સ્વામી વિવેકાનંદ કહે છે, “માનવી આત્મા તરીકે ખરેખર મુક્ત છે, પરંતુ મનુષ્ય તરીકે બદ્ધ છે—ભૌતિક પરિસ્થિતિઓ અનુસાર બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે એક યંત્ર માત્ર છે કે જે મુક્તિનાં સપનાં સેવે છે. પરંતુ (આત્મ-સાક્ષાત્કાર માટે) સૃષ્ટિમાં આ માનવશરીર શ્રેષ્ઠ શરીર છે અને માનવમન સર્વોચ્ચ મન છે. જ્યારે મનુષ્ય આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે ત્યારે તે નિયમોના બંધનથી મુક્ત બની પોતાને અનુકૂળ પડે તેવું શરીર ધારણ કરી શકે છે.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 3, Pg. 285)

આપણા અસ્તિત્વનાં બે પાસાં છે—પ્રથમ છે આપણું શરીર અને દ્વિતીય છે આત્મા. આપણાં શાસ્ત્રો વાંચીને કે કોઈ સંત મહાપુરુષનાં વચનો સાંભળીને આપણને એ તો ખબર પડી ગઈ છે કે આપણું સાચું સ્વરૂપ પંચમહાભૂતનું બનેલ, જન્મ- મૃત્ય-જરા-વ્યાધિ-ગ્રસિત શરીર નહીં પરંતુ સમય, અવકાશ અને માનસિક સીમાઓની પરે, સત્‌-ચિત્‌-આનંદમય આત્મા છે. આત્માને આદિ કે અંત નથી, ક્ષુધા કે તૃષ્ણા નથી, રોગ, શોક જેવો કોઈ વિકાર નથી, કે કામ-ક્રોધ-મદ-લોભ-મોહ-મત્સરરૂપી ષડ્‌રિપુ નથી. આ આત્મા આપણા હૃદયમાં વિરાજમાન છે, એ જ આપણું અસલી સ્વરૂપ છે, એ જ આપણી સાચી પ્રકૃતિ છે.

પરંતુ આપણે દિવસ-રાત ગમે એટલું મમળાવ્યા કરીએ કે, “હું આત્મા છું, હું આત્મા છું,” આપણને એની કોઈ અનુભૂતિ તો થતી નથી. જ્યારે આપણે પોતાનો પરિચય આપીએ ત્યારે આપણા ગુણ, આપણી લાયકાત, કે આપણો મોભો જ બતાવીએ છીએ. જ્યારે આપણે કહીએ કે હું આ છું, હું તે છું, હું રામકૃષ્ણ મિશનનો એક સંન્યાસી છું, ત્યારે આપણે આ બધું આત્માના સંદર્ભમાં નથી કહેતા. થિયોરીટીકલ (સૈદ્ધાંતિકરૂપે) આપણને ખબર છે કે આત્માના શું ગુણ છે, પરંતુ આત્માનુભૂતિ તો આપણને થઈ નથી. ક્યાં મારું નાનકડું એવું શરીર અને ક્યાં એ વિશ્વબ્રહ્માંડવ્યાપી, અરે, સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયની પણ પરે સ્થિત આત્મા!

મને તો એવું પ્રતીત થાય છે કે વિશ્વબ્રહ્માંડમાં પૃથ્વી નામનો એક ગ્રહ છે, જેની ઉપર વસેલ છે એક નાનકડું શહેર રાજકોટ, જેમાં છે એક રામકૃષ્ણ આશ્રમ અને એક નાની એવી ઓફિસ, અને તેમાં છે મારો ક્ષુદ્ર દેહ, જેને હું ‘હું’ કહીને બોલાવું છું. મારો દેહ તો જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિરૂપી સંસારચક્રનો શિકાર બનેલો જ છે, તો હું કેવી રીતે કહી શકું કે હું આત્મા છું? પરંતુ ભલે હું આત્માની અનુભૂતિ ન કરી શકું પણ મારે એ વાત તો ખ્યાલમાં રાખવી જોઈએ કે આ વાત ઉપનિષદ, શાસ્ત્રો, પૂર્વજો, ઋષિમુનિઓ તથા એક પછી એક અવતરિત અવતારોએ કહેલું છે, ભલે આપણે અત્યારે ન માની શકીએ અથવા તો અનુભવ ન કરી શકીએ, પરંતુ સ્વપ્ન-સુષુપ્ત-જાગ્રત અવસ્થા ત્યજીને બે ડગલાં પાર કરતાં જ આપણો નિત્યમુક્ત સ્વભાવ આવી મળશે.

જો આપણે ફક્ત જાણી રાખેલું હોય કે ‘હું આત્મા છું’ તો જ્યારે આપણા જીવનમાં કોઈ કટોકટી ઊભી થાય ત્યારે આ જ્ઞાન આપણને ખૂબ ઉપયોગમાં આવે છે. જેમ કે કોઈ આપણું અપમાન અથવા તો અવગણના કરે ત્યારે આપણે તરત જ પ્રતિક્રિયા આપવા કે પ્રતિવાદ કરવા તત્પર થઈ જઈએ છીએ, પરંતુ એમ કરવાથી આપણું મન રજસથી ભરાઈ જશે અને અશાંત (restless) થઈ જશે. તો પછી આવા અશાંત-ઉદ્વિગ્ન મનથી આપણે સાધના કઈ રીતે કરી શકીશું કે આપણા નોકરી-ધંધામાં ધ્‍યાન પરોવી શકીશું? બીજું કે આપણી સમક્ષ કોઈ પ્રલોભનની વસ્તુ રાખવામાં આવે તો આપણું મન એ વસ્તુને પ્રાપ્ત કરવા આતુર થઈ ઊઠશે. એ ચંચળ મનને લઈને સાધન-સમુદ્રમાં ગભીર ડૂબકી મારવી તો સંભવ નથી જ પરંતુ વિદ્યાર્થીઓ માટે એકનિષ્ઠ રહીને શાળાનો અભ્યાસ કરવો પણ સંભવ નથી. આથી આત્માનુભૂતિ તો જ્યારે થવાની હશે ત્યારે થશે, પરંતુ ત્યાં સુધી ‘હું આત્મા છું’ એ વિશ્વાસમાત્ર પણ આપણને એક સધિયારો, એક આશ્વાસન આપે છે.

આજકાલ આપણે જોઈએ છીએ કે સમાજમાં ક્યારેક ક્યારેક ધર્મનો દુરુપયોગ થાય છે; કેટલાક ધર્મગુરુઓ ધર્મના નામે લોકોને ભોળવી રહ્યા છે. હજારો-લાખો લોકોને વશીભૂત કરી દેવાની આ શક્તિ ક્યાંથી આવે છે? આપણા દેશમાં તો હજુ પણ લોકોને સારાસારનું વિવેકભાન છે અને ધર્મના નામે થતા અનાચારને કઈ રીતે પકડી શકાય તેની સમજ છે, પરંતુ પશ્ચિમના દેશોમાં તો લોકો પાસે વિપુલ સંપત્તિ અને ભૌતિક સુખ-સગવડો તો આવી ગઈ છે પરંતુ મનની શાંતિ નથી આવી. તેમાંના ઘણાને એક અપૂર્ણતાની અનુભૂતિ હરહંમેશ સતાવ્યા કરે છે અને તેઓ નિયમિતરૂપે ડિપ્રેશન અને એકલતાથી પીડાયા કરે છે અને આ એકલતા જ તેમને ઢોંગીઓનો શિકાર બનાવી દે છે.

આજના આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના યુગની ‘કિલર એપ’ (સૌથી વધુ લોકપ્રિય એપ) કઈ છે? ઉત્તર છે ‘ચેટબોટ,’ અર્થાત્‌ તમે કૃત્રિમ બુદ્ધિ ધરાવતાં કમ્પ્યૂટર સાથે વાર્તાલાપ કરતા રહો. કેમ આપણને કૃત્રિમ મિત્ર બનાવવાની જરૂરિયાત ઊભી થઈ? કારણ કે આપણી પાસે સાચા મિત્રો કે પરિવારજનો નથી, કે જેની સાથે આપણે ખુલ્લા મનની બે વાતો કરી શકીએ. એક વાર એકલતા ઘર કરી જાય તો એની પાછળ પાછળ ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી જીવનશૈલીને લગતી બીજી અનેક બીમારીઓ આવી પડે છે.

માટે જ એકલતા અથવા ડિપ્રેશન ખતરનાક માનસિક રોગ છે, જેનો ઇલાજ કોઈ સારા મનોચિકિત્સક પાસે કરાવવો જોઈએ. વિદેશમાં તો મનોરોગના દાક્તર પાસે જવું અત્યંત સ્વાભાવિક છે. પરંતુ આપણા દેશમાં જો કોઈ એવું કહે કે મને ડિપ્રેશન કે એકલતા જેવું લાગે છે માટે મનોચિકિત્સકની મુલાકાત લેવી છે, તો લોકો તેને પાગલ સમજવા માંડે છે! શરીર અને મન ભિન્ન નથી, જેવા શરીરના વિકારો છે તેવા જ મનના પણ વિકારો છે.

પણ ચિંતા નથી, આપણી પાસે મનોચિકિત્સક કરતાં પણ શ્રેષ્ઠ વૈદ્ય છે, જેનું નામ છે આત્મશ્રદ્ધા. ધર્મ કે ઈશ્વર પર શ્રદ્ધા હોવી એટલું જ પર્યાપ્ત નથી, પરંતુ સાથે સાથે એ વાતનું જ્ઞાન પણ હોવું જરૂરી છે કે હું આત્મા છું, મારા હૃદયમાં એક અમર જ્યોતિ પ્રજ્વલિત છે, આત્મા પ્રકાશમાન છે. ‘હું મારી સાધનામાં વિકસતો જઈશ અને અંતમાં આત્મ-સાક્ષાત્કારને પામીશ’ —આવો આત્મવિશ્વાસ, આવી આત્મશ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. આથી જ સ્વામીજી વારંવાર ‘अभी:’ ‘अभी:’ કહેતા રહેતા. આ એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે અભય બનો, નિડર બનો.

નિર્ભયતા અને આત્મશ્રદ્ધા. નિડર અને આત્મશ્રદ્ધાવાન વ્યક્તિ જીવનમાં આવતા કોઈ પણ પડકારો-સમસ્યાઓ સામે અણનમ રહે છે.

સાથે જ એ સમજવું જરૂરી બને છે કે આ આત્મશ્રદ્ધા અને અહંકાર વચ્ચે એક ખૂબ પાતળી ભેદરેખા છે. કોણ ઘમંડી છે અને કોણ શ્રદ્ધાવાન છે એ કેવી રીતે પકડી પાડવું? આત્મશ્રદ્ધાવાન વ્યક્તિ હંમેશાં સામેની વ્યક્તિ, ભલે એ ગમે તેટલી દુષ્ટ હોય, એના વિશે હકારાત્મક જ વિચારશે. જેમ કે મહારાજા યુધિષ્ઠિરને ખબર હતી કે દુર્યોધન સાથે યુદ્ધ તો કરવાનું છે, છતાં પણ તેઓ દુર્યોધનને સુયોધન કહીને બોલાવતા, એનામાં પણ સદ્‌ગુણ જોતા; જેમ કે માતા કુંતાએ ત્યજી દીધેલ કર્ણને આપેલ આશ્રય. બીજી બાજુ ઘમંડી વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ ચરિત્રવાન લોકોમાં પણ ખોડખાંપણો જ શોધ્યા કરશે, જેમ કે લંકાથી પાછાં ફરેલ મા સીતાના ચરિત્ર ઉપર શંકા કરવાવાળા લોકો. આમ, આત્મશ્રદ્ધાવાન વ્યક્તિ હંમેશાં લોકોના સદ્‌ગુણ જુએ છે તથા અહંકારી મનુષ્ય સદાય લોકોના દુર્ગુણો શોધ્‍યા કરે છે.

આત્મશ્રદ્ધાનો અર્થ એવો નથી કે આપણે નકારાત્મક વિચારીએ જ નહીં. એનો ખરો અર્થ એ છે કે નકારાત્મકતાનો આવેશ આવતાં જ આત્મશ્રદ્ધા આપણા કાન આમળીને આપણને વિવેકભાન કરાવીને ગેરમાર્ગે જતા રોકી દે. શ્રદ્ધા અર્થાત્‌ ઈશ્વરમાં વિશ્વાસ અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાતમાં શ્રદ્ધા.

આત્મશ્રદ્ધાનો ઉત્સ છે આત્માનુભૂતિ અથવા બ્રહ્માનુભૂતિ. આત્મસાક્ષાત્કાર આપણા મનને એટલું દૃઢ અને શક્તિશાળી બનાવી દેશે કે જગત-સંસારની દુષ્કર પજવણી પણ આપણને વિચલિત કરી શકશે નહિ.

વેદાંત-પ્રચાર માટે સ્વામીજી અમેરિકા ગયા  હતા. પોતાની સુખ-સગવડોની પરવા કર્યા વિના, પોતાનાં નિર્ધન માતા, ભાઈઓ, તથા બહેનોને ત્યજીને તેઓ જગત-કલ્યાણ માટે વેદાંત શીખવતા હતા. જ્યારે ખ્રિસ્તી મિશનરીઓએ તેમના ચારિત્ર્ય વિશે પાયાવિહોણા આક્ષેપ કર્યા હતા ત્યારે સ્વામીજીને આવી તથ્યહીન વાતો સાંભળીને કેટલું કષ્ટ થયું હશે?

પરંતુ સ્વામીજીને તો બ્રહ્માનુભૂતિ થઈ ચૂકી હતી, જેના સહારે તેઓ આ બધા ખાડા-ટેકરાઓ સહજે પાર કરી શકતા હતા.

શ્રીરામકૃષ્ણદેવને જ્યારે ગળામાં કેન્સર થયું ત્યારે તેમને ખાવામાં ખૂબ જ કષ્ટ થતું. બધા શિષ્યો ઠાકુરનું આ દર્દ જોઈને ખૂબ વ્યથિત થતા. એક શિષ્યે ઠાકુરને વિનંતી કરી કે તમે મા કાલીને પ્રાર્થના કરો કે તમારી આ અસાધ્ય બીમારી ઠીક થઈ જાય. ત્યારે ઠાકુરે કહ્યું કે, ‘જુઓ, મને તો એવું લાગતું જ નથી કે મારા શરીરમાં હું છું. મને કોઈ કષ્ટ થતું નથી. આ તમારા બધાના મુખેથી હું જ તો ખાઈ રહ્યો છું.’

આત્માનુભૂતિ અર્થાત્‌ પોતાના અંગત સ્વાર્થ માટે ઈશ્વરની પાસે કંઈ ન માગીને ફક્ત જ્ઞાન, ભક્તિ તથા વૈરાગ્ય જ માગવાં એ બંને ગુરુ-શિષ્યે એટલે કે શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીએ સિદ્ધ કરી આપ્યું છે. પરંતુ જ્યાં સુધી આપણને આત્માનુભૂતિ ન થાય ત્યાં સુધી જ્યારે કોઈ પડકાર ઉપસ્થિત થતાં જ આપણું મન કહેશે કે આત્મરક્ષા માટે ચાલો, થોડુંક જુઠ્ઠું બોલી લઈએ કે વેરભાવ રાખીને કોઈનું અહિત કરી દઈએ, ત્યારે સ્વયંને આશ્વાસન આપવું કે હું શું કામ આવું નિમ્નકોટિનું કાર્ય કરું, હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ.

Total Views: 507

2 Comments

  1. Maithili Tripathi July 12, 2023 at 11:01 am - Reply

    🙏🏻. Adbhut

  2. Manish Rajyaguru July 12, 2023 at 1:47 am - Reply

    અત્યંત ભાવવાહી અને ભક્તિ ભરપૂર લેખ. આજના યુગમાં ઢોંગી બાવાઓની નાગચૂડમાં ફસાયેલા કોઈપણ માનવીના આત્માને ઝકઝોરતો આર્ટીકલ છે. નમસ્કાર સ્વામીજીને… મનીષ રાજ્યગુરુ, હરિદ્વાર.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.