હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે. આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે.

શરૂશરૂમાં થોડો સમય એને બધું અજાણ્યું અને નવું નવું લાગશે; ત્યારે એની સાથે થોડી રહેમથી વર્તજે એવી મારી વિનંતી છે. તું જાણે છે કે અત્યાર સુધી એ કૂકડાઓનો રાજા હતો, આજુબાજુના કમ્પાઉન્ડનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓને સંતોષવા હું હાથવગો હતો.

પણ હવે….બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં આગલાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને એક મહાન સાહસનો પ્રારંભ કરશે. એમાં કદાચ યુદ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો સમાવેશ પણ થાય.

આ જગતમાં વસવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમત જોઈએ. એથી હે જગત, તું એની કુમળી આંગળી ઝાલી દોરજે અને એને જાણવા યોગ્ય સૌ વાનાં શીખવજે.

જો બની શકે તો એને આ બધા પાઠ મૃદુતાથી શીખવજે.

એને શીખવું તો પડશે જ. હું જાણું છું કે બધા માણસો ન્યાયપૂર્વક વર્તતા નથી. બધા જ માણસો સાચા નથી પણ એને શીખવજો કે દર એક કઠિન માણસે એક વીર પુરુષ પણ હયાતી ધરાવે છે. દર એક પ્રપંચી રાજપુરુષોના સામે એક સમર્પણની ભાવનાવાળો રાજપુરુષ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે. એને શીખવજે કે દર એક દુશ્મને એક મિત્ર પણ હોય છે.

ક્રૂર અને ઘાતકી માણસો ઘણી સરળતાથી નમી પડે છે અને તમારા પગ ચાટવા માંડે છે, એ વાત પણ એ શીખે તો સારું.

એને પુસ્તકોની અદ્ભુત દુનિયાનાં દર્શન કરાવજે. આકાશમાં ઊંચે ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગીતો ગાતી મધમાખીઓ અને લીલા ડુંગરાઓ ૫૨ ઝૂલતાં પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવા એને થોડીક નિરાંતનો સમય આપજે.

એને શીખવજે કે છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ જવું એ અનેક રીતે બહેતર છે. ભલે બીજા બધા એને ખોટો કહે તો પણ એને પોતાના જ વિચારોમાં શ્રદ્ધા રાખવાનું શીખવજે.

જ્યારે સૌ વાયરા પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાંને અનુસરવાને બદલે એ એકલો પોતાના માર્ગે જઈ શકે એ માટે એને બળ આપજે. બધાની જ વાત એ સાંભળે પણ સત્યની ચાળણીમાંથી ચાળીને જે સારું હોય એ જ ગ્રહણ કરે એમ એને શીખવજે.

એનાં મન હૃદયને એ સર્વોચ્ચ સાહસ માટે સમર્પીદે, પણ આત્મા અને હૃદયનાં દ્વાર એ બંધ ન કરે એ જોજે. ટોળાંની બૂમોથી એ નમે નહિ અને જો પોતાની વાત સાચી લાગે તો એને માટે જીવસટોસટની લડાઈ આપતાં અચકાય નહિ એમ એને શીખવજે.

હે જગત, મૃદુતાથી આ બધું એને શીખવજે. પણ એને લાડ લડાવીશ નહિ, કારણ કે અગ્નિમાં તપીને જ સુવર્ણ શુદ્ધ બને છે.

મારી લાગણી કદાચ તને વધુ પડતી લાગે, પણ હે જગત, બની શકે, એટલું તું કરી છૂટજે, કારણકે એ મારો નાનકડો મજાનો પુત્ર છે.

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.