(ગતાંકથી આગળ)
યુરોપમાંનાં દસ વર્ષના મારા વસવાટ દરમિયાન મને મારા ઘરમંદિરને સુંદર બનાવવા માટે અનેક ચીજો એકઠી કરવા શક્તિમાન બનાવી હતી. એમાં સદીઓ પુરાણો, કપડાનો એક પડદો પણ હતો. અગાઉ કોઈ સ્પેનિશ દેવળમાં તેનો ઉપયોગ થતો હતો. સેલામોકાના પાદરીઓએ તેનું વણાટકામ અને ભરતકામ કર્યું હતું. ભરતકામનું રેશમ પણ તેમના પોતાના જ રેશમના કીડામાંથી મેળવેલું હતું. આ પડદો હમેશાં મંદિરની જ સજાવટમાં વપરાયો હતો અને હમેશાં મંદિરના પવિત્ર વાતાવરણમાં જ રહ્યો હતો. આથી તેમાં ભારોભાર પવિત્રતા ઓતપ્રોત બની રહી હતી. અને આજે જે સ્થળે મેં તેને લગાવ્યું તે, તેના માટે ખૂબ જ સુયોગ્ય સ્થાન હતું, પૂજાવેદીની પાછળ આવેલી પવિત્ર દીવાલ ૫૨.
જ્યારે મારું ઘરમંદિર પૂરેપૂરું ગોઠવાઈ ગયું ત્યારે તેનું સૌંદર્ય એટલું તો નિખાર પામ્યું તેમજ તેની આધ્યાત્મિક ચેતના એટલી તો અસરકારક બની ગઈ કે હું તેને મારી એકલીની – નિજી – સંપત્તિ તરીકે રાખી શકી નહિ. બીજાઓને પણ હું આ સૌંદર્ય નિહાળવા માટે ભાગીદાર બનાવવા લાગી. જેમણે તે જોયું તેઓ તેમના મિત્રોને પણ પ્રવેશદ્વાર નજીક ખેંચી લાવ્યા અને જેમણે આ વિષે સાંભળ્યું તેઓ પણ એના દર્શનના લાભ લેવા માગણી કરવા લાગ્યા. જેમણે આ મંદિરના ઉંબરે ઊભા રહીને, થોડી ક્ષણો માટે મૌન પ્રાર્થના કરી, તેઓ પોતાને થયેલા અદ્ભુત અનુભવ બદલ, અશ્રુસભર નેત્રે મારો આભાર માન્યા વગર રહ્યા નહિ. પરંતુ મારી સાથે રહેતા કેટલાક લોકો આ અંગત ઘરમંદિરનો ઉપયોગ બધાને કરવા દેવા સામે મારી સખત ટીકા કરવા લાગ્યા. તેમનું દૃઢ મંતવ્ય હતું કે અંગત મંદિર અંગત ઉપયોગ માટે જ હોવું જોઈએ. જોકે તેમના આ અભિપ્રાયે મને જરાય વિચલિત ન કરી. મને મારું આ પવિત્ર ઘરમંદિર જેટલું પ્રિય હતું કે તેને આવા અપવિત્ર વિચારોથી અભડાવવા હું રાજી ન હતી. મારું આ અત્યંત પવિત્ર ઘરમંદિર સૌને માટે ખુલ્લું રહેવું જ જોઈએ એમ મને લાગતું હતું. આથી મેં એ બધું નિયતિ પર છોડી દીધું. મુખ્ય મંદિરમાં પ્રવેશીને મેં નિયતિ પાસે પ્રાર્થના કરી, માર્ગદર્શન માગ્યું, પણ મને કોઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. ત્યારબાદ મેં મારા ઘરમંદિરનો દરવાજો ખોલ્યો અને જોયું તો તેની અંદર મૂકેલી બધી જ વસ્તુઓ ગાયબ થઈ ગઈ હતી. મંદિર કોઈપણ પ્રકારની સજાવટ વગરનું ખાલી હતું, માત્ર દીવાલ પરનો એ પડદો જ લટકતો હતો અને એ શોભાવસ્ત્રની બિલકુલ નજીક શ્રીરામકૃષ્ણદેવ ખડા હતા. એમના મુખ પર એ જ જ્યોતિર્મય સ્મિત વિલસી રહ્યું હતું, જે એમના સમગ્ર અસ્તિત્વના એક ભાગરૂપ હતું. પોતાના હાથ સૌમ્ય આશીર્વાદરૂપે લંબાવીને તેમણે કહ્યું, ‘જેઓ અહીં આવે છે તે સૌનો હું સત્કાર કરું છું.’ હવે મને સમજાયું કે જે કોઈ આ ઘરમંદિરમાં આવ્યા તે સૌને શા માટે અદ્ભુત અનુભવ થયો.
‘લાઈફ ઓફ સેંટ ફ્રાન્સીસ ઓફ એસીસી’ના લેખક બ્યૂનાવેંચુરા લખે છે કે, જ્યારે સંત ફ્રાન્સીસના દેહ પર ઇસુ ખ્રિસ્તના જખ્મોનાં ચિહ્નો દેખાયાં, ત્યારે તેમના મનમાં એવી દ્વિધા પેદા થઈ કે આ વાત તેમણે જણાવવી કે નહિ? તેમણે પોતાના પંથના કેટલાક આત્મીય બંધુઓને બોલાવી તેની સલાહ લીધી. ત્યારે એક સિદ્ધ સંતે જણાવ્યું કે બંધુ, તારા પોતાના માટે નહીં પણ અન્યના ઉદ્ધાર અર્થે આ દિવ્ય અનુભૂતિઓનો તને અનુભવ કરાવવામાં આવ્યો છે. બીજાના કલ્યાણ અર્થે તે જે પ્રાપ્ત કર્યું તે પ્રકટ કરતા તારે ભય રાખવાની જરૂર નથી.
દિવ્યતાનો નિવાસ દરેકના આત્મામાં થયેલો હોય છે. તે માનવીનો સદૈવ સાથી છે. દૈવી અંશને માટે કુદરતના બધાજ ચમત્કારો સહજ છે. અને તેનો ઈચ્છિત ઉપયોગ કરી શકે છે. તો પછી જે ભક્ત ભક્તિની પરાકાષ્ઠાએ તેને બોલાવે ત્યારે તે જીવંત ઉપસ્થિતિ સાકાર બનીને શા માટે તેના રોજના સંગાથી તરીકે પ્રસ્તુત ના થઈ શકે? તે ગમે તે સ્વરૂપે ગમે તે નામ ધારણ કરીને, ગમે તે રીતે આવી શકે. તેની ઉપસ્થિતિનો આધાર ભક્તની કલ્પના દૈવી માન્યતાને અનુરૂપ હોય છે. પણ તે ઉપસ્થિત થાય છે જ તે નિ:શંક છે.
સ્પેઈનના સાન્તા થેરેસા માટે તે ખ્રિસ્તરૂપે આવ્યા, શ્રીરામકૃષ્ણને તેણે વિશ્વજનનીના સ્વરૂપે દર્શન દીધાં, સાઉલને દમાસ્કસના માર્ગે દૈવી વાણી સ્વરૂપે સંભળાયા હતા. અને Zelanti એટલે કે ફ્રાન્સીસના શરૂઆતના ગાળાના ધાર્મિક ધગશવાળા અનુયાયીઓ માટે તે દેવદૂતના રૂપે કે વધસ્તંભ પર ચઢનાર ઇશુના સ્વરૂપે દેખાયા હતા.
અને મારા જેવી નમ્ર વ્યક્તિને તેઓએ શ્રીરામકૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યાં – એટલા માટે નહિ કે મેં ખ્રિસ્ત ધર્મનો ત્યાગ કર્યો, પણ એટલા ખાતર કે શ્રીરામકૃષ્ણે એમની પવિત્ર ભાવધારાના જોરે બધી જ ધાર્મિક માન્યતાઓ અને એની પાછળ રહેલ એક જ ઈશ્વરી તત્ત્વને વધુ સત્ય અને વધુ વ્યાપક સ્વરૂપે પ્રતિપાદિત કરી બતાવ્યું.
આ પાનાંઓ પર મુકાયેલ એ દૈવી અનુભવોનું પૃથ્થકરણ કરવાનો કે તેને સમજાવવાનો મેં કદીયે યત્ન કર્યો નથી. શુદ્ધ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના અભ્યાસ દ્વારા મને સ્પષ્ટ સમજાયું છે કે આપણી ઇંદ્રિયો માટે ગોચર હોય તેના કરતાં અને આપણી છઠ્ઠી અંત:સ્ફુરણાની પ્રેરણા સમું આપણું મન બધાથીય પર એવા સૂક્ષ્મ ગહન નિયમો અને સૂક્ષ્મતર પરિબળો અસ્તિત્વ ધરાવે છે જ. સુવ્યવસ્થિત અને ઉત્ક્રાંતિની ટોચે પહોંચી ગયેલ આ વિશ્વ કે જેમાં આપણે જીવી રહ્યા છીએ તેમાં દેખીતી રીતે તદૃન અશક્ય લાગતી વસ્તુ પણ બનવી શક્ય છે.
એ જ રીતે જીવંત ધબકતી પરમહંસદેવની ઉપસ્થિતિ અને એમના અદૃશ્ય બની જવામાં કશો જ ચમત્કાર નથી. આપણા શરીરની અંદરની પ્રક્રિયા કે નાનકડા બીજમાંથી વૃક્ષનો વિકાસ કે ઉજ્જડ ડુંગરની ધાર પર પુષ્પના પાંગરવામાં જે પ્રકૃતિનો પ્રાણ સિંચિત થઈ રહ્યો છે તેમાં કંઈ જ ચમત્કૃતિ નથી. કુદરતને તેનો આ ચમત્કાર સર્જવા માટે કોઈ જ નિયમ તોડવાની – કોઈ નિયમનું ઉલ્લંઘન કરવાની-જરૂર પડતી નથી. બાહ્ય દૃષ્ટિએ તે નિયમોનું ઉલ્લંઘન કરતી લાગે પણ હકીકતમાં તે સૂક્ષ્મ પણ વધુ અસરકારક આંતરિક નિયમોને કાર્યરત કરતી હોય છે.
સમગ્ર જીવન એક ચમત્કાર છે. અરે, આપણી ક્ષતિઓમાં કશોક ચમત્કાર હોય છે, કેમ કે તેના થકી જ આપણે જાણી શકીએ છીએ કે જે ભૂલો કર્યા સિવાય આપણને કદીયે જાણવા મળી ન હોત.
ભવિષ્ય પણ, જેને ઉકેલવાનું હજુ બાકી છે એવું રહસ્યમય જ છે. વર્તમાન તેવી જ બીજી રહસ્યમય ઘટના છે, પરંતુ તેના હાર્દને આપણે આંબી શકીએ તે પહેલાં તો તે આપણને થાપ આપીને સરી જાય છે. કુદરતની લીલા હમેશા ગોપનીય જ રહેવાની છે. તેની પ્રયોગશાળાઓ અગોચર ખૂણામાં કાર્યરત હોય છે અને ત્યાં તેના સિવાય કોઈ પ્રવેશ પામી શકતું નથી.
વૈજ્ઞાનિકો ત્યાં પ્રવેશવા તનતોડ જહેમત કરી રહ્યા છે. જેમ જેમ તેઓ તેના રહસ્યની નજીક જતા જાય છે, તે રહસ્યને ખુલ્લું કરવા તેના પર દબાણ લાવી રહ્યા છે, તેમ તેમ તેમને એક વાતની સ્પષ્ટ જાણ થતી જાય છે કે તેમને અતિવિરાટ અને અતિ સૂક્ષ્મનો સામનો એકી સાથે કરવાનો છે. એક તરફ પ્રકાશ વર્ષનાં અનંત અંતરો વ્યાપ્ત છે. તો બીજી તરફ વિજાણુ અને પરમાણુની ગહન સૂક્ષ્મતા છે. ખગોળ અને ભૌતિક વિજ્ઞાન નવા જ સમીકરણો ઘડી રહ્યાં છે. સ્થળ, કાળ અને અંતર, ઇથર નામનું સૂક્ષ્મ તત્ત્વ, બ્રહ્માંડમાં ફરતા તારા અને ગ્રહોનાં સ્વરૂપો બધું જ સમતુલનમાં ત્રાજવે તોળાઈ રહ્યું છે.
સર્વત્ર જબરદસ્ત મૂળભૂત ખ્યાલ એ સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વોમાં પ્રવેશ કરવા લાગ્યો છે. એ અત્યંત રહસ્યમય અને ગોપનીય સૂક્ષ્મ પરિબળોની આપણને જાણ થવા લાગી છે. વિજ્ઞાન એ પરમ તત્ત્વની પરિસીમામાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. જે કાંઈ પારલૌકિક અને સૂક્ષ્મ તેની ક્રિયાન્વિતતા પણ એટલીજ સૂક્ષ્મ અને પારલૌકિક હોય છે. તે ગમે ત્યાં સરળતાથી પ્રવેશી શકે છે, ગમે તે સ્વરૂપ ધારણ કરી શકે છે અને ગમે ત્યારે તેને વિખેરી પણ શકે છે – તો પછી ફલેન્ડર્સના રણમેદાન પર ખ્રિસ્ત દેખાય (અને જેને ઘણાએ જોયા છે) તે કેમ શક્ય ન બની શકે? જે દિવ્ય જ્યોતિએ સંત પૉલની આંખો આંજી નાખી હતી તે કેમ વાસ્તવિકતા ન હોય શકે? અથવા તો જે દૈવી શક્તિએ સંત ફ્રાન્સીસના શરીર પર ઈશુના જખ્મો આરોપી દીધા હતા તે પણ કેમ શક્ય ન બની શકે?
મનુષ્ય જીવનનું આવરણ ઉતારતો જાય છે. જ્યારે મનુષ્ય ત્રિપરિમાણ માનસ આવિષ્કરણ વડે નહિ, કે ટેસ્ટ ટ્યૂબ બેબી કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે નહિ, પરંતુ સૂક્ષ્મત્તમ નિયમોના રહસ્યોદ્ઘાટન વડે મૃત્યુ પરનો પડદો ચીરી નાખશે. એ સમય હવે દૂર નથી. અને ત્યારે તે શીખશે કે પરમ આધ્યાત્મિક અને ઉચ્ચ સંવેદનશીલ આત્માઓ સદેહ કે આત્મિક ભાવે માનવીઓ વચ્ચે જીવંત અસ્તિત્વરૂપે ધરતી પર ચાલવા સમર્થ છે. અને તે કોઈપણ રીતે કુદરતની વિરુદ્ધ નથી. એટલે કે કોઈ મહાન સંતના પરમ તત્ત્વની જીવંત ઉપસ્થિતિ પણ આ પૃથ્વી પર શક્ય છે. તેનાથી પ્રકૃતિના કોઈપણ નિયમનું ઉલ્લંઘન થતું નથી. એ પરમ આત્મા પરમ આધ્યાત્મિક અસ્તિત્વ, પરમ શક્તિનું ભાજન, તે પૃથ્વી પર પગલાં માંડી શકે, દિવ્ય જ્યોતિરૂપે કે હાડમાંસના દેહરૂપે દર્શન આપી શકે જ.
આ બધું જ શક્ય છે. અને મેં તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે અને અહીં તે વિષે બધું જ શબ્દસહ જણાવ્યું છે.
ભાષાંતર : સુહાસિની ભૂતા
Your Content Goes Here




