(ગતાંકથી આગળ)

સંધ્યાનો સમય હતો. બલરામ મંદિરના બીજા માળના હૉલમાં ઠાકુર ભક્તો સાથે વાત કરી રહ્યા હતા. વાત કરતાં કરતાં એકાએક આ શું થયું? ઠાકુર ઘૂંટણિયાભેર થઈને ભાંખોડિયા ભરતાં ભરતાં ઊંચે જોઈને ખાવાનું કેમ માગી રહ્યા છે! સહુ આશ્ચર્યમાં પડી ગયાં અને આમતેમ જોવા લાગ્યાં. આ તો જાણે સાક્ષાત્ બાળકનૈયાનું જ સ્વરૂપ! એમના મુખ અને અંગોમાંથી બાળકૃષ્ણનો જ ભાવ પ્રગટી રહ્યો છે. ત્યાં જ સામેના બારણામાંથી ‘ગોપાલની મા’ પ્રવેશ્યાં અને ‘ગોપાલની મા’ને સત્કારવા ખુદ ગોપાલ શ્રીરામકૃષ્ણરૂપે આવી પહોંચ્યા એ જોઈને સૌ ધન્ય બની ગયા! અને મનોમન બોલી ઊઠ્યા, ધન્ય છે ગોપાલની મા, તમને કે સાક્ષાત્ સદેહે બાલગોપાલ તમને મળ્યા!

પરંતુ પછી દિવસો જતાં ગોપાલની માનો આ ભાવ ધીમે ધીમે શમી ગયો. આથી એણે આંસુભરી આંખે શ્રીરામકૃષ્ણને પૂછ્યું : “હવે મને કેમ ગોપાલનાં દર્શન થતાં નથી? મારો શો અપરાધ થયો? હવે તમે પણ મને કેમ ગોપાલસ્વરૂપે દર્શન આપતા નથી?” ત્યારે શ્રીરામકૃણે કહ્યું, “ના મા! તમારો કોઈ જ અપરાધ થયો નથી. પણ પછી આખો વખત એ જ ભાવમાં રહેવાથી કળિયુગમાં શરીર ટકતું નથી. આવી સ્થિતિમાં શરીર એકવીસ દિવસ જ ટકે છે. પછી સૂકા પાંદડાની જેમ ખરી જાય છે.” શ્રીરામકૃષ્ણની સાંત્વના મેળવી ‘ગોપાલની મા’ના અંતરમાં શાંતિ વળી. તોય ગોપાલનાં દર્શન બંધ થઈ જતાં તેની વ્યાકુળતાભરી સ્થિતિ દૂર તો ન થઈ. એના શરીરમાં દાહ થવા લાગ્યો. છાતી જાણે ચિરાઈ જતી હોય એવી વેદના થવા લાગી. આથી એણે શ્રીરામકૃષ્ણને કહ્યું, “મારી છાતીમાં ભયંકર પીડા થાય છે. જાણે અંદરથી કોઈ ચીરી રહ્યું હોય તેવું લાગે છે.”

‘બધી જ તમારા ભગવાનની રમત છે. તેઓ ચાલ્યા ગયા પછી તમે કોને લઈને જીવશો? એ રહે તે જ સારું છે.’ આમ કહી શ્રીરામકૃષ્ણે એમને આશ્વાસન આપ્યું અને કહ્યું. “વાયુની પ્રકૃતિને લઈને આવું થાય. એથી જ્યારે વધુ પીડા થાય ત્યારે કંઈક ખાઈ લેવું.” અને તે દિવસે તેમણે ‘ગોપાલની મા’ને પોતાના હાથે સારી સારી વાનગીઓ ખવડાવી.

આ એ જ બ્રાહ્મણી હતી કે, જે આચારવિચારનું એટલી ચુસ્ત રીતે પાલન કરતી કે એક વખત ભાત પીરસતી વખતે શ્રીરામકૃષ્ણે તેના હાથમાં રહેલા ભાતના તપેલાને સ્પર્શ કરી દીધો અને થઈ રહ્યું! શ્રીરામકૃષ્ણના અડકેલા ભાત પણ બ્રાહ્મણીથી કેમ ખવાય? એ દિવસે એણે કંઈ જ ન ખાધું! કોઈનું સ્પર્શેલું અભડાઈ જાય એટલે તે ખાતી નહીં. જ્યારે જ્યારે તે દક્ષિણેશ્વર આવતી ત્યારે ત્યારે તે પોતાની જાતે જ રાંધતી. શ્રીમા શારદામણિ એમની આ ચુસ્ત આચારનિષ્ઠા જાણતાં હોવાથી પોતે શ્રીરામકૃષ્ણ માટે જ્યારે રસોઈ બનાવી લે એ પછી ગંગાજળથી ચૂલો અને છો ધોઈ નાંખતાં. એ પછી જ બ્રાહ્મણી પોતાના માટે રસોઈ બનાવતી. પણ ગોપાલનાં સાક્ષાત્ દર્શને, એની બાળલીલાએ એની છૂતાછૂતને, એના આચારસંહિતાના નિયમોને ક્યાંય ઓગાળી દીધા હતા! અને ગોપાલની માને માટે હવે આખું જગત ગોપાલમય બની ગયું હતું. એનો સઘળો ખોરાક ગોપાલનો જ મહાપ્રસાદ બની ગયો હતો. શ્રીરામકૃષ્ણ એની આ ઉચ્ચભાવ સ્થિતિને બરાબર જાણતા હતા. આથી એમને ધરવામાં આવેલી મીઠાઈઓ જો શુદ્ધ, સાત્ત્વિક માણસો પાસેથી આવી હોય તો જ તેઓ પોતાના અન્ય યુવાન શિષ્યોને આપતા. પણ એમાં નરેન્દ્ર અને ગોપાલની મા અપવાદરૂપ હતાં. કારણ કે એ બંનેની એ ભૂમિકા હતી કે જ્યાં સઘળું શુદ્ધ અને પવિત્ર બની જતું હતું. નરેન્દ્રનો જ્ઞાનાગ્નિને તીવ્ર વૈરાગ્ય સઘળાં અશુદ્ધને શુદ્ધ બનાવી દેતાં હતાં. જ્યારે ગોપાલની માની ગોપાલ પ્રત્યેની વાત્સલ્યભક્તિની અવિરત વરસતી ધારા પ્રત્યેક વસ્તુને શુદ્ધ બનાવી દેતી હતી.

તે દિવસે ગૃહસ્થભક્તોએ ઠાકુરને વિવિધ પ્રકારની મીઠાઈઓ ધરી હતી. એ વખતે ગોપાલની મા ત્યાં આવી પહોંચ્યાં અને શ્રીઠાકુરની સમીપ બેસી ગયાં. માના આગમનથી શ્રીઠાકુર તો જાણે નાના બાળક બની ગયા! અને મુગ્ધ શિશુની જેમ ગોપાલની માના શરીર પર હાથ ફેરવવા લાગ્યા. ત્યાં હાજર રહેલા સહુ ભક્તોને ગોપાલની માનું શરીર બતાવીને કહે, “આ જર્જરિત દેહમાં કેવળ ભગવાન જ રહેલા છે. આ દેહ પ્રભુમય છે.” એમ કહીને તેમણે એમનો ચરણસ્પર્શ કર્યો. ભાવજગતમાં ડૂબેલાં ગોપાલની માએ કશો વિરોધ પણ ન કર્યો અને તેઓ એમ જ બેસી રહ્યાં. શ્રીઠાકુર માના મુખમાં ત્યાં રહેલી વિવિધ મીઠાઈઓ ખવડાવવા લાગ્યા. શ્રીઠાકુર આવી રીતે ગોપાલની માને ઘણી વખત મીઠાઈઓ ખવડાવતા. આથી એક દિવસ ગોપાલની માએ શ્રીઠાકુરને પૂછ્યું : “ગોપાલ, તમે મને પ્રેમપૂર્વક આટલું બધું કેમ ખવડાવો છો?”

‘તમે તો મને પહેલાં ખૂબ ખૂબ ખવડાવ્યું છે.’

‘મેં તમને પહેલાં ક્યારે ખૂબ ખવડાવ્યું છે?’

‘પૂર્વજન્મોમાં.’ શ્રીઠાકુરના મુખેથી આ વાત સાંભળીને ગોપાલની મા આનંદિત બની ગયાં.

ગોપાલની મા તે દિવસે કામારહાટી જવા નીકળ્યાં ત્યારે શ્રીઠાકુરે એમને ભક્તોએ ધરેલી સાકર પ્રસાદીરૂપે આપી. તેમણે એ લેવા માટે આનાકાની કરી ત્યારે શ્રીઠાકુરે હસતાં હસતાં એમને કહ્યું : “તમે હતાં ગોળ અને થઈ ગયાં ખાંડ અને હવે બન્યાં સાકર. સાકર ખાઓ ને આનંદ કરો.” એમ કહીને એમના હાથમાં પરાણે સાકરનું પડીકું મૂકી દીધું.

શ્રીઠાકુર બલરામબાબુના ઘરેથી પાછા દક્ષિણેશ્વર જતા હતા. બધા હોડીમાં બેઠા હતા. ગોપાલની મા પણ સાથે બેઠાં હતાં. પણ આજે તો શ્રીઠાકુર જાણે એમને ઓળખતા જ નથી! કોઈ જુદી જ વ્યક્તિ બની ગયા! હંમેશાં લાડ-દુલાર કરતા ગોપાલ આજે એકાએક કઠોર કેમ બની ગયા? પોતાની કેમ ઉપેક્ષા કરી રહ્યા છે? ગોપાલની મા વિચારવા લાગ્યાં. ત્યાં તો એમની પાસે રહેલી પોટલી પર શ્રીઠાકુરની નજર પડી અને તેમને સમજાઈ ગયું કે, બલરામબાબુના ઘરેથી તેમને બધાંએ જે વસ્ત્રો ને વસ્તુઓ આપ્યાં, તે તેમણે લીધાં એથી એના ગોપાલ આજે નારાજ થઈ ગયા. દક્ષિણેશ્વર પહોંચીને ગોપાલની માએ શ્રીમા શારદામણિને સઘળી વાત જણાવીને પૂછ્યું : “આ બધી વસ્તુઓ હું અહીં બધાંને વહેંચી દઉં?” પરંતુ શ્રીમા ગોપાલની માની આર્થિક તંગી જાણતાં હતાં. આથી તેમણે કહ્યું : “તેઓ ભલે કહેતા. પણ તમને આ બધી વસ્તુઓની જરૂર છે, એટલે તો તમે એ લીધી હતી ને? વળી, અહીં એવું કોઈ નથી કે જેને તમે આ વસ્તુઓ આપી શકો?” આમ, શ્રીમાએ એમને આ વસ્તુઓ રાખી લેવા કહ્યું. છતાં ગોપાલની મા પોતાના ગોપાલની નારાજગી બિલકુલ સહી શકે તેમ ન હતાં. આથી એમણે એમાંની ઘણી વસ્તુઓ ત્યાં દક્ષિણેશ્વરમાં જ વહેંચી દીધી અને જે શાકભાજી હતાં તે પોતાની જાતે રાંધીને ગોપાલને ખવડાવવા લઈ ગયાં. સઘળી વાત જાણીને શ્રીરામકૃષ્ણ પ્રસન્ન થઈ ગયા. શ્રીરામકૃષ્ણ ફક્ત લાડ-દુલાર જ કરાવતા નહીં પણ જરૂર જણાય ત્યારે કઠોર પણ બનીને ભક્તો-શિષ્યોને આધ્યાત્મિક માર્ગનાં ભયો-જોખમોથી બચાવી લેતા હતા.

શ્રીઠાકુરની તો લીલા જ અનોખી હતી. ક્યારે કોને શું કહેશે, કોની સાથે કેવું વર્તન કરશે એ વિષે કંઈ જ જાણી શકાય નહીં કે કહીં શકાય નહીં. તે દિવસે તેમણે ગોપાલની માને કહ્યું : “તમારાં દર્શનની વાત નરેન્દ્રને કહો.” સાંભળીને ગોપાલની મા આશ્ચર્યથી શ્રીઠાકુરને જોઈ રહ્યાં. તેઓ આ શું કહી રહ્યા છે? કેમ કે અગાઉ તેઓ જ્યારે પોતાના ગોપાલની બાળલીલાની વાત કોઈ આગળ કરતાં હતાં ત્યારે શ્રીઠાકુરે જ એમને મનાઈ કરી અટકાવ્યાં હતાં. એમણે કહ્યું હતું : “દર્શન અને અનુભૂતિઓની વાત કોઈ આગળ કરવી નહીં. કેમ કે એ કહી દેવાથી ફરીથી દર્શન થતાં નથી.” ત્યારથી તેમણે કદી પોતાની આંતરિક અનુભૂતિઓની વાત કોઈ આગળ કરી ન હતી. પણ આજે તો શ્રીઠાકુરે જ આદેશ આપ્યો. આથી એમણે શ્રીઠાકુરની સામે જોયું અને પછી સમજ ન પડતાં પૂછ્યું : “એનાથી કંઈ નુકસાન નહીં થાય ને?”

‘ના રે. હવે તમને કશું જ નહીં થાય. શ્રીઠાકુરની ખાતરી મળી જતાં ગોપાલની માએ નરેન્દ્રની પાસે પોતાના ગોપાલની બાળલીલાની સઘળી વાતો પ્રેમપૂર્વક કહી. વચ્ચે વચ્ચે તે નરેન્દ્રને પૂછતાં રહ્યાં : “બેટા, તું તો વિદ્વાન છે. બુદ્ધિમાન છે. હું તો અભણ, અજ્ઞાની, દુ:ખી. કંઈ જ જાણતી નથી. કંઈ સમજતી નથી. તું જ કહે, મારાં દર્શન મિથ્યા તો નથી ને?” પ્રખર બુદ્ધિમાન નરેન્દ્ર આ સરળ હૃદયની વૃદ્ધાની ગોપાલકૃષ્ણ સાથેની ઘનિષ્ઠ સંનિધિ, એની ઉત્કટ ભક્તિ અને અતૂટ શ્રદ્ધા જોઈને દ્રવિત થઈ ગયા. તેઓ પોતાની જાતને સંભાળી ન શક્યા. એમની આંખમાં આંસુ ઊમટી આવ્યાં. બાલકૃષ્ણની સાથે તન્મયતા પ્રાપ્ત કરેલી આ વૃદ્ધાનાં ચરણોમાં નમસ્કાર કરતાં બોલી ઊઠ્યા : ‘નહીં મા, તમે જે જોયું છે તે સંપૂર્ણ સત્ય છે.’ તે દિવસે શ્રીરામકૃષ્ણ વેદાંત જ્ઞાનના મૂર્તિમંત સ્વરૂપ એવા નરેન્દ્રને ઉત્કટ ભક્તિથી પ્રાપ્ત થતી આધ્યાત્મિક ભૂમિકાનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં!

ગોપાલના સ્નેહમાં તરબોળ બની રહેલાં ગોપાલની મા માટે હવે સમગ્ર જગત ગોપાલમય બની ગયું હતું. આચારવિચારના ચુસ્ત નિયમો, મનની માન્યતાઓ, પૂજા, પાઠ, જપ, તપ, ધ્યાન બધું જ ગોપાલના પ્રતિક્ષણના સાંનિધ્યમાં વિસરાઈ ગયું. ભલભલા તપસ્વીઓ, વર્ષોની સાધના અને તપને અંતે પણ જે નથી પ્રાપ્ત કરી શક્તા એ સહજપણે થઈ ચૂક્યો હતો. શ્રીઠાકુરની લીલા સંવરણ બાદ શોકાતુર બની ગયેલાં ગોપાલની મા રથયાત્રાનાં દર્શને ગયાં. ત્યાં એમણે રથયાત્રામાં બેઠેલા જગન્નાથમાં, રથને ખેંચનાર લોકોમાં, સર્વત્ર ગોપાલના જ સ્વરૂપનાં દર્શન કર્યાં. એવી જ રીતે, એક દિવસ આવી જ અનુભૂતિના ભાવમાં લીન ગોપાલની માએ ત્યારે ત્યાં હાજર રહેલી સર્વ સ્ત્રીઓને ગોપાલસ્વરૂપ માનીને તેમના મુખમાં મીઠાઈ મૂકી હતી!

એક દિવસ સ્વામી વિવેકાનંદે એમને પૂછ્યું : “મા, વિદેશી સ્ત્રીપુરુષો મારા શિષ્યો છે. શું તમે એને તમારી પાસે આવવા દેશો કે પછી એનો સ્પર્શ કરવાથી તમે અભડાઈ જશો?”

‘એ તું શું કહે છે, નરેન? એ બધાં તારાં બાળકો મારાં તો આત્મીય સ્વજનો. એમને તો હું ખોળામાં બેસાડીશ.’ અને વરસો અગાઉ કોઈનાય સ્પર્શથી અભડાઈ જતી અને માથાબોળ સ્નાન કરતી એ વૃદ્ધા બ્રાહ્મણીએ સાચ્ચે જ નિવેદિતાને પોતાના ખોળામાં બેસાડીને ચુંબન કર્યું હતું અને પછી તો નિવેદિતા (સ્વામીજીનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગારેટ નૉબલ) સાથે એમનો સંબંધ એટલો બધો આત્મીય બની ગયો હતો કે, એમના પાછલા દિવસોમાં નિવેદિતા એમને પોતાને ઘેર લઈ ગયાં હતાં. અંતિમ દિવસ સુધી તેઓ ત્યાં જ રહ્યાં હતાં. કેવું મહાન પરિવર્તન! આ તો હતું શ્રીરામકૃષ્ણનું શિક્ષણ. એક અભણ બાળ વિધવા, ધર્મની આચારસંહિતા અને વ્રતનિયમોનું કઠોર પાલન કરનારને એના હૃદયમાં સુષુપ્ત રહેલી બાલકૃષ્ણ પ્રત્યેની ભક્તિને જગાડીને, એ જ ભક્તિસૂત્રથી શ્રીરામકૃષ્ણે એને આધ્યાત્મિક ક્ષેત્રના ઉત્કૃષ્ટ શિખરે પહોંચાડી દીધી. એને ખબર પણ ન પડે તે રીતે તેના ભાવજગતને પુષ્ટ કરીને ‘અખિલ જગત ગોપાલમય છે’ એની અનુભૂતિ કરાવીને એને સર્વ પ્રકારનાં બંધનોમાંથી મુક્ત કરી દીધી!

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.