સુપ્રસિદ્ધ ફ્રેંચ ગાયિકા માદામ ઇ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઇ. તેમના માટે આ દુ:ખ અસહ્ય હતું. ત્રણ ત્રણ વાર તેમણે આત્મહત્યાના પ્રયાસો કર્યા. મરવા માટે તેઓ તળાવ તરફ ગયા અને ત્રણ વાર તેમના પગ તેમને સ્વામી વિવેકાનંદજીના નિવાસ તરફ લઇ ગયા. અનિચ્છાએ છેવટે તેમણે સ્વામીજી સાથે મુલાકાત કરી. તેમના જીવનમાં શાંતિનો સંચાર થયો, મહાન પરિવર્તન આવ્યું. આ પરિવર્તનની રોચક વાત અને પછીથી સ્વામીજીની સંગાથે તેમની ઇજિપ્ત વગેરે દેશોના પરિભ્રમણની રોચક કથા અહીં આલેખાઇ છે. – સં
જેને ખરેખરા અર્થમાં ‘પ્રભુનાં પગલામાં પગલાં મેળવનાર’ એક ગતિશીલ વ્યક્તિ, એક સંત, એક તત્ત્વજ્ઞ અને સાચા મિત્ર કહી શકાય તેવા એક પુરુષને હું ઓળખતી હતી તે મારું સદ્ભાગ્ય છે. મારા આધ્યાત્મિક જીવન પર તેમનો ગાઢ પ્રભાવ છે. તેમણે મને નવી ક્ષિતિજોની ઝાંખી કરાવી. તેને કારણે મારા ધાર્મિક વિચારો અને આદર્શો વ્યાપક અને સ્પષ્ટ બન્યા. હું સત્યને વિશાળતર અર્થમાં જાણતાં શીખી. મારો આત્મા તેમનો શાશ્વત ઋણી રહેશે.
આ અસાધારણ વ્યક્તિ એક વેદાંતમાર્ગી હિન્દુ સંન્યાસી હતા. તેમનું નામ સ્વામી વિવેકાનંદ. તેઓ પોતાના ધાર્મિક ઉપદેશને કારણે સમગ્ર અમેરિકામાં પ્રખ્યાત હતા. તે સમયે હું તન-મનથી ખૂબ નંખાઇ ગયેલી હતી. આવી સ્થિતિમાં આવી પડેલા મારા કેટલાક મિત્રોને તેઓ સહાયભૂત થયા હતા એટલે મેં તેમને મળવાનો નિર્ણય કર્યો.
મુલાકાતનો સમય માગી હું તેમના નિવાસે ગઇ ત્યારે તરત જ મને તેમના અભ્યાસખંડમાં લઇ જવામાં આવી. તેમની પાસે જાઉં તે પહેલાં મને કહેવામાં આવ્યું હતું કે તેઓ મારી સાથે વાત શરૂ ન કરે, મને સંબોધે નહિ ત્યાં સુધી મારે મૌન રહેવું. તેથી તેમના ખંડમાં મેં પ્રવેશ કર્યો ત્યારે એક ક્ષણ હું મૌન ઊભી રહી. એ બેઠા હતા, ધ્યાનસ્થ હતા. તેમનો ભગવો અંચળો જમીનથી સીધો પડ્યો હતો. પાઘડીથી સુશોભિત તેમનું મસ્તક સહેજ આગળ નમેલું હતું. આંખો જમીન પ૨ ખોડાયેલી હતી. થોડા વિરામ પછી, ઊંચે જોયા વિના તેમણે વાત શરૂ કરી.
તેમણે કહ્યું, ‘દીકરી! તું તો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છોને કાંઇ! સ્વસ્થ થા! સ્વસ્થ થવું આવશ્યક છે.’
પછી તદ્દન સ્વસ્થ અવાજમાં વિક્ષિપ્ત થયા વિના અને અસંગ રહીને, આ માણસે મારા ગુહ્ય પ્રશ્નો અને ચિંતાઓ વિશે વાત કરવા માંડી. મારા ખૂબ ખૂબ અંગત મિત્રોને પણ જેની ખબર નથી એમ હું માનતી હતી તેવી બાબતો વિશે તેમણે વાત કરી. કેટલું અદ્ભુત!
છેવટે મેં પ્રશ્ન કર્યો, ‘આપે આ બધું કેવી રીતે જાણ્યું? મારા વિશે આ બધું આપને કોણે કહ્યું?’ હું જાણે નાનું બાળક હોઉં અને મૂર્ખાઇભર્યો પ્રશ્ન પૂછી બેઠી હોઉં એમ તેમણે મારા પ્રત્યે શાંત સ્મિતથી જોયું.
તેમણે ધીમેથી જવાબ આપ્યો, ‘મને કોઇએ વાત નથી કરી, એની જરૂર હોય એમ તને લાગે છે? હું ખુલ્લું પુસ્તક વાંચતો હોઉં એમ તારું ભીતર મનહૃદય વાંચી શકું છું.’
છેવટે, મારે વિદાય લેવાનો વખત થયો.
હું ઊભી થઇ ત્યારે તેમણે કહ્યું, ‘ફરી પ્રસન્ન અને સુખી બની જા. સ્વાસ્થ્ય સુધાર. તારી શાંત પળોમાં તારાં દુઃખ દર્દ ને વિચાર મા. તેનો વિચાર ન કર. તારાં સંવેદનોને કોઇ ને કોઇ પ્રકારની બાહ્ય અભિવ્યક્તિમાં રૂપાંત૨ ક૨. તારા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે તેની જરૂરત છે. તારી કળા માટે તેની જરૂરત છે.’
મેં વિદાય લીધી. હું તેમની વાણી અને વ્યક્તિત્વથી -અત્યંત પ્રભાવિત થઇ હતી. એમણે જાણે કે મારા મનને બધી ગૂંચોમાંથી મુક્ત કર્યું હતું. અને તેને સ્થાને તેમના સ્પષ્ટ અને શાંતિદાયક વિચારો ગોઠવી દીધા હતા.
હું ફરી આનંદી અને પ્રફુલ્લ બની ગઇ. આભાર તેમની શક્તિશાળી ઇચ્છા શક્તિના પ્રભાવનો! સામાન્ય રીતે યોજાતા વશીકરણ અને જાદુઇ પ્રભાવનો તેમણે જરા પણ આશ્રય લીધો નહિ. આ પરિણામ હતું તેમના શીલના બળનું, તેમના હેતુની શુદ્ધિનું અને ઊંડાણનું. હું તેમના વિશેષ પરિચયમાં આવી ત્યારે મને લાગ્યું કે, વ્યક્તિના અંધાધૂંધ-ઢંગધડા વિનાના વિચારોને તેઓ શાંત સ્વસ્થતામાં હાલરડું ગાતા હોય તેમ સુવાડી દેતા હતા. તેને પરિણામે જ વ્યક્તિ તેમના શબ્દો પર સંપૂર્ણ અને અવિભક્ત – સંપૂર્ણ ધ્યાન આપી શકતી.
તેઓ ઘણી વખત દૃષ્ટાંતો આપતા. કાવ્યમય સામ્ય દ્વારા અમારા પ્રશ્નોના ઉત્તર આપતા કે પોતાના મુદ્દા સ્પષ્ટ કરતા. એક દિવસ અમે અમરતા અને વૈયક્તિક લક્ષણો કેમ રહી જાય છે તે વિશે વાતો કરતાં હતાં. તેઓ પુનર્જન્મવાદ અંગેની પોતાની માન્યતા – તેમના ઉપદેશનો મૂળભૂત અંશ સમજાવતા હતા.
હું બોલી ઊઠી, ‘આ વિચાર જ મને ગળે ઊતરતો નથી. મારું જીવપણું તે ગમે તેટલું બિનમહત્ત્વનું હોય તો પણ અનંત એકમ સાથે વિલીન કરવા માગતી નથી. એ વિચાર જ મને ભયંકર લાગે છે.’
સ્વામીજીએ જવાબ આપ્યો, ‘એક દિવસ એક જલબિંદુ અગાધ મહાસાગરમાં પડ્યું, પોતાની જાતને તેમાં પડેલું જોઇને તે, તું રડે છે તેમ રડવા લાગ્યું. મહાસાગરે જલબિંદુ પ્રત્યે હસીને પૂછ્યું, ‘તું મારામાં પડે છે ત્યારે જે અસંખ્ય જલબિંદુઓનો હું બનેલો છું તેની સાથે તારો યોગ થાય છે. તું પોતે જ સાગર બની જાય છે. તારે મારાથી છૂટવું હોય તો તારે વાદળામાં રહેલા સૂર્યકિરણ સાથે ચડવું પડશે ને હે નાના જલબિંદુ, ત્યાંથી ફરી તારે તરસી ધરતીના આશીર્વાદ અને કરુણારૂપે જલબિંદુ રૂપે ફરીથી અવતરવું પડશે.’
સ્વામીજી અને તેમના કેટલાક મિત્રો અને અનુયાયીઓ સાથે મેં તુર્કસ્તાન, ઇજિપ્ત અને ગ્રીસનો સ્મરણીય પ્રવાસ કર્યાં. અમારી ટુકડીમાં સ્વામીજી, પાદરી હાયસિન્થ લૉયસન, બોસ્ટનનાં વતની તેમનાં પત્ની, સ્વામીજીની અઠંગ ઉપાસિકા સુંદર ઉત્સાહી નારી, શિકાગોની કુ.મૅકલૉઇડ અને હું (ટુકડીનું બુલબુલ) એટલાં જણ હતાં.
ઓહ! કેવી યાત્રા હતી એ! સ્વામીજી પાસે વિજ્ઞાન-તત્ત્વજ્ઞાન અને ઇતિહાસ એ બધાંનાં રહસ્યો ખુલ્લાં હતાં. મારી આસપાસ ચાલતો ડહાપણભર્યો અને વિદ્વત્તાપૂર્ણ સંવાદ હું સાંભળતી રહેતી. તેમની દલીલોમાં જોડાવા હું પ્રયત્ન કરતી નહિ, પણ મારી આદત પ્રમાણે ગાયા કરતી. ફાધર ડાયસન, જે જાણીતા વિદ્વાન અને તત્ત્વવિદ્ હતા. તેમની સાથે તેઓ બધા પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરતા. ફાધર ડાયસનને કોઇ પાઠ, દસ્તાવેજ, લેખ કે દેવળ મંડળની બેઠકની તારીખનો ખ્યાલ ન હોય, તેનો ખ્યાલ સ્વામીજીને હતો અને તે રજૂ કરતા.
અમે ગ્રીસમાં એલ્યુસિસની મુલાકાત લીધી. તેમણે તેમનાં રહસ્યો અમને સમજાવ્યાં. અમને તેઓ એક વેદીથી બીજી વેદી પાસે, એક દેવળથી બીજા દેવળ પાસે લઇ ગયા. દરેક સ્થળે જે સરઘસ નીકળતાં તેનું વર્ણન કરતા ગયા, તે વખતે ગવાતી હતી, તે પ્રાચીન પ્રાર્થનાઓ ગાતા ગયા અને પાદરીના કર્મકાંડ સમજાવતા ગયા. અને પછી, એક અવિસ્મરણીય રાતે, મૂક સ્ફિકસના પડછાયાની છાયામાં, કોઇ રહસ્યમય, પ્રભાવપૂર્ણ શબ્દો દ્વારા એ ભૂતકાળમાં દોરી ગયા.
સામાન્ય સંયોગોમાં પણ, સામાન્ય વાતચીતમાં પણ, સ્વામીજી પૂરેપૂરા રસપૂર્ણ બનતા. પોતાની જાદુઇ વાણીથી તેઓ શ્રોતાઓને મુગ્ધ કરતા. ઘણી વાર રેલ્વે સ્ટેશનના પ્રતીક્ષાગૃહમાં શાંતિથી બેઠા બેઠા તેમની વાતોના પ્રવાહમાં મગ્ન થઇ અમે સમયનું ભાન ભૂલી જતાં અને ટ્રેઇન ચૂકી જતાં. અમારામાંની સૌથી વિશેષ બુદ્ધિશાળી કુ. મૅકલૉઇડ પણ સમયનું ભાન ભૂલી જ જતાં. પરિણામે અત્યંત પ્રતિકૂળ સમયે, અમારા ગંતવ્ય સ્થાનથી ઠીક ઠીક દૂર દૂર હોય તેવી જગ્યાએ અમે સપડાઇ જતાં.
એક વખત અમે કૅરોમાં ભૂલાં પડ્યાં. મારો ખ્યાલ છે કે, અમે ખૂબ રસપૂર્વક વાતો કરતાં હતાં. ગમે તેમ, અમે એક ગંદી ગલીચ શેરીમાં જઇ ચડ્યાં. ત્યાં અર્ધનગ્ન સ્ત્રીઓ બારીમાંથી જીભ કાઢતી હતી કે લાંબા પગ કરીને આળસુની જેમ બારણામાં બેઠી હતી. એક બિસ્માર મકાનના એક બાંકડા ઉપર બેઠેલી ગોકીરો કરતી સ્ત્રીઓનું જૂથ સ્વામીજી પ્રત્યે હસવા માંડ્યું અને તેમને ભાંડવા માંડ્યું. ત્યાં સુધી સ્વામીજીનું ધ્યાન તેમના તરફ નહોતું. અમારી ટુકડીની એક બહેને અમને ઉતાવળ કરાવવા પ્રયત્ન કર્યો પણ સ્વામીજી અમારા જૂથમાંથી ધીમેથી દૂર જઇ બાંકડા પર બેઠેલી પેલી સ્ત્રીઓ પાસે ગયા. તેમણે કહ્યું, ‘બિચારાં બાળકો! બિચારાં પ્રાણીઓ! તેમણે પોતાના દૈવી તત્ત્વને પોતાના સૌંદર્યમાં આરોપી દીધું છે. હવે જુઓ તેમની દુર્દશા તરફ!’
તેઓ રુદન કરવા લાગ્યા. સ્ત્રીઓ શાંત થઇ ગઈ. શરમિંદી બની ગઇ. એક બાઇએ આગળ ઝૂકીને ભાંગીતૂટી સ્પેનિશ ભાષામાં ‘ભગવાનનો માણસ’ એમ બોલતાં બોલતાં તેમનાં અલખાને (ઝભ્ભાને) ચૂમી લીધો. વળી બીજી એક સ્ત્રીએ નમ્રતા અને ભયનો ભાવ વ્યક્ત કરતાં પોતાના હાથ એકદમ મુખ ૫૨ દાબી દીધા, જાણે કે એ વિશુદ્ધ નયનોથી પોતાના સંકુચિત આત્માને છુપાવવો હોય.
આ અદ્ભુત યાત્રા સ્વામીજી સાથેના સાંનિધ્યનું મારું છેલ્લું સંભારણું બની ગયું. થોડા દિવસ પછી સ્વામીજીએ પોતાના વતન જવાનો ઇરાદો વ્યક્ત કર્યો. તેમને લાગતું હતું કે તેમનો (શરીરનો) અંત હવે નજદીક છે. એટલે જે પ્રજાના એ માર્ગદર્શક હતા અને જ્યાં એમણે પોતાનું યૌવન વિતાવ્યું હતું ત્યાં જવા ઇચ્છતા હતા.
વર્ષો પછી, મારી ભારતયાત્રા દરમિયાન, સ્વામીજી છેલ્લા દિવસોમાં જ્યાં રહેતા હતા તે આશ્રમનાં દર્શન કરવાની મારી ઇચ્છા મેં વ્યક્ત કરી. તેમનાં માતાજી મને ત્યાં (બેલુ૨ મઠમાં) લઇ ગયાં. તેમના એક અમેરિકન શિષ્યા શ્રીમતી લૅગૅટે તેમના સમાધિસ્થાને સુંદર આરસ-સમાધિ ચણાવી હતી તે મેં જોઇ. તેના ઉપર કોઇ નામ અંકિત થયું નહોતું. નામ નહિ નોંધવાનું કારણ તેમની જ પરંપરામાં સંન્યાસી થયેલા તેમના ભાઇને પૂછ્યું. તેમણે આશ્ચર્યથી મારી સામે જોયું. તેમના મુખ ઉપર જે ઉમદા ભાવ અંકિત થયા તે આજે પણ મને યાદ છે. તેમણે કહ્યું હતું, ‘એ બ્રહ્મલીન થયા છે – વિદેહ થયા છે.’
વેદાંતીઓ માને છે કે, હિંદુ ધર્મનો ઉપદેશ તેના પ્રારંભકાળની સાદાઇ અને વિશુદ્ધિ સાથે, તેના મૂળરૂપમાં તેમણે જાળવી રાખ્યો છે. વેદાંતીઓને મંદિર નથી હોતાં. પ્રાર્થના સાદી વાણીમાં થાય છે. પોતાની પવિત્રતાને ગતિશીલ કરવા, તેને ઉત્તેજિત કરવા, પ્રતીકરૂપ અલંકાર કે ચિત્રોનો પણ તેઓ આશ્રય લેતા નથી. તેમની પ્રાર્થના અવ્યક્ત ઇશ્વરને, બ્રહ્મને સંબોધીને થયેલી હોય છે.
‘હે અનામી! હે નામ આપવાની શક્યતાથી પર! હે મહા અગોચર!’ તેવી પ્રાર્થના નમ્રભાવે તેઓ કરે છે.
સ્વામીજીએ મને એક પ્રકારની પ્રાણાયામયુક્ત પ્રાર્થના શીખવી હતી. તેઓ કહેતા કે, જે દૈવી શક્તિ સર્વત્ર આકાશમાં વ્યાપક રૂપે છે, તે અંદર શ્વાસ લેતી વખતે શ૨ી૨માં ખેંચી શકાય છે.
સ્વામીજીના મઠના સંતોએ અમારું સાદું – પ્રેમાળ આતિથ્ય કર્યું. કોઇ સુંદર વૃક્ષની છાયા નીચે, ગોંદરી ઉ૫૨, એક મેજ ગોઠવી તેઓ અમને પુષ્પો અને ફળો ધરતા.
અમારા પગ પાસે પ્રતાપી ગંગા નદી વહેતી. સંગીતકારો અપરિચિત વાજિંત્રો વગાડતા. હૃદયને સ્પર્શે તેવા અપાર્થિવ દર્દ ભર્યા સૂર છેડાતા. બ્રહ્મલીન સ્વામીજીની પ્રશસ્તિમાં એક ભાઇએ કરુજી-મધુર ગીત ગાયું. તે સાંજ સ્વસ્થ મુદ્રામય, ચિંતનપરાયણ શાંતિમાં વ્યતીત થઇ.
આ વિનમ્ર, તત્ત્વચિંતકો સાથે ગાળેલો સમય સમયના એક વિશિષ્ટ કાલાતીત ખંડરૂપે મને હંમેશાં યાદ રહેશે. આ વિશુદ્ધ, સરળ, સુંદર, દૂર દૂરના પ્રદેશના સંતો જાણે એ બીજી દુનિયાના વધારે શાણી અને સારી દુનિયાના સંતો હોય તેવો અનુભવ થયો.
ભાષાંતરકાર : શ્રી તખ્તસિંહ પરમાર
(‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર ૧૯૨૨માંથી સાભાર)
Your Content Goes Here




