સતગુરુએં મુને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.
પવન રૂપી ઘોડો પલાણ્યો, ઉલટી ચાલ ચલાયો રે.
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે-
ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ન્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકીમાંઈ જાગે રે.-
સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએં મુંને મૂક્યો રે,
નામની તો નીસરણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે.-
શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમેં પેસારો કીધો રે,
પેસતાંને પારસમણિ લાધી, માલ મુગતિ લીધો રે.-
આ રે વેળાએં હું ઘણું જ ખોટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચરણે મારો ફેરો ફાવ્યો રે.-
સતગુરુએં મુંને ચોરી શિખવાડી.
ભાણસાહેબની શિષ્યપરંપરામાં શરદપૂનમનાં અજવાળાં પાથરનાર દાસી જીવણ (સને 1750-1825) ભજનિક સંતોમાં રાધાના અવતાર ગણાય છે. ભાણનો અકળપુરુષ દાસી જીવણની જીભે વૃંદાવનવિહારી થયો અને સાકાર-નિરાકારના છેડાઓ વધુ નજીક આવ્યા. આ છે દાસી જીવણની મસ્ત બાની દર્શાવતું ભજન.
સદ્ગુરુએ મને ક્યાં ને કેવી રીતે ચોરી કરવી તે શીખવ્યું અને મારા હાથમાં જ્ઞાનરૂપી ખાતર પાડવાનું હથિયાર આપી દીધું.
ચોરી કરવી તો સામાન્ય ઘેર શા માટે કરવી?
મેં પ્રાણને વશ કર્યો, તેને સુષુમ્ણા માર્ગે ઉપર ચડાવ્યો. ઇડા-પિંગલાની ગ્રંથિ ભેદીને સીધો ‘અલખ ઘરે’ સહસ્રારમાં પહોંચી ગયો.
અને અલખ પુરુષનું ઘર કેવું છે?
આ સમસ્ત વિશ્વને, માયાભાસને ભસ્મ કરી નાખે એવી ધમણ ત્યાં ધમધમી રહી છે. અજ્ઞાનની કાળી રાતને ભેદી નાખે એવી વીજળી ચમકી રહી છે. અનાહત નાદ થઈ રહ્યો છે. જ્યાં નજર પડે ત્યાં પ્રકાશ જ પ્રકાશ દેખાય છે. અને ત્યાં ચેતન-આત્મા ચોકીમાં-બ્રહ્મરન્ધ્રને દ્વારે અહોરાત્ર જાગતો રહે છે. (સ્વપ્ન-જાગ્રત-સુષુપ્તિથી પર તૂરીય અવસ્થા)
કબીરે આ અવસ્થાનું વર્ણન આપ્યું છે:
‘બસૈ ગગનમેં, દુની ન દેખૈ, ચેતનિ ચૌકી બેઠા,
ચઢિ અકાસ આસણ નહીં છાંડૈ, પીવૈ મહારસ મીઠા.’
‘સાંકડી શેરી જ્યાં વાટું વસમી’ – આ ઘરમાં પહોંચવા માટે શેરી બહુ સાંકડી છે. (‘પ્રેમગલી અતિ સાંકરી, તામેં દો ન સમાઈ’) તેમાં દ્વૈતભાવ આગળ વધી શકે એમ નથી. અસિની ધારા જેવી વાટ વસમી છે:
‘જહાં ન ચીંટી ચઢિ સકૈ, રાઈ ના ઠહરાઈ,
મન પવનકા ગમિ નહીં, તહાં પહૂંચે જાઈ.’
આવા મહા મુશ્કેલ મારગ પર મારા માલમી-સતગુરુએ કેવી રીતે ચાલવું તે મને શીખવી દીધું. નામજપની મેં નિસરણી બનાવી. નિસરણી પર જેમ એક પછી એક પગથિયું ચડતું જવાય છે તેમ નામજપમાં પણ સ્થૂળથી સૂક્ષ્મમાં ગતિ થાય છે. વૈખરી વાણીથી જપ કરવામાં આવે તે વાચિક છે. ત્યાંથી આગળ માત્ર હોઠ અને જીભ હલાવવાથી થાય તે ઉપાંશુ, ત્યાર પછી હોઠ-જીભ હલાવ્યા વિના માત્ર મનથી જ કરવામાં આવે તે માનસજપ. આ માનસજપ છેવટે ધ્યાનજપમાં લીન થાય છે. ત્યાર પછી જપ માટે કશો પ્રયાસ નથી કરવો પડતો અને અનાયાસ બ્રહ્મવૃત્તિ રહ્યા કરે તેને અજપાજાપ કહે છે. જીવણ કહે છે કે આમ નામજપની સીડી પર ચડી હું ‘ધણીને મોલે’ બ્રહ્મમહોલમાં પહોંચી ગયો.
‘શીલ સંતોષનાં ખાતર દીધાં’ – શીલ અને સંતોષનાં મોટાં બાકોરાં પાડ્યાં. ઇચ્છા-તૃષ્ણાની દીવાલો તૂટી ગઈ અને પ્રેમથી હું મહેલમાં પેસી ગયો. આ મહેલમાં પેસતાં જ આત્મતત્ત્વરૂપી પારસમણિ મારે હાથ લાગ્યો અને મુક્તિનો ખજાનો મને મળી ગયો.
‘આરે વેળાએં’ -આ જન્મમાં મારી પ્રાપ્તિનો પાર ન રહ્યો. મને ‘પૂરણ બ્રહ્મ પરમાતમ’ મળી ગયા. મારો જન્મ સાર્થક થઈ ગયો.
– મકરંદ દવે
Your Content Goes Here




