(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી આ લેખનું સંકલન કરાયું છે. તેનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદક વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.)

(ગતાંકથી આગળ)

અમદાવાદ, જુનાગઢ, પ્રભાસ, દ્વારકા અને કચ્છ-માંડવી

હું વડોદરામાં એક પખવાડિયું રોકાયો, ત્યાર બાદ અમદાવાદ જવા નીકળ્યો. તે સજ્જને રેલભાડું આપ્યું હતું. અમદાવાદમાં મને એક સંન્યાસીનો ભેટો થયો અને હું જ્યાં પણ જવા માગતો હોઉં ત્યાં રેલમાર્ગે લઈ જવા તે તૈયાર થયો.

વઢવાણ જંક્શન પર મને એક સદ્‌ગૃહસ્થ મળ્યા. તેમની પાસેથી જાણવા મળ્યું કે વિવેકાનંદ નામના એક વિદ્વાન સંન્યાસી જુનાગઢમાં નિવાસ કરી રહ્યા છે. તેથી મારા સંન્યાસી-સંગાથીએ મને જુનાગઢની રેલવે ટિકિટ કરી આપી.

જુનાગઢમાં પહોંચીને મને જાણવા મળ્યું કે ચાર-પાંચ દિવસ રોકાઈને સ્વામીજી પોરબંદરથી દ્વારકા જવા રવાના થયા છે. જુનાગઢનાં જોવાલાયક સ્થળોએ ફરીને હું પાવનધામ પ્રભાસ જવા નીકળ્યો. ત્યાં મેં વેરાવળથી દ્વારકા જતી આગબોટનો સહારો લીધો. ત્યાં પહોંચીને મને જાણવા મળ્યું કે સ્વામીજી બેટ દ્વારકા ગયા છે. દ્વારકામાં રાત્રીવાસ કરીને હું ત્યાંથી નીકળ્યો. વેરાવળમાં મને જાણવા મળ્યું કે કચ્છ-ભુજના રાજવીએ સ્વામીજીને પોતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું છે અને તદનુસાર તેઓ કચ્છ-માંડવી ગયા છે. એટલે હું કચ્છ-માંડવી ગયો.

આટલો બધો પીછો કરવા છતાં હું સ્વામીજીને પકડી ન શક્યો અને મારી આતુરતા એટલી પરાકાષ્ઠાએ પહોંચી કે ત્યાંનાં જોવાલાયક સ્થળોની મુલાકાતની પરવા કર્યા વિના હું માંડવી જવા નીકળ્યો. માંડવીમાં જઈને મને જાણવા મળ્યું કે સ્વામીજી નારાયણ સરોવર ગયા છે. એક રાત્રી માંડવીમાં વિતાવીને હું પગપાળા નારાયણ સરોવર જવા નીકળ્યો.

નારાયણ સરોવર તરફ

માંડવીથી આઠ માઈલનું અંતર કાપીને જતાં રસ્તામાં એક ગામના સજ્જને કહ્યું, “સ્વામી, માર્ગમાં લૂંટારાનો ભય છે. સ્વામી વિવેકાનંદ સાથે રાજવીના માણસો હતા, તમે એકલા કેવી રીતે જઈ શકશો?” મેં જવાબ આપ્યો, “મારી પાસે કશુંય નથી. લૂંટારાઓને મારી પાસેથી કંઈ જ નહીં મળે.” તેણે કહ્યું, “વારુ, એક ગામથી બીજે ગામ જવા તમને બળદગાડું મળશે. તમે સાથે ભોમિયો પણ કેમ નથી લેતા?” મેં તેમ કર્યું.

ભોમિયા તરીકે એક છોકરો હતો. રસ્તામાં મને વિચાર આવ્યો, “માર્ગમાં જો લૂંટારાઓ ત્રાટકશે તો હું કહીશ, ‘મારી પાસે જે કંઈ છે તે લઈ લો, મને મારી નાખશો નહીં.’ પરંતુ હું કચ્છના લોકોની ભાષા જાણતો ન હતો અને ઘણું કરીને તેઓ મારી હિંદી પણ સમજતા નહીં હોય.” તેથી મેં ભોમિયાને પૂછ્યું, “મારી પાસેથી જે કંઈ હોય તે લઈ લો, માત્ર મને મારી નાખશો નહીં; તારી કચ્છી બોલીમાં તેને તું કેવી રીતે વ્યક્ત કરી શકે?” છોકરાએ કહ્યું, “બાબાજી, તમે કહેજો, ‘મેરે ગાનો, મૂકે માર્યો મુ.’” જતાં જતાં હું આની આવૃત્તિ કરતો ગયો.

દુર્ભાગ્યે, બીજા ગામમાં ભોમિયો મેળવવા માટે મારે ખૂબ રાહ જોવી પડી. તેથી મેં એ છોકરાને વળાવી દીધો અને એકલો આગળ વધવા માંડ્યો. સલામતપણે હું પચાસ માઈલ પગપાળા આગળ ધપતો ગયો. હજુ નારાયણ સરોવર ત્રીસ માઈલ દૂર હતું પરંતુ હવે મારો રસ્તો ગામડાંમાંથી પસાર થતો હતો, જેમાંનાં મોટા ભાગનાં દુકાળને કારણે ખાલીખમ હતાં.

રાત્રી પડતાં, એક ગામમાં માણસો જોઈને, મેં ત્યાં રાત્રીવાસ કર્યો. નારાયણ સરોવર ચૌદ માઈલ દૂર હતું અને ત્યાં બે રીતે પહોંચી શકાય તેમ હતું. એક હતો પગપાળા રસ્તો અને બીજો રસ્તો હતો બળદગાડા માટેનો. પગપાળા રસ્તો બાર માઈલનો હતો. તે રસ્તો સલામત હતો અને માર્ગમાં ગામ પણ હતું. પગપાળા નારાયણ સરોવર જનારા આ રસ્તો પસંદ કરતા. બીજે રસ્તો પૂર્ણપણે નિર્જન હતો. એટલે પગપાળા રસ્તો પસંદગી કરવા યોગ્ય હતો. પરંતુ મને લાગ્યું, “સ્વામીજી બળદગાડા મારફત ગયા છે એટલે નિશ્ચિતપણે ગાડાવાળા માર્ગે જ પાછા વળશે. જો તેઓ બળદગાડાવાળા માર્ગે પાછા આવશે અને હું પગપાળા માર્ગે જઈશ તો માત્ર ચૌદ માઈલના અંતર ખાતર હું તેમને મળવાનું ચૂકી જઈશ. આટલા લાંબા અંતર સુધી આવ્યા પછી તેમને મળવાનું ચૂકી જઈશ તો તે કરુણાજનક ઘટના ગણાશે. તેથી મારે બળદગાડાનો માર્ગ પસંદ કરવો જોઈએ.”

મને એ રસ્તે પ્રયાણ કરવા તત્પર થયેલો જોઈ એક દુકાનદારે કહ્યું, “તમને રસ્તામાં ક્યાંય માનવ-વસતી નહીં મળે. બપોરે તમે ઝામનવારા તળાવે પહોંચશો. ત્યાં સ્નાન કરજો. તમારા નાસ્તા માટે આ પૌંઆ-ગોળ લઈ જાઓ.”

અહીં મને યાત્રિક ભગત મળ્યા. મેં તેમને પૂછ્યું, “તમે લૂંટારાઓથી ભરપૂર આ રસ્તો શા માટે પસંદ કર્યો છે?” જવાબમાં તેમણે કહ્યું, “મને તમારા પાવન સંગમાં ખૂબ આનંદ આવે છે.” પશ્ચિમ ભારતવાસી હોવા છતાં ભગત ખૂબ નિર્બળ હતા, તેમની પાસે બંને બાજુ ખુલ્લો એવો ફાટેલો-તૂટેલો લાંબો થેલો હતો. અમે સાથે ચાલવા લાગ્યા.

બંને બાજુ ખુલ્લાં મેદાનો હતાં. સાવ નિર્જન સ્થળ હતું, માનવ-વસતીનું નામનિશાન ન હતું. બપોરે મધ્ય રસ્તે અમે ઉપર જણાવેલ તળાવ કાંઠે પહોંચ્યા. અને સ્નાન કર્યું અને દુકાનદારે આપેલાં પૌંઆ-ગોળ સાથે મળીને આરોગ્યાં. પૌંઆ ખાધા પછી ભગત બોલ્યા, “મહારાજ, દો ટિક્કડ લગા લૂં. (મને બે જાડા રોટલા બનાવી લેવા દો.) આ સાંભળીને મને આશ્ચર્ય થયું. અહીં અમને ક્યાંથી ટિક્કડ મળવાનાં? મેં પૂછ્યું, “ટિક્કડ બનાવવાનો લોટ તમારી પાસે ક્યાં છે?”

ચમત્કાર સર્જતા હોય તેમ ભગતે ફાટેલા થેલામાંથી અડધો શેર લોટ, તાવડી, મીઠું વગેરે કાઢ્યાં અને અહીં-તહીં ફરીને કેટલાંક છાણાં વીણી બાળ્યાં. ભગતના નિપુણ હાથે જોતજાેતામાં ટિક્કડ બનાવી દીધાં.

અમે ગોળ સાથે રોટલા ખાતા હતા એવામાં ઘેટાં-બકરાં લઈને એક ગોપબાળક આવી પહોંચ્યો. ભગતે કહ્યું, “મહારાજને થોડુંક દૂધ આપ, તે લૂખો રોટલો ખાય છે.” જવાબમાં છોકરાએ કહ્યું, “સારું, તમારી જાતે દોહી લો.” વળી પાછું, થેલામાંથી પ્યાલો બહાર કાઢ્યો, જેમાં અડધો શેર દૂધ દોહી લાવ્યા. ગોળવાળા ટિક્કડનો દૂધ સાથેનો સ્વાદ હું જીવનમાં કદાપિ ભૂલીશ નહીં. ભોજન પત્યા પછી વાસણો માંજી દેવાયાં અને થેલામાં ભરી દેવાયાં. વળી પાછા અમે રસ્તે આગળ વધ્યા.

લૂંટારુઓના હાથમાં

બપોર થયા. ચાલતાં ચાલતાં જોયું તો અમારાથી થોડેક દૂર ચાર માણસો પાછળ પાછળ આવી રહ્યા હતા. રસ્તો કાંપવાળો હતો અને પેલા માણસો ક્યારેક નજરે પડતા, તો ક્યારેક નહીં. મને શંકા પડી કે તેઓ લૂંટારા હશે.

નિર્બળ ભગત પાછળ રહી ગયા હતા. તેમને ઝડપથી ચાલવાનું કહેવાનો મને વિચાર આવ્યો, કારણ કે તેમની પાસે થેલો હતો, સંભવત: પૈસા પણ. વળી પાછો વિચાર આવ્યો કે તે સંતાડશે પણ ક્યાં? વળી મારું મોટેથી કહેવાનું, લૂંટારાઓના કાને પડી જાય તો! ઠાકુર પર બધું છોડીને જેમ ચાલીએ છીએ એમ અમને ચાલવા દો.

વળ પાછું મેં વિચાર્યું, “એમાંના એકે ધાબળો ઓઢ્યો છે અને માથે લાલ પાઘડી બાંધી છે. કલકત્તામાં મેં પોલીસને ધાબળા તથા લાલ પાઘડીવાળા જોયા છે. તેઓ જમીનદારના રક્ષકો હોઈ શકે.” પરંતુ આવી શંકા-કુશંકા એકાએક દૂર થઈ. આગળ ચાલતાં મેં જોયું તો ચાર લૂંટારાઓ કે સિપાઈઓ મેદાનમાં આડા ફંટાઈને, મારી સામે આવીને ઊભા. મેં પૂછ્યું, “નારાયણ સરોવર કેટલું દૂર છે?” તેઓ આગળ વધતા હતા. એમાંનો એક રોકાયો અને બોલ્યો, “છ માઈલ.” પછી તે બધાય માર્ગ રોકીને ઊભા. એટલામાં હું નજીક પહોંચ્યો અને પૂછવા જતો હતો, “તમે લૂંટારા છો? તમે લોકોને લૂંટો છો?” એકાદ શબ્દ મુખમાંથી નીકળે તે પહેલાં એકે મારા ખભા પર હાથ મૂક્યો અને મને એક બાજુ ધકેલી દીધો. મેં તરત જ કહ્યું, “મેરે ગાનો, મેરે ગાનો, મૂકે માર્યો મૂ.” તરત જ ડાંગ મારા બરડા પર બે વાર ઝીંકાઈ. પ્રભુકૃપાથી વાંસની પાતળી ડાંગ હતી અને મારો ડગલો રૂનો હતો તથા મારા વાંસા પર કપડાં, પુસ્તક, વાઘનું ચામડું વગેરે ચીજો ભરેલું પોટલું લટકતું હતું.

હું ચત્તાપાટ પડી ગયો અને જોયું તો એ પહેલાંના માણસો રહ્યા ન હતા. તેમના ચહેરા કરડાકીભર્યા થઈ ગયા હતા અને લાલ લાલ આંખો ચકરવકર થતી હતી. બે જણના હાથમાં સૂર્યપ્રકાશમાં ચમકતી તલવારો હતી. એમાંનો એક વૃદ્ધ કર્કશ અવાજમાં ગરજી ઊઠ્યો, “લુગરાં ખોલ (તારાં કપડાં કાઢી નાખ).” તરત જ મેં કૌપીન સિવાયનાં વસ્ત્રો કાઢી નાખ્યાં અને બોલવા માંડ્યો, “મેરે ગાનો, મેરે ગાનો, મૂકે માર્યો મૂ.”

લૂંટારાઓએ મારાં બધાં વસ્ત્ર અને મારા લાંબા કોટનાં ખિસ્સાં તપાસ્યાં. એટલામાં ભગત દેખાયા. ભયંકર અને ખુલ્લી તલવારો જોઈને, ગભરાઈ ગયેલા ભગત દયાભર્યા સ્વરે બોલ્યા, “હમ તો ગયે (હું તો માર્યો ગયો).”

દુર્બળ હોવાથી તે સર્વાંગે ધ્રૂજતા હતા. તેમના હાથમાંનો વાટકો અને ખભા પરનો થેલો ભોંયે પડી ગયાં. જીભ બહાર નીકળી ગઈ અને ધ્રૂજતાં ધ્રૂજતાં તેઓ રસ્તા પર બેસી પડ્યા.

ભગતનો ભયથી વિકૃત થયેલો ચહેરો જોઈને એવી અતિ વિકટ પરિસ્થિતિમાં પણ હું હસવું ખાળી ન શક્યો. પરંતુ મેં તત્ક્ષણ લૂંટારાઓને કહ્યું, “તમે મને જે બળપૂર્વક માર્યો છે, તેવું આ દુર્બળ માણસ સાથે ન કરશો.” મેં ભગતને કહ્યું, “તમારી પાસે જે કંઈ હોય તે આમને આપી દો. હું તમને વાસણો અને બીજું બધું ફરી અપાવી દઈશ.” તે મારા શબ્દોને લક્ષમાં લે તેવા કે મારું માને તેવા ન હતા. હાથ જોડીને તેમણે લૂંટારાઓને કહ્યું, “મિત્રો, મારા ગરીબની આ ચીજવસ્તુઓ ખૂંચવી ન લેશો. એક વાર હું આ વસ્તુઓ ગુમાવીશ તો મને તે ક્યારેય મળવાની નથી.” મેં જોયું કે આ માણસને પોતાની જિંદગી કરતાં ફાટેલો થેલો વધુ વહાલો છે.

બીજી બાજુ, લૂંટારાઓએ જોયું કે મારા થેલામાં વાઘનું ચામડું, થોડાં પુસ્તકો છે તથા મારા વાંસા પર પોટલું છે, એટલે તેઓને ખાતરી થઈ કે સંન્યાસી પાસે માત્ર ખાલી થેલો છે. પછીથી તેઓ ભગત તરફ ફર્યા પરંતુ તેમના માત્ર થેલાની હાલત જોઈને થંભી ગયા અને તેને અડક્યા પણ નહીં.

પછી તેઓએ પરસ્પર મસલત કરી અને મને મારા હાથ પાછળ વાળી દેવા કહ્યું કે જેથી તેઓ હાથ બાંધી શકે. પરંતુ એવામાં મને હિંમત આવી. મેં સ્પષ્ટપણે કહ્યું, “ના, તમે કહો છો તેમ હું મારા હાથ નહીં રાખું.” લૂંટારાઓએ તલવારો મ્યાનમાં રાખી દીધી હતી, પરંતુ પાછી થોડી બહાર કાઢીને બોલ્યા, “જો તમે હાથ પાછળ નહીં મૂકો તો કાપી નાખીશું.” મેં મક્કમતાપૂર્વક કહ્યું, “તમે ધારો તે કરો, હું મારા હાથ પાછળ નહીં કરું.”

પછી તેઓએ મારી પાઘડી કાઢી લીધી અને હાથ બાંધવા લાગ્યા. પરંતુ તેઓ આમ કરવાનું પૂરું કરીને જવાની તૈયારી કરતા હતા એટલે મેં કહ્યું, “એય, આ ગરમ કપડાં લઈ જાઓ. તમે ગરીબ લોકો છો. શિયાળામાં તમારા કામમાં આવશે. તમને કોઈ જોશે પણ નહીં, અને હું કોઈને કહીશ પણ નહીં.” પરંતુ ધાબળો ઓઢેલ તથા પાઘડી પહેરેલ માણસે મારો ચરણસ્પર્શ કર્યો અને કહ્યું, “દુઆ કારો મહારાજ, કપ્રા પીંધ લો.” (મહારાજ, તમે જાઓ, કપડાં પહેરી લો.) હોઠ પર આંગળી મૂકીને તેણે મને આ ઘટના કોઈનેય ન કહેવાનો સંકેત કર્યો. મેં હજુય પુનઃ કહ્યું, “આ ગરમ કપડાં લો.” પરંતુ તેઓ જોતજોતામાં ઉતાવળે પગલે અદૃશ્ય થઈ ગયા.

(ક્રમશ:)

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.