હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોતી લેવા માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;

તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતા માતા પૂરા પ્રેમી પરખે જોને;

પ્રીતમના સ્વામીની લીલા તે રજની-દન નરખે જોને.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.