(ગતાંકથી ચાલુ)

(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.)

આ જપ એ શું છે? મંત્ર શું છે? મન બાહ્ય સંસારમાંથી દૂર ખસીને પરમાત્માના ચરણકમળમાં એકાગ્ર થાય, આ મંત્ર છે અને તમારામાં રહેલી આધ્યાત્મિક શક્તિ જેની મદદથી જાગૃત થાય છે, જે શક્તિ તમને પરમાત્માની પ્રાપ્તિ તરફ લઈ જાય છે તે છે બીજમંત્ર. આથી જપ કરવો એ મુખ્ય સાધના છે. તમે જ્યારે મંત્રનું રટણ કરો છો ત્યારે તમામ શક્તિ એમાં નિવાસ કરે છે. (મંત્રના) રટણ સિવાય એ શક્તિ જાગૃત થઈ શકશે નહિ. તેથી માત્ર એકસો આઠ વખત મંત્રનું રટણ કરવાથી ચાલશે નહિ. તમે પ્રગતિ કેવી રીતે કરી શકો? આથી તમારે જેટલી વધારે વાર શક્ય હોય એટલીવાર મંત્રનું રટણ કરતા રહેવાનું છે. જો તમે એમ કરતા જ હો તો એ સારી વાત છે. પરંતુ એવા ઘણા લોકો છે જેઓ મોટા ભાગનો સમય ઘેર રહેતા નથી. તેમને માટે એમ કહેવાયું છે કે, તેઓ તેમનું કામ કરતા હોય તે કરતાં-કરતાં મંત્રનો માનસિક જાપ કર્યા કરે. અર્જુનને શ્રીકૃષ્ણે કહ્યું હતું કે “માટે તારાં બધાં કર્તવ્યોમાં મને તું યાદ કર્યા કર અને યુદ્ધ કર. આ બંને વસ્તુ સાથે જરૂર થઈ શકે. તું પરમાત્માને યાદ કરતો હોય ત્યારે તારું યુદ્ધ બંધ ના થવું જોઈએ. તું પાંડવોનો સરસેનાધિપતિ છે. જો તું થોડીવાર માટે પણ નિષ્ક્રિય રહે તો યુદ્ધની શી ગતિ થાય? માટે તારે તો હંમેશાં ખડે પગે (યુદ્ધ માટે) તૈયાર જ રહેવાનું છે અને સાથે-સાથે મને પણ સતત યાદ કર્યા કરવાનો છે. આ બંને વસ્તુ તારે એકી સાથે કરવાની છે.” એ જ પ્રમાણે આપણે પણ આપણાં સંસારનાં કામો કરતાં-કરતાં હોઠ પર પરમાત્માનું નામ રાખીએ. આપણે ઈશ્વરને મનમાં યાદ કર્યા કરીએ. જો આ પ્રમાણે આપણે કરતા રહીએ તો બહુ થોડા સમયમાં આપણને એ ફાવી જશે. આથી દરેક માણસે ઈશ્વરને હંમેશાં મનથી યાદ કર્યા કરવો જોઈએ. એ વાત દરેકે સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે માત્ર એકસો આઠ વખત મંત્રનો જપ કરવો એ પૂરતું નથી. દીક્ષા લેવી અને મંત્રનો જપ એકસો આઠ વખત કરવો એ કાંઈ દીક્ષાનું ખરેખરું પ્રયોજન કે ઉદ્દેશ નથી. (ઈશ્વરના) એ નામનું રટણ તમારે બધો સમય કરતા રહેવાનું છે. શ્રીશ્રીમાએ કહ્યું છે, “મંત્રનું રટણ દસથી પંદર હજાર વખત કરો અને મને જોવા દો કે તમારું મન સ્થિર થાય છે કે નહિ.” તમે એનાથી થોડું ઓછું રટણ ભલે કરો. પણ માત્ર એકસો આઠ વખત તો નહિ જ. જો તમે માત્ર એકસો આઠ વખત જ મંત્રનું રટણ કરશો તો તમને શું મળશે? માટે તમે જપ ઉપર વધારે ભાર આપો. જો કોઈપણ માણસ મંત્રનો જાપ કરે અને પોતાના ઈષ્ટદેવતાનું સ્મરણ કરે તો મન આપોઆપ ધ્યાનમાં લીન થઈ જશે. જ્યારે તમારું મન ધ્યાનમાં લીન બનશે ત્યારે તમને ખબર પણ નહિ પડે અને તમારું મંત્રનું રટણ અને જપની સંખ્યા ગણવાનું આપોઆપ એની મેળે જ બંધ થઈ જશે. આટલા માટે જ તમારે જપ ઉપર વધારે ભાર મૂકવાની આવશ્યકતા છે.

એક બીજી વાત. આપણે ગમે તેટલો અભ્યાસ કરીએ પરંતુ આપણે જો સંસારમાં આસક્ત રહીશું તો પછી આપણે પ્રગતિ કરી શકીશું નહિ. શ્રીરામકૃષ્ણે પણ આ જ બાબત બતાવી છે: “જે નાવ કિનારા પરના વૃક્ષ સાથે બાંધેલી છે એને ગમે એટલાં હલેસાં મારશો તો પણ નદીને પેલે પાર જઈ શકશે નહિ. એ નાવ જ્યાં હતી ત્યાંની ત્યાંજ રહેશે.” એ જ પ્રમાણે આપણે વીતરાગની ભાવનાને કેળવવાની છે. વીતરાગની ભાવના કેળવવા માટે પ્રથમ જરૂરિયાત છે વિવેકની. વિવેક દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે આ સંસારની કોઈપણ વસ્તુ કાયમી નથી, બધું જ ક્ષણભંગુર છે. આથી આપણે એવી વસ્તુ પ્રાપ્ત કરવાની જરૂર છે કે જે શાશ્વત હોય અને માત્ર ઈશ્વર જ એવી શાશ્વત વસ્તુ છે. જ્યારે આ વિચાર મનમાં દૃઢ થશે ત્યાર પછી એ ધર્મના અભ્યાસમાં સહાયરૂપ નીવડશે. આ જગતમાં ત્રણ વસ્તુઓ પ્રાપ્ત કરવી દુર્લભ છે. આ ત્રણ વસ્તુ છે માનવ જન્મ, ઈશ્વર સાક્ષાત્કારની ઈચ્છા અને મહાન આત્મા સાથે સત્સંગ. હવે આપણે જોઈશું કે આપણે બધા જ માનવો તરીકે જન્મ્યા છીએ અને આપણને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા પણ છે. જે લોકો ખૂબ દૂર રહેતા હોય અને મહાન આત્માઓ સાથે સત્સંગ ન કરી શકતા હોય અથવા તો તેમની સાથે સંપર્ક સાધી શકતા ન હોય તેઓ જો “શ્રીરામકૃષ્ણ કથામૃત”નું વાચન નિખાલસતાથી અને સ્થિર વૃત્તિથી કરે તો પણ તેઓ પવિત્ર પુરુષો સાથેનો સંપર્ક પ્રાપ્ત કરી શકશે. શ્રીરામકૃષ્ણનો વાર્તાલાપ તેઓ જ્યારે પણ વાંચે ત્યારે એના ઉપર તેમણે મનન કરવું જોઈએ અને તેઓ જાણે કે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણની સાથે જ છે અને બીજા ભક્તોનાં જૂથોની સાથે સાથે તેઓ પણ એકાગ્રતાથી અને ધ્યાનપૂર્વક તેમને સાંભળી રહ્યા છે એવી કલ્પના તેમણે કરવી જોઈશે. તમારે આવી કલ્પના કરવાની છે અને સાથે ને સાથે એ પ્રમાણે મનન કરવાનું છે. જો તમે આ પ્રમાણે કરી શકશો તો તે જ વસ્તુ તમારે માટે પવિત્ર પુરુષના સંપર્ક-રૂપ બની જશે. રાજામહારાજે (શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજે) અમને કહેલું, “હું તમને ધર્મનું જ્ઞાન એક જ શબ્દમાં આપી દઉં છું.” આમ કહ્યા પછી એમણે કહ્યું, “શ્રીરામકૃષ્ણ કથામૃત રોજ વાંચો.” જો તમે એનું વાચન રોજ કરશો તો તમારું મન આ સંસારની તમામ મુશ્કેલીઓથી અને સંસારની તમારી આસક્તિઓથી દૂર રહેશે. મુશ્કેલીઓ અને આસક્તિઓ ક્રમે ક્રમે તમારા મનમાંથી દૂર થતી જશે અને ત્યારબાદ ઈશ્વર સાક્ષાત્કારની અદમ્ય ઇચ્છા ઉદ્ભવશે.

વેદાંતીઓ કહે છે, “વેદાંત માટે સક્ષમ પુરુષ કોણ છે?” જવાબ છે, જે માણસ સાધન ચતુષ્ટયથી સંપન્ન છે તે. આ ક્યા માણસો છે? આ એવા માણસો છે કે જેઓ સત્ય અને અસત્યનો વિવેક કરે છે; શાશ્વત શું છે અને ક્ષણિક શું છે, એનો વિવેક કરે છે; સ્વર્ગલોક અને મૃત્યુલોકમાં કોઈ પણ પ્રકારના ઉપભોગનો ત્યાગ કરી શકે છે; જેઓ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે; અને જેઓ આત્મસંયમ વગેરેથી સંપન્ન છે અર્થાત્ જેઓ પવિત્ર જીવનના તમામ નૈતિક ગુણોનું આચરણ કરે છે. જો કોઈ વ્યક્તિ આ બધા ગુણોથી સંપન્ન હોય તો તે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવાની પાત્રતા ધરાવે છે. આ બધી સાધના સિવાય કોઈપણ વ્યક્તિ ધર્મશાસ્ત્રોમાં સંબોધાયેલાં સૂત્રો સમજી શકશે નહિ. બલકે એઓ ઊલટું જ સમજશે. ઇન્દ્ર અને વિરોચન બંને એમના ગુરુ પાસે ધર્મશાસ્ત્રોના અભ્યાસ માટે ગયા. ગુરુએ એમને ઉપદેશ આપ્યો. પરંતુ વિરોચન ગુરુના શબ્દોને એક રીતે સમજ્યા અને ઇન્દ્ર એને બીજી રીતે સમજયા. વિરોચન સમજ્યા કે ગુરુના ઉપદેશનો અર્થ એ છે કે આ શરીર એ જ બ્રહ્મ છે, અંતિમ સત્ય છે. આ પ્રમાણે એમણે વિચાર્યું એટલે એ ભૌતિકવાદી થઈ ગયો. પરંતુ ઇન્દ્રની બુદ્ધિ સૂક્ષ્મ હતી અને એમનામાં થોડો વિવેક હતો. એમણે વિચાર કરવા માંડયો કે આ શરીર બ્રહ્મ કેવી રીતે હોઈ શકે ? શરીર તો નાશવંત છે એટલે કે શાશ્વત નથી. આમ વિચારતાં વિચારતાં એ ગુરુની પાસે પોતાની શંકાનું સમાધાન કરાવવા માટે ગયા. આ પ્રકારે વારંવારની ગુરુ સાથેની ઘણી બધી મુલાકાતોના અંતે એમની શંકાઓ નિર્મૂળ થઈ ગઈ, અને એમણે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એવી જ રીતે આપણામાં વિવેકબુદ્ધિ નહિ હોય અને પરિણામે જો આપણું મન ઈશ્વર સાક્ષાત્કાર માટે તૈયાર થયેલું નહિ હોય તો પછી ધર્મશાસ્ત્રોને આપણે સાચી રીતે સમજી શકીશું નહિ. ધર્મશાસ્ત્રોને સાચી રીતે સમજવા માટે આપણું મન સૂક્ષ્મ બાબતોને પકડી શકવા માટે સક્ષમ હોવું જોઈએ. મન શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ અને એ માટે ચાર પ્રકારની સાધના નિયત કરવામાં આવી છે. જે લોકો આ ચાર પ્રકારની સાધનાથી સંપન્ન છે તેમનાં મન શુદ્ધ બની જશે. જો તેઓ વેદાંતનો યોગ્ય ઉપદેશ ગ્રહણ કરે તો તેઓ ધર્મશાસ્ત્રોને યથાર્થ રીતે સમજી શકશે. જે વ્યક્તિ આ ચાર પ્રકારની સાધનાથી તૈયાર થયેલી છે એવી વ્યક્તિને કોઈ ગુરુ તું તે જ છે, ઓ શ્વેતકેતુ એ મહાન સૂત્રનો ઉપદેશ આપે તો પછી એનામાં તુરત જ બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ ઉદીયમાન થશે. આથી આપણે વીતરાગવૃત્તિ અને ત્યાગવૃત્તિની ભાવનાને આત્મસાત્ કરવી જોઈએ. ધર્મનું આચરણ ત્યાગની ભાવના સિવાય થઈ શકે નહિ. શ્રીરામકૃષ્ણે કહ્યું છે, કે ત્યાગ જ એક માત્ર માર્ગ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શું કહ્યું છે? એમાં ત્યાગ માટેનો જ ઉપદેશ આપવામાં આવ્યો છે, એ સિવાય બીજું કાંઈ જ નહિ.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, દરેક વ્યક્તિ શ્રીરામકૃષ્ણના ઉપદેશનો ઉલ્લેખ કરીને કહે છે, બધા ધર્મોમાં જે એકવાક્યતા છે તે એમણે બતાવી છે. શ્રીરામકૃષ્ણ પોતે જાણવા માગતા હતા કે જો બધા ધર્મોમાં દર્શાવેલી સાધનાનું આચરણ કરીએ તો શું થાય છે. એમને એ બાબતમાં થોડી જિજ્ઞાસા હતી. પરંતુ એમણે આ બધા ધર્મોની એકવાક્યતા દર્શાવવા માટેના એકમાત્ર હેતુથી જ એ ધર્મોનો અભ્યાસ નહોતો કર્યો.

શ્રીરામકૃષ્ણના જીવનમાંથી આપણને ત્યાગનો મુખ્ય ઉપદેશ મળે છે. આ પ્રમાણેનો ત્યાગ અત્યાર સુધીમાં પહેલાં થઈ ગયેલા કોઈપણ અવતારોમાં કદી જોવા મળ્યો નહોતો. હાલમાં આપણે સંસારમાં જે જોઈએ છીએ તે આ ત્યાગવૃત્તિનો અભાવ જ જોઈએ છીએ. માત્ર સ્વાર્થવૃત્તિએ બધી જગ્યાએ અને બધી બાબતોમાં ઘર કરી લીધું છે – પછી તે રાષ્ટ્રીય કક્ષાએ હોય અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ હોય કે પછી કૌટુંબિક કક્ષાએ હોય. તમે ગમે ત્યાં જાઓ, આ સ્વાર્થવૃત્તિ એ જ મુખ્ય લક્ષણ થઈ ગયું છે. આપણે એ બિલકુલ સ્પષ્ટપણે યાદ રાખવું પડશે કે શ્રીરામકૃષ્ણના જીવનનો આદર્શ હતો ત્યાગનો. જો આપણે આ ત્યાગના આદર્શને મજબૂત રીતે પકડી રાખીશું તો સૌ સારાં વાનાં થશે.

આપણામાંના ઘણા લોકો એમ કહે છે કે આ સંસારમાં સાધના માટે સમય જ નથી. આપણને જે કોઈ સમય મળે છે તેનો જપ અને ધ્યાનમાં કેવી રીતે ઉપયોગ કરવો એ મેં અગાઉ બતાવી દીધું છે અને હું ફરીથી કહું છું કે જે લોકો એમ કહે છે કે અમને સમય મળતો નથી, એ લોકો સાચું બોલતા નથી. સંસારમાં બીજી બધી બાબતો કરવા માટે સમય મળે છે અને જયારે સાધનાની વાત આવે ત્યારે જ તેમને સમય મળતો નથી. આમ થવું એ શક્ય નથી. આ તો એના જેવી વાત થઈ કે સંસ્થાની બધી જ પ્રવૃત્તિઓ બહુ સરળતાથી ચાલે છે પરંતુ જયારે હિસાબો રાખવાની વાત આવે છે ત્યારે સમય મળતો નથી. નિયમિત રીતે હિસાબો લખાતા નથી. અને હિસાબો પૂરા લખવામાં પણ આવતા નથી. આપણી એવી વૃત્તિ થઈ ગઈ છે કે જે બાબતો મુલતવી રાખી શકાય એમ જ ન હોય તે બાબતો આપણે મુલતવી રાખીએ છીએ. એમ કહેવું કે સમય મળતો નથી એ વાત બિલકુલ બરાબર લાગતી નથી.

તમે જો દરિયા કિનારે બેઠા હો અને તમને દરિયામાં નહાવાની ઇચ્છા થાય તો તમે કેટલીક વખત મોજાંઓના ડરને કારણે દરિયામાં જઈ શકતા નથી. જો તમે એમ વિચાર કરો કે “જ્યારે મોજાંઓ શમી જશે ત્યારે જ હું દરિયામાં સ્નાન કરીશ,” તો પછી તમે ક્યારેય દરિયામાં સ્નાન કરી શકશો જ નહિ. દરિયામાં મોજાં ના હોય એ શક્ય જ નથી. તમે દરિયામાં જાઓ અને એક બે મોજાંઓની વચ્ચે તમે જો ડૂબકી મારી લો તો જ તમે તમારું દરિયા-સ્નાન પતાવી શકશો, તે સિવાય નહિ. સંસારમાં પણ આમ જ છે. મુશ્કેલીઓ તો હંમેશાં હોય જ. તમે એ મુશ્કેલીઓમાં જ અને એની વચ્ચેથી વખત કાઢી અને ઈશ્વરનું નામ લે, સ્મરણ કરી લો તો જ પછી તમે આધ્યાત્મિક સાધનાનું આચરણ કરી શકશો. “હું જ્યારે તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ જઈશ ત્યારે ઈશ્વરનું નામ સ્મરણ કરીશ” એવી વૃત્તિ જો તમે રાખશો તો તમે કાંઈ જ કરી શકવાના નથી. ગમે એવા પ્રતિકૂળ સંજોગો હોય છતાં પણ પ્રયત્ન કરવામાં તમને શું વાંધો છે?

એક બીજી વાત. આપણે આપણા શરીર માટે બધું જ કરીએ છીએ. આપણું શરીર આરોગ્યમય રહે એ માટે આપણે ખૂબ કાળજી રાખીએ છીએ. આપણે સમતોલ આહાર લઈએ છીએ, નિષ્ણાતોની તબીબી સલાહ લઈએ છીએ અને એવું બીજું ઘણું બધું આપણે કરીએ છીએ. તેમ છતાં આપણે માંદા પડીએ તો આપણે શું કરી શકવાના? શરીર રોગગ્રસ્ત થઈ જશે, નબળું પડી જશે અને પછી આપણે કોઈ જ કામ નહિ કરી શકીએ. કોઈપણ કામ કરવા માટે શક્તિ રહેશે નહિ. સાંસારિક બાબતોની કાળજી રાખવાની શક્તિ પણ રહેશે નહિ. અને એ સમયે આપણે બધી બાબતોમાં સાવધ થઈ જઈશું. પરંતુ તે વખતે આપણને આપણા મન વિશે કોઈ જ ખ્યાલ નહિ હોય. આપણે આપણા મનને પણ નિરોગી રાખવું જરૂરી છે. જો આપણે આપણા મનને નિરોગી નહિ રાખીએ તો આપણે માટે બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. આ પ્રકારની સમજણ આપણને અત્યારે નથી. આપણે એમ માનીએ છીએ કે આપણા મનની અત્યારે જે હાલત છે તે જ સ્વાભાવિક છે અને તે જ નિરોગી અવસ્થા છે. પરંતુ એ સાચું નથી. અત્યારે આપણા મનની હાલત રોગિષ્ટ દશામાં છે. જો આપણે ધાર્યું હોય એ પ્રમાણે કામ ના થાય તો આપણને ખરાબ લાગે છે. જો તમને કોઈ કઠોર શબ્દો કહે તો તમારો આખો દિવસ ખરાબ જાય છે. જો કોઈ દુ:ખદાયક ઘટના બને તો તમારા મન ઉપર તેની તરત જ અસર થાય છે. મનને શાંત અને સ્વસ્થ રાખવાનું છે. આપત્તિમાં અથવા તો દુ:ખદાયક પ્રસંગ બને ત્યારે પણ એ શાંત અને સ્વસ્થ રહે; અતિશય ગ્લાનિ હોય ત્યારે પણ જરાકે અસ્થિર થયા સિવાય શાંત અને સ્વસ્થ રહે; એ જ મનની નિરોગી અવસ્થા છે. મનને આવું બનાવવા માટે આધ્યાત્મિક સાધનાની આપણને ખાસ આવશ્યકતા રહે છે. વધુમાં, તમને એ પણ યાદ અપાવું કે જયારે આપણે આ જીવનમાંથી વિદાય લઈશું, આપણે જ્યારે આ શરીરને છોડી દઈશું ત્યારે આપણે ફરી જન્મ લેવો પડશે. અને ફરી જયારે જન્મ મળશે ત્યારે આપણને તંદુરસ્ત શરીર મળશે. પરંતુ તંદુરસ્ત મન નહિ મળે. શા માટે? મેં આ સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો પરંતુ સૂક્ષ્મ શરીર તો ચાલુ જ રહે છે અને બીજું સ્થૂળ શરીર ધારણ કરે છે અને આ સૂક્ષ્મ શરીરનું એક અંગભૂત ઘટક છે તે છે મન. મન, બુદ્ધિ, અહંકાર વગેરે પણ આ સૂક્ષ્મ શરીરમાં જ હોય છે. જ્યારે આપણું એનું એ જ સૂક્ષ્મ શરીર હોય ત્યારે મન પણ એનું એ જ હોય અને નવા સ્થૂળ શરીરમાં પણ એ જ મન રહેશે. આથી આ જન્મમાં આ વખતે જ્યારે શરીર છૂટે ત્યારે જો મારું મન નિરોગી નહિ હોય પરંતુ રોગિષ્ટ હશે, તો મારે એ રોગિષ્ટ મન સાથે જ ફરીથી જન્મ લેવો પડશે. અને જો મૃત્યુ સમયે હું મારી સવૃત્તિઓ સાથે શરીર છોડીશ તો એ જ જગ્યાએથી મારા બીજા જન્મે પ્રારંભ કરીશ. શ્રીકૃષ્ણ આ વાત અર્જુનને સમજાવે છે, “ફરીથી શ્રેષ્ઠ કુટુંબમાં તારો જન્મ થશે. જે જગ્યાએ તેં તારી આધ્યાત્મિક સાધના અધુરી મૂકી હશે ત્યાંથી જ તારા બીજા જન્મમાં તું શરૂઆત કરીશ અને જ્યાં સુધી તને ઈશ્વરનો સાક્ષાત્કાર નહિ થાય ત્યાં સુધી આ જ ક્રમ ફરીફરી ચાલુ રહેશે” આટલા માટે આપણે આપણા મન માટે કાળજી રાખવી જોઈએ. પરંતુ આપણે તો એનાથી ઊલટું જ કરીએ છીએ. આપણે મન માટે નહિ પરંતુ શરીર માટે વધારે કાળજી રાખીએ છીએ. જ્યારે તમે તમારા મન માટે કાળજી રાખવાની ઇચ્છા કરશો ત્યારે તમારે જપ, ધ્યાન અને આ બધાંનો અભ્યાસ કરવાનો રહેશે અને ત્યાર પછી જ તમારું મન તંદુરસ્ત બનશે.

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી વાલ્મીકભાઈ એમ. દેસાઈ

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.