ઝાંખા રે ગઢ, પાંખા કાંગરા,
એથીય ઝાંખા એના ઉંબરા,
આવી ઝાંખપ છાંડો હે, મનરાજવી!
તૂટ્યાં રે શમણાં, ફૂટી આંખો,
ક્યમ ઊડીએ જ્યાં પ્રજળી પાંખો?
પ્હાડ સરીખા તૃણો પાડો હે, મનરાજવી!
સૂનાં રે ઝરૂખડાં, જર્જર ઝુમ્મર,
ઘરડી ધરા રે જૂનું અમ્બર
વાળ્યો છે મોહે આંક આડો હે, મનરાજવી!
દીધું ડાબે એ જ જમણે લીધું રે,
ઘોળી કસુંબે હેતવખ પીધું રે
છેવટનો સરવાળો જ માંડો હે, મનરાજવી!
Your Content Goes Here




