હિન્દુ ધર્મનાં મૂળ તત્ત્વો ત્રણ : ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર, વેદો અપૌરુષેય હોવાની માન્યતા અને કર્મ તથા પુનર્જન્મની માન્યતા. કોઈ વેદોનો સૂક્ષ્મ અભ્યાસ કરે તો તેને તેમાં સંવાદિતાપૂર્ણ ધર્મ જણાશે. હિન્દુ ધર્મ અને બીજા ધર્મો વચ્ચે તફાવતનો એક મુદ્દો એ છે કે હિન્દુ ધર્મમાં એક સત્ય પરથી બીજા સત્ય પર જવાનું હોય છે, નીચી કક્ષાના સત્ય પરથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવાનું હોય છે; અસત્યમાંથી સત્યમાં જવાનું નથી હોતું.

ઉત્ક્રાંતિવાદને દૃષ્ટિ સમક્ષ રાખીને વેદોનો અભ્યાસ કરવો જોઈએ. ધર્મ અદ્વૈતમાં પૂર્ણતા પામ્યો, ત્યાં સુધીના આધ્યાત્મિક અનુભવના વિકાસનો ઇતિહાસ તેમાં છે.

વેદો અનાદિ એટલે આદિ રહિત છે. ઘણા ભૂલથી માને છે તેમ આ વાક્યનો અર્થ વેદોના શબ્દો અનાદિ છે એવો નથી; એનો અર્થ એ કે વેદોએ નિરૂપેલા આધ્યાત્મિક નિયમો અનાદિ છે. પરિવર્તન રહિત અને શાશ્વત એવા આ નિયમોને જુદા જુદા સમયે ઋષિઓએ શોધી કાઢેલા; જો કે તેમાંના કેટલાક હાલ ભુલાઈ ગયા છે, પરંતુ બીજા કેટલાક સચવાઈ રહ્યા છે.

જ્યારે ઘણા લોકો જુદે જુદે ખૂણેથી અને જુદે જુદે અંતરેથી સમુદ્રને જુએ ત્યારે પ્રત્યેકને પોતાની ક્ષિતિજ પ્રમાણેનો સમુદ્રનો એક ભાગ દેખાય છે. જો કે દરેક એમ કહે છે કે પોતે જુએ છે તે જ સાચો સમુદ્ર છે, છતાં બધા સાચું બોલે છે કેમ કે બધા જ તે વિશાળપટનો એકાદ ભાગ જોતા હોય છે. આવી જ રીતે ધર્મશાસ્ત્રોમાં જુદાં જુદાં અને વિરોધી મંતવ્યો હોય તેમ લાગે તો પણ તેઓ સત્ય કહે છે, કેમ કે તે બધાં એક અનંત સત્યનાં જ વર્ણનો હોય છે.

જ્યારે કોઈ પહેલવહેલું મૃગજળ જુએ ત્યારે તે સાચું છે એમ માને છે. પછી તેમાં તૃષા છિપાવવાના વૃથા પ્રયત્નો કરીને તેને જ્ઞાન થાય છે કે તે તો મૃગજળ હતું. પણ પછી ભવિષ્યમાં જ્યારે જ્યારે તે આવું દૃશ્ય જુએ ત્યારે દેખીતી રીતે સાચું લાગવા છતાં, પોતે કેવળ મૃગજળ જ જુએ છે તે વિચાર આવે જ છે. જીવન્મુક્તને આ માયાની દુનિયા પણ તેવી જ લાગે છે. જેમ અમુક શક્તિઓ અમુક કુટુંબોમાં જ હોય છે, તેમ વેદનાં અમુક રહસ્યો અમુક કુટુંબોમાં જ જાણીતાં હતાં. આવાં કુટુંબોનો નાશ થતાં, આ રહસ્યો પણ નાશ પામ્યાં છે.

વેદોમાં વર્ણવેલી શસ્ત્રક્રિયાની વિદ્યા આયુર્વેદ કરતાં ઓછી પૂર્ણ ન હતી. શરીરની ઇન્દ્રિયોના ઘણા ભાગનાં ઘણાં નામ હતાં, કેમ કે યજ્ઞ માટે તેમને પ્રાણીઓ કાપવાં પડતાં. સમુદ્રને વહાણોથી ભરપૂર વર્ણવ્યો છે. સમુદ્રગમનનો નિષેધ પાછળથી કરવામાં આવ્યો છે; તેનાં કારણોમાં કંઈક અંશે લોકો તેનાથી બૌદ્ધો બની જાય તેવો ભય લાગેલો.

બૌદ્ધ ધર્મ એ નવા બનેલા ક્ષત્રિયોનો વૈદિક બ્રાહ્મણોના શાસન સામેનો બળવો હતો. બૌદ્ધ ધર્મનું સત્ત્વ ચૂસીને હિન્દુ ધર્મે તેને ફેંકી દીધો. દક્ષિણના બધા આચાર્યોએ આ બંનેનો મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. જૈનો અને બૌદ્ધોને હિંદુ બનાવવાનું મહત્ત્વનું કાર્ય રામાનુજાચાર્યે કર્યું છે. 

વેદોમાં ન હોય તેવા કોઈ નવા ધાર્મિક વિચારનો બીજે ક્યાંય ઉપદેશ અપાયો નથી.

દરેક બાબતમાં બે પ્રકારે વિકાસ થાય : પૃથક્કરણાત્મક અને સંયોજનાત્મક. પૃથક્કરણાત્મક વિકાસમાં હિન્દુઓ બીજી પ્રજાઓ કરતાં ખૂબ ચડિયાતા છે; પણ બીજા પ્રકારનો તેમનો વિકાસ શૂન્ય છે.

હિન્દુઓએ પૃથક્કરણની સૂક્ષ્મીકરણની શક્તિઓ કેળવી છે. પાણિનિના વ્યાકરણ જેવું વ્યાકરણ બીજી કોઈ પ્રજાએ હજી સુધી આપ્યું નથી. હિંદુઓએ આંતરિક વિદ્યાઓમાં પ્રગતિ સાધી છે.

માનવસ્વભાવ જેટલો વિવિધ હોય છે, તેટલા વિવિધ પ્રકારના નીતિનિયમો વેદોમાં ઉપદેશાયા છે. પુખ્ત માણસને જે શીખવવાનું હોય તે બાળકને ન શીખવી શકાય.

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-સંચયન’, પૃ.૫૦૪ -૦૫)

Total Views: 201

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.