજી નવો આદર્શ પ્રસ્થાપિત કરી ગયા છે. તમારે સાધનભજન કરવું અને સાથે સાથે અનાસક્ત ભાવે સાધનભજનને અનુકૂળ કર્મો કરવાં જોઈએ. એટલે જ તમારે માટે એ બધા નિયમો અક્ષરશ: પાળવા સંભવ નથી. એ બધા નિયમો માત્ર જ્ઞાનમાર્ગી સંન્યાસીઓ માટે છે જેઓ કોઈ કર્મ કરતાં નથી, માત્ર જ્ઞાનનું અનુશીલન અને જ્ઞાનનો જ વિચાર કરતા રહે છે. પણ ભાઈ! એક વાત છે કે મુખ્ય મુખ્ય વસ્તુને પકડી રાખી શકો તો બીજું બધું ક્રમે ક્રમે બરાબર થઈ જશે.
સંન્યાસી – મહારાજ, આ મુખ્ય વસ્તુ કે મૂળ વાત કઈ?
શ્રી મહાપુરુષ મહારાજ – મૂળ વસ્તુ છે કામ-કાંચનનો ત્યાગ, જો સંપૂર્ણ પણે કામ-કાંચનનો ત્યાગ કરી શકો તો બધું થઈ ગયું સમજો. માત્ર બાહ્ય ત્યાગ નહીં, કામ-કાંચનની આસક્તિ પણ ત્યજી દેવી જોઈએ. તેં જે બધી આહુતિ આપી—પુત્રૈષણા, વિત્તૈષણા વગેરે. આ બધી વાસનાઓના મૂળમાં કામ અને કાંચન એ બે જ છે. કામ-કાંચનનો સંપૂર્ણ ત્યાગ—સંન્યાસીએ ખાસ કરીને આ જ વ્રત પાળવાનું છે. સંપૂર્ણ શરણાગત થઈને પ્રભુના દ્વારે પડ્યા રહો. તેઓ તો ભગવાન છે. તેઓ કૃપા કરીને બધું જણાવશે. બધું સમજાવશે.
યોગ અને ભોગ એકી સાથે થાય નહીં
આ સંસાર અનિત્ય છે, ચાર દિનની ચાંદની જેવો અને આ તે કેવી વિડંબના કે આ ક્ષણભંગુર જીવન લઈને અનિત્ય સંસારના ક્ષણિક સુખમાં મગ્ન બનીને મનુષ્ય પોતાના એકમાત્ર ધ્યેય ઈશ્વરપ્રાપ્તિને જ સાવ ભૂલી જાય છે. આવી તો છે ભુવનમોહિની માયાની રમત! જુઓ ભાઈ, તમે હજી યુવાન છો, પ્રભુની કૃપાથી તમારા મન ઉપર સંસારની અસર હજી થઈ નથી, તમને મૂળ વાત કહું: જે અમારા અંત:કરણની વાત છે. ત્યાગ સિવાય કશું થાય નહીં. એટલે તો ઉપનિષદ કહે છે: त्यागेनैकेऽमृतत्वमानशु:—એક માત્ર ત્યાગથી જ અમૃતત્વ મળે. યોગ અને ભોગ એકી સાથે થાય નહીં. સંસારનાં ભોગ-સુખનો ત્યાગ ન થાય ત્યાં સુધી બ્રહ્માનંદનો આસ્વાદ અશક્ય છે. આ સંસાર શું છે તે શ્રીરામકૃષ્ણદેવે અત્યંત સરળ વાણીમાં કહ્યું છે: ‘કામ અને કાંચન એ જ સંસાર છે.’ માત્ર બહારના ત્યાગથી કંઈ થાય નહીં; મનમાંથી કામકાંચન ભોગની વાસનાનો ત્યાગ કરવો પડશે. તુલસીદાસે પણ કહ્યું છે: ‘જહાં કામ તહાં નહીં રામ.’ જ્યાં કામવાસના છે ત્યાં રામ રહે નહીં, અર્થાત્ પ્રભુપ્રાપ્તિ માટે સંસારની બધી ભોગવાસના છોડવી જ પડે.
ગીતા-અભ્યાસનું માહાત્મ્ય
આવતી કાલે શ્રીશ્રીમાની શુભ જન્મતિથિ. મઠમાં કેટલાક ત્યાગી યુવાનોની બ્રહ્મચર્ય-દીક્ષા થવાની છે. એ સંબંધમાં વાતચીત થતાં શ્રી મહાપુરુષ મહારાજ બોલ્યા – સ્વાધ્યાય ખૂબ સારો. શાસ્ત્રો વગેરેનું વાચન સાધનાનું જ અંગ છે. બ્રહ્મચારીઓ માટે શરૂઆતમાં ગીતાનો ઊંડો અભ્યાસ આવશ્યક છે. ગીતાના જેવો બીજો કોઈ ગ્રંથ છે? એમાં બધા જ બહુ જ સુંદર ભાવ છે – જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગ. મને એ જ સૌથી સારું લાગે છે કે ભગવાન સ્વયં તેમના ભક્તને આશ્વાસન આપીને કહે છે – ‘कौन्तेय प्रतिजानीहि न मे भक्त: प्रणश्यति।’ આહા! કેટલું મોટું આશ્વાસન! હૃદય પરિપૂર્ણ થઈ જાય છે! તેઓ મોટા આશ્રિતવત્સલ. જેણે મન, વચન અને કર્મથી તેમનાં ચરણમાં આશ્રય લીધો છે, તેને બીજી કોઈ ચિંતા નથી. તેઓ તેની બધી રીતે રક્ષા કરે છે. આહા! કેટલી કૃપા! પરંતુ મહામાયાની કેવી માયા કે મનુષ્ય તેમની આવી કૃપા સમજી શકતો નથી. ગમે તેટલો વિદ્વાન, બુદ્ધિમાન હોય તો પણ તેમના કૃપાકટાક્ષ સિવાય એ માયાથી બચવું અસંભવ. તેઓ દયા કરી માયાનું આવરણ થોડુંક ખસેડે તો જ જીવ તેમની કૃપા સમજી શકે.
પ્રાણાયામ અને નામજપ
બીજા એક નવદીક્ષિત ભક્ત કહે છે – ‘મહારાજ, અમારે પ્રાણાયામ કરવાની જરૂર છે?’
શ્રી મહાપુરુષ મહારાજ – ‘પ્રાણાયામ કરવાનું તો અમે કોઈને ખાસ કહેતા નથી; જરૂર પણ નથી…. ખૂબ પ્રેમપૂર્વક નામ લેવાથી ધીમે ધીમે મન સ્થિર થઈ જાય છે અને આપમેળે જ પ્રાણાયામ થઈ જાય છે. તો પણ જપની સાથે સાથે જો ઇચ્છા કરો તો શ્વાસને અંદર રોકી શકો છો. પરંતુ પૂરક, કુંભક, રેચક ઇત્યાદિ જેમ રાજયોગમાં છે તેમ કરવાની કશી જરૂર નથી. ખરી વસ્તુ છે પ્રેમ અને આંતરિકતા. ભગવાન સત્યસ્વરૂપ, અંતર્યામી છે. બધાના હૃદયમાં તેઓ જ ચૈતન્યરૂપે અવસ્થિત છે. તેઓ તો અહેતુક કૃપાસિંધુ છે. ભાઈ, તેમની કૃપા સિવાય કશું પણ થાય નહિ. જપ કરો, ધ્યાન કરો, પ્રાણાયામ કરો, યજ્ઞ, યાગ, વ્રતો જે કાંઈ કરો પણ જો તેમની કૃપા ના હોય તો કશાથી કશું થાય નહિ. તો પણ જો કોઈ અંત:કરણપૂર્વક ચાહે તો તેઓ કૃપા કરીને તેને દર્શન આપે – એ સત્ય છે.’
Your Content Goes Here





