આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્‌ભવતી રહે છે કે જેથી આપણે ભગવાનનું સ્મરણભજન કરી શકતાં નથી. આપણે સૌ એ ભૂલી જઈએ છીએ કે આપણે જ પરિવેશનું સર્જન કરીએ છીએ, પરિવેશ આપણું સર્જન કરતો નથી. એક જ પરિવેશમાં વિભિન્ન મનુષ્યો પર તેની પ્રતિક્રિયા ભિન્ન ભિન્ન પ્રકારે થતી જોવા મળે છે. જો ઈશ્વર પ્રત્યે આપણામાં એકાંતિક ભક્તિ અને શ્રદ્ધા રહે તો પરિવેશની બધી પ્રતિકૂળતાઓ અને વિઘ્નોને ઓળંગીને આપણે ઈશ્વર પ્રત્યે અગ્રસર બની શકીએ છીએ. તેઓ અનંત શક્તિમાન છે. એમની શક્તિ જ મનુષ્યોમાં સંચારિત થાય છે. આપણે સૌ આપણી પોતાની શક્તિથી કંઈ કરી શકતા નથી, એમની શક્તિથી જ બધું કરીએ છીએ. આપણે બધા પોતાની જાતને ક્ષુદ્ર ગણીને એ શક્તિથી સ્વયંને વંચિત બનાવી દઈએ છીએ. એમની કૃપા સર્વત્ર વ્યાપ્ત છે, પરંતુ એ કૃપાને પ્રાપ્ત કરવા માટે આપણે લોકો પોતાના હૃદયને ઉન્મુક્ત રાખતા નથી. જેમ પૂર્ણપ્રકાશવાળા દિવસે પોતાના ઘરનાં દરવાજા અને બારીઓ બંધ કરીને જો આપણે એમ કહીએ કે ઘર અંધારાથી ભર્યું છે; એવી જ રીતે ઈશ્વરનો પ્રકાશ સર્વત્ર ફેલાયેલો રહે છે છતાં પણ આપણે લોકો આપણા હૃદયનાં દ્વાર બંધ રાખીએ છીએ અને પછી એમ કહીએ છીએ કે અહીં આશ્રમ નથી, મઠમંદિર નથી, ભગવાનની કથા સાંભળવા માટે કોઈ સ્થાન પણ નથી. આ નેતિ વાચક મનોભાવને કારણે આપણે જે કંઈ વિચારીશુંએ બધું ‘નહિ’ જ બની જશે. ઈશ્વર સર્વત્ર છે, એવી આસ્તિક બુદ્ધિથી જો આપણે ઘોર અંધકારભરેલા જંગલમાં પણ બેઠા રહીએ તો એ જંગલ પણ ઈશ્વરની આભાથી આલોકિત બની જશે. આ ધારણાને આપણે દૃઢતાપૂર્વક પકડી રાખવી પડશે. એમને-ઈશ્વરને પોતાના હૃદયમાં પ્રતિષ્ઠાપિત કરી લેવાથી જ આપણને જોવા મળશે કે તેઓ બહાર પણ સારી રીતે પ્રતિષ્ઠિત છે. તેઓ સર્વવ્યાપી છે પરંતુ આપણે સૌ આપણી પોતાની અજ્ઞાનતાને કારણે એમની ઉપસ્થિતિનો અનુભવ કરી શકતા નથી; એટલે હું કહું છું કે પરિવેશ આપણા માટે પ્રતિબંધક નથી. પરિવેશનું બહાનું આપીને આપણે સૌ આપણી જાતને છેતરીએ છીએ. શ્રીરામકૃષ્ણના ભાવાદર્શથી આ વાત આપણે સ્પષ્ટરૂપે સમજી શકીએ છીએ.

બેચાર વ્યક્તિ જો શ્રીરામકૃષ્ણના ભાવને દૃઢતાપૂર્વક ગ્રહણ કરીને પોતાનાં જીવન વ્યતીત કરે તો એમના પ્રભાવથી ધીમે ધીમે આખો દેશ પ્રભાવિત બની જશે. વરસાદનાં વાદળાં જે રીતે મોકળે મને ચોતરફ પાણી વરસાવે છે તેવી રીતે શ્રીરામકૃષ્ણની કરુણાવૃષ્ટિ સર્વત્ર વરસી રહી છે. આપણું એ દુર્ભાગ્ય છે કે આપણને એમ લાગે છે કે તેઓ આપણા પર કૃપા કરતા નથી. એમની કરુણાનો અનુભવ કરવા માટે આંતરિક આગ્રહ અને પ્રસ્તુતિની આવશ્યકતા રહે છે. હૃદયમાં એમને પ્રતિષ્ઠિત કરવા પડશે, જો એમ નહિ થાય તો મોટાં મોટાં મંદિરો, પ્રતિષ્ઠાનો, આશ્રમો કોઈ કામમાં નહિ આવે. શ્રીરામકૃષ્ણના ભક્ત પદ્મલોચનની જેમ ‘તારા મંદિરિયે નથી માધવ-ગોપાલ. શંખ ઘંટ બજાવીને તેં કરી ગોલમાલ.’ હૃદયમંદિરમાં માધવને પ્રતિષ્ઠિત કરી લીધા પછી શંખ ફૂંકવાની કે ઘંટ વગાડવાની જરૂર રહેશે નહિ, સ્વત: જ એમના નિવાસનો અનુભવ કરી શકાય છે. પૈસા હોય તો આપણે સૌ મંદિરની સ્થાપના કરી શકીએ છીએ અને ભગવાનની આરસપ્રતિમા પણ સ્થાપી શકીએ છીએ. પરંતુ એ પ્રભુને હૃદયમંદિરમાં સુપ્રતિષ્ઠિત કરવા માટે હૃદયની એકાગ્રતા અને એકાંતિકતા આવશ્યક છે; એમને આર્તભાવે પોકારવા પડશે કે જેથી તેઓ આપણા હૃદયમાં પોતાનો  નિવાસ કરે. તેઓ સ્વપ્રતિષ્ઠ છે. એમની પ્રતિષ્ઠિા કોણ કરશે? આપણે લોકો જો પોતાનો અહંકાર છોડીને એમનાં શ્રીચરણકમળમાં પોતાની જાતને સમર્પિત કરી દઈએ તો આપણને જોવા મળશે કે તેઓ પોતાના મહિમાથી સર્વત્ર પ્રતિષ્ઠિત છે. એમના ઉજ્જ્વળ આલોકથી બધી દિશાઓ આલોકિત છે.

શ્રીરામકૃષ્ણ ભાવમૂર્તિ છે. એમણે વ્યક્તિગત રૂપે કોઈપણ પ્રતિષ્ઠાની અપેક્ષા રાખી ન હતી. કોઈ દ્વારા એમને ઉચ્ચ મર્યાદા આપવા પર પણ તેઓ સંકોચ અનુભવતા. તેઓ કહેતા: ‘હું કંઈ નથી. નાહમ્‌, નાહમ્‌ તુહું તુહું.’ જેમને તેઓ ‘મા’ કહ્યા કરતા એ જ પરમાત્મા કે પરમેશ્વરી એમની ભીતર સદૈવ વિરાજ્યાં કરતાં. એ જ મા એમની ભીતર વિરાજીને ચારે તરફ પોતાના વરદહસ્ત ફેલાવી રહી છે, આપણને બધાને વર અને અભય પ્રદાન કરી રહી છે. શ્રીરામકૃષ્ણ સર્વશક્તિમાન છે, એ વાતમાં જો આપણા સૌમાં વિશ્વાસ-શ્રદ્ધા થઈ જાય તો એની સાથે ને સાથે આ બોધ પણ થઈ જશે કે એમની અસીમ શક્તિ આપણી રક્ષા કરી રહી છે. એમનું અનંત જ્ઞાન આપણી ભીતર વિકાસ માટે કેવળ એક સુઅવસરની અપેક્ષા કરી રહ્યું છે. એમના તરફ દૃષ્ટિ નાખવાથી આપણે સૌ સમજી શકીશું કે તેઓ વરાભય મૂર્તિના રૂપે સર્વત્ર વિરાજમાન છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ‘ન મે ભક્ત: પ્રણશ્યતિ – મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી.’ શ્રીરામકૃષ્ણ પણ એ જ રીતે કહે છે કે જો ક્યારેય એવું લાગે કે મનમાં કોઈ વિકાર ઉદ્‌ભવી રહ્યો છે, સાધનાપથમાં કોઈ અડચણ ઊભી થાય છે ત્યારે હું ભગવાનનું સંતાન છું એ જ વિચારો. ત્યારે તમારી દીનતાની ભાવના અને દુર્બળતા સમાપ્ત થઈ જશે.

શ્રીરામકૃષ્ણ પ્રત્યે થોડી પણ શ્રદ્ધાનું બીજ વાવવા તથા ભક્તિના જળથી તેને સીંચવાથી ધીરે ધીરે તે અંકુરિત બનીને પત્રપુષ્પથી શોભતા એક વિશાળ વૃક્ષના રૂપમાં પરિણત થઈ જશે. બીજાની તરફ જોયા વિના હું શું કરી શકું છું એ વિચારવું પડશે. ક્યાંક ક્યાંક આપણે આમ કહેતાં પણ સાંભળીએ છીએ કે અહીં શ્રીરામકૃષ્ણના ભાવ પ્રત્યે એવો કોઈ વિશેષ આગ્રહ લોકોમાં જોવા મળતો નથી. એટલે પ્રયત્ન કરવા છતાં પણ લોકોને એકઠા કરી શકતા નથી. પ્રસંગોવશાત્‌ એ વાત યાદ આવે છે કે મદ્રાસના શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નાઈના સ્વામી રામકૃષ્ણાનંદજી (શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય) નિયમિત રૂપે શ્રીરામકૃષ્ણ વિશે વિવેચના કરતા, પઠનપાઠન કરતા. એક દિવસ મઠમાં જઈને એમણે જોયું તો એક પણ ભાવિકજન હાજર ન હતો. એમણે નિર્ધારિત સમયે પાઠ કરવાનો આરંભ કરી દીધો. થોડીવાર પછી એક ભક્ત આવ્યો. મોડેથી આવવાને લીધે તે અંદર ન ગયો, બહાર જ ઊભો રહ્યો. ત્યાર પછી પાઠ પૂરો થતાં એણે સ્વામી રામકૃષ્ણાનંદજીને પ્રણામ કરીને પૂછ્યું: ‘મહારાજ, અહીં તો એકેય વ્યક્તિ હાજર ન હતી છતાં આપ કોને સંભળાવતા હતા?’ સ્વામી રામકૃષ્ણાનંદે કહ્યું: ‘હું શું તમને બધાને સંભળાવું છું? હું તો શ્રીરામકૃષ્ણને સંભળાવું છું. એ વાત ખરી કે તમારામાંથી એકેય ન હતા પરંતુ શ્રીરામકૃષ્ણ તો છે જ ને! તેઓ વિશ્વબ્રહ્માંડ સાથે યુક્ત છે. એને છોડી દેવાથી બધું શૂન્ય બની જાય, અને જો એમને પકડી રાખીએ તો બધું પૂર્ણ છે.’ આ વાત આપણે હંમેશાં યાદ રાખવી પડશે. ભક્તોની સંખ્યા જોઈને વિચાર કરવાની જરૂર નથી. આપણા લોકોનું કાર્ય છે શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસ સાથે શ્રીરામકૃષ્ણના ભાવોનું અનુશીલન કરવું. પછી ભલે તે એકલો હોય કે ઘણા લોકોનો સાથ હોય. આના પરિણામે કલ્યાણ તો ચોક્કસ થવાનું જ. શ્રીરામકૃષ્ણે કહ્યું છે: ‘ફૂલ ખીલે એટલે ભમરા આપોઆપ આવી જવાના. એમને નિમંત્રણ દઈને બોલાવવા પડતા નથી.’ એમના ભાવને ગ્રહણ કરીને કોઈ વ્યક્તિનું જીવન ક્યાંક વિકસિત થઈ જાય તો એની નિકટ ચોતરફથી પિપાસુ ભક્તગણ આવીને એકત્રિત થઈ જાય છે. વર્તમાનપત્રમાં જાહેરાત દઈને એમને સૂચિત કરવા નહિ પડે. તેઓ પોતાના પ્રાણોના આકર્ષણથી પોતાની મેળે જ ચાલ્યા આવે છે, એ આકર્ષણ જો આપણી ભીતર જગાડી શકાય તો એના પછી જે થવાનું છે એ એની મેળે થશે. એટલે પ્રતિકૂળતાની વાત આપણે નહિ વિચારીએ, આપણે એટલું વિચારીશું કે આપણામાંથી દરેક શ્રીરામકૃષ્ણને કેટલા પોતાના સમજી શક્યા છે, આપણા પ્રાણ એમના ભાવથી કેટલા ભાવિત બની જાય છે. તેઓ કૃપા કરવા માટે સર્વદા પ્રસ્તુત છે. એમનું જ કથન છે: ‘કૃપા રૂપી વાયુ તો વાઈ રહ્યો છે, તું તારા પાલ-શઢને તાણીને બાંધી રાખ.’ વાયુ વહેતો રહે છે અને શઢ ન તાણીએ તો હોડી આગળ વધે નહિ. આપણે લોકો જો શઢને તાણી લઈએ અર્થાત્‌ એમની કૃપાનો અનુભવ કરવા માટે પોતાના હૃદયનાં દ્વાર ખોલી નાખીએ તો આપણા લોકોના જીવન ધન્યધન્ય બની જશે; તથા એમની ઇચ્છા થવાથી આ જીવન દ્વારા તેઓ પોતાના ભાવોને ચોતરફ ફેલાવી દેશે.

શ્રીરામકૃષ્ણનો પ્રચાર કોઈ કરતું નથી, તેઓ પોતે જ બીજાને યંત્ર બનાવીને પોતાના ભાવોનો પ્રચાર કરે છે. આ વાત પર આપણે ધ્યાન રાખવું પડશે. આપણા સૌનાં હૃદય શ્રીરામકૃષ્ણના આલોકથી આલોકિત થઈ શકે એટલા માટે આપણે પોતાનાં હૃદયનાં દ્વાર ખુલ્લાં રાખવાં પડશે. એમના ભાવોને ગ્રહણ કરવા જો આપણા મનમાં આગ્રહ અને આકાંક્ષા રહે તો આટલું જ પૂરતું છે, અને બીજી કોઈ બાબતની જરૂર નથી. એના પછી જે આવશ્યક હશે એની વ્યવસ્થા તેઓ પોતે જ કરી દેશે.

આપણે લોકોએ આ પવિત્ર યુગમાં જન્મ લીધો છે જેને સ્વામીજીએ સત્યયુગ કહ્યો છે. આ યુગમાં શ્રીરામકૃષ્ણનો ભાવ ઝળહળી રહ્યો છે, થોડા સચેતન થવાથી જ આપણે સૌ સમજી શકીશું કે એમનો ભાવ સર્વત્ર ફેલાઈ રહ્યો છે, પ્રવાહિત થઈ રહ્યો છે. એમના ભાવોને ગ્રહણ કરવા માટે માત્ર એક આગ્રહની જરૂર છે. ત્યારે આપણને જોવા મળશે કે એ અનંત ધામમાં આપણે અનાયાસ જ પહોંચી ગયા છીએ.

શ્રીરામકૃષ્ણ આવ્યા હતા આપણને બધાને માર્ગ બતાવવા માટે, આપણા સૌના પથને પોતાના જીવન-આલોકથી આલોકિત કરવા માટે. તેઓ આપણાં હૃદયમાં પ્રેરણા પ્રદાન કરશે, બળ આપશે અને આપણને સૌને દિવ્ય દૃષ્ટિ પણ પ્રદાન કરશે. આ દિવ્યદૃષ્ટિથી આપણે સૌ સ્પષ્ટ રૂપે પોતાના પથને જોઈ શકીશું.

Total Views: 199

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.