(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી આ લેખનું સંકલન કરાયું છે. તેનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.)

(ગતાંકથી આગળ)

નારાયણ સરોવરથી આશાપુરા

લૂંટારા ચાલ્યા ગયા પછી મેં ભગત સાથે રસ્તો ધીમે ધીમે કાપવા માંડ્યો. લગભગ બે માઈલ જેટલું ચાલ્યા હતા, એટલામાં યાત્રાએથી પાછા વળતા લગભગ પચીસ જેટલા વૈષ્ણવ સાધુઓનો સંઘ મળ્યો. ભગત એમની સાથે વાતોએ વળગ્યા. હું આગળ ચાલવા લાગ્યો.

રાત્રે નારાયણ સરોવર પહોંંચ્યો કે તરત જ જાણવા મળ્યું કે સ્વામીજી અન્ય રસ્તે આગલા દિવસે આશાપુરા દેવીનાં દર્શન કરવા ગયા.

લૂંટારાઓના આક્રમણથી ઊપજેલા ધ્રાસકા તથા હતાશાને લઈને હું નારાયણ સરોવરમાં બીમાર પડ્યો. પછીથી મહંતે મને કહ્યું, “તમારો પુનર્જન્મ થયો છે. પાંચ રૂપિયા પણ સાથે હોત તો તમારે બચીને આવવું મુશ્કેલ હતું. એ જ જગ્યાએ એકવાર ત્રીસ રૂપિયા જેવી મામૂલી રકમ માટે તેઓએ એક જણને મારી નાખ્યો હતો.”

તાવને કારણે હું નારાયણ સરોવરમાં સ્નાન કરી શક્યો ન હતો. મહંત બ્રહ્મચારીએ મારા માટે સંરક્ષક અને ઘોડાની વ્યવસ્થા કરી. હું સંરક્ષક સાથે, ઘોડા પર બેસીને ગયો.

નારાયણ સરોવરથી હું પવિત્ર સ્થાન કોટેશ્વર મહાદેવના મંદિરે ગયો. કોટેશ્વર પશ્ચિમ ભારતના છેડે આવેલું ધામ છે. અરબી સમુદ્ર તેના કિનારાનું પ્રક્ષાલન કરે છે. કોટેશ્વર એ શિવલિંગ છે. અહીં શૈવો પોતાના હાથે ગરમ સિક્કાની છાપ ઉપસાવે છે. કોટેશ્વરથી મેં આશાપુરા જવા પ્રયાણ કર્યું.

આશાપુરાના માર્ગમાં સંરક્ષકે એક ગામ તરફ આંગળી ચીંધીને કહ્યું, “અહીંના લોકો લૂંટારા છે.” આશાપુરાથી મેં સંરક્ષકને જવાની રજા આપી. ઘોડો પણ પાછો ગયો. અહીં મને કહેવામાં આવ્યું કે સ્વામીજી માંડવી જવા નીકળ્યા છે.

મેં આશાપુરામાં રાત્રીવાસ કર્યો. સિંદૂર-લેપિત એક મોટો પાષાણ એ આશાપુરા દેવી. આશાપુરા દેવીનું સ્થાન કચ્છની વાયવ્ય સીમા સૂચવે છે અને બલુચિસ્તાનથી અત્યંત નજીક છે. તે અગરબત્તી-ધૂપસળી માટે પ્રસિદ્ધ છે.

દેવીના પુરોહિતોની રીતિ-પદ્ધતિ મુસલમાનો જેવી છે. તેઓ પાછળના ભાગે ધોતી બાંધતા નથી. તેઓ કાપડી કહેવાય છે. તેઓને લસણ અને ચિકન વહાલાં છે; અને જનોઈ પહેરતા નથી. આશાપુરા ગામમાં પાંખી જનવસ્તી છે. ચારે તરફ રણ છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે.

(પુરોહિતો) કાપડીઓએ મારા માટે ચાલક સાથેનું ઊંટ ભાડે કર્યું. તેઓ મને બીજા ગામે લઈ ગયા. આવી રીતે હું જેમ જેમ એક ગામથી બીજે ગામ જતો ગયો, તેમ તેમ પ્રત્યેક ગામના જમીનદારે મારા માટે ઘોડા અને ભોમિયાની વ્યવસ્થા કરી.

ઘોડાની પીઠ પર

આમ હું એક ગામમાં આવી પહોંચ્યો, જ્યાં જમીનદારના દીવાને મને સલાહ આપી, “દિવસે ખૂબ ગરમી પડે છે એ સાચું, માટે તમારે રાત્રે મુસાફરી કરવી જોઈએ.” તેમણે મારા માટે ભોમિયા સહિત ઘોડાની વ્યવસ્થા કરી. તે ગામ અને બીજા ગામ વચ્ચે આવેલા વિશાળ મેદાનમાં લૂંટારાઓનો ભય હતો. એક મહિના પહેલાં એક છોકરી પિયરથી સાસરે જતી હતી. રસ્તામાં તેને લૂંટી લઈને મારી નાખી.

મધ્યરાત્રી થતાં અમે મેદાનની વચ્ચોવચ્ચ આવી પહોંચ્યા. ભોમિયો અચાનક રોકાઈ ગયો અને ચારે બાજુ જોવા લાગ્યો. મેં એનું કારણ પૂછતાં તેણે કહ્યું, “લુચ્ચો માણસ પોતાને વૃક્ષ પાછળ છુપાવી રાખે છે.” સાંભળીને હું ચોંકી ઊઠ્યો. મને ધીરજ આપતાં ભોમિયો બોલ્યો, “ગભરાશો નહીં, હું તેમની ગેંગમાંનો છું. જ્યાં સુધી હું તમારી સાથે છું, ત્યાં સુધી કોઈ તમને હાનિ નહીં પહોંચાડે.” મેં પૂછ્યું, “તું એમાંનો એક છે, એવું કેવી રીતે બને?” તેણે જવાબ આપ્યો, “મહારાજ, હું તમને કેવી રીતે સમજાવી શકું? જમીનદાર તરફથી મને મળતું મહેનતાણું ખૂબ નજીવું છે. તેથી ક્યારેક મારે ગેંગના લૂંટારા સાથે જોડાવું પડે છે.”

સ્વરક્ષણ માટે, ભયનો માર્યો હું ભગવાનનું નામ લેવા લાગ્યો. એક લૂંટારાએ મારું રક્ષણ કર્યું! પરંતુ સંરક્ષકે મને આનંદ પમાડ્યો. સવાર પડતાં અમે એક ગામ પહોંચ્યા અને ધર્મશાળામાં રોકાયા.

સંરક્ષકે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, “રસ્તામાં સાધુ સાથે ચાલવું લગારેય સારું નથી. ઓ સાધુ! જો તમે ન હોત તો મારો ઘોડો ઘાસચારા વિના ન રહેત. મકાનમાં પૂરતું સૂકું ઘાસ છે, પરંતુ તમે ન હોત તો દીવાલ કૂદીને હું ઘાસ ચોરી લાવ્યો હોત.”

કચ્છના લોકોને સાધુઓ પ્રત્યે અપાર ભક્તિ છે. જો સાધુ તેમના અતિથિ બને તો તેઓ પોતાના સગાને ભોજન કરાવે તેવાં ભાવભક્તિથી ભરપેટ જમાડે છે. જો સાધુ ગામમાં પધારે તો પોતાના મહેમાન બનાવવા ગામજનો અંદરોઅંદર ઝઘડે છે. યજમાન બનવા માટે તેમાંનો દરેક પોતાનો અધિકાર કહી બતાવશે.

માંડવીમાં સ્વામીજી સાથે ભેટો

કેટલીક વાર ઊંટ પર અને કેટલીક વાર ઘોડા પર સવારી કરીને અંતે સંરક્ષક સાથે હું માંડવી પહોંચ્યો. ત્યાં મને સમાચાર મળ્યા કે સ્વામીજી કોઈ ભાટિયા સાથે નિવાસ કરી રહ્યા છે. ત્યાં પહોંચી જવામાં લગારેય સમય બગાડ્યો નહીં. મેં જોયું તો સ્વામીજીના દેખાવમાં અત્યંત ફેરફાર થયો છે. તેમની આભાથી આખો ઓરડો ઝળહળતો હતો. મને ત્યાં જોઈને તેઓ ચોંકી ગયા. મારા પંથનું સઘળું વૃત્તાંત તેમણે ધ્યાનપૂર્વક સાંભળ્યું. આભા બની જઈને તેમણે કહ્યું, “ગંગાધરે આ બધાં જોખમોનો હિંમતભેર સામનો કર્યો અને જીવના જોખમે મારો પીછો પકડ્યો. ખરેખર તે ક્યારેય મારો સાથ નહીં છોડે. પરંતુ જો મારો કોઈ પણ ગુરુભાઈ મારી સાથે હશે તો હું કદાપિ મારી કામના પૂર્ણ કરી શકીશ નહીં.”

પરંતુ હું હઠીલો હતો. અંતે સ્વામીજીએ કહ્યું, “હવે હું ખરાબ માણસ બન્યો છું. મારો સંગ છોડી દો.” મેં જવાબ આપ્યો, “તમે ખરાબ બની ગયા છો, તેની કોને પડી છે? હું તમને ચાહું છું. તમારા વર્તન-વ્યવહારની મને પડી નથી. પરંતુ હું તમારા કામમાં વિઘ્ન નહીં નાખું. તમને મળવા માટે મારું મન વ્યાકુળ બન્યું હતું. તે ઇચ્છા હવે શાંત થઈ ગઈ. હવે તમે જઈ શકો છો.”

આ સાંભળીને સ્વામીજી રાજી થયા. બીજા જ દિવસે તેઓ ભૂજ જવા નીકળ્યા. હું તેમની સાથે ગયો નહીં. ભૂજ જતા પહેલાં એક દિવસ રાહ જોઈ. હવે સ્વામીજીને ખાતરી થઈ હતી કે હું તેમની સ્વતંત્રતાની આડે નહીં આવું.

સાધુ આનંદ આશ્રમ

ભૂજમાં સ્વામીજીએ મને કહ્યું, “રાજા અહીં આપણને ખૂબ માન-પાન આપે છે અને જો આપણે અહીં વધારે રોકાઈશું તો ઘણાની નજરમાં આવીશું. પચ્ચીસ વર્ષ પૂર્વે આનંદ આશ્રમ નામનો એક બંગાળી સાધુ ભૂજ આવ્યો હતો અને રાજ્યની સુધારણામાં ખૂબ સહાયતા કરી હતી. તે વખતે રિવાજ હતો કે રાજવી ગામડાં ભાડાપટ્ટે આપી શકતા. ભાડાપટ્ટે રાખનાર વ્યક્તિ ગણોતિયા ગ્રામજનો પાસેથી અનેકવાર નાણાં ઉઘરાવીને રાજવીને આવકરૂપે આપતા. આમ, ગણોતિયાઓ પર ખૂબ જુલમ ગુજારાતો. આનંદ આશ્રમની સલાહથી આ પ્રથા દૂર કરી અને બ્રિટિશ રાજ્યમાં અમલીકૃત પ્રથા દાખલ કરી. તે રાજવીએ દાખલ કરેલી પ્રથા હજુ સુધી રાજ્યમાં ચાલે છે. પરંતુ રાજકારભારીઓને આ પ્રથા પસંદ પડી નહીં. આનંદ આશ્રમ તેમની આંખે ચડ્યા. તેમના દુશ્મનોએ ભોજનમાં વિષ ભેળવીને તેમને મારી નાખ્યા. આપણા ભાગ્યમાં પણ એવું બની શકે. આવતીકાલે જ આપણે નીકળી જવું જોઈએ.

સ્વામીજી પાસેથી વિદાય

ભૂજથી અમે બેઉ માંડવી પાછા આવ્યા અને ત્યાં એક પખવાડિયું રોકાયા. ત્યાંથી સ્વામીજી પોરબંદર ગયા અને તેના પાંચ-છ દિવસ પછી હું ત્યાં ગયો. ત્યાં અમે પુન: મળ્યા.

અહીં સ્વામીજી શંકર પાંડુરંગના નિવાસસ્થાને અતિથિ બન્યા હતા. શંકર પાંડુરંગ પોરબંદર (સુદામાપુરી)ના દીવાન હતા. સ્વામીજીએ કહ્યું હતું કે તેમણે ભારતભરમાં શંકર પાંડુરંગ જેવા વેદ-જ્ઞાતા જોયા ન હતા. અથર્વવેદનું ભાષ્ય ઉપલબ્ધ ન હતું, તેનું તેમણે સંકલન-સંપાદન કર્યું હતું. સ્વામીજી તેમની સાથે સંસ્કૃત ભાષામાં વાર્તાલાપ કરતા અને ટૂંક સમયમાં જ તેમાં નિપુણ બની ગયા હતા.

પોરબંદરથી સ્વામીજી જુનાગઢ ગયા અને હું કાઠિયાવાડ ગયો. હું જેતપુર, ગોંડલ અને રાજકોટ થઈને જામનગર આવ્યો. જામનગરના રસ્તે મારે વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. હું અહીં એક વર્ષ રહ્યો.

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.