(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ ભાવધારા સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે અને એકનિષ્ઠ સેવક છે. – સં.)

પ્રાર્થના રોજિંદા જીવનને સંસ્કાર, સંયમ અને સેવાના રંગથી રંગીને ભગવન્મય બનાવે છે. પ્રાર્થનામાં સમાવિષ્ટ ભક્તિધારાથી માનવજીવનમાં અધ્યાત્મ-ભૂમિકાનું નવસર્જન થાય છે અને ક્રમશઃ સાધારણ ભગવદ્ ભક્તિથી પ્રારંભ કરીને તેવી વ્યક્તિ સર્વોચ્ચ અધ્યાત્મ-ભાવની ઉપલબ્ધિ કરે છે.

સર્વત્ર ગવાતાં ભજનોમાં પ્રાર્થનાનો જ સૂર સમાયેલો હોય છે, મોટાભાગનાં સંસ્કૃત-સ્તવનો અને સ્તુતિઓમાં પ્રાર્થના-તત્ત્વ અંતર્નિહિત હોય છે. પ્રાર્થના એ ભક્ત અને ભગવાન વચ્ચેનો સંવાદ છે; પ્રભુ-ભક્ત અને પરમાત્મા વચ્ચેનો પ્રેમાલાપ છે; ઈશ-સંતાન અને ઈશ્વર વચ્ચેનો વાચિક વાર્તાલાપ છે.

વેદ-કાળથી અદ્યપર્યંતની ધર્મક્ષેત્રની રચનાઓમાં પ્રાર્થનાનો સૂર અવિરત વહેતો આવ્યો છે. વેદોનાં સૂક્તોમાં વિભિન્ન દેવોની સ્તુતિઓમાં પ્રાર્થનાનો આલાપ રણકે છે. તત્પશ્ચાત્‌ની રચનાઓ—રામાયણ, મહાભારત જેવાં ઇતિહાસ-મૂલક મહાકાવ્યો અને અઢાર પુરાણો તથા અઢાર ઉપપુરાણો પણ વિવિધ પ્રકારની પ્રાર્થનાઓથી ભરપૂર છે. સુસંસ્કૃત માનવસમાજના ઉદ્‌ગમથી આરંભીને અદ્યપર્યંતના અધ્યાત્મ-પિપાસુઓના હૃદયોચ્છ્વાસ પ્રાર્થનાથી ભર્યાભાદર્યા છે.

સનાતન હિંદુધર્મનું સાહિત્ય એટલે અનેક શાસ્ત્રો. ‘વેદ’ એટલે સનાતન ધર્મ. વેદના મંત્ર એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રાર્થના. વેદના સંહિતા વિભાગમાંનાં સૂક્તો વિવિધ દેવોની સ્તુતિઓ એટલે કે પ્રાર્થનાઓથી ભરપૂર છે. વેદનો બ્રાહ્મણ વિભાગ વિવિધ આનુષ્ઠાનિક વિધિઓથી સમાયુક્ત છે. તેમાં પણ યજ્ઞીય દેવતાઓની ભિન્ન ભિન્ન સ્વરૂપની પ્રાર્થનાઓ જોવા મળે છે. વેદનો આરણ્યક વિભાગ સકામ પ્રાર્થના સ્તરેથી ઉત્થાન પામીને આત્યંતિક કલ્યાણની અભિપ્સા પ્રસ્તુત કરે છે. વેદનો અંત ભાગ અર્થાત્ વેદાંત એટલે ઉપનિષદો. પ્રત્યેક ઉપનિષદના મંગલાચરણ રૂપે ‘શાંતિપાઠ’ના મંત્રો ગુરુ-શિષ્યના પારસ્પરિક કલ્યાણ કે સમષ્ટિ કલ્યાણની પ્રાર્થનાથી ભરપૂર છે.

(१) ॐ समानो मन्त्र: समिति: समानी समानं मन: सह चित्तमेषाम्। समानं मन्त्रमभिमन्त्रये व: समानेन जुहोमि॥

(२) ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः…..

(३) ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम्…..

(४) ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि।…..

(५) ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै।…..

ઇત્યાદિ ‘શાંતિ પાઠ’ના મંત્રો વિવિધ કક્ષાની પ્રાર્થનાઓ જ છે.

ઋગ્વેદ અંતર્ગત ॐ भूर्भुवः स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्॥ નામનો ગાયત્રી મંત્ર એ સર્વોત્કૃષ્ટ પ્રાર્થના છે. તેનો ભાવાર્થ છે-

એ પ્રાણસ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.

શુક્લ યજુર્વેદ સંહિતાનો મંત્ર ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुक्मिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥ એ મહામૃત્યુંજય મંત્ર નામે પ્રસિદ્ધ ઉચ્ચ કોટિની પ્રાર્થના છે. તેનો ભાવાર્થ છે-

ત્રણ આંખોવાળા અને ત્રણ પ્રકારના ભયમાંથી બચાવનાર, સમસ્‍ત વિશ્વમાં સૌરભ ફેલાવનાર, કરુણામય હે ભગવાન સદાશિવ! અમે તમારું ધ્‍યાન કરીએ છીએ, અને પ્રાર્થીએ છીએ કે જેમ પરિપક્વ થયેલ ફળ વેલાથી આપોઆપ ખરી પડે તે રીતે મને અમૃતમય આત્માથી અમરત્વ પ્રાપ્ત થાય તે માટે મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રદાન કરો.

આ જ વેદ વિભાગની ઉત્તમ પ્રાર્થના છે- तेजोऽसि तेजो मयि धेहि।वीर्यमसि वीर्यं मयि धेहि।बलमसि बलं मयि धेहि।ओजोऽसि ओजो मयि धेहि। તેનો ભાવાર્થ છે-

હે પરમાત્મા! તું તેજ સ્વરૂપ છે, વીર્ય સ્વરૂપ છે, બળ સ્વરૂપ છે, ઓજસ સ્વરૂપ છે; તું મને તેજ, વીર્ય, બળ અને ઓજસ આપ.

સૂર્યનારાયણને ઉદ્દેશીને કરાતી અન્ય પ્રાર્થના आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरीतास उद्भिदः। देवा नोयथा सदमिद् वृधे असन्नप्रायुवो रक्षितारो दिवेदिवे॥ નો ભાવાર્થ છે-

સર્વ દિશાઓમાંથી મારી પાસે શુભ વિચારો આવો.

ઉપનિષદ વિભાગ અંતર્ગત ઈશાવસ્ય ઉપનિષદનો મંત્ર हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये॥ આ મંત્રમાં પરમાત્મા સમક્ષ પ્રાર્થના છે-

સૌનું ભરણ-પોષણ કરનારા હે પરમેશ્વર! સત્ય સ્વરૂપ આપ પરમાત્માનું શ્રીમુખ જ્યોતિર્મય સૂર્યમંડળરૂપ પાત્રથી ઢંકાયેલું છે. તમારી ભક્તિરૂપ સત્યધર્મનું અનુષ્ઠાન કરનાર એવા મને તમારાં દર્શન કરાવવા માટે તે આવરણને આપ દૂર કરી દો.

શ્વેતાશ્વતર ઉપનિષદનો આ મંત્ર અધ્યાત્મ-પરક ઉત્કૃષ્ટ પ્રાર્થના છેઃ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै। तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये॥

અર્થાત્ જે પરમેશ્વર નિશ્ચયપણે સૌ પ્રથમ બ્રહ્માનું સર્જન કરે છે અને જે નિશ્ચયપણે તે બ્રહ્માને સમસ્ત વેદોનું જ્ઞાન પ્રદાન કરે છે, તે પરમાત્મજ્ઞાન વિષયક બુદ્ધિને પ્રકટ કરનારા પરમેશ્વરનું મોક્ષની આકાંક્ષાવાળો હું શરણ સ્વીકારું છું.

ઉપનિષદોના દોહનથી તૈયાર થયેલ ‘ગીતા’નો આ શ્લોક શરણાપન્ન સાધકની ઈશ્વર પ્રત્યે કરાયેલી પ્રાર્થના છે, જે સૌએ કરવા યોગ્ય છે- कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः। यच्छ्रेयः स्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्॥ (ગીતા ૨.૭)

અર્થાત્ કાતરતારૂપ દોષ વડે ઉપહૃત થયેલા સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢ ચિત્તવાળો હું આપને પૂછું છું. મારે માટે જે ચોક્કસ કલ્યાણકારક સાધન હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું, આપને શરણે આવ્યો છું, મને ઉપદેશ આપો.

વેદાદિ શાસ્ત્રો બાદ આવે છે રામાયણ-મહાભારત ઇત્યાદિ ઇતિહાસ-મૂલક મહાકાવ્યો.

વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડની પ્રાર્થના છે-

लोकानां त्वं परोधर्म: पुरुष: पुरुषोत्तम:।
शरण्यं शरणं च त्वामाहुर्दिव्या महर्षय:॥

આ પ્રાર્થનાનો ભાવાર્થ છે-

હે પ્રભુ! તમે સમગ્ર સંસારના સર્વોત્તમ ગુણોનો ભંડાર છો. તમે અંતર્યામી પરમાત્મા છો. ઋષિઓ તમને મહાનતમ આશ્રયરૂપ અને માનવજાતના ઉદ્ધારક તરીકે ઘોષિત કરે છે.

અધ્યાત્મ રામાયણના બાલકાંડનો શ્લોક છે-

देव मे यत्रकुत्रापि स्थिताया अपि सर्वदा।
त्वत्पादकमले सक्ता भक्तिरेव सदाऽस्तु मे॥

આ શ્લોકનો ભાવાર્થ છે-

હે પ્રભુ! હું ગમે ત્યાં હોઉં, તમારા ચરણકમળમાં સર્વદા મારી ભક્તિ બની રહો.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ તો સ્તુતિ-પ્રાર્થનાનો આગાર છે. ભાગવત ગ્રંથનું અધ્યયન કરતાં જણાય છે કે તેમાં સમગ્રતયા વિવિધ પાત્રો દ્વારા કરાયેલી સ્તુતિ-પ્રાર્થનાઓની સંખ્યા લગભગ પંચોતેર જેટલી છે જેમ કે વસુદેવ-સ્તુતિ, કાલિયનાગ-સ્તુતિ, ગોપીક્રંદન, ભ્રમરગીત, ઉદ્ધવ-સ્તુતિ, કુંતીકૃત-સ્તુતિ, રુક્મિણીકૃત-સ્તુતિ, ભીષ્મકૃત-સ્તુતિ, બલિકૃત-સ્તુતિ, અક્રૂરકૃત-સ્તુતિ, નારદકૃત-સ્તુતિ, પૃથુકૃત-સ્તુતિ, શિવગીત, બ્રહ્માજીકૃત-સ્તુતિ ઇત્યાદિ.

કુંતીમાતાએ શ્રીકૃષ્ણને કરેલ પ્રાર્થના છે-

विपदः सन्तु नः शश्वत्तत्र तत्र जगद्गुरो।
भवतो दर्शन: यत्स्यादपुनर्भवदर्शनम्॥

અર્થાત્ હે જગદ્‌ગુરુ! અમારા પર વારંવાર વિપત્તિઓ આવે કારણ કે આવા સમયે તમારાં દર્શન પ્રાપ્ત થાય છે અને તેથી પુનઃ જન્મ-મરણરૂપ સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

ઉત્તરાએ ગર્ભ-રક્ષણ અર્થે શ્રીકૃષ્ણને કરેલી પ્રાર્થના અતિ ઉત્તમ છે.

पाहि पाहि महायोगिन्‌ देव देव जगत्पते।
नान्यं तवदभयं पश्ये यत्र मृत्यु: परस्परम्‌॥

અર્થાત્ હે મહાયોગિન! હે જગત-પાલક! હે દેવદેવ! મારી રક્ષા કરો, રક્ષા કરો, મારો ભય દૂર કરનાર તમારા સિવાય બીજું કોઈ જ નથી, કારણ કે સંસારના સર્વ જીવો મૃત્યુથી ગ્રસ્ત હોવાથી મારી રક્ષા કરવા અસમર્થ છે.

તુલસીકૃત ‘રામચરિતમાનસ’ની વાત કરીએ તો તેમાં કુલ બાર સ્તુતિ-પ્રસંગોનું આલેખન કરાયું છે. માતા કૌશલ્યા, અહલ્યા, સુતીક્ષ્ણ, જટાયુ, બ્રહ્મા તથા સર્વદેવ, ઇન્દ્ર, ભગવાન શિવ, વેદ, સનકાદિ મુનિ તથા નારદાદિ દ્વારા કરાયેલી સ્તુતિ-પ્રાર્થનાઓ નિત્ય પાઠ કરવા યોગ્ય છે. સ્થાનાભાવને કારણે એ સર્વનો ઉલ્લેખ અત્રે અસંભવ છે. પરંતુ રામ-પ્રાગટ્ય પૂર્વેની સ્તુતિ કંઠસ્થ કરવા યોગ્ય છે- जय जय सुरनायक जन सुखदायक प्रनतपाल भगवंता। गो द्विज हितकारी जय असुरारी सिंधुसुता प्रिय कंता॥ અને भए प्रगट कृपाला दीनदयाला, कौसल्या हितकारी।

અઢાર પુરાણો અને અઢાર ઉપપુરાણો વિવિધ પ્રકારની સ્તુતિ-પ્રાર્થનાઓથી ભરપૂર છે.

વિષ્ણુ પુરાણ (૧. ૧૯)માં પ્રાર્થના છે-

नमोऽस्तु विष्णवे तस्मै यस्यामिन्नमिद जगत। ध्येयः स जगतामाद्यः स प्रसीदते मेऽव्ययः॥

અર્થાત્ હે વિષ્ણુ! જેનાથી આ જગત અભિન્ન છે તેવા જગતના આદિકારણ એવા તમે મારા પર પ્રસન્ન થાઓ.

માર્કંડેય પુરાણ અંતર્ગત દુર્ગાસપ્તશતીનો આ શ્લોક સર્વત્ર પૂજા-પ્રસંગે ગવાય છે. તેમાં દેવીને પ્રાર્થના કરાય છે-

या श्री: स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी:
पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि:।

श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा
तां त्वां नता: स्म परिपालय देवि विश्वम्॥

અર્થાત્ જે દેવી સુકર્મીઓના ઘરમાં લક્ષ્મીરૂપે વસે છે, જે પાપાત્માઓને ત્યાં દરિદ્રતારૂપે વસે છે, જે શુદ્ધ અંતઃકરણવાળાઓના હૃદયમાં બુદ્ધિરૂપે વસે છે, જે સત્પુરુષોમાં શ્રદ્ધારૂપે વસે છે અને જે કુલીન વંશીઓમાં લજ્જારૂપે વસે છે, તે દેવીને અમે નમન કરીએ છીએ. હે દેવી! તમે વિશ્વનું પરિપાલન કરો.

‘વિશ્વસારતંત્ર’ અનુસાર એક પ્રાર્થના-અંશ છે-

नमस्ते शरण्ये शिवे सानुकम्पे
नमस्ते जगद्वयापिके विश्वरूपे।

नमस्ते जगद्वन्द्य-पादारविन्दे
नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे॥

તેનો ભાવાર્થ છે- હે શિવા! હે શરણદાત્રી! વિશ્વરૂપિણી! તમને વારંવાર નમસ્કાર. હે જગત-તારિણી, હે દુર્ગા! મારું રક્ષણ કરો.

‘પાંડવગીતા’નો આ શ્લોક સર્વ સાધકો માટે પ્રાર્થનીય છેઃ

नाथ योनिसहस्रेषु येषु येषु व्रजाम्यहम्।
तेषु तेषुरचलाभक्तिः अच्युताऽस्तु सदा त्वयि।

ભક્ત પ્રાર્થના કરે છે-

હે નાથ! હું જે જે હજારો યોનિઓમાં જન્મ લઉં, ત્યાં ત્યાં આપના ચરણોમાં સર્વદા અચળ ભક્તિ પ્રાપ્ત થાઓ.

આદિ શંકરાચાર્ય કૃત ’શ્રીવિષ્ણુષટ્પદી’નો પ્રથમ શ્લોક અનુકરણીય પ્રાર્થના છે-

अविनयमपनय विष्णो दमय मनः शमय विषयमृगतृष्णाम्।
भूतदयां विस्तारय तारय संसारसागरतः॥

અર્થાત્ હે વિષ્ણુ! મારો અવિનય દૂર કરો, મારા મનનું દમન કરો, જીવો પ્રત્યે મારી દયાનો વિસ્તાર કરો, મને સંસાર-સાગરમાંથી ઉગારો.

આ સ્તુતિના સાતેય શ્લોકોમાં ભારોભાર પ્રાર્થના-પરક શબ્દો છે. શ્રીચૈતન્યદેવ કૃત ‘શિક્ષાષ્ટકમ્’ના આઠેય શ્લોકોમાં ઈશ્વર-સ્તુતિ ચરમકક્ષાએ પહોંચી છે. આ પદનો ચોથો શ્લોક ભક્ત-હૃદયની અજબ આકાંક્ષા પ્રગટ કરે છે.

न धनं न जनं न सुन्दरीं कवितां
वा जगदीश कामये।

मम जन्मनि जन्मनीश्वरे
भवताद् भक्तिरहैतुकी त्वयि॥

અર્થાત્‌ હે ઈશ્વર! નથી મને ધનની, પરિજનની, સુંદરીની, સાહિત્યની કામના. હું માગું છું—તમારાં ચરણોમાં જન્મોજન્મ અહેતુક ભક્તિ.

‘મુકુંદમાલા’નો આ શ્લોક ભક્ત-હૃદયની કાતરતાપૂર્ણ પ્રાર્થનાનો દ્યોતક છેઃ

अपराधसहस्रभाजनम् पतितम् भीमभवार्णवोदरे।
अगतिं शरणागतं हरे कृपया केवलमात्मसात्कुरु॥

આ પ્રાર્થના દ્વારા ભક્ત-હૃદય પોકારે છે કે હું હજારો અપરાધના વંટોળમાં ફસાયો છું, દુર્ગતિગ્રસ્ત બનેલો હું તમારો શરણાગત છું, મારો સ્વીકાર કરો.

હવે કેટલીક સાર્વભૌમ પ્રાર્થનાઓ જોઈએ.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्॥

અર્થાત્ સર્વે જીવો સુખી થાઓ, સર્વે નિરોગી બનો, સર્વે કલ્યાણ પામો, કોઈ જ દુઃખી ન બને-રહે.

दुर्जनः सज्जनो भूयात् सज्जनः शान्तिमाप्नुयात्।
शान्तो मुच्येत बन्धेभ्यो मुक्तश्चान्यान् विमोचयेत्॥

અર્થાત્ દુર્જન સજ્જન બને, સજ્જન શાંતિ પામે,  શાંતિ પામેલ સજ્જન બંધનમાંથી મુક્ત થાય, મુક્ત થયેલ સજ્જન અન્યને મુક્ત કરે.

काले वर्षतु पर्जन्य पृथिवी सस्यशालिनी।
देशोऽयं क्षोभरहितः सज्जना सन्तु निर्भया॥

અર્થાત્ સમયસર વરસાદ વરસે, પૃથ્વી ધન-ધાન્યથી ભરપૂર રહે, દેશ અશાંતિરહિત બને, સજ્જનો નિર્ભય બને.

અંતિમ પ્રાર્થના સર્વ પ્રાર્થનાના સારભૂત છે-

प्रियतां पुण्डरीकाक्षं सर्वयज्ञेश्वरो हरिः।
तस्मिंस्तुष्टे जगत्तुष्टं प्रिये प्रीणितं जगत्॥

અર્થાત્ હે સર્વયજ્ઞેશ્વર હરિ! હે પુંડરીકાક્ષ! તમે પ્રસન્ન થાઓ. તમારા પ્રસન્ન થવાથી સર્વ જગત તુષ્ટ થાય છે.

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.