અમે માનીએ છીએ કે બુદ્ધને એમના શિષ્યો સાચી તમે સમજ્યા ન હતા. હિંદુ ધર્મ અને અત્યારના બૌદ્ધ ધર્મ વચ્ચેનો સંબંધ, લગભગ યહૂદી અને ખ્ર્રિસ્તી ધર્મ વચ્ચેના સંબંધ જેવો છે. (અહીં ‘હિંદુ ધર્મ’ એટલે ‘વૈદિક ધર્મ’ એમ હું કહેવા માગું છું.) ઈશુ ખ્ર્રિસ્ત યહૂદી હતા, અને શાક્ય મુનિ હિંદુ હતા. યહૂદીઓએ ઈશુ ખ્ર્રિસ્તને ન સ્વીકાર્યા અને એમને વધસ્તંભે ચઢાવ્યા; હિંદુઓએ શાક્ય મુનિને ઈશ્વર તરીકે સ્વીકારીને પૂજ્યા. પણ અત્યારનો બૌદ્ધ ધર્મ અને શાક્ય મુનિએ ઉપદેશેલો બૌદ્ધ ધર્મ એ બે વચ્ચે જે ખરો તફાવત રહેલો છે તે અમે હિંદુઓ મુખ્યત્વે આ રીતે દર્શાવીએ છીએ. શાક્ય મુનિએ નવું કશું કહ્યું નથી. ઈશુ ખ્ર્રિસ્તની જેમ એ પણ ધર્મને પૂર્ણ કરવા આવ્યા હતા, નાશ કરવા નહીં. તેમાં ફેર આટલો છે: ઈશુ ખ્ર્રિસ્તની બાબતમાં જૂના યહૂદી લોકો તેમને સમજી ન શક્યા, જ્યારે બુદ્ધના સંબંધમાં તેમના ઉપદેશનો મર્મ તેમના જ અનુયાયીઓ ન સમજ્યા. જેમ યહૂદીઓ ખ્ર્રિસ્તી ધર્મને જૂના કરારની પૂર્તિરૂપે સમજી ન શક્યા, તેમ બુદ્ધના અનુયાયીઓ બૌદ્ધ ધર્મને હિંદુ ધર્મની પૂર્તિ તરીકે સમજી શક્યા નહીં.

જેણે ગીતામાં ઘોષણા કરેલી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. . . તદાત્માનં સૃજામ્યહમ્‌ । ‘‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થશે. . . ત્યારે ત્યારે હું આવીશ,’’ તે ફરીથી પધાર્યા. અને આ વખતે એમનો આવિર્ભાવ થયો દક્ષિણ ભારતમાં. એ બ્રાહ્મણકુમાર વિશે એમ કહેવાય છે કે સોળ વર્ષની ઉમ્મરે તો એણે પોતાના સર્વ ગ્રંથો લખીને પૂરા કરી દીધા હતા; એ અદ્‌ભુત બ્રાહ્મણકુમાર શંકરાચાર્ય હતા. આ સોળ વરસના કુમારનાં લખાણો આધુનિક જગતનું આશ્ચર્ય છે, અને એ કુમાર પોતે પણ એવો જ આશ્ચર્યજનક હતો. ભારતને પાછું પોતાની અગાઉની પ્રાચીન પવિત્રતાએ લાવવું એ એના મનની મહેચ્છા હતી. તમે એની સમક્ષ પડેલા મહાભારત કાર્યનો ખ્યાલ કરો. એ વખતે ભારતમાં પ્રવર્તતી પરિસ્થિતિ વિશે મેં તમને થોડાએક મુદ્દાઓ કહ્યા છે. અત્યારે તમે જે જે ઘૃણાજનક બદીઓ સુધારવાને મથી રહ્યા છો તે બધી એ વખતના અધ:પતનના કાળના ફળો છે. તાર્તરો અને બલૂચીઓ અને માનવજાતની બધી જંગલી પ્રજાઓ ભારતમાં ઊતરી આવી અને બૌદ્ધધર્મી બની ગઈ. એ પ્રજાઓ આપણામાં ભળી ગઈ. તેઓ પોતાના દેશના રિવાજો સાથે લેતી આવેલી; પરિણામે આપણું રાષ્ટ્રીય જીવન અતિ ભયાનક પાશવી રીતરિવાજોથી ભરેલું એક વિશાળ પ્રકરણ બની ગયું. આચાર્ય શંકરને બૌદ્ધો પાસેથી જે વારસો મળ્યો તે આવો હતો; અને એ કાળથી માંડીને અત્યાર સુધી ભારતનું સમગ્ર કાર્ય બૌદ્ધ કાળની અધોગતિ પર વેદાન્ત દ્વારા વિજય મેળવવાનું રહ્યું છે. હજી પણ એ કાર્ય ચાલી રહ્યું છે; એ પૂરું થયું નથી. મહાન તત્ત્વવેત્તા શંકરાચાર્યે બતાવ્યું કે બૌદ્ધ ધર્મનું અને વેદાન્તનું તત્ત્વ એકબીજાથી બહુ ભિન્ન નથી. પરંતુ બુદ્ધના શિષ્યો ગુરુનો ઉપદેશ તેના સાચા સ્વરૂપમાં સમજી શક્યા નહીં, જેને પરિણામે તેઓ પડ્યા; આત્મા અને ઈશ્વરના અસ્તિત્વનો તેમણે અસ્વીકાર કર્યો અને નાસ્તિકો બની ગયા. આચાર્ય શંકરે એ બતાવ્યું એટલે બધા બૌદ્ધો પાછા જૂના ધર્મમાં આવવા લાગ્યા.

હિંદુ ધર્મ કે બૌદ્ધ ધર્મ, કોઈ એકબીજા સિવાય જીવી શકે નહીં. બન્ને વચ્ચે જે તફાવત છે તે જોતાં, બૌદ્ધ ધર્મ બ્રાહ્મણની બુદ્ધિપ્રતિભા અને તત્ત્વજ્ઞાન વિના ચલાવી ન શકે; તેમ જ બ્રાહ્મણને બૌદ્ધ ધર્મની કરુણાની ભાવના વિના ન ચાલે. બૌદ્ધ અને બ્રાહ્મણ વચ્ચેની આ જુદાઈ હિંદના પતનનું કારણ છે. તેને લીધે જ આજે હિંદમાં ત્રીસ કરોડ ભિખારીઓ છે, અને છેલ્લાં હજાર વર્ષથી તે પરદેશી વિજેતાઓનું ગુલામ બન્યું છે. એટલે આપણે બ્રાહ્મણની અપ્રતિમ બુદ્ધિનો, મહાન વિભૂતિ બુદ્ધની કારુણ્યની ભાવના સાથે, એમના અભિજાત આત્મા સાથે, તેનો અજબ માનવતા સાથે, સંયોગ કરવો જોઈએ.

– સ્વામી વિવેકાનંદ

(‘સ્વા.વિવે.ગ્રં.’ ભાગ-૫, પૃ.૪૩,૪૪,૨૧૫,૨૧૬,૨૧૭)

Total Views: 424

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.