ગુરુની બાબતમાં આપણે પ્રથમ એટલું જોવું જોઈએ કે તે શાસ્ત્રોના સાચા રહસ્યના જાણકાર છે કે નહીં…. ગુરુની યોગ્યતાનું બીજું લક્ષણ એ છે કે તે નિષ્પાપ હોવો જોઈએ. … ત્રીજું લક્ષણ છે હેતુ. આપણે જોવું જોઈએ કે ગુરુ નામ, કીર્તિ કે બીજા કોઈ છુપા હેતુ માટે તો ઉપદેશ આપતા નથી ને? પરન્તુ તમારા પરના કેવળ પ્રેમને ખાતર જ ઉપદેશ આપે છે; ત્યારે તે યોગ્ય ગુરુ કહેવાય. જ્યારે આવા ગુરુની આધ્યાત્મિક શક્તિ શિષ્ય તરફ વળે છે, ત્યારે તે માત્ર પ્રેમ રૂપી માધ્યમ દ્વારા જ વહી શકે છે; તે સિવાય અન્ય કોઈ માધ્યમ દ્વારા તે વહી શકે નહીં. જ્યારે ગુરુમાં તમે આ બધાં લક્ષણો પૂર્ણ રૂપે રહેલાં જોઈ શકો ત્યારે તમે સલામત છો; જો તેમ ન હોય તો એવી વ્યક્તિને ગુરુ તરીકે સ્વીકારવી એ ડહાપણભરેલું નથી. આથી એવું સ્વાભાવિક રીતે ફલિત થાય છે કે જ્ઞાનપ્રાપ્તિને માટે ગમે તે વ્યક્તિને ગુરુ કરી ન શકાય.

‘ઝરણાં અને પથ્થરો જ્ઞાનનો ઉપદેશ કરે છે’ તે કથન કાવ્યાલંકારની ભાષામાં ચાલી શકે. પણ જેણે પોતે સત્યની પ્રાપ્તિ કરી નથી તે તેનો પ્રચાર મુદ્દલ કરી શકે નહિ. ઝરણાંઓ કોને ઉપદેશ આપે છે? જેનું હૃદયકમળ ખીલી ગયું હોય તેવા આત્માઓને જ માત્ર તે આપી શકે. જ્યારે હૃદય ખીલેલું હોય ત્યારે ઝરણાઓ અને પથ્થરોમાંથી પણ ઉપદેશ મળી શકે; આ બધામાંથી માણસને આધ્યાત્મિક જ્ઞાન મળે પણ અવિકસિત હૃદય તો તે બધાંને ઝરણાં અને પથ્થરો સિવાય અન્ય રૂપે દેખી નહીં શકે. કોઈ અંધ મનુષ્ય સંગ્રહસ્થાનમાં જવા છતાં તે ત્યાંથી કેવળ પાછો જ ફરવાનો. જો તેણે કાંઈ પણ જોવું હોય તો પહેલાં તેની આંખો ખુલ્લી હોવી જોઈએ. ધર્મની બાબતમાં આ આંખ ઉઘાડનાર ગુરુ છે. તેથી ગુરુ સાથેનો આપણો સંબંધ પિતાપુત્ર જેવો છે; ગુરુ એ આધ્યાત્મિક પૂર્વજ છે અને શિષ્ય તેનો વંશજ છે. મુક્તિ અને સ્વાતંત્ર્યની વાતો કરવી ઠીક છે; પરંતુ વિનય, નમ્ર્રતા, માન અને શ્રદ્ધા વગર કશી ધર્મપ્રાપ્તિ ન થાય.એ એક સૂચક હકીકત છે કે આવી જાતનો સંબંધ ગુરુશિષ્ય વચ્ચે હોય છે, ત્યારે જ વિશેષ આધ્યાત્મિક શક્તિસંપન્ન પુરુષો પાકે છે. પણ જેઓએ આ સંબંધનો ત્યાગ કર્યો છે, તેઓને માટે ધર્મ એક મન બહેલાવવાનું સાધન માત્ર બની ગયો છે. જે પ્રજાઓ અને સંપ્રદાયોમાં ગુરુ અને શિષ્ય વચ્ચે આવો સંબંધ નભાવાતો નથી ત્યાં આધ્યાત્મિકતાનો સદંતર અભાવ હોય છે. આવી ભાવના સિવાય કદી આધ્યાત્મિકતા આવતી નથી; ત્યાં કોઈ દેનાર નથી, કોઈ લેનાર નથી; કારણ કે બધાય સ્વતંત્ર છે. કોણ કોની પાસેથી શીખે? આથી જો તેઓ શીખવા આવે તો તેનો અર્થ તેઓ જ્ઞાન ખરીદવા આવે છે એવો થાય. એક રૂપિયાનો ધર્મ આપો એવો તેમનો ભાવ હોય છે; આ ચીજ હું એક રૂપિયામાં ખરીદી ન શકું. ધર્મ આ પ્રમાણે મેળવી શકાય એવી બાબત નથી.

આધ્યાત્મિક ગુરુ દ્વારા થયેલ સંચરિત જ્ઞાન કરતાં વધુ ઉચ્ચ પવિત્ર અન્ય કાંઈ નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ યોગી બની ગયો હોય તો તે જ્ઞાન એની મેળે આવે છે; પુસ્તકોમાંથી એ મેળવાતું નથી. તમે દુનિયાના ચારે ખૂણે જઈને ભલે શોધી વળો, પણ જ્યાં સુધી તમને સાચો ગુરુ મળે નહીં ત્યાં સુધી તમને સાચો ધર્મ મળી શકવાનો નથી. ગુરુને શોધી કાઢો, બાળકની પેઠે તેની સેવા કરો, તેની પાસેથી શક્તિ મેળવવા માટે તમારું હૃદય ખુલ્લું રાખો અને તેનામાં પ્રત્યક્ષ ઈશ્વરનાં દર્શન કરો. ઈશ્વરની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ તરીકે ગુરુમાં આપણું ચિત્ત તન્મય થઈ જવું જોઈએ. જેમ જેમ મનની ધ્યાન શક્તિ તેનામાં એકાગ્ર બનશે તેમ તેમ ગુરુ મનુષ્ય છે તેવું ચિત્ર લુપ્ત થશે; શરીર અદૃશ્ય થશે અને સાક્ષાત્‌ ઈશ્વર ત્યાં દેખાશે. જ્ઞાનપ્રાપ્તિ પાછળની ભાવના આવી હોવી જોઈએ. બેશક, આવા ગુરુઓની સંખ્યા દુનિયામાં ઘણી ઓછી હોય છે; પરંતુ દુનિયા એવાઓ વિના કદી પણ સાવ ખાલી રહી નથી. જે ક્ષણે દુનિયામાં આવા ગુરુઓનો તદ્દન અભાવ થશે તે જ ક્ષણે તેનું અસ્તિત્વ મટી જશે, તે એક કારમું નરક બનશે અને નાશ પામશે. આવા ગુરુઓ માનવ જીવનનાં સુંદર કુસુમો છે, દુનિયાને ટકાવી રાખનાર પણ તેઓ જ છે; આ માનવોના હૃદયોમાંથી જે શક્તિ પ્રગટ થાય છે તે જ સમાજનાં બંધનોને અકબંધ રાખે છે.

(‘સ્વામી વિવેકાનંદ – સંચયન’ પૃ.૧૯૮-૨૦૦)

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.