(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.)
ભગવાન શંકરાચાર્યે તેમની બ્રહ્મસૂત્રની ટીકાના પ્રારંભમાં કેટલાંક એવાં વાક્યો લખ્યાં જેમાં અત્યાર સુધી કોઈ ફેરફાર કરી શક્યું નથી અથવા તો કોઈ એનું ખંડન કરી શક્યું નથી. એમણે કહ્યું, “સૌથી પહેલી વાત તો એ કે આત્મા અને અનાત્મા, જીવાત્મા અને ભૌતિક પદાર્થ, આ બંને એકબીજાથી વિરોધી સ્વભાવના છે. આમાંથી કોઈપણવાર એક બીજા સાથે એકસરખાપણું નથી. કઈ દૃષ્ટિએ એ વિરોધાભાસી છે? ‘તમ:પ્રકાશવત્ વિરુદ્ધ:’ ‘પ્રકાશ અને અંધકારની પેઠે એકબીજાથી વિરુદ્ધ છે.’ દિવસ અને રાત્રિની પેઠે તેઓ એકબીજાથી ભિન્ન છે. એવી જ રીતે આત્મા અને અનાત્મા, ચેતન અને જડ (અચેતન) એ પ્રકૃતિથી જ ભિન્ન છે. આથી આ બંનેનું સંયોજન કરવું અથવા સંમિશ્રણ કરવું એ અશક્ય છે. પરંતુ મહામાયાનો ખેલ જ એવો છે કે આપણે આ બે વિરોધી વસ્તુઓને એકબીજામાં ભેળવી દઈએ છીએ અને કહીએ છીએ, “હું આ ઓરડામાં છું.”, “હું ક્ષત્રિય છું”, “હું બ્રાહ્મણ છું.” “હું સુંદર છું.” “હું શ્યામ છું”, “હું સુખી છું.” “હું દુ:ખી છું.” “મારું કુટુંબ, મારો પુત્ર, મારો પતિ, મારું ઘર, મારી મિલ્કત, મારો વેપાર” વગેરે આવું બધું આપણે કહીએ છીએ.
હવે જુઓ, શરૂઆતમાં જે કહેવામાં આવ્યું તેના અનુસંધાનમાં, હું અહીં આ ઓરડામાં કેવી રીતે હોઈ શકું? સર્વવ્યાપી આત્મા, આ ઓરડામાં બેઠેલો હોય એ કેવી રીતે બની શકે? આત્માને શરીર સાથે અભિન્નપણે જોડીને હું કહું છું, કે હું અહીં બેઠો છું. પરંતુ શરીર તો અચેતન એટલે જડ છે અને આત્મા ચેતન છે અને હું આ બંનેનું એક સાથે જોડાણ કરી દઉં છું. આવી જ રીતે, હું કહું છું કે “હું ક્ષત્રિય છું. હું જ બ્રાહ્મણ છું, વગેરે.”
વળી, મનનાં કાર્યોને આત્મામાં આરોપણ કરીને હું કહું છું કે, “હું સુખી છું, હું દુ:ખી છું” અને એ પ્રકારની બીજી તમામ બાબતો કહીએ છીએ – ઉપરાંત, હું આત્મા ઉપર બાહ્ય વસ્તુઓનું આરોપણ કરું છું, અને કહું છું કે “મારું કુટુંબ, મારા પતિ, મારો પુત્ર” અને સાથે-સાથે ભૌતિક બાબતોની વાત પણ કરું છું – “મારું ઘર, મા મિલ્કત વગેરે.” એકબીજાંથી તદ્દન ભિન્ન હોવાથી એ બંનેને ભેગાં કરવાનું અશક્ય છે. આમ છતાં પણ, બંને વસ્તુઓ ભેગી થઈ જાય છે. એનું શું કારણ છે અજ્ઞાન એ જ એનું કારણ છે. આ અજ્ઞાન એ પણ મા છે. આ અજ્ઞાન જ આપણી પાસે આ બંને ભિન વસ્તુઓને ભેગી કરાવે છે. ચેતન અને અચેતન અથ જડ વચ્ચેની ગ્રંથિ એ જ આપણાં બંધનનું કારણ છે. આપણે ચેતન આત્માને અચેતન જડ પદાર્થમાંથી છૂટ પાડી શકીએ અને જો આપણે સ્પષ્ટપણે સમજી શકી કે આપણે એ આત્મા છીએ અને આપણને એ જડપદા સાથે કશી જ લેવાદેવા નથી, તો આપણને મુક્તિની પ્રાપ્તિ થશે. જેમણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોય છે એ લોકો જડ અને ચેતનની ગ્રંથિને ભેદી શકે છે; ફક્ત એવા લોકો જ તમામ સંશયોમાંથી મુક્ત થઈ શકે છે; એમનાં સંચિત કર્મોનો ક્ષય થઈ જાય છે, અને એઓ મોક્ષને પામે છે. એક ઋષિએ કહ્યું છે “જે અંધકારની પેલે પાર છે, માયાની પેલે પાર છે એ પરમતત્ત્વનાં મેં દર્શન કર્યાં છે.”
એ ૫૨મ તત્ત્વને જાણ્યા સિવાય મૃત્યુના સકંજામાંથી છૂટવાનું શક્ય નથી. આથી ઈશ્વરનો સાક્ષાત્કાર એક એવો માર્ગ છે, જે આપણને દુ:ખમાંથી મુક્ત કરી શકે. અજ્ઞાન આપણા જ્ઞાનની આડે આવે છે, અને તેથી ચેતન એવા આત્માને નિહાળી શકતા નથી. આ અજ્ઞાન શું છે? એ છે “હું” અને “મારું” ની ભાવના. “આ આપણું છે” એ અજ્ઞાન છે. “હું અને મારું” એ અજ્ઞાન છે અને “તુ” અને “તારું” એ જ્ઞાન છે. “હું અને મારું” એ અજ્ઞાન છે એનો અર્થ એમ થાય કે હું સ્વાર્થી છું. હું મારા નાનકડા “અહમ્”ને સંતોષું છું. આ જ સ્વાર્થવૃત્તિ છે. જો આપણે સંપૂર્ણપણે નિ;સ્વાર્થ બની શકીએ તો આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે સંપૂર્ણ નિઃસ્વાર્થવૃત્તિ બરાબર શુદ્ધપ્રેમ અને શુદ્ધ પ્રેમ બરાબર પરમાત્મા. જ્યારે આપણે પૂરેપૂરા નિ:સ્વાર્થી હોઈએ છીએ ત્યારે આપણે શુદ્ધ પ્રેમને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ઈશ્વર એ તો શુદ્ધ પ્રેમનું જ સ્વરૂપ છે. આ પ્રકારે માનવી ઈશ્વરનાં દર્શન કરી શકે છે.
હવે આપણે જોઈએ કે આ અજ્ઞાનનો નાશ કેવી રીતે કરી શકાય? એવો ક્યો માર્ગ છે જેના પર જવાથી આ “હું” અને “મારું”ની ભાવનાનો વિનાશ થઈ શકે? આપણે વ્રતો આચરીએ છીએ, યાત્રાઓ કરીએ છીએ અને ધનનું દાન કરીએ છીએ. આ બધું કશાય ઉપયોગમાં આવવાનું નથી. શ્રી શંકરાચાર્યે કહ્યું છે કે આ બધું કોઈપણ પ્રકારે સહાયભૂત થવાનું નથી. જ્યાં સુધી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું નહિ ત્યાં સુધી આપણે મુક્તિ પામીશું નહિ. આ બધી વસ્તુઓ ગૌણ છે. તમે દાન કરો, યાત્રા કરો અથવા તો તમે ધાર્મિક વિધિઓથી પૂજા અર્ચા કરો અથવા મંદિરોમાં દર્શન કરવા જાઓ અને ત્યાં પૈસા મૂકો અથવા તો ગમે તે કોઈ વ્રતોનું આચરણ કરો – આ બધી બાબતો સામાન્ય કોટિની છે. વધારામાં, આજકાલ ધર્મ એ વાસ્તવમાં માત્ર સામાજિક રૂઢિ બની ગયો છે. જે જે નીતિરીતિઓ કે સ્થાનિક રીતરિવાજો ઉપર પંડિતોએ પોતાનો અંગત સિક્કો જમાવ્યો છે તે જ આપણે માટે ધર્મ બની ગયો છે. (સમષ્ટિ માટેનો ધર્મ બની ગયો છે) ધાર્મિક બનવા માટે આપણે બીજી કોઈપણ બાબતોને આવશ્યક ગણતા નથી. આપણે તો માત્ર પેલા સ્થાનિક રિવાજોને જ તાબે થઈ જઈએ છીએ. વળી, જે લોકો આ સ્થાનિક રિવાજોને પાળતા નથી તેમને આપણે અધાર્મિક એટલે કે નાસ્તિક ગણીએ છીએ. આપણે સ્થાનિક રિવાજોને અનુસરીએ છીએ એટલે આપણે એમ માનીએ છીએ કે આપણે ધાર્મિક છીએ. આપણામાં વિકસી રહેલી આ એક અત્યંત સંકુચિત મનોવૃત્તિ છે. પરંતુ જેને આપણે અધાર્મિક અથવા તો નાસ્તિક કહીએ છીએ એ લોકો જ ખરા દિલથી નિખાલસતાથી સત્યના અથવા પ્રામાણિકતાના રાહ ઉપર જઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં આપણે તેમને નાસ્તિક કહીએ છીએ. આમ બને છે એનું કારણ એ છે કે આપણી સમજણ સંકુચિત છે. “હું જે કાંઈ કરું એ ધર્મ છે. એ સિવાયનું બીજું જે કાંઈ પણ હોય એ ધર્મ હોઈ શકે નહિ.” જ્યારે માનવસમાજ આવી ગેરસમજણથી પીડાતો હોય ત્યારે ભગવાન અવતરે છે અને આપણને ધર્મની સાચી સમજ આપે છે. આ જગતમાં આ જ પ્રકારની ઘટના ફરીથી બની. શ્રીરામકૃષ્ણ આવ્યા અને સાચો ધર્મ શું છે એ બતાવ્યું. ધર્મ એ ઈશ્વરનો સાક્ષાત્કાર છે. એ જ માનવજીવનનો ઉદ્દેશ છે. સ્વામીજીએ પણ કહેલું કે ધર્મ જ સાક્ષાત્કાર છે. એમણે એમ પણ કહ્યું હતું કે બાહ્ય અને આંતર પ્રકૃતિ ઉપર કાબૂ મેળવીને સુપ્ત આત્માને જાગૃત કરવો એ જ સાચો ધર્મ છે. ધર્મનો મૂળભૂત હેતુ જ આ છે. આપણે એ કેવી રીતે આચરી શકીએ? કર્મ, જ્ઞાન, ભક્તિ અથવા તો રાજયોગ એ બધામાંથી કોઈ પણ યોગના અનુસરણ દ્વારા આમાંથી કોઈ એકની અથવા બધાની મદદ વડે આપણે આપણી અંદર રહેલા આત્માનો અર્થાત્ બ્રહ્મનો આવિષ્કાર કરી શકીએ. જે આત્માનો આવિષ્કાર થાય તો જ આપણે મુક્ત થઈ શકીએ. આમાં બધો ધર્મ આવી જાય છે. મંદિરો, શાસ્ત્ર-ગ્રંથો, વિધિઓ, વ્રતો એ બધી ગૌણ વાતો છે. પરંતુ આપણે કરીએ છીએ શું? ગૌણ વાતોને આપણે મુખ્ય બનાવી દઈએ છીએ અને પછી મુખ્ય વાતો આપણી દૃષ્ટિમર્યાદા બહાર જતી રહે છે.
હવે જોઈએ તો ધર્મનો પ્રથમ પુરાવો છે ત્યાગ. ત્યાગ સિવાય ધર્મ સંભવી શકે નહિ. હું અને મારું પ્રત્યે તથા સંસારના ભોગજન્ય પદાર્થો પ્રત્યે વીતરાગવૃત્તિ ના હોય ત્યાં સુધી દુનિયાની કોઈપણ વસ્તુ મને શાંતિ આપી શકશે નહિ. આ પ્રકારની સમજણ ના આવે ત્યાં સુધી કોઈપણ માણસ ધાર્મિક બની શકે નહિ. “હું આ સંસારની માયાજાળમાં ફસાઉં; મારા ઉપર જ્યારે આફત આવશે ત્યારે હું સમજવા પ્રયત્ન કરીશ.” – આ સાચો માર્ગ નથી. અન્ય કોઈ રસ્તો છે કે નહિં એની આપણે તપાસ કરવી જોઈએ.
જ્યારે માણસના મનમાં આવો વિચાર આવે છે ત્યારે એ વિચાર કરતો થઈ જાય છે કે, “આ સંસારમાં જે કોઈપણ છે તે દરેક મૃત્યુના મુખમાં જનાર છે. સમય જતાં બધું જ નાશ પામવાનું છે.” જન્મ અને મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થા એ આ સંસારનું વિશિષ્ટ લક્ષણ છે. જયારે બુદ્ધ ભગવાને શહેરની મુલાકાત લીધી ત્યારે એમને આ પ્રમાણેના અનુભવો થયા. એમણે જોયું કે માનવી જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિથી પીડાય છે અને આ બધાં સંસારનાં વિશિષ્ટ લક્ષણો છે. આ દુ:ખમાંથી છૂટકારો મેળવવાનો માર્ગ શોધવા માટે એમણે સંસારનો ત્યાગ કર્યો. આથી એટલું તો નિશ્ચિત છે કે આ સંસારમાં શાંતિ નથી. સંસારમાં તો મુશ્કેલીઓ આવ્યા જ કરવાની. તેથી જ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે: “જો તારે શાંતિ પ્રાપ્ત કરવી હોય તો મારી પાસે આવ, મારી ભક્તિ કર અને મારી પૂજા કર” અને એ જ ઉદ્દેશથી યોગના ચાર માર્ગોમાંથી કોઈપણ માર્ગને આપણે અનુસરીએ અને પરમાત્મા પ્રતિ પ્રયાણ કરીએ.
આ ચાર યોગમાંથી, જ્ઞાનયોગ (એટલે કે જ્ઞાનનો માર્ગ) આપણને શીખવે છે કે “હું આ દેહ નથી, મન પણ નથી, કે બુદ્ધિ અથવા તો અહંકાર પણ નથી.” આ પ્રમાણે હું આત્માને બીજી બધી બાબતોથી જુદો તારવું છું અને મારી જાતને આત્મા પાસે લઈ જઉં છું. જયારે હું એ બધા વિચારોમાં સ્થાયી થઈશ, એ પ્રકારના ધ્યાનમાં સ્થિર થઈશ ત્યારે મારામાં જ્ઞાનના પ્રકાશનો ઉદય થશે. આ જ પ્રમાણે કર્મયોગનો અર્થ એ થાય કે આપણી જાત માટે વિચાર જ નહિ કરવાનો. બીજાઓ માટે જ વિચારવાનું. જયારે હું બીજા લોકો માટે કાર્ય કરતો થઈશ ત્યારે હું મારી જાતને વિસરી જઈશ. હું બીજાઓને હંમેશાં યાદ કરીશ અને છેવટે આ સંપૂર્ણ જગત સાથે એકરૂપ બની જઈશ અને ત્યારે હું આ જગતની સેવા કરી શકીશ. અને એ જ છે ઈશ્વરનો સાક્ષાત્કાર. “હું અને મારું સંપૂર્ણપણે ભૂંસાઈ જશે.” એ જ રીતે ભક્તિના માર્ગમાં પણ હું જે કાંઈ કાર્ય કરું છું તે મારા ઈશ્વરને માટે જ કરું છું. આ પ્રમાણે ઈશ્વરના વિચારામાં હું મારી જાતને સમર્પિત કરી દઈશ. રાજયોગના માર્ગમાં પણ એમ જ બને છે. જયારે “હું” અને “મારું” છૂટી જાય છે અને મન ઈશ્વરમાં જ એકાગ્ર બને છે ત્યારે બીજા બધા જ વિચાર તરંગો વિલીન થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે અને માત્ર પરમાત્માનો વિચાર જ કાયમ રહે છે. જયારે મન પરમાત્માના વિચારમાં જ તલ્લીન થઈ જાય છે ત્યારે જયાં પવનનો પણ પ્રવેશ ના હોય એવી જગ્યામાં જેમ મીણબત્તીની જયોત બિલકુલ સ્થિર રહે છે તેવી સ્થિરતાની પ્રાપ્તિ થશે અને ત્યારે તમને પરમાત્માનું દર્શન થશે. ત્યારે તમારા મનમાં પરમાત્મા સિવાય બીજો કોઈપણ વિચાર આવશે નહિં. ગમે તેવી પરિસ્થિતિમાં આપણે આપણા નાના “હું”ને વિસરી જઈએ અને પરમાત્માના પરમ ભવ્ય “હું”ને યાદ કરીએ, અને એનામાં જ એકાકાર થઈ જઈએ. આપણા જીવનમાં આપણે ચાર યોગમાંથી ગમે તે એક યોગનો અથવા બેનો અથવા બધાનો સફળતાપૂર્વક અભ્યાસ કરવાનો છે.
ભક્તિનો માર્ગ સરળમાં સરળ છે. જે લાકોમાં વૈરાગ્યના ભાવ પ્રબળ હાય એવાઓ શાનનો માર્ગ ગ્રહણ કરી શકે છે. પરંતુ સામાન્ય રીતે, મોટાભાગના લોકો માટે ભક્તિમાર્ગ અનુકૂળ છે.
રાજયોગનો અભ્યાસ ઘણો દુષ્કર છે. પરંતુ ભક્તિનો માર્ગ સરળ છે. સામાન્ય રીતે લોકો સંસારમાં આસક્તિ ધરાવતા હોય છે અને સાથે-સાથે ઈશ્વરને ચાહતા પણ હોય છે. સંસારમાં આ પ્રકારના લોકોની સંખ્યા વધારે છે. આથી શ્રીરામકૃષ્ણ કહે છે કે આ પ્રકારના લોકો માટે મહર્ષિ નારદે પ્રબોધેલો ભક્તિનો માર્ગ સારો છે. આપણે સામાન્ય રીતે ભક્તિમાર્ગને જ અનુસરતા હોઈએ છીએ. દ્વૈતવાદી તરીકે આપણે ભક્તિમાર્ગનો પ્રારંભ કરીએ છીએ. હું અને ઈશ્વર બંને જુદા છીએ. મારે ઈશ્વરનું દર્શન કરવાનું છે. આ રીતે આપણે શરૂ કરીએ છીએ. અને અંતે આપણે એની કૃપાથી પરમાત્માના અદ્વૈત અથવા નિરાકાર સ્વરૂપની અનુભૂતિ કરીએ છીએ. ઈશ્વરના નિરાકાર સ્વરૂપની અનુભૂતિ આપણે માત્ર પરમાત્માની કૃપાથી કરી શકીએ છીએ. જેમ શ્રીરામકૃષ્ણ પરમહંસને મા કાલીનાં દર્શન પહેલાં થયાં અને ત્યારપછી નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો, તેવી જ રીતે આપણે પણ દ્વૈતથી જ શરૂઆત કરીએ તો પણ આપણને ઈશ્વરનાં અથવા આપણા ઈષ્ટદેવના દર્શન થશે. અને પછી નિરાકાર ઈશ્વર અને નિર્ગુણ બ્રહ્મના સાક્ષાત્કાર માટે વધુ સમય લાગશે નહિ. તમે જે કોઈ ઈષ્ટદેવતા કે પરમાત્માની પૂજા કરતા હો, તે પરમાત્માની કૃપા દ્વારા જ તમે ઈશ્વરના નિરાકાર સ્વરૂપનો સાક્ષાત્કાર જલદીથી કરી શકશો.
પરંતુ, પહેલાં તો એ જાણી લો કે આ સાકાર ઈશ્વર અથવા તો ઈષ્ટદેવતાનો સાક્ષાત્કાર થવો એ ખૂબ વિકટ કામ છે. એ માટે તમારે પ્રથમ તો બાહ્ય વિધિઓથી શરૂઆત કરીને પછી જપ અને પછી ધ્યાન કરવાનું છે. બાહ્ય વિધિઓ એ ખૂબ નીચી કક્ષાનું કાર્ય છે. પછીની કક્ષાએ આવે છે જપ. બાહ્ય-પૂજા-વિધિઓ કરવાના પરિણામે જ્યારે મન બરાબર તૈયાર થાય ત્યારે જપ કરવાના છે. જપ મનને ધ્યાન માટે તૈયાર કરશે. માણસે ધ્યાન માટે તલ્લીન થઈ જવું જોઈએ. ધ્યાનની કક્ષા બધામાં ઊંચામાં ઊંચી છે. આપણામાંના મોટા ભાગના લોકો જેમને ધર્મનો અભ્યાસ કરવાની ઈચ્છા છે તેઓ બાહ્યવિધિઓ ઉપ૨ જ વધારે ભાર મૂકે છે. આવા લોકો જપ અને ધ્યાન ઉપર બહુ જોર આપતા નથી. તેઓ પવિત્ર સ્થળોમાં જાય છે અને બધા દેવો તથા દેવીઓને જળ અથવા ફૂલ ચઢાવવામાં રચ્યાપચ્યા રહે છે અને એ રીતે પોતાનો સમય બરબાદ કરે છે. એ લોકોની કાયમની ફરિયાદ છે કે તેમને જપ અને ધ્યાન કરવા માટે સમય જ મળતો નથી. આ પ્રકારના લોકો પાછા એમ પણ કહે છે કે મારું મન સ્થિર થઈ શકતું જ નથી.” મન કેવી રીતે સ્થિર થઈ શકે ? જપ અને ધ્યાનનો અભ્યાસ કર્યા સિવાય મન સ્થિર થઈ શકે નહિ. ઘણા લોકો એમ માને છે કે જો તેમને દીક્ષા આપવામાં આવે તો તેમનું મન સ્થિર થઈ શકશે. એ વળી તદ્દન જુદી વાત થઈ. માણસે વર્ષો સુધી અભ્યાસ કરવો પડે. શ્રી શ્રીમા આપણને કહે છે, “વ્હાલા ભાઈ! સંતો મહાત્માઓ જે અનેક જન્મો સુધી પ્રાપ્ત કરી શક્યા નહિ (કઠોર આધ્યાત્મિક અભ્યાસમાંથી પસાર થયા બાદ જ તેમને ઈશ્વર પ્રાપ્તિ થઈ હતી), તે સાક્ષાત્કાર તારે શું ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી લેવો છે?” આમ કહ્યા પછી તેઓ આગળ કહે છે, “પરંતુ હવે શ્રીરામકૃષ્ણનું અવતરણ થયું છે અને એમણે બધું સરળ બનાવી આપ્યું છે. જે કોઈપણ થોડોક પણ અભ્યાસ કરશે તેને પ્રકાશ અવશ્ય મળશે.” પરંતુ એ “થોડોક” અભ્યાસ માણસે કરવો જોઈએ. જો એ “થોડોક” અભ્યાસ પણ આપણે ના કરીએ તો પછી આપણે એની (સાક્ષાત્કારની) પ્રાપ્તિ કેવી રીતે કરી શકીશું? સામાન્ય રીતે મેં જોયું છે કે જેઓ જપ કરતા હોય છે, (હું બધાની વાત નથી કરતો) તેઓ તેમનો મોટાભાગનો સમય બાહ્ય પૂજાવિધિઓમાં જ ગાળે છે અને જપ તો માત્ર એકસો આઠવાર જ કરે છે. એટલું જ માત્ર તેઓ કરે છે. એકસો આઠ વખતથી વધારે વાર જપ કરવાની આવશ્યકતા એ લોકો સમજ્યા જ નથી. જેટલો જપ તમે વધારે કરો એટલા વધારે તમે ઈશ્વર તરફ જવાના માર્ગે પ્રગતિ કરો છો.
(ક્રમશ:)
ભાષાંતર: શ્રી વાલ્મિકભાઈ દેસાઈ
Your Content Goes Here




