ક્લૈબ્યં માસ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે ।
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥
‘હે પાર્થ, નપુંસકતા કે નિર્બળતાને વશ ન થા, આ તને (તારા જેવા યોદ્ધા માટે) છાજતું નથી. તું વીરપુરુષ છે, તને આ શોભતું નથી. હૃદયની આ દુર્બળતાને ખંખેરી નાખ. હે પરંતપ (અર્જુન), ઊઠ! જાગ્રત થા અને યુદ્ધ માટે તૈયાર થા!’
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ગીતાનો આ એક શ્લોક જે કોઈ વાંચે તો આખીય ગીતા વાંચ્યાનું પુણ્ય તે મેળવશે કારણ કે આ એક શ્લોકમાં ગીતાનો સમગ્ર સંદેશ ભર્યો છે.
આ વાંચીને ઘણા લોકોના મનમાં સાહજિક રીતે પ્રશ્ન ઊભો થાય. ગીતાના ૭૦૦ જેટલા શ્લોકોમાંથી સ્વામીજીએ આ શ્લોકને સૌથી વધારે શા માટે મહત્ત્વ આપ્યું હશે? ગીતાનો સમગ્ર ઉપદેશ રણયુદ્ધના મેદાનમાં આપેલો ઉપદેશ છે. યુદ્ધ હોય ત્યાં હિંસા તો રહેવાની જ. અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણે આ ભયંકર યુદ્ધમાં જોતરવા અને અસંખ્ય સ્વજનો અને ગુરુજનોને હણવા તૈયાર થવા આ ઉપદેશ આપ્યો છે. એટલી વાત સાચી કે કૌરવોની સાથે રહેલા સ્વજનો-ગુરુજનો વગેરેએ ધર્મ અને નીતિના પથને છોડીને અધર્મ અને અનાચારના પથે ચાલતા દુર્યોધનને સાથ આપવાનું નક્કી કર્યું હતું. અર્જુન, એક યોદ્ધો ‘મારો કે મરો’ની તત્પરતા સાથે શત્રુનો સામનો કરી રહ્યો છે. આવા યોદ્ધાને અને આધ્યાત્મિકતાને શી લેવા દેવા હોઈ શકે? એ પ્રશ્ન પણ ઘણા ના મનમાં ઊભો થાય જ.
એટલે જ ગીતાની વિવેચના કરનારા કેટલાક વિદ્વાનો આ પરિસ્થિતિને પ્રતીકાત્મક ગણીને એને પોતપોતાની માનસિકતા સાથે જોડવાનું કહે છે. એમના મત પ્રમાણે દરેક વ્યક્તિની માનસિકતા એ પણ એક યુદ્ધભૂમિ જ છે. અર્જુનને યુદ્ધ માટે પ્રેરવા પાછળનો આશય પોતાની ભીતર રહેલા દુર્ગુણો સામે લડવાનો છે, એવું એ વિવેચકો માને છે.
પણ જો ભગવદ્ગીતાના ઉપદેશને એક ઐતિહાસિક ઘટના ગણીએ તો શ્રીકૃષ્ણ અર્જુનને વાસ્તવિક રીતે એક ભયંકર યુદ્ધ માટે ઢંઢોળે છે, જાગ્રત કરે છે. સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે જો ગીતાના તાત્પર્યને સમજવુ હોય તો એનું અધ્યયન એની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિમાં કરવું જોઈએ. તેઓ કહેતા કે ગીતાના ઉપદેશ દ્વારા એના પ્રણેતા ભગવાન શ્રીકૃષ્ણનું અદ્ભુત ચરિત્ર ઊભરી આવે છે. ગીતા વાંચ્યા વગર કોઈ પણ વ્યક્તિ શ્રીકૃષ્ણના જીવનના મર્મને સમજી ન શકે. સ્વામીજી ગીતાના ઉપર્યુક્ત શ્લોકને મહત્ત્વ આપતાં હોય, શ્રેષ્ઠ ગણતા હોય તો આટલું સ્પષ્ટપણે સમજી શકાય કે એને આધ્યાત્મિકતા સાથે સીધો સંબંધ છે, કારણ કે ગીતાને હંમેશાં મોક્ષશાસ્ત્ર કહેવામાં આવ્યું છે.
અર્જુનના જીવનમાં આ અત્યંત મહત્ત્વની સંકટની પળ હતી. તે પોતે પણ લડવું કે ન લડવું, આટલા બધાને -સ્વજનોને ગુરુજનોને હણવા કે ન હણવા; એની જબરી ગડમથલમાં એ ગૂંચવાયો હતો. સદ્ભાગ્યે તેની પાસે ભગવાન કૃષ્ણ જેવા સર્વોચ્ચ મિત્ર, ઉત્તમ તત્ત્વજ્ઞ અને માર્ગદર્શક હતા. શ્રીકૃષ્ણ એને સાચું માર્ગદર્શન આપી શક્યા. અર્જુનને પોતાના વિષાદમાંથી બહાર લાવવા તેને પ્રેરી શક્યા અને એને પ્રબળ અને દૃઢ બનાવી શક્યા.
માનવજીવન અને માનવ સભ્યતા હંમેશાં આવી કટોકટોભરેલી પરિસ્થિતિનો અનુભવ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક કરતાં જ રહે છે. આપણે પણ આવી જ જબરી મનોમૂંઝવણમાં પડતા રહીએ છીએ અને એનો ઉકેલ શોધવામાં કે એનો પૂરી તાકાતથી સામનો કરવામાં જાણે કે આપણે પૂર્વતૈયારી વિહોણા હોઈએ એવું અનુભવીએ છીએ. ગીતાના ઉપદેશોમાંથી જો એક મહત્ત્વનો બોધપાઠ આપણે લેવો હોય તો તે છે : ભયંકર કટોકટી અનુભવવી એ માનવજીવનમાં અપરિહાર્ય છે. આનંદની પળો પછી હંમેશાં દુ:ખની ઘડીઓ આવવાની જ. એટલે જ આપણે આનંદ અને સુખનો સ્વીકાર કરીએ ત્યારે આ દુ:ખ અને કષ્ટ માટે પણ તૈયાર રહેવું જોઈએ. આવા કષ્ટ અને વિષાદના સમયે જ આપણને સાચી આધ્યાત્મિકતાની જરૂર પડે છે.
આ સુખ અને દુ:ખ કે આનંદ અને શોકના દ્વન્દ્વની વાત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અવારનવાર મૂકી છે. જ્યારે જ્યારે આપણા જીવનમાં દુ:ખદર્દમય, માઠી, શોકમય, આકસ્મિક ઘટના બને કે એનો સામનો કરવાનો આપણો વારો આવે ત્યારે આપણે સૌ ‘આવું ન થવું જોઈએ’ એમ કહીએ છીએ, ઇચ્છીએ છીએ, માનીએ પણ છીએ. આપણા મનમાં રહેલા પૂર્વગ્રહો કે હઠાગ્રહોને લીધે ‘આવું બનવું જોઈએ’ અને ‘આવું ન બનવું જોઈએ’ એવું આપણે હંમેશાં કહેતા રહીએ છીએ. વાસ્તવિક રીતે જીવનમાં આપણી ધારણા પ્રમાણે જ બધું થાય એવું બનતું નથી. ગીતાનો ઉપદેશ આપણને આ દ્વન્દ્વમાંથી મુક્ત થવા પ્રેરે છે.
આજે અર્જુનની જેમ આવતી ભયંકર કટોકટીની પળે આપણે સૌ પણ બૌદ્ધિક કે તાર્કિક દલીલો કરતા અચકાતા નથી અને આપણી ફરજોથી નાસી છૂટવાનો પ્રયાસ પણ કરતા રહીએ છીએ. અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ન કરવા માટે ઘણી દલીલો કરી હતી પણ એમાં મુખ્ય આ ત્રણ દલીલો હતી. આજે પણ એવી પરિસ્થિતિમાં આપણે આવીએ છીએ ત્યારે એવી જ દલીલો કરીએ છીએ.
અર્જુન શ્રીકૃષ્ણ સાથે તર્ક સાથે આ દલીલો કરે છે: ‘તમે મને કેવી રીતે આ ઘોર હિંસા કરવાનું, બધાને હણવાનું કહો છો? એના દ્વારા તો સમગ્ર સમાજનું અકલ્યાણ જ થવાનું છે. યુદ્ધમાં તો અસંખ્ય વીરપુરુષો હણાવાના છે અને અસંખ્ય નારીઓ છત્રવિહોણી બનીને હતભાગ્યને વરવાની છે. એને લીધે વર્ણસંકરતા આવશે અને એની માઠી અસર ભાવિ પેઢી પર અવશ્ય થવાની જ.’ કોઈ પણ આધુનિક માણસ માટે આવી દલીલો ન્યાયી ગણાશે. એટલે જ જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને કાયર કહે છે અને એણે કરેલી દલીલોનો છેદ ઉડાડી દઈને એને લડવા માટે જ પ્રેરે છે ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઊભા થાય છે. તેમના મત પ્રમાણે ગીતા જેવા ઉત્કૃષ્ટ દાર્શનિક અને આધ્યાત્મિક ગ્રંથના ઉદ્ગાતા ભગવાન શ્રીકૃષ્ણ આવું કહે તે વ્યાજબી ગણાય ખરું?
આજની પરિસ્થિતિમાં પણ સૈનિકોને યુદ્ધમાં મોકલવામાં આવે ત્યારે નૈતિકતાના કેટલાક પ્રશ્નો એમની સામે આવે છે : યુદ્ધ લડવા સૈનિકોને મોકલવા જોઈએ કે નહિ? લોકશાહી અને સ્વતંત્રતાના નામે રાષ્ટ્રોએ એક બીજા સાથે લડવું જોઈએ કે નહિ? અને રાષ્ટ્રોએ એક બીજાની આંતરિક બાબતમાં દખલગીરી કરવી જોઈએ કે નહિ?
જીવનનું એક ધ્રુવ સત્ય છે – વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રનું જીવન હંમેશાં અત્યંત ક્રિયાશીલ અને ગતિશીલ હોય છે. અને એ ‘આમ કરવું કે થવું જોઈએ’ અને ‘આમ ન કરવું કે ન થવું જોઈએ’ એને માટે એ રાહ જોતું નથી. એ તો એની પોતાની ક્રિયાશીલતા અને ગતિશીલતા સાથે બંને દ્વન્દ્વોને સાથે રાખીને ચાલતું જ રહે છે. શ્રીકૃષ્ણ અર્જુનને સ્પષ્ટપણે કહે છે કે તું મરવાનો છે એ બીકે લડવાની ના કહે છે. એ માટે તેં કરેલી બધી દલીલો મિથ્યા છે. સ્વાભાવિક રીતે આપણા સૌના મનમાં ‘મૃત્યુથી કોણ ડરતું નથી?’ એવો પ્રશ્ન ઊભો થાય. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મૃત્યુ જીવનનું અનિવાર્ય સત્ય છે અને જો મૃત્યુ અનિવાર્ય જ હોય, અપરિહાર્ય હોય તો ‘આમ ન કરવું કે ન થવું જોઈએ’ એવી વાત આવતી જ નથી. રણમેદાનમાંથી ખસી જવાનો મૂળ હેતુ અર્જુનના મનમાં આવો હતો : તે પોતે મરવો ન જોઈએ અને બીજા સ્વજનો-ગુરુજનોને મારવાનું પાપ એના દ્વારા ન થવું જોઈએ. એનો અર્થ એ થયો કે જીવનમાં મજાની અને આનંદની જ વાતો કે સુખની પળો જ એ સ્વીકારવા તૈયાર હતો; દુ:ખની, કષ્ટની, શોક-વિષાદની નહિ. આવી જ રીતે આપણે આપણા જીવનમાં-સમાજમાં રહીએ છીએ, પરણીએ છીએ, નોકરી-ધંધો કરીએ છીએ, કમાઈએ છીએ, અને એવું પણ ઇચ્છીએ છીએ કે આપણું જીવન સુખી, સફળ અને સમૃદ્ધ રહે. જ્યારે આમાં સમતુલન ન જળવાય અને દુ:ખ-કષ્ટ કે શોક-વિષાદનો સામનો આપણને કરવો પડે ત્યારે આપણે બોલી ઊઠીએ છીએ ‘આમ ન કરવું કે ન થવું જોઈએ’.
આવું શા માટે બને છે? અર્જુનની જેમ આપણા જીવનમાં જ્યારે ખરાખરીનો ખેલ આવે ત્યારે આપણે ‘આવું ન થવું જોઈએ’ એવો જ વિચાર કેમ આવે છે? તથા આપણે વાસ્તવિકતાને એના સાચા સ્વરૂપે શા માટે સ્વીકારતા નથી? કોઈ માણસ એક કઠિન પર્વતારોહણ કરવા જાય છે. એ વખતે એની સામે કઈ કઈ મુશ્કેલીઓ આવવાની છે એનાથી તે પૂરેપૂરો વાકેફ હોય છે અને એ માટે તે તૈયાર પણ રહે છે. પણ જ્યારે પર્વતારોહણ કરતાં કોઈ અણધારી કે ધારેલી મુસીબત આવે તો ‘આવું ન થવું જોઈએ’ એવો વિચાર એના મનમાં આવે તો પણ એને દૂર હડસેલીને પર્વતારોહણ ચાલુ જ રાખવાનો, કારણ કે એના માટે બીજો કોઈ વિકલ્પ નથી.
અર્જુનને યુદ્ધના પ્રારંભ પહેલાં જે મૃત્યુનો મનમાં સંશય થયો, એ મૃત્યુભ્રમને ખંખેરી નાખવા માટે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : ‘ન એતત્ ત્વયિ ઉપપદ્યતે – આ તને છાજતું નથી.’ ખરેખર તો તું અવિનાશી આત્મા છે. તારું મૂળ સ્વરૂપ ભૂલી ગયો લાગે છે અને પોતાની જાતને દીન, દુર્બળ, પાપી, દુ:ખી ગણે છે. એટલે કે તું તારા દૈહિક અને માનસિક પરિતાપોને મહત્ત્વના ગણે છે, એ તારા જેવા મહાન વીર માટે શોભાજનક નથી. એટલે જ તેઓ કહે છે: ‘ક્લૈબ્યં મા: સ્મ ગમ: પાર્થ – હે પાર્થ નપુંસકતા કે નિર્બળતાને વશ ન થા.’ આ દુનિયામાં પાપ જેવું જે કંઈ હોય તો તે ભય છે. જે માણસ પોતાની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને ઝગાડી શકે તે પુણ્ય છે. જે શરીરને અને મનને નિર્બળ બનાવે તે પાપ. આ નિર્બળતા અને હૃદયની દુર્બળતાનો ત્યાગ કરવાનું શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે.
સ્વામી વિવેકાનંદે ગીતા વિશે આપેલા પોતાના પ્રવચનમાં આ જ વાતને અત્યંત પ્રેરણાદાયી શબ્દોમાં રજૂ કરી છે : ‘એક પગલું પણ પીછેહઠ ન કરીશ; એ જ મુદ્દો છે…. છેલ્લે સુધી લડત ચાલુ રાખ; પરિણામ ગમે તે આવે. તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે! સમગ્ર જગત ભલે અપણી સામે ઊભું થાય! મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમાં શું? માટે યુદ્ધ કર. નામર્દ થવાથી તને કાંઈ મળશે નહિ…. પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહિ શકે. જગતના સર્વ દેવો સમક્ષ તમે રડ્યા છો. તેથી દુ:ખ દૂર થયું છે ખરું? છ કરોડ દેવો સમક્ષ ભારતના માનવો રોદણાં રડે છે અને છતાં કૂતરાને મોતે મરે છે. એ દેવો ક્યાં છે?…. તમે સફળ થાઓ ત્યારે જ દેવો તમારી મદદમાં આવે છે. તો એથી લાભ શો? સામી છાતીએ લડીને મરો… મારા વહાલા અર્જુન! આ વહેમો પાસે નમતું જોખવાની કે તારા મનથી વેચાઈ જવાની રીત તને છાજતી નથી. તું સનાતન છો, અમર છો, જન્મરહિત છો, સનાતન આત્મા તું છો, માટે ગુલામ થવું તને છાજતું નથી…… ઊઠ! જાગ! ઊભો થા અને યુદ્ધ કર! મરવું પડે તો મર. તને મદદ કરનાર બીજો કોઈ નથી. તું જ સર્વ જગત છે. તને કોણ સહાય કરી શકે?’ (સ્વા. વિ. ગ્રં.મા. ૭ : ૨૧)
સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્યોને ઉદ્દેશીને આ વીર વાણી ઉચ્ચારે છે :
‘મારા શિષ્યો! આ સત્ય જો તમે જગતને પોકારીને જણાવી શકો: ક્લૈબ્યં માસ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે – તો આ બધા રોગ, શોક, પાપ અને દુ:ખ ત્રણ દિવસમાં જ દુનિયામાંથી વિદાય થાય. નિર્બળતાના આ વિચારો ક્યાંય રહેશે નહિ. ભયનાં આ આંદોલનો અત્યારે સર્વ સ્થળે વ્યાપી રહ્યાં છે. તેમના વેગની દિશાને ફેરવી તેનાથી વિરુદ્ધ આંદોલનો જગાવો; અને કેવું જાદુઈ પરિવર્તન થાય છે તે જુઓ! તમે સર્વશક્તિમાન છો, તોપને મોઢે ચડી જવાની તાકાત રાખો; ડરો નહિ… આખી દુનિયામાં બુલંદ અવાજે જાહેર કરો: ‘તમારામાં પાપ નથી, તમારામાં દુ:ખ નથી. તમે સર્વ પ્રબળ શક્તિનો ભંડાર છો. ઊઠો, જાગ્રત થાઓ અને તમારામાં રહેલી પેલી દિવ્યતાને પ્રકટ કરો!’ (સ્વા.વિ.ગ્રં.મા. ૬:૧૪૮-૪૯)
આપણે એટલું તો સ્પષ્ટપણે જાણીએ છીએ કે આ નશ્વર દેહ કાયમી રહેવાનો નથી. વાસ્તવિક રીતે આ ઘસાતા અને ર્જીણ થતા દેહમાં આપણે કાયમ માટે જીવવાયે માગતા નથી. એટલે જ આ પરિવર્તનશીલ અને નશ્વરદેહની આસક્તિ જ આપણને મૃત્યુનો ભય પમાડે છે. આ વાતને આપણે આત્મસાત્ કરીએ તો જીવનયાત્રા સરળ બની જાય.
આપણું અસ્તિત્વ શાશ્વત રહે, એ આપણી મૂળભૂત ઇચ્છા છે એમ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. જ્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું : ‘હું મરવા માગતો નથી અને હું બીજાને મારીશ પણ નહિ’. એની પાછળ તેમનું અસ્તિત્વ ગુમાવી બેસવાનો ભય રહેલો હતો. એટલે જ શ્રીકૃષ્ણ સૌ પ્રથમ તો અર્જુનને સ્પષ્ટપણે કહે છે કે આપણે ભૂતકાળમાંયે હતા અને ભવિષ્યમાં પણ રહીશું. પરંતુ આ વાત આપણું મન સાહજિક રીતે માની શકતું નથી. એનું કારણ એ છે કે આપણે આ મનોદૈહિક સંકુલની સાથે આસક્ત થઈને રહીએ છીએ. દેહના નાશથી પોતાનોયે નાશ થશે એમ માની લઈએ છીએ. હવે આ સમસ્યાનું સમાધાન ક્યાં છે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આટલાં વર્ષો, આટલા જન્મો તેં દેહમનને કેન્દ્રમાં રાખીને, આસક્તિ સાથે કર્મ કર્યાં હતાં એ કર્મોનો સાવ ત્યાગ કરવાથી સમસ્યાનું સમાધાન મળવાનું નથી. એનો એકમાત્ર ઉપાય છે અનાસક્તભાવે કાર્ય કરીને મનોદૈહિક આસક્તિને દૂર કરવી.
શ્રીમા સારદાદેવી એક સુંદર ઉદાહરણ આપતાં કહેતાં : ‘જન્મ જન્માંતરની ભિન્ન ભિન્ન કર્મ રૂપી દોરીઓને આપણે વીંટાળીને એક દડો બનાવી દીધો છે. એમાંથી મુક્ત થવા માટે ધીમે ધીમે કુશળતા અને પુરુષાર્થપૂર્વક એ દોરીને ઉખેળવી પડે.’ આ કાર્ય નિષ્કામ કર્મથી જ થઈ શકે. શ્રીકૃષ્ણ કહે છે તે પ્રમાણે આ સંસારમાં જે કર્મો કે પ્રવૃત્તિઓ વર્તમાન પરિસ્થિતિ સુધી આપણને લાવી મૂકે છે એને પાછી આ સમગ્ર વિશ્વને અર્પી દઈને જ આપણે આપણા મુખ્ય મધ્યવર્તી કેન્દ્ર – આત્મામાં સ્થિત થઈ શકીએ.
શ્રીકૃષ્ણ કહે છે : યજ્ઞ રૂપી કર્મ સિવાય કરેલાં બીજાં કર્મો આપણને વધારે ને વધારે બંધનમાં નાખી દે છે, અને એ આપણને મૃત્યુનો ભય પમાડે છે. યજ્ઞની ભાવના, એટલે કે દુનિયા પાસેથી જે કંઈ લીધું છે એ આપણે આહુતિ કે નૈવેદ્ય રૂપી એમને પાછું અર્પણ કરી દેવા કરેલું કર્મ આપણને આ મૃત્યુના ભયમાંથી આપણને ક્રમશ: મુક્ત કરે છે.
પોતાના જીવન-સંદેશનું ઉદાહરણ આપીને સ્વામીજી પ્રેરણાદાયી શબ્દોમાં આપણને આહ્વાન કરે છે : ‘નિરાશ ન થશો; ગીતામાં ભગવાને કહ્યું છે તે યાદ કરો. ‘કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ.’ કટિબદ્ધ થાઓ, વત્સ! આ કાર્યને માટે જ ઈશ્વરે મને જન્મ આપ્યો છે. હું આખી જિંદગી વિપત્તિ અને અત્યાચારોમાં ઘસડાયો છું; સ્વજનો અને સ્નેહીઓને લગભગ ભૂખમરાથી મરતાં મેં જોયાં છે; ઉપહાસ અને અવિશ્વાસનો હું ભોગ બન્યો છું તથા જે માણસો મને હસી કાઢે અને તિરસ્કારે તેમના જ પ્રત્યે સહાનુભૂતિ દાખવવા માટે મારે ઘણું સહન કરવું પડ્યું છે. પણ વત્સ! જેમ આ જગત વિપત્તિની શાળા છે, તેમ મહાત્માઓ અને પયગમ્બરોને માટે એ દયા, ધૈર્ય, તેમ જ મુખ્યત્વે તો પગ પાસે વિશ્વના ચૂરેચૂરા થાય તો પણ ડગે નહિ એવું મનોબળ કેળવવાની પણ શાળા છે.’ (૧૧ : ૨૦૨)
મૃત્યુ શું છે? ભય શું છે? એમાં તમને ઈશ્વરનું દર્શન થતું નથી? અશુભ, ભય અને દુ:ખથી નાસવા માંડશો તો તે તમારી પાછળ પડશે; તમે એનો સામનો કરો તો તે નાસી જશે. સમસ્ત જગત સુખને ઝંખે છે; બહુ ઓછા લોકો દુ:ખને આવકારવાની હિંમત કરે છે; એ બંનેથી પર થવું એ સ્વાતંત્ર્ય છે. (૩:૨૭૬)
‘વીરની માફક આગળ વધો. કોઈ અંતરાયથી ડગો નહીં. શરીર અને સુખદુ:ખ કેટલા દિવસ ટકવાનાં છે? જો તમને માનવદેહ મળ્યો છે તો તમારા અંતરના આત્માને ઢંઢોળો અને કહો : ‘મેં અભયની સ્થિતિ પ્રાપ્ત કરી છે.’ કહો : ‘હું તે આત્મા છું, કે જ્યાં મારા હલકા અહમ્નો સદાને માટે લય થઈ ગયો છે.’ આ વિચારમાં દૃઢ રહો. પછી જ્યાં સુધી શરીર ટકે ત્યાં સુધી બીજાને આ નિર્ભયતાનો સંદેશ આપતા રહો : તત્ત્વમસિ । ‘તે તું છો.’ ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત । ‘ઊઠો, જાગો અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકો નહિ.’ (૧૧ : ૫૮)
Your Content Goes Here




