(૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રાજ શિકાગા વિશ્વધર્મ મહાસભામાં સ્વામી વિવેકાનંદે રજૂ કરેલ નિબંધમાંથી સંકલિત અંશો.)

ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે – હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને યહૂદી ધર્મ. આ ત્રણે ધર્મોને પ્રચંડ આઘાતોમાંથી પસાર થવું પડ્યું છે, છતાં આજ સુધી એ ત્રણે ધર્મો ટકી રહ્યા છે, તે એમની આંતરિક શક્તિ દર્શાવે છે. પણ યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મને પોતાનામાં સમાવી લેવામાં નિષ્ફળ નીવડ્યો, અને યહૂદી ધર્મમાંથી જ પેદા થયેલા સર્વવિજયી ખ્રિસ્તી ધર્મે યહૂદી ધર્મને એના જન્મસ્થાનમાંથી હાંકી કાઢ્યો. જરથોસ્તી ધર્મની ભવ્યતાનો ખ્યાલ આપવા માટે આજે બહુ થોડા ગણાય એટલા પારસીઓ હયાત છે. હિંદમાં એક પછી એક અનેક પંથો ઊભા થતા રહ્યા, અને વેદધર્મને એના પાયામાંથી જાણે હચમચાવતા ગયા, છતાં એ ધર્મ ટકી રહ્યો. પ્રબળ ધરતીકંપના આંચકાથી સાગરકિનારાનાં જળ થોડી ક્ષણ માટે જરાં પાછાં હઠી જાય, અને વળી પાછાં થોડી ક્ષણમાં હજારગણા બળથી ભરતીના સ્વરૂપમાં ચારેકોર ફરી વળે, તેવી રીતે એક પછી એક ઊભા થયેલા આ પંથોના આક્રમણનો વેગ ઓછો થતાં એ સર્વને હિંદુ ધર્મે, પોતાની જનેતા સમી વિશાળ ગોદમાં, પોતીકાં કરી પોતામાં સમાવી દીધા.

વેદાન્ત ફિલસૂફીનાં ઉચ્ચ આધ્યાત્મિક ઉડ્ડયનો, જે છેલ્લામાં છેલ્લી વૈજ્ઞાનિક શોધખોળો તો જેના પ્રતિધ્વનિ જેવી લાગે, તેને હિંદુ ધર્મમાં સ્થાન છે. મૂર્તિપૂજાના નીચલી કક્ષાના વિચારોને અને તેમાંથી જન્મ પામતી અનેક પૌરાણિક કથાઓને હિંદુ ધર્મમાં સ્થાન છે. બૌદ્ધ ધર્મીઓના નિરીશ્વરવાદને હિંદુ ધર્મમાં સ્થાન છે અને જૈન ધર્મના નાસ્તિકવાદને પણ હિંદુ ધર્મમાં સ્થાન છે.

આ પરથી એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આ સર્વ, અનેક દિશામાં ચાલી જતી ત્રિજ્યાઓનું મધ્યબિંદુ ક્યું? દેખીતી રીતે મેળ ન ખાય એવા આ સર્વ વિરોધાભાસોને એક ભૂમિકા પર લાવનારું મિલનસ્થાન ક્યું?

આ પ્રશ્નનો ઉત્તર આપવાનો હું પ્રયાસ કરીશ.

હિંદુઓ માને છે કે, પોતાનો આ ધર્મ, અપૌરુષેય એટલે કે અનાદિ અને અનંત એવા વેદમાંથી પ્રાપ્ત થયો છે. કોઈ પણ ગ્રંથ આદિ કે અંત વગરનો હોઈ શકે એવો દાવો આજના આ સભાગૃહને હાસ્યાસ્પદ લાગશે. પણ ‘વેદ’ એવો શબ્દ આપણે ઉચ્ચારીએ છીએ ત્યારે એ કોઈ ગ્રંથ છે એવો અર્થ થતો નથી. ‘વેદ’ એટલે જુદાજુદા સમયે જુદીજુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કીમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ થઈ ત્યાર પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો, માત્ર એની જાણ ન હતી, અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભૂલી જશે તો પણ એ અસ્તિત્વમાં રહેવાનો છે, તેવી જ રીતે જ આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિશે સમજવાનું છે. આત્મા અને આત્મા વચ્ચેના, તેમ જ જીવ અને ઈશ્વર વચ્ચેના, નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક સંબંધો, એ બધા શોધાયા ત્યાર પહેલાંના અસ્તિત્વમાં છે; અને આપણે કદાચ એ બધાને ભૂલી જઈએ તો પણ અસ્તિત્વમાં રહેવાના છે.

આ નિયમોના શોધનારને આપણે ઋષિ કહીએ છીએ અને પૂર્ણ વ્યક્તિ તરીકે આપણે તેમને માન આપીએ છીએ. આ મહાન વિભૂતિઓમાં અમુક તો સ્ત્રીઓ પણ હતી એમ આ સભાગૃહને જણાવતાં મને ઘણો આનંદ થાય છે.

હિંદુ માને છે કે પોતે આત્મા છે – તેને શસ્ત્રો છેદી શકતાં નથી – તેને અગ્નિ બાળી શકતો નથી – તેને પાણી ભીંજવી શકતું નથી – તેને વાયુ સૂકવી શકતો નથી. એ એમ માને છે કે, દરેક આત્મા એક વર્તુળ છે – આ વર્તુળનો પરિઘ ક્યાંય નથી, પણ એનું મધ્યબિંદુ દેહમાં સ્થાપિત છે અને મૃત્યુથી આ મધ્યબિંદુનું એક દેહમાંથી બીજાદેહમાં સ્થાનાંતર થાય છે. વળી આત્મા ભૌતિક પરિસ્થિતિથી બંધાતો નથી. એના ખરા સ્વરૂપમાં આત્મા સ્વતંત્ર છે, અપરિમિત છે, પવિત્ર છે, શુદ્ધ છે અને પૂર્ણ છે. પણ કોણ જાણે કેમ એ ભૌતિક પદાર્થો સાથે બંધાયેલો જણાય છે અને પોતે ભૌતિક પદાર્થ છે એવો વિચાર કરે છે.

આ ઉપરથી બીજો એ પ્રશ્ન ઉદ્ભવે છે. જે સ્વતંત્ર છે, પૂર્ણ છે, શુદ્ધ છે, એ ભૌતિક પદાર્થની ગુલામીમાં શા માટે રહે? પૂર્ણ આત્માને, પોતે અપૂર્ણ છે એવો ભ્રમ પેદા કેમ થાય? એમ કહેવાય છે કે આ પ્રશ્નનો ઉત્તર આપવાનું હિંદુઓ ટાળે છે અને કહે છે કે આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવી શકે નહીં. અમુક વિચારકો એક કે વધારે અર્ધપૂર્ણ વ્યક્તિઓને સ્વીકારી અને મોટાં વૈજ્ઞાનિક નામોનો ઉલ્લેખ કરી, આ પ્રશ્નનો ઉત્તર આપવા પ્રયાસ કરે છે. પણ નામો આપવાથી ખુલાસો થતો નથી. પ્રશ્ન ઊભો જ રહે છે. જે પૂર્ણ છે, તે અર્ધપૂર્ણ કેમ થઈ શકે? જે શુદ્ધ છે, જે અવિકારી છે, તે પોતાના સ્વરૂપમાં અણુમાત્ર જેટલો ફેરફાર પણ કેમ કરી શકે? પણ હિંદુ સ્પષ્ટવક્તા છે. એ તર્કજાળનો આશ્રય લેવા માગતો નથી. આ પ્રશ્નનો હિંમતભેર ઉત્તર આપવાની શક્તિ એનામાં છે. એનો ઉત્તર આ છે: “હું જાણતો નથી. પૂર્ણ આત્મા પોતાને અપૂર્ણ અને ભૌતિક પદાર્થ સાથે સંકળાયેલો અને તેની અસર નીચે આવેલો કેમ માને છે.” એનો ઉત્તર આ છે: “હું સમજતો નથી.” ગમે તે કહીએ, હકીકત એ હકીકત છે. દરેક વ્યક્તિ સભાનપણે પોતાને ભૌતિક દેહ રૂપે માને છે. એમ માનવાને એની પાસે શું કારણ છે તેનો ખુલાસો કરવાનો પ્રયાસ હિંદુ કરતો નથી. એ તો પરમાત્માની ઇચ્છા છે એવો ઉત્તર એ ખરો ખુલાસો નથી. હિંદુ કહે છે: “હું જાણતો નથી” એમાં બધું આવી જાય છે.

ત્યારે, આપણે એવી વાત કરી કે માનવઆત્મા અનંત અને અમર છે, પૂર્ણ અને અપિરમિત છે; મૃત્યુ એટલે માત્ર દેહાંતર છે. વર્તમાન આપણા પૂર્વકર્મથી નિશ્ચિત થાય છે અને ભાવિ આપણા વર્તમાન કર્મથી ઘડાય છે; આત્મા જન્મોજન્મ અને મૃત્યુ પછી મૃત્યુ લગી ઉત્ક્રાંતિ પામતો રહેવાનો અથવા પાછો પડવાનો છે. અહીં વળી બીજો એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ત્યારે શું માનવ કોઈ પ્રચંડ તોફાનમાં સપડાયેલા નાના મછવા જેવો છે ? ઘડીમાં સાગરના પ્રચંડ મોજાંની ફીણભરી સપાટી પર ઊંચકાઈ આવતો અને ઘડીમાં મોં વકાસતા ઊંડાણમાં પછડાતો : સારાં અને ખરાબ કર્મોની દયા પર આમતેમ અથડાતો : સદાસર્વદા કાર્ય અને કારણના નિરંતર ઘૂઘવતા, ધસતા, નિષ્ઠુર પ્રવાહમાં શક્તિહીન સહાયહીન ભટકાતો રહેવાનો છે? શું માનવ, વિધવાનાં આંસુની પરવા કર્યા વગર, અથવા અનાથનું રુદન સાંભળ્યા વગર ફર્યા કરતા, કાર્યકારણના ચક્રવામાં સપડાયેલા એક ક્ષુદ્ર જંતુ જેવો છે? આ વિચારથી આપણું હૃદય બેસી જાય છે; પણ એ કુદરતનો કાનૂન છે. તો શું આપણે માટે કોઈ આશા જ નથી? કોઈ છટકબારી જ નથી? નિરાશ થયેલા હૃદયના ઊંડાણમાંથી આવો એક આર્તનાદ ઊઠ્યો: એ આર્તનાદ કરુણાળુ પરમાત્માના સિંહાસન સુધી પહોંચ્યો, ત્યાંથી આશા અને આશ્વાસનના શબ્દો અવતર્યા અને વૈદિક ૠષિને એમણે પ્રેરણા આપી. આ વૈદિક ઋષિએ જગત સમક્ષ ઊભા રહી રણભેરીશા અવાજથી સર્વને શુભ સમાચાર સંભળાવ્યા: “ઓ શાશ્વત સુખના વારસદારો, ઓ દિવ્ય ધામના નિવાસીઓ! સાંભળો! મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે – જે સર્વ તમસથી પર છે, જે સર્વ ભ્રમથી પર છે અને જેને જાણવા માત્રથી મૃત્યુને પાર જઈ શકાય છે. “શાશ્વત સુખના વારસદારો” – કેવું મધુર અને આશાજનક સંબોધન! ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો – હિંદુઓ તમને પાપી તરીકે ગણવાનો ઇન્કાર કરે છે. તમે સહુ પરમાત્માનાં બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ! તમને પાપી કેમ કહી શકાય? માનવને પાપી કહેવો એ પાપ છે – માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે: ઓ સિંહો! તમે ઘેટાંઓ છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છો, તમે સ્વતંત્ર આત્માઓ છો, તમારા ઉપર આશિષ ઊતરેલી છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી; ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે; ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.

આ રીતે વેદો પોકારીને કહે છે કે આ બધું માત્ર નિષ્ઠુર નિયમોનાં સમન્વય કે કાર્યકારણની અનંત શૃંખલાઓ જ નથી. પણ આ બધા નિયમોથી પર, આ બધા ભૌતિક પદાર્થ અને શક્તિમાં ઓતપ્રોત થઈને પરમાત્મા રહેલો છે – જેની આજ્ઞાથી પવન વાય છે, અગ્નિ સળગે છે, વાદળાં વરસે છે અને મૃત્યુના ઓળા પૃથ્વી પર ઊતરે છે.

આ પરમાત્માનું સ્વરૂપ શું છે? એ સર્વવ્યાપી છે, નિરંજન છે, નિરાકાર છે, સર્વશક્તિમાન અને દયામય છે. “તું અમારો પિતા છે, તું અમારી માતા છે, તું અમારો મિત્ર છે, તું સર્વશક્તિનું મૂળ છે: અમને શક્તિ આપ. તું તો વિશ્વનો સમગ્ર ભાર વહન કરનાર છે; તો આ નાનકડા જીવનનો ભાર વહન કરવાની શક્તિ મને તું જ આપ.” વેદના ઋષિઓએ આમ ગાયું છે અને એની ઉપાસના કેમ કરશો? પ્રેમ દ્વારા. એની ઉપાસના આ જન્મમાં તેમ જ આવતા જન્મોમાં પરમ પ્રિય ગણીને કરવી જોઈએ.

પ્રેમનો આ સિદ્ધાંત વેદોમાં ગવાયો છે. હિંદુઓ જેમને પૃથ્વી પર અવતરેલા પરમાત્મા-સ્વરૂપ માને છે તે શ્રીકૃષ્ણે આ સિદ્ધાંતને કેટલો પૂર્ણપણે વિકસાવ્યો અને જનતાને શીખવ્યો તે હવે આપણે જોઈએ.

એમણે શીખવ્યું કે આ જગતમાં માણસે કમળપત્રની જેમ રહેવું જોઈએ. જેમ કમળપત્ર પાણીમાંથી જ ઊગે છે અને છતાં પાણીથી એ કદી ભીંજાતું નથી, તેમ માનવીએ જગતમાં રહેવું જોઈએ. એનું હૃદય પરમાત્મામય થવું જોઈએ અને એના હાથ કાર્યરત રહેવા જોઈએ.

આ જીવનમાં કે પછીના જીવનમાં કોઈ બદલો મળે માટે પરમાત્મા પ્રત્યે પ્રેમ રાખવો એ સારું છે, પણ પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ વળી વધારે સારું છે અને એથી આ રીતે પ્રાર્થના કરવામાં આવે છે: “હે ઈશ્વર! મારે સંપત્તિ, સંતાન કે વિદ્યાની ઇચ્છા નથી. જો તારી ઇચ્છા હશે તો હું એક જન્મમાંથી બીજા જન્મમાં ભમીશ, પણ મને આટલું વરદાન જરૂર આપ કે હું તને કોઈ પણ બદલાની આશા રાખ્યા વગર, નિ:સ્વાર્થ પ્રેમથી, પ્રેમને ખાતર પ્રેમથી ચાહું.”

વિજ્ઞાન એટલે એકત્વની પ્રાપ્તિ, બીજું કશું નહીં. વિજ્ઞાન જ્યારે સંપૂર્ણ એકત્વ પ્રાપ્ત કરશે, ત્યારે એની વધુ પ્રગતિ અટકી જશે, કેમ કે લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું હશે. તેવી જ રીતે જેમાંથી બીજા બધાં તત્ત્વો બનાવી શકાય એવું એક તત્ત્વ રસાયણશાસ્ત્ર પ્રાપ્ત કરશે ત્યારે તેની પણ વધારે પ્રગતિ અટકી જશે. બીજી બધી શક્તિઓનાં ઉગમસ્થાનરૂપ એક મૂળ શક્તિ મેળવવામાં ભૌતિકશાસ્ત્ર સફળ થશે ત્યારે એનું કાર્ય પણ પૂરું થશે. તેમ જ જ્યારે, મૃત્યુમય જીવનમાં જે એક માત્ર જીવન છે, સતત પરિવર્તનશીલ જગતમાં જે એકમાત્ર સ્થિર તત્ત્વ છે અને ભ્રમજનક આવિષ્કારો જેવા બીજા આત્માઓનો જે એક માત્ર પૂર્ણ આત્મા છે, તેને પામી શકાશે ત્યારે ધર્મનું વિજ્ઞાન પણ સંપૂર્ણ બનશે. આ રીતે જ અનેકતામાંથી અને દ્વૈતમાંથી અંતે એકતાને પમાય છે. ધર્મ આથી આગળ જઈ ન શકે. સર્વ વિજ્ઞાનોનું આ જ લક્ષ્ય છે. લાંબે ગાળે સર્વ વિજ્ઞાને આ સિદ્ધાંત પર જ આવવાનું છે. આજનું વિજ્ઞાન સર્જનમાં નહીં, પણ આવિષ્કારમાં માને છે. હિંદુઓને તેનો આનંદ છે કેમ કે સદીઓથી જે પોતાના હૈયામાં સંધરાયેલું હતું તેને વધારે બળપ્રદ ભાષામાં હવે શીખવાશે અને વિજ્ઞાનની અદ્યતન શોધખોળનો સવિશેષ જ્ઞાનલાભ હવે મેળવાશે.

તત્ત્વજ્ઞાનનાં ઉચ્ચ મહત્વાકાંક્ષી ઉડ્ડયનોનો અત્યાર સુધી આપણે વિચાર કર્યો. હવે અશિક્ષિત લોકોના ધર્મ વિશે વિચાર કરીએ. શરૂઆતમાં મારે તમને કહેવું જોઈએ કે હિંદમાં અનેકેશ્વરવાદ જેવું કશું નથી. હિંદના કોઈ પણ મંદિરમાં જઈને ઊભા રહીએ અને સાંભળીએ તો જણાશે કે ભક્તો મૂર્તિઓને ઈશ્વરના સર્વ ગુણોથી, સર્વવ્યાપકતાથી પણ, સંપન્ન માને છે. આ અનેકેશ્વરવાદ નથી, એકેશ્વરવાદ શબ્દના ઉપયોગથી પણ અર્થ સરે એમ નથી. “ગુલાબના ફૂલને બીજું કોઈ નામ આપવામાં આવે તો પણ એની સુગંધ તો એની એ રહેવાની છે.” નામો આપવાથી ખુલાસાઓ મળતા નથી.

જો માનવ, મૂર્તિની સહાય વડે પોતાના દિવ્યત્વને પ્રાપ્ત કરી શકતો હોય, તો એમાં પાપ કહેવું એ યોગ્ય છે? વળી, એ ભૂમિકા વટાવી ગયા પછી, પોતાની પૂર્વભૂમિકા ભૂલભરી હતી એમ કહેવું યોગ્ય છે? હિંદુના અભિપ્રાય પ્રમાણે મનુષ્ય ભ્રાન્તિમાંથી સત્યને પહોંચતો નથી, સત્યમાંથી સત્યમાં જાય છે. નીચલી કક્ષાના સત્યમાંથી ઉચ્ચ કક્ષાના સત્યે તે પહોંચે છે. એના મત પ્રમાણે બધા ધર્મો, નીચામાં નીચી જડ વસ્તુની ઉપાસનાથી માંડીને ઊંચામાં ઊંચા અદ્વૈત સુધી પહોંચતા બધા ધર્મો, માનવ-આત્માના અનંતને પામવાના અનેક પ્રયાસો છે – એ દરેક તેના જન્મ અને તેની પરિસ્થિતિથી મર્યાદિત છે, એ દરેક એની પ્રગતિનો એક માર્ગસૂચક સ્તંભ બને છે; દરેક આત્મા વધુ અને વધુ ઊંચે ઊડતો, વધુ અને વધુ શક્તિ મેળવતો અને અંતે પ્રતાપી સૂર્ય સમીપ પહોંચવા માટે આતુર રહેતો નવજુવાન ગરુડ પક્ષી જેવો છે.

ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નીવડ્યા હશે; પણ જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ. આ વિશ્વધર્મનો સૂર્ય શ્રીકૃષ્ણના તેમજ ઈશુના અનુયાયીઓ ઉપર, સંત તેમ જ પાપી બન્ને ઉપર એકસરખી રીતે પ્રકાશશે. આ વિશ્વધર્મ, વૈદિક-બ્રાહ્મણ ધર્મ નહીં હોય, એ બૌદ્ધ ધર્મ નહીં હોય, એ ખ્રિસ્તી ધર્મ નહીં હોય, એ ઈસ્લામ પણ નહીં હોય; એ સર્વનો સરવાળો હશે. અને તેમ છતાં, વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્વધર્મ વિશાળહૃદયી હશે અને એના અનંત બાહુઓમાં દરેક માનવને સ્થાન મળશે. એમાં પશુથી બહુ ઊંચા નહીં એવા નીચામાં નીચી કક્ષાના જંગલીઓને પણ સ્થાન મળશે અને સમગ્ર માનવજાત વચ્ચે પોતાની બુદ્ધિ અને હૃદયના ગુણો વડે સર્વોચ્ચ સ્થાન મેળવતા, સમાજને આંજી નાખતા અને એના માનવપણા વિશે જ શંકા ઊભી કરતા, ઉચ્ચ કક્ષાના માનવીને પણ સ્થાન હશે. આ વિશ્વધર્મના બંધારણમાં ત્રાસવાદને સ્થાન નહીં હોય, અસહિષ્ણુતાને સ્થાન નહીં હોય. આ વિશ્વધર્મ દરેક માનવ પુરુષ અને સ્ત્રીમાં રહેલી દિવ્યતાનો સ્વીકાર કરશે. આ વિશ્વધર્મ માનવજાતને પોતાની સત્ય અને દિવ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થવા માટે પોતાની સર્વશક્તિ તેમ જ સર્વ અનુકૂળતાનો ઉપયોગ કરશે.

આવો કોઈ વિશ્વધર્મ તમે રજૂ કરો, અને જુઓ કે સમગ્ર માનવજાત તમને અનુસરશે. અશોકની સમિતિ બૌદ્ધધર્મીઓની સમિતિ હતી. અકબરની સમિતિ, જો કે વધારે ધ્યેયલક્ષી હતી, છતાં એ એક ઓરડાની બેઠક હતી. અમેરિકાએ જ આજે પહેલી વાર સમગ્ર જગતને પોકારીને કહ્યું છે કે દરેક ધર્મમાં ઈશ્વર વસે છે.

તમારા આ વિશ્વધર્મના અભિજાત વિચારને અમલમાં મૂકવામાં હિંદુઓ જેને બ્રહ્મ કહે છે તે, જરથોસ્તીઓ જેને અહુરમઝ્દ કહે છે કે, બૌદ્ધધર્મીઓ જેને બુદ્ધ કહે છે તે, યહૂદીઓ જેને જિહોવા કહે છે તે અને ખ્રિસ્તીઓ જેને સ્વર્ગના પિતા કહે છે કે, સહુ પૂરતી શક્તિ આપો. તારક પ્રથમ પૂર્વમાં ઉદ્ભવ્યો, ધીમે ધીમે સતત રીતે એણે પશ્ચિમ ભણી પ્રવાસ શરૂ કર્યો; એ કોઈક વાર મંદ પ્રકાશિત રહ્યો, કોઈક વાર તેજોમય બન્યો, અને આમ આખી પૃથ્વીની પ્રદક્ષિણા એણે કરી. આજે ફરી વાર એ પૂર્વની ક્ષિતિજમાં, સેનપોની સીમાઓ પર પ્રગટી રહ્યો છે અને પહેલાંના કરતાં હજારગણો વધુ તેજોમય બન્યો છે.

સ્વાતંત્ર્યની માતૃભૂમિ કોલંબિયા, તને વંદન હો! જેણે અત્યાર સુધી પડોશીના લોહીમાં પોતાના હાથ ભીંજવ્યા નથી, જેણે પડોશીને લૂંટીને ધનિક થવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ અપનાવ્યો નથી, એ તારું આજે સદ્ભાગ્ય છે કે સમન્વયનો ધ્વજ ધારણ કરી સંસ્કૃતિને મોખરે ચાલવાનું તારે ભાગે આવ્યું છે.

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.