એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો છો? એમ કદાપિ ન થઈ શકે. તમારે કઠિન સાધના કરવી પડશે. યાદ રાખો કે સાધના અને સિદ્ધિ વચ્ચે ત્રિરાશિના નિયમનો સંબંધ નથી. આપણા હૃદયની બધી જ શક્તિ ઈશ્વર તરફ અભિપ્રેરિત થવી જોઈએ. આપણે તેમના માટે સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર રહેવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવનું એક ઉદાહરણ લઈએ. સમુદ્ર વચ્ચે ચાલતાં એક વહાણના કૂવાથંભ પર બેઠેલું પક્ષી કિનારે પહોંચવા માટે વારંવાર અલગ અલગ દિશાઓમાં ઊડતું રહે છે, પરંતુ અંતે એ થાકીને આરામ કરવા માટે છેવટે કૂવાથંભ પર જ પાછું ફરે છે. અને જ્યારે વહાણ બંદર પર પહોંચે છે ત્યારે તે અનાયાસ જ કિનારે પહોંચી જાય છે. તે પક્ષીની જેમ આપણે પણ યથાશક્તિ પ્રયત્નો કરી એ અનુભવ કરી લેવો જોઈએ કે તમામ પ્રયત્નો કરવા છતાં પણ આપણે નિષ્ફળ રહ્યા છીએ. એટલે સમજો કે, સાધના પાંખોને થકાવવા માટે આવશ્યક છે અને તેનાથી આપણો અહં સંપૂર્ણપણે નષ્ટ થઈ જવો જોઈએ. સંતાકૂકડીની રમત રમાડીને ઈશ્વર આપણા અહંકારનો નાશ કરે છે. સામાન્ય રીતે આપણે આપણા અધિકાર અને સામર્થ્યની વાત વિચારતા હોઈએ છીએ, આપણે વિચારીએ છીએ કે આપણે કંઈક કરવું જોઈએ, આપણે કહીએ છીએ કે આપણે આ કરી શકીએ છીએ, પેલું કરી શકીએ છીએ તથા ઈશ્વરને પોતાના પ્રયત્નોથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તેનું કારણ એ છે કે આપણે સંસારમાં પોતાના અનુભવ અને અહંભાવથી ઘણી વસ્તુઓ પ્રાપ્ત કરી લઈએ છીએ, એટલા માટે ઈશ્વરને પણ એ જ રીતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આપણે એ સમજી લેવું જોઈએ કે આ બધા પ્રયત્નો આપણા મનને શુદ્ધ કરે છે અને તેને ઈશ્વરાભિમુખ બનાવી રાખવામાં મદદ કરે છે. એટલા માટે એ જરૂરી છે. જો તમે પોતાને સાધનામાં પ્રવૃત્ત ન કરો તો તમે પૂર્ણ શરણાગતિ પ્રાપ્ત નહીં કરી શકો. આ શરણાગતિ તો ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસથી જ આવે છે. જ્યારે મનુષ્ય પોતાના પ્રયાસોની છેવટની સીમાને પણ નિરર્થક સમજી લે છે, ત્યારે તે સમર્પણ કરે છે. આ જ વાસ્તવિક સ્વભાવ છે અને તે સાધનાના અંતે ખંતથી પ્રાપ્ત થાય છે.
મા પોતાના બાળકને રમકડાં આપી દે છે અને જ્યાં સુધી તે બાળક રમતું રહે છે ત્યાં સુધી પોતાનું કામકાજ કરતી રહે છે. જ્યાં સુધી તે રમતું રહે છે કે થોડું રડે છે, ત્યાં સુધી તે બાળક તરફ ધ્યાન નથી આપતી, પરંતુ જે ક્ષણે કોઈ જોખમ આવવાથી તે બાળક જોરથી રડવા લાગે છે ત્યારે મા એકદમ દોડીને તેની પાસે આવી જાય છે. તે જાણતી હોય છે કે બાળકનું રડવાનું બનાવટી છે કે સાચું છે. તે એ જાણતી હોય છે કે પોતે ત્યાં જવું જોઈએ કે નહીં. એ જ પ્રમાણે, જ્યારે ઈશ્વર માટે આપણું રુદન હૃદયમાંથી નીકળતું હોય ત્યારે તેઓ સાંભળે છે. આનો અર્થ એ છે કે આપણી સમગ્ર શક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે લગાવી દેવી જોઈએ. જેમ પરીક્ષામાં પાસ થવા માટે તમે તમારી બધી જ શક્તિ લગાવી દો છો, તેમ ઈશ્વરપ્રાપ્તિ માટે પણ સમગ્ર શક્તિ લગાવી દેવી જોઈએ.
મહર્ષિ પતંજલિ યોગસૂત્રોમાં ધ્યાનનાં ત્રણ લક્ષણોની ચર્ચા કરે છે: ‘दीर्घकाल-नैरंतर्य-सत्कारासेवित:’ दीर्घकालનો અર્થ છે લાંબા સમય સુધી. नैरंतर्यનો અર્થ છે, નિરંતર, બધો વખત. અર્થ એ છે કે નિયત સમયે અભ્યાસ કરવાની સાથે સાથે મનને નિરંતર ઈશ્વરમાં જોડી રાખવું જોઈએ. કોઈ નક્કી કરેલા સમયે જ ઈશ્વરનું નિયમિત ધ્યાન કરવા માત્રથી તે શક્ય નહીં બને, પરંતુ મનના એક ભાગને હંમેશાં ઈશ્વરમાં સ્થિત કરવું પડશે. ત્રીજું લક્ષણ છે सत्कार, એટલે કે તત્પરતા. કંઈ પણ દેખાડો ન હોવો જોઈએ; જે કંઈ કરો, તે તેમના પ્રતિ પૂર્ણશ્રધ્ધાથી કરવું જોઈએ. સફળતા માટે દીર્ઘ, નિરંતર અને નિષ્કપટ અભ્યાસ આવશ્યક છે.

એટલા માટે તમારી સાધનાને આ ત્રણ ગુણોની કસોટી પર કસો. ઈશ્વર-સાક્ષાત્કારને તમારા જીવનનું સર્વોચ્ચ ધ્યેય બનાવી લો. એક હિન્દુ હોવાના નાતે તમારે આ જ જીવનમાં ઈશ્વરપ્રાપ્તિ કરી લેવી જોઈએ. જીવનનું આ સર્વોચ્ચ સંશોધન તમારી સંપૂર્ણ શક્તિ માગે છે. એમ ન કહો કે યુવાની તો મોજમજા માટે છે, વૃદ્ધાવસ્થામાં ધર્માચરણ કરી લઈશું. વૃદ્ધાવસ્થામાં તમે સાધના કરવા યોગ્ય નહીં રહો. એટલે અત્યારથી જ ખંતપૂર્વક સાધનામાં લાગી જાઓ. જો તમારી ઇચ્છા પૂર્ણ ન થાય તો પોતાને જ દોષિત માનો. ભવિષ્ય માટે કશું બાકી ન રાખો, નહીં તો પરિણામ શૂન્ય આવશે. ઉપનિષદ કહે છે, ‘જે કંઈ પણ તમે અહીં અને હમણાં જ મેળવો છો તે જ તમારું છે.’ એટલા માટે વર્તમાન સુઅવસરનો સદુપયોગ કરો અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લો. કામકાજ કરતાં કરતાં પણ આધ્યાત્મિક બાજુ પર જોર આપો. ગીતામાં કહ્યું છે, થોડી પણ શ્રદ્ધા ઘણું બધું કરી દેશે, નાનો અમથો પ્રયત્ન પણ આપણને મોટા ભયથી બચાવી લેશે.
પ્રવાહીસ્થિતિના વિજ્ઞાનમાં પ્રવાહીના વિરોધાભાસ (hydrostatic paradox ) વિષે સાંભળ્યું છે. જ્યારે સાથે જોડેલાં બે વાસણોમાંથી એક નાના વાસણને જળથી ભરી દેવામાં આવે ત્યારે બંને વાસણોમાં જળ સમતલ થઈ જાય છે. એટલા માટે ખુદને ઈશ્વર સાથે જોડી દો, નિષ્કપટ થઈ જાઓ અને ભગવાન માટે કર્મ કરો. બંગાળના મહાન સંત રામપ્રસાદનું કહેવું છે, ‘હું તમને તમારી પસંદગી પ્રમાણે મારી શ્યામા માની પૂજા કરવાનું કહું છું.’ તમારા હાથને ઈશ્વરનું નામ ગણવાના કામમાં લાવો, એટલે કે જાપ કરવામાં લગાવો. ભોજન કરતી વખતે વિચારો કે તમે તમારા ઇષ્ટને નૈવેદ્ય ધરી રહ્યા છો. દરેક શબ્દ ઈશ્વરનો મંત્ર છે અને એટલે જ્યારે તમે કશું સાંભળો તો એમ વિચારો કે તમે ભગવાનનું નામ સાંભળી રહ્યા છો. પ્રત્યેક માનવ-શરીરમાં ઈશ્વર નિવાસ કરે છે; અને એટલા માટે જ્યારે પણ તમે ચાલો ત્યારે સમજો કે તમે પ્રદક્ષિણા કરી રહ્યા છો. હંમેશાં આંખોથી તેમનું રૂપ જુઓ; વગેરે. આ રીતે તમારે તમારી તમામ સાંસારિક પ્રવૃત્તિઓને આધ્યાત્મિક બનાવવી જોઈએ. દરેક મનુષ્ય પોતાના દૈનંદિન જીવનમાં આવું કરી શકે છે.
ઈશ્વર જ સત્ય છે. જેમ સમુદ્રમાં ડૂબેલા રહેલા ઘડાની અંદર તેમજ બહાર બધે જ જળ હોય છે, તે જ રીતે આપણે અંદર અને બહાર ઈશ્વરથી ઓતપ્રોત છીએ. ઈશ્વરની ઉપસ્થિતિનો જેટલો અનુભવ કરી શકાય તેટલો કરો. ઈશ્વર સંબંધી વાદ-વિવાદમાં સમય નષ્ટ ન કરતાં ઈશ્વર પ્રત્યેની તમારી તૃષ્ણાને તૃપ્ત કરો. સ્વામી રામકૃષ્ણાનંદજીએ મને કહ્યું હતું, ‘જે પ્રકારે પાણીમાં ડૂબતો મનુષ્ય શ્વાસ લેવા માટે વલખાં મારે છે, તે જ રીતે ઈશ્વર માટે પણ વ્યાકુળ થવું જોઈએ.’ ઈશ્વરપ્રાપ્તિની ખરેખર ઇચ્છા કરવી જોઈએ. જો તમને ઈશ્વર સિવાયની બીજી કોઈ વસ્તુની ઇચ્છા છે તો તમારા મનને કહો કે ખરેખર તમે શું ઇચ્છો છો અને તમે પોતાની જાત સાથે વિશ્વાસઘાત ન કરો. જો તમારી ઇચ્છાઓની પૂર્તિ માટે ઘણી વધારે મહેનત અને શક્તિની જરૂર પડતી હોય તો તેને પૂર્ણ ન કરો; પરંતુ જો ઇચ્છાઓ નાની નાની હોય અને વધુ નુકસાનકારક ન હોય તો તેની પૂર્તિ કરી લો અને મુક્ત થઈ જાઓ. ઈશ્વરને સાચો પ્રેમ કરો ને તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરો. ઈશ્વર તમને મદદ કરશે તેવો વિશ્વાસ રાખીને તમારી સાધના અને તમારા માર્ગને પોતે જ પસંદ કરો. ઈશ્વરને પ્રાર્થના કરો અને તેમના માટે વાસ્તવિક વેદનાનો અનુભવ કરો. શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, ‘જો તમે હૃદયપૂર્વકથી પ્રાર્થના કરો તો તેઓ અવશ્ય તમારા પર કૃપા વરસાવશે.’ તેઓ ક્યારેય ખોટું વચન નથી બોલ્યા. તેઓ બોધ આપવા માટે આવ્યા હતા. તેમણે કહ્યું હતું, ‘જો તમે ખરેખર જ ઈશ્વરને પ્રેમ કરો છો તો તમે જલદીથી તેમને પ્રાપ્ત કરશો.’ જો આપણો પ્રયત્ન નિષ્ઠા અને વ્યાકુળતા ભર્યો હશે તો ઈશ્વર-સાક્ષાત્કાર માટે એટલો જ સમય લાગશે, જેટલો ગાયના શિંગડા પરથી રાઈના દાણાને નીચે પડતાં લાગે છે. પોતાને ઈશ્વરનું સંતાન સમજો. તેમની સાથે સંબંધ તો પહેલેથી જ છે, માત્ર તેને યાદ કરો. જેમ દાંતમાં સતત દુ:ખાવો થતો હોય તેમ ઈશ્વરનો વિચાર મનમાં નિરંતર ચાલવો જોઈએ. હું વિશ્વાસપૂર્વક કહું છું કે આ જ જીવનમાં ઈશ્વરનાં દર્શન કરી લેવાં ખરેખર જ શક્ય છે. હું એ કહેવાની સ્વીકૃતિ લેવા માગીશ કે મારા તુચ્છ અનુભવ અને શ્રીરામકૃષ્ણદેવના સેવકોના પવિત્ર સાન્નિધ્યે મારામાં આવો વિશ્વાસ ભર્યો છે.
8 Comments
Leave A Comment
Your Content Goes Here






જય ઠાકુર, શ્રી માં, સ્વામીજી 🙏
જય ઠાકુર, શ્રી માં, સ્વામીજી 🙏
🙏😇
કેટલી સરળ અને સચોટ વાત. કેવાં સ્પષ્ટ ઉદાહરણો. ઠાકુર – મા – સ્વામીજીની જ વાત આગળ વધારતા આ મઠના સંતો નમ્રતાથી દુનિયા ના માર્ગદર્શક બની રહ્યા છે! એમને મોટા મોટા શિખરબંધી મંદિરો બાન્ધવાનો કે એના માટે ફાળા ઉઘરાવાની પ્રવૃત્તિ કરવાનો સમય નથી. એ તો એક એક વ્યક્તિના હૃદયને મંદિર બંનાવવા પ્રવૃત્ત છે. જય હો,રામકૃષ્ણ સંઘ અને એના નિસ્વાર્થ સ્વામીઓનો. જય મા
જય ઠાકુર, શ્રી માં, સ્વામીજી 🙏
👍🏻👌🏻
Jay thakur. Thanks for appreciation. અમારી પ્રવૃત્તિઓની સફળતાનો મોટો શ્રેય વિનમ્ર ભક્તોને જાય છે કારણકે તેઓ જ મોટા ભાગનું કામ કરે છે.
🙏🥀જ્ય શ્રી રામકૃષ્ણ પરમહંસ ભગવાન! 🥀🙏
સ્વામીશ્રી માધાવાનંદજી ! સાદર પ્રણામ !
લેખ ઘણોજ ઉપયોગી અને પ્રેરણાદાયક છે
🥀🙏