ઇંગ્લેન્ડમાં ચાર વર્ષ પહેલાં વિવેકાનંદ વર્ગની શરૂઆત કરવામાં આવી. અત્યાર સુધી ભારતીય બાળકો માટે સાંપ્રદાયિક્તાના પાયા વગરના આધ્યાત્મિક શિક્ષણ માટે કોઈ જ જોગવાઈ ન હતી.

નૃત્ય, નાટક, સંગીત અને ભાષાના શિક્ષણ માટે ઘણા વર્ગો હતા, પણ આધ્યાત્મિક્તા માટે કશું ન હતું.

આ જરૂરિયાતને પૂરી પાડવા અમે એક વર્ગ શરૂ કરવાનું નક્કી કર્યું. તે બિનસાંપ્રદાયિક અને બિનવ્યાપારિક ધોરણે ચલાવવાનું નક્કી કર્યું.

અમે વિચાર્યું કે આ વર્ગ માટે બાળકો મેળવવાનું કાર્ય ખૂબ સહેલું હશે. અમે ભારતીય બાળકો માટે હિંદુ ધર્મ અંગેના નિઃશુલ્ક વર્ગ જ્યાં ભારતીયોની વસ્તી વધારે પ્રમાણમાં હતી ત્યાં શરૂ કરવાની માગણી મૂકી. અને અમને ખૂબ જ આશ્ચર્ય થયું પુષ્કળ જાહેરાત કર્યા બાદ ફક્ત બે જ કુટુંબોએ આ વર્ગ માટે બાળકો મોકલવા નામ નોંધાવ્યા અને તેમાં ફક્ત ત્રણ જ બાળકો હતાં!

અમે આગળ વધવાનું નક્કી કર્યું. થોડા મિત્રોને તેમનાં બાળકોને વર્ગમાં મોકલવા વિનંતી કરી. અને એમ અમે સંખ્યા ત્રણમાંથી વધારી છની કરી શક્યાં! એ નોંધવું ખૂબ રસપ્રદ છે કે મા બાપો તેમના બાળકોના શિક્ષણમાં આધ્યાત્મિક્તાને સહુથી છેલ્લું મહત્ત્વ આપે છે.

હવે અમારે શિક્ષક ક્યાંથી મેળવવા? કોઈ પણ પરંપરાગત ક્ષેત્રની અમને મદદ મળી નહીં. તેથી જ્યાં સુધી શિક્ષક ન મળે ત્યાં સુધી આ બાળકોના માતાપિતામાંના એક આપણા પુરાણોમાંથી બાળકોને વાર્તાઓ કહેવાની ઇચ્છા વ્યક્ત કરી. કોઈ શિક્ષક મળ્યો નહીં પણ વર્ગ શરૂ થયા અને વિકસ્યા. માતાપિતા આધ્યાત્મિક્તા વિશે જે કંઈ જાણતાં હતાં તે બાળકો સમક્ષ રજુ કરવાની જવાબદારી તેમણે ઉઠાવી લીધી. પશ્ચિમના બાળકોના વેદાંત શિક્ષણ માટે આ એક રસપ્રદ પ્રયોગ બની રહ્યો.

પરંતુ આ કંઈ સહેલો પ્રયોગ ન હતો. કેમ કે વર્ગમાં બાળકોનો રસ જાળવી રાખવાનો હતો અને સાથે સાથે બાળકોને યોગ્ય ભાષામાં વેદાંતનું સર્વોચ્ચ શિક્ષણ પણ આપવાનું હતું.

થોડાં વર્ષ બાદ આ વર્ગ પરિપક્વ બન્યો. અને કેટલાંય સ્થળે તેનો વિસ્તાર થયો. હવે આ વર્ગો ત્રણ જગ્યાએ ચાલવા લાગ્યા. જેમાં ત્રણસો બાળકો ભાગ લે છે. તેઓ અઠવાડિયે એક વખત મળે છે. તેઓ વિવેકાનંદના દર્શન દ્વારા બુદ્ધિગમ્ય અને જુસ્સા ભરી રીતે વેદાંતનું શિક્ષણ લે છે. વર્ગો જીવંત બની રહ્યા છે.

અમે પાછળ દૃષ્ટિ કરીએ છીએ તો જણાય છે કે આ વર્ગ અકસ્માતપણે શરૂ થયો નથી. વિવેકાનંદ આધ્યાત્મિકતાના જે બીજ રોપી ગયા હતા, તે સપાટીની નીચે સ્પંદિત થઈ રહ્યાં હતાં અને સપાટીની ઉપર આવવા રાહ જોઈ રહ્યાં હતાં. આ નાનો વર્ગ એ તો આ શક્તિના પ્રાગટ્યનું એક સામાન્ય ઉદાહરણ છે. અમને શ્રદ્ધા છે કે હજુ ઘણું વધારે પ્રગટવાનું બાકી છે.

આ વર્ગે વિવેકાનંદના દર્શનને તેમની જાતિનાં જ બાળકો ને મા-બાપો સમક્ષ જ રજૂ કરવામાં મહત્ત્વો ભાગ ભજવ્યો નથી. પણ યજમાન પ્રજાની સમક્ષ પણ પ્રગટ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ એક ઘણી નોંધપાત્ર પ્રગતિ છે. અમને જણાયું છે કે શિક્ષણના મુખ્ય પ્રવાહમાં વેદાંતના શિક્ષણને દાખલ કરી શકીશું. અમને લંડનની પ્રસિદ્ધ સ્કૂલોમાં આ અંગેની સભાઓ યોજવાની છૂટ આપવામાં આવી. હવે હજારો અંગ્રેજ બાળકો પણ વેદાંતનો રોમાંચક સંદેશ સાંભળી રહ્યા છે. આ સમગ્ર ઘટનાથી અમે પ્રભાવિત થયા છીએ. આજે પણ સ્વામી વિવેકાનંદના શબ્દો અગ્નિશિખાની માફક પ્રજ્જ્વલિત છે. તે આજે પણ બાળકોને ઉત્તેજીત કરે છે. સાથે જ વિવેકાનંદ એ પશ્ચિમમાં આધ્યાત્મિક્તાના સંદેશ વાહક છે!

અમારા નમ્ર મંતવ્ય મુજબ આગામી સદીમાં વિવેકાનંદના શિક્ષણની અસર વધુ પ્રબળ બનશે. આધુનિક ભૌતિક વિજ્ઞાન હવે આધ્યાત્મિક વિજ્ઞાન તરફ આગળ વધી રહ્યું છે. પણ તે પરિસ્થિતિ સાથે કામ કેમ પાર પાડવું તે જાણતું નથી. તેણે ફક્ત કામ પાર પાડવા માટે જ નહીં પણ આગળના વિકાસ માટે પણ વિવેકાનંદ પ્રત્યે વળવું પડશે. આ ક્ષણે તે દૂરનું જણાય છે. પણ ભવિષ્યમાં આપણે તે જોશું.

વિવેકાનંદના વર્ગમાં એક બીજી રસપ્રદ બાબત અરિતત્વમાં આવી. હળવી શૈલીમાં પણ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનાં દર્શનના હાર્દને સહેજ પણ ક્ષતિ પહોંચાડ્યા વગર, તેને પ્રકટ કરતાં નાનાં નાટકો સર્જાયાં. આ નાટકોના શીર્ષક – શ્રીરામકૃષ્ણ અને જીસસ ક્રાઈસ્ટ, માતા મેરી અને મા શારદામણીનું મિલન, વિવેકાનંદ અને જીસસ ક્રાઈસ્ટ, અવતારો સત્ય, આઈન્સ્ટાઈનનો વિવેકાનંદ સાથે વાર્તાલાપ વગેરે હતા. આ નાટકો ખૂબ આવકાર પામ્યાં. છેલ્લાં બે વર્ષોમાં વીસેક જેટલાં નાટકો જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટીઓ, કોલેજો, સ્કૂલો, ભવન્સ, વેદાંતકેન્દ્ર વગેરેમાં ભજવવામાં આવ્યા છે. વિવેકાનંદના વર્ગમાં આવનારા બાળકોનો વિશ્વાસ દૃઢ થયો છે. તેઓ ખૂબ રાહેલાઈથી જાહેરમાં વાર્તાલાપ કરી શકે છે, સ્તોત્ર પાઠ કરી શકે છે. જરાપણ અતિશયોક્તિ વગર અમે કહી શકીએ છીએ કે આ પ્રવૃત્તિઓ હજારો લોકોને શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદનો પરિચય કરવામાં સહાયક બનશે.

આ બાબતમાં બીજી એક રસપ્રદ પ્રગતિ એ થઈ છે ‘મીડિયા’નું અમારો પ્રત્યે ધ્યાન ખેંચાયું. આ ઘણું જ અગત્યનું છે. આ સમયમાં વિવેકાનંદ દૂરની સ્મૃતિરૂપ બની ગયા છે. તેમના સમયમાં ઘણા બધાં પાખંડીઓ પશ્ચિમમાં આવ્યાં અને પૂર્વની આધ્યાત્મિકતાને નામે તેઓએ ઘણુ બધું નુકશાન કર્યું. આ ગંદકીને સાફ કરતા સમય લાગશે. આવનારા દિવસોમાં ‘મીડિયા’ દ્વારા અમે વિવેકાનંદ અને તેમના દર્શનને પુનઃપ્રસ્થાપિત કરવાની આશા સેવી રહ્યા છીએ.

અમે અમારા આ અનુભવો આપના સુધી પહોંચાડવાની આ તક મેળવી છે. આપણા બાળકોને તેમના આધ્યાત્મિક વારસાને આપવાનું, તેમના પ્રત્યેનું આપણું ઋણ ચૂકવવાનું છે અને આપણા પશ્ચિમના યજમાન રાષ્ટ્રોનું ઋણ પણ આપણે ચૂકવવાનું છે, આપણી પાસે રહેલા સર્વશ્રેષ્ઠને આપીને – અને તે સર્વશ્રેષ્ઠ છે સ્વામી વિવેકાનંદ.

વિવેકાનંદ વર્ગોમાં – લંડનમાં વિવેકાનંદ આગમન શતાબ્દિની ઉજવણીના કાર્યક્રમો.

આ વર્ષ ઈંગ્લેન્ડમાં વિવેકાનંદના આગમનની શતાબ્દીની ઉજવણીનું વર્ષ છે. અને અમે નીચે પ્રમાણે તેની ઉજવણી કરી રહ્યા છીએ.

નાટકો – અમારા વર્ગના બાળકો સ્કૂલો, કૉલેજોમાં નાટકો ભજવી રહ્યા છે. તેમાંના મુખ્ય આ પ્રમાણે છે.

૧. વિવેકાનંદ અને ઈસુ ખ્રિસ્ત

૨. રામકૃષ્ણ અને ઈસુનું મિલન

૩. આઈન્સ્ટાઈનનો વિવેકાનંદ સાથે વાર્તાલાપ

૪. વિશ્વના અવતારો

ચિત્ર પ્રદર્શનો :

સ્વામી વિવેકાનંદના જીવન અને દર્શન પરના ચિત્રપ્રદર્શનો યોજવા સ્થાનિક પુસ્તકાલયો અને જાહેર સંસ્થાઓમાં વારાફરતી યોજવા.

સ્કૂલોમાં સભાઓ :

શાળાઓમાં સભાઓનું આયોજન કરવું. તેમાં ભારતીય વક્તાઓ દ્વારા વાર્તાલાપની જોગવાઈ કરવી.

અમે લંડન, લેસ્ટર અને બર્મિંગ હામમાં વિવેકાનંદ વર્ગો ચલાવી રહ્યા છીએ. જે સ્વામી વિવેકાનંદના દર્શન પર આધારિત છે. આ વર્ગમાં વેદાંતના પાયા ઉપર રચાયેલા હિન્દુ ધર્મનું વિશાળ અર્થમાં શિક્ષણ આપવામાં આવે છે.

અમે એવો દાવો કરીએ છીએ કે વિવેકાનંદ ફક્ત હિન્દુ ધર્મનું જે સર્વોત્તમ છે, તેનું જ પ્રતિનિધિત્વ કરતા નથી પણ તેઓ બધા જ ધર્મોમાં રહેલી જે આધ્યાત્મિક્તા છે તેના સર્વોત્તમનું પ્રતિનિધિત્વ કરે છે.

– વિવેકાનંદ વર્ગ, કન્વીનર, દિલીપ પટેલ, લંડન

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.