‘દુનિયા આખીમાં જો હું કોઈને ચાહતો હોઉં તો તે મારાં માતા છે. છતાં પણ હું માનતો હતો અને હજુ પણ માનું છું કે મારા સંસારત્યાગ કર્યા સિવાય, મારા ગુરુ શ્રીરામકૃષ્ણ જે મહાન જીવનધર્મનો ઉપદેશ કરવા આવ્યા તે પ્રકાશમાં આવત નહીં; અને જે યુવકો આજના જડવાદ અને ભોગવિલાસનાં ધસમસતાં મોજાંઓ સામે અડગ ખડક જેવા ઊભા રહ્યાં છે તેમનું શું થાત ? તેમણે ભારતનું અને ખાસ કરીને બંગાળનું ઘણું ભલું કર્યું છે; અને આ તો હજુ શરૂઆત છે. પ્રભુની દયાથી તેઓ એવું કાર્ય કરી બતાવશે કે આખું જગત તેમને યુગો સુધી આશીર્વાદ આપતું રહેશે. આમ એક બાજુએ મારી સામે ભારતીય ધર્મના અને સમગ્ર જગતના ભાવિનું દર્શન છે, યુગોથી નીચે ને નીચે અધ :પતન પામ્યે જતાં, જેમને કોઈ મદદ કરનાર – અરે, જેમને વિશે કોઈ વિચાર કરનાર પણ નથી, તેવા લાખો માનવીઓ પ્રત્યેનો પ્રેમ છે; અને બીજી બાજુએ મને જે પ્રિયમાં પ્રિય અને નજીક છે તેમને દુ :ખી અને અસહાય બનાવવાનું છે. આ બંનેમાંથી મેં પ્રથમ વિકલ્પ સ્વીકાર્યો છે. ‘બાકીનું પ્રભુ સંભાળશે.’ તે મારી મદદે છે; જો કોઈ વસ્તુની મને ખાતરી હોય તો આ બાબતની છે. જ્યાં સુધી હું સાચો છું ત્યાં સુધી મારો વિરોધ કોઈ જ નહીં કરી શકે, કારણ કે ઈશ્વર મને મદદ કરશે. ભારતમાં ઘણા ઘણા લોકો મને સમજી શક્યા નહીં; અને તેઓ બિચારા મને સમજી પણ કેમ શકે ? તેમના વિચારો રોજબરોજના ખાવાપીવાના દૈનિક વ્યવહારની બહાર કદી ગયા નથી. હું જાણું છું કે આપ જેવા માત્ર થોડાક જ ઉદારાત્માઓ મને સમજી શકે છે. પ્રભુ, આપ મહાનુભાવનું કલ્યાણ કરો ! પણ લોકો સમજે કે ન સમજે, આ યુવકોને વ્યવસ્થિત બનાવવા માટે મેં જન્મ ધારણ કર્યો છે; એટલું જ નહીં, પ્રત્યેક શહેરમાં સેંકડો મારી સાથે જોડાવા તૈયાર છે. મારે આ સહુને ન રોકી શકાય તેવા જુવાળની માફક ભારતમાં ગરીબમાં ગરીબ અને કચડાયેલા લોકોના દ્વાર સુધી સુખ, નીતિ, ધર્મ અને કેળવણી પહોંચાડવા અર્થે મોકલવા છે. આ હું સાધ્ય કરીશ અથવા દેહ પાડીશ.
આપણા લોકોમાં નથી કોઈ ભાવના, નથી કોઈ કદર, ઊલટું હજારો વર્ષો સુધીની ગુલામીના પરિણામરૂપે જે ભયંકર ઈર્ષ્યા અને વહેમી સ્વભાવ તેમનામાં પ્રવેશ્યાં છે તે તેમને દરેક નવા વિચારના દુશ્મન બનાવે છે. પરંતુ ઈશ્વર મહાન છે. (સ્વા.વિ. ગ્રંથમાળા : ભાગ ૬ : ૧૨૦-૧૨૧ પત્રોમાંથી)
Your Content Goes Here




