જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગૂજરાતમાં અને મેવાડની મહારાણી મીરાંએ રાજસ્થાનમાં કૃષ્ણભક્તિનો ધોધ વરસાવ્યો તે પહેલાં ગૂજરાત અને રાજસ્થાનમાં શિવ અને શક્તિની પૂજા જ વ્યાપક પ્રમાણમાં ચાલતી હતી. નરસિંહ અને મીરાંને શાસકો, સ્વજનો અને તેના સાથીઓ તરફથી સહેવી પડેલી આપદાઓનું એક મુખ્ય કારણ તેમની વચ્ચેનો આ પૂજાભેદ કે પંથભેદ હતું. વળી, શ્રીમદ્ વલ્લભાચાર્ય જેવાએ પ્રચલિત કરેલી કૃષ્ણભક્તિધારાને ફેલાવવાનું પ્રમાણમાં મોકળું મેદાન, ગૂજરાત અને રાજસ્થાનમાં જ મળ્યું એનું શ્રેય નરસિંહ મહેતા અને મીરાંને ફાળે જાય છે.
ભલે આ રીતે નરસિંહ અને મીરાંની ઐતિહાસિક ઘટનાએ ગૂજરાતમાં અને રાજસ્થાનમાં કૃષ્ણભક્તિધારા ફૂલીફાલી હોય, છતાં પૂર્વપરંપરાગત શિવ-શક્તિની ભક્તિધારા પણ સમાન્તરે જ અવિચ્છિન્ન ગતિએ આજ સુધી ચાલુ જ રહી છે. ગૂજરાત અને રાજસ્થાનના શાસકો એમના પરિવાર અને પરિજનો વગેરે બહોળો જનસમુદાય પુરાતન કાળથી ચાલી આવેલી શિવ શક્તિની પૂજામાં નિષ્ઠા ધરાવતો રહ્યો અને આજના વખત સુધી ગૂજરાત અને રાજસ્થાનમાં શિવ-શક્તિની આરાધના અનવરત રૂપે ચાલુ જ રહી છે. આજે તમાં કૃષ્ણ કે બીજા કોઈપણને પોતાના ઈષ્ટદેવ ગૂજરાતમાં કૃષ્ણ કે તરીકે સ્વીકારનારા લોકો પણ ગ્રામદેવી, કુળદેવી કે પરિવારદેવી તરીકે વિવિધ નામ ધારણ કરતી શક્તિનું માતૃસ્વરૂપે પૂજન કરતા રહ્યા છે અને એમાં કોઈ જ ગામ, કોઈ જ કુટુંબ, કોઈ જ કુળ અપવાદ નથી.
સામાન્ય રીતે શક્તિપૂજા, શિવપૂજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. ગૂજરાતમાં શિવપૂજાનાં મુખ્ય સ્થળો સોમનાથ અને નર્મદાતીર રહ્યાં છે. એમાં ‘સોમનાથ’ શબ્દની તો વ્યુત્પત્તિ જ “સ + ઉમા = સોમ = ઉમા (શક્તિ) સાથે રહેલા શિવ” એવી થાય છે.
ગૂજરાત લકુલીશે પ્રવર્તાવેલા પાશુપત શૈવ સંપ્રદાયની જન્મભૂમિ મનાય છે. આ લકુલીશ લાટ દેશના કાયાવરણ (કારવણ) ઈશુની બીજી સદીમાં જન્મ્યા હતા. અને એમણે સોમનાથમાં પોતાના પાશુપત શૈવ સમ્પ્રદાયના મઠની સ્થાપના કરી હતી. ઈશુની બારમીથી ચૌદમી સદી સુધી ગૂજરાત પાશુપત શૈવ સંપ્રદાયનું મોટું થાણું બની રહ્યો. આ સમયગાળા દરમિયાન, એ સંપ્રદાયમાં અસંખ્ય વિદ્વાન આચાર્યો ઉત્પન્ન થયા અને એથી ગુજરાતના ઘણા બધા ક્ષત્રપ, સોલંકી અને વલ્લભી શાસકો શૈવો બન્યા અને એની સમાન્તરે જ શક્તિપૂજા પણ પાંગરતી રહી. શૈવપંથી સોલંકી શાસકો તો પોતાના નામ આગળ ‘ઉમાપતિવરલબ્ધપ્રસાદ’ એવું વિશેષણ પણ મૂકવા લાગ્યા.
આગળ દર્શાવ્યા પ્રમાણે ગૂજરાત પહેલેથી જ શક્તિપૂજક રહ્યો છે. પરમશક્તિસ્વરૂપા વૈદિક દેવી સરસ્વતીના પુરાણવર્ણિત ત્રણ પ્રવાહોમાંથી બબ્બે પ્રવાહો તો ગૂજરાતમાં જ વહ્યા છે, તે ગુજરાતની શક્તિપૂજાની વ્યાપકતાને છતી કરે છે. એનો પહેલો પ્રવાહ, હિમાલયની શિવાલિક ગિરિમાળામાંના પ્લક્ષ પ્રસવણમાંથી નીકળીને કુરુક્ષેત્ર પાસે વિનાસનમાં લુપ્ત થાય છે, બીજો પ્રવાહ, આબુ પર્વત પાસેની આરાસુર પર્વતમાળાના કોટેશ્વર મહાદેવના મંદિર પાસેથી નીકળી સિદ્ધપુર થઈને કચ્છના રણમાં વિલાઈ જાય છે અને ત્રીજો પ્રવાહ, સૌરાષ્ટ્રનાં ગીરનાં જંગલોમાંથી નીકળીને પ્રભાસપાટણ પાસે પશ્ચિમી સમુદ્રમાં ભળી જાય છે.
ૠગ્વેદદર્શિત એક અખંડ બળવતી સરસ્વતી નદી, હિમાલયથી નીકળીને પશ્ચિમ સાગરને મળતી બતાવી છે, બ્રાહ્મણગ્રંથોએ એને કુરુક્ષેત્રમાં જ લુપ્ત થઈ જતી બતાવી છે અને પુરાણોએ એના ત્રણ પ્રવાહો દર્શાવ્યા છે. ભલે ધરતીકંપ વગેરેથી થયેલા ફેરફારોથી આમ બન્યું હશે પણ આપણને તો જાણે આ ભારતમાં અને ખાસ કરીને ગૂજરાતમાં થયેલા શક્તિપૂજાના ચડાવ-ઉતાર સમું લાગે છે! કારણ કે મૂર્તિભંજક મુસ્લિમ શાસકોના સમયે સોમનાથના બ્રાહ્મણો સરસ્વતીને જ શક્તિસ્વરૂપે આરાધતા હતા. અને એટલે જ આ ત્રિપ્રવાહિણી પરમશક્તિસ્વરૂપા સરસ્વતીને સ્કંદપુરાણના પ્રભાસખંડે સર્વતીર્થમયી કહી છે. અધ્યાય ૧૯)
સરસ્વતીપુરાણ જણાવે છે કે સિદ્ધરાજ જયસિંહે સરસ્વતીના નીરથી છલકાતા રહેતા સહસ્રલિંગ તળાવ ફરતે ચોમેર એક હજાર શિવલિંગોની સ્થાપના કરી તેની સાથોસાથ જ એની વચોવચ એકસો આઠ શક્તિપીઠોનું પ્રતિનિધિત્વ કરતાં હરસિદ્ધિમાતાનાં એકસો આઠ મંદિરો પણ સ્થાપ્યાં હતાં. ( અધ્યાય ૧૬, શ્લોક ૧૩૬) સરોહી પાસેના પિંડવારાના ઈ.સ. ૬૨૫ના એક શિલાલેખમાં ક્ષેમાર્યા દેવીની પૂજાનો ઉલ્લેખ પણ મળે છે.
ગૂજરાતની ચારે દિશાએ આવેલી શક્તિપીઠો પણ ગુજરાતમાં શક્તિપૂજાની વ્યાપકતા સૂચવે છે. જાણે કે એ ચાર શક્તિપીઠો ગૂજરાતનું સાંસ્કૃતિક સીમાંકન કરે છે અને આજેય ગૂજરાતની રખેવાળી કરી રહી છે. ઉત્તરમાં આરાસુરી અંબિકા-અંબાજી, પૂર્વમાં પાવાગઢી કાલિકા, દક્ષિણમાં કુંતેશ્વરીનાં સાંનિધ્યમાં રહેલ દેવી અને પશ્ચિમમાં સોમનાથની શક્તિપીઠ, આ પીઠ ગૂજરાતમાં જ નહિ, આખા ભારતમાં એક વખતે અગ્રગણ્ય ગણાતી હતી.
દેવીભાગવતે ગૂજરાતમાં ઘણી શક્તિપીઠો દર્શાવી છે. દ્રારાવી, સોમેશ્વર, પ્રભાસ, સરસ્વતી અને સમુદ્રતીર, વગેરે – અત્યારે એ પૈકીની ગૂજરાતની ત્રણ મુખ્ય શક્તિપીઠો હજુ હયાત છે. એક છે આરાસુરી અંબિકા, બીજી ઉત્તર ગુજરાતના ચુંવાળમાં બાલા (બહુચરા) અને ત્રીજી ચાંપાનેર પાસેના પાવાગઢની કાલિકાની પીઠ.
જો કે આ પુરાણસંબદ્ધ અતિપ્રાચીન શક્તિપીઠો ઉપરાંત પણ કચ્છનાં આશાપુરા, કોલગિરિનાં હરસિદ્ધિ, હળવદનાં સુંદરી, આબુપર્વતનાં અર્બુદા, નર્મદાતીરનાં અનસૂયા વગેરેની બીજી ઘણી નાનીમોટી પુરાણોમાં ન લખાયેલી છતાં જૂની એવી શક્તિપીઠો પણ ગૂજરાતમાં છે.
પુરાણોલિખિત પાવાગઢ કે પાવનાચલનું માહાત્મય, સ્કંદ પુરાણનો એક ભાગ છે. શ્રી નર્મદાશંકર મહેતા નોંધે છે કે પાવાગઢ પર્વતનો આકાર કાલિકાના યંત્ર જેવો છે. (શક્તિસંપ્રદાય, પૃષ્ઠ ૧૦૮)
બાલા બહુચરાના સંબંધમાં શ્રીમદ્ભાગવતના દશમસ્કંધ (૪/૧૨)માં ઉલ્લેખ છે કે કંસ જ્યારે પેલી યોગમાયાને પથ્થર પર પછાડવા તૈયાર થયો ત્યારે તે યોગમાયા અદૃશ્ય થઈ ગઈ અને ત્યાર પછી બાલા અથવા બહુચરાને નામે પ્રસિદ્ધ થઈ.
પુરાણપ્રાપ્ત અને અત્યારે હયાત પૂર્વદર્શિત ત્રણ શક્તિપીઠોમાંથી ઉપરની બે શક્તિપીઠોના સંદર્ભો આપણે જોયા. ત્રીજી એવી શક્તિપીઠ આરાસુરી અંબિકાની છે. ઐતિહાસિક દૃષ્ટિએ એનું મહત્ત્વ સૌથી વધારે છે એટલે એનું વિગતે વર્ણન કરવું જરૂરી થઈ પડે છે.
અંબિકાનું સુવિખ્યાત મંદિર આબુ પાસેના આરાસુરની ટેકરી ઉપર, ગૂજરાતની ઉત્તરે, અરવલ્લીની ગિરિમાળાના દક્ષિણ-પશ્ચિમ ખૂણે (નૈઋત્ય ખૂણામાં) આવેલું છે. સરસ્વતી નદીનું આ સ્થાન ઉગમસ્થાન છે. ત્રિપથગા સરસ્વતીનો એક પ્રવાહ અહીંથી નીકળી, સિદ્ધપુર થઈ, કચ્છના રણમાં લુપ્ત થાય છે. સરસ્વતીના ઉગમસ્થળ પાસે સુવિખ્યાત તીર્થસ્થાન કોટેશ્વર મહાદેવનું મંદિર છે. દર વરસે ઘણા યાત્રાળુઓ અહીં આવે છે.
અહીં શ્રીકૃષ્ણ પુત્રપ્રાપ્તિ માટે તંડ ઋષિને મળ્યા અને ઋષિના કહેવાથી તેમને પુત્ર પ્રાપ્ત થયો હતો. ૠષિએ એમને બેસવા આસન આપ્યું ત્યારથી આ સ્થળનું નામ ‘અરાસન’ પડ્યું અને ક્રમેક્રમે એમાંથી ‘આરાસુર’ થઈ ગયું, એવી પુરાણકથા છે. કથા વધુમાં કહે છે કે શ્રીકૃષ્ણના બાળમોવાળા ઉતારવાનો સંસ્કાર પણ અહીં થયો હતો (બૉમ્બે ગૅઝેટ વૉલ્યુમ ૫, પાનું ૪૩૨) એની ખરી જગ્યા અંબિકા મંદિરથી ત્રણેક માઈલને અંતરે આવેલા ગબ્બરની ટેકરીને ગણવામાં આવે છે.
ભાગવતના કહેવા પ્રમાણે (૧૦-૩૪-૧, ૨) જ્યારે શ્રીકૃષ્ણ બળદગાડીમાં બેસીને ગોપજનો સાથે યાત્રાર્થે અને હરવાફરવા માટે અંબિકાવનમાં આવ્યા ત્યારે તેમણે સરસ્વતીમાં સ્નાન કરીને શિવ અને અંબિકાની પૂજા કરી હતી. આ જ વનમાં કોઈક સર્વે નંદને પીડયા હતા અને શ્રી કૃષ્ણે એમને છોડાવ્યા હતા.
વળી, રુકિમણીની ઇચ્છા વગર એનો વિવાહ શિશુપાલ સાથે નક્કી કરાયો અને રુકિમણીએ જ પત્ર લખવાથી શ્રીકૃષ્ણે તેનું હરણ કર્યું ત્યારે રુકિમણીએ અહીં જ અંબિકાદેવીની પૂજા કરી હતી. ગૂજરાતના દેવી ભક્ત વલ્લભ ધોળાએ (૧૬૪૦ -૭૫) આ પુરાણકથાને પોતાના ‘આનંદગરબા’માં સુપેરે મઢી છે. ભાગવતના ૧૦-૫૩માં આ કથા છે.
આબુ પર્વતને પણ પોતાનો એક ભાગ ગણીને ઊભી રહેલી અરવલ્લીની આ ગિરિમાળાને ભૂસ્તરશાસ્ત્રીઓ હિમાલય કરતાંય વધુ પ્રાચીન માને છે. ભગવાન પશુપતિ અને દેવીમાતાની પૂજા તો વળી સિંધુખીણની સંસ્કૃતિથી ય પ્રાચીન મનાઈ છે. ભારતમાં દેવીપૂજા અનાદિકાળથી ચાલે છે. ભારતને ગામડે ગામડે માતા, અંબા, ગ્રામદેવતા, કાલી અને બીજાં અસંખ્ય નામરૂપોથી એ પૂજાતાં રહ્યાં છે.
ૠગ્વેદમાં પણ ઉષા, પૃથિવી, સરિત:, શ્રદ્ધા, અદિતિ, વાક્ વગેરે નામે વર્ણવાયાં છે. કેન ઉપનિષદમાં એને ‘ઉમા હૈમવતી’ના અભિનવ નામે નવાયાં છે. આરાસુર પાસેનો આબુ, વસિષ્ઠનાં આશ્રમ સ્થાન તરીકે પ્રખ્યાત છે. વસિષ્ઠની નંદિની ગાય અહીં ખાડામાં પડી ગઈ એટલે ૠષિએ સરસ્વતીનું ધ્યાન ધરી એમને પ્રસન્ન કર્યાં. સરસ્વતીએ નીચે આવી પોતાના જળથી ખાડો ભરી દીધો અને ગાયને બહાર નીકળવાની સગવડ કરી આપી હતી.
આબુની ઉપર અને આસપાસ વસિષ્ઠાશ્રમ, સરસ્વતીસંગમ, કાત્યાયની, અચલેશ્વર, કોટીશ્વર, શ્રીમાતા, કોટિતીર્થ વગેરે અસંખ્ય તીર્થોનાં નામ સ્કંદપુરાણે અર્બુદાખંડમાં ગણાવ્યાં છે. પણ તે બધાં જ સાવ અસ્પષ્ટ અને આજે પીછાણી ન શકાય તેવાં છે. આરાસુરીની અંબિકા કે આરાસુરી કોટેશ્વરને એમાં ગણાવ્યાં છે કે નહિ, તે કહેવું મુશ્કેલ છે. તીર્થવિવરણના કેટલાક ગ્રંથો સરસ્વતીતીરના કોટિતીર્થને સ્કંદપુરાણના કોટિતીર્થ તરીકે જ ગણીને એને સરસ્વતીના ઉગમ સ્થળે આવેલ કોટેશ્વર જ માને છે.
આરાસુરી અંબિકાને વર્ણવતા સ્કંદપુરાણના અંબિકા ખંડની બે વાચનાઓ મળે છે. એક છે ઍગ્લીંગેની નોંધેલી ઈન્ડિયા ઑફિસ કૅટલૉગ – ૬ (પૃ. ૧૩૨૧) વાળી છે અને બીજી મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રીએ નોંધેલી ‘કૅટલૉગ ઑફ સંસ્કૃત મૅન્યુસ્ક્રીપ્ટ્સ (એશિયાટિક સોસાયટી ઑફ બેંગાલ વૉલ્યુમ ૫, નંબર ૩૯, ૨૧-૨૨) વાળી છે. આ અંબિકાખંડના ૧૨૦૦૦ શ્લોકો છે.
આરાસુરના અંબિકા મંદિરમાં દેવીની કોઈ મૂર્તિ નથી. એને બદલે કેવળ યંત્ર જ છે. એને વેશભૂષા અને અન્ય ઉપકરણોથી સજાવીને દર્શનાર્થીઓ માટે મૂર્તિકલ્પ બનાવાયું છે. આ દેવી શિવનાં સહધર્મિણી અને હિમાલય – મેનાનાં પુત્રી દુર્ગાસ્વરૂપા છે. જેવી રીતે ઉત્તર ગુજરાતનાં ચુંવાળના બાલા બહુચરા કન્યાસ્વરૂપિણી છે તેવી રીતે આરાસુરનાં આ દેવી શિવનાં અર્ધાંગિની અને પ્રેમાળ માતાના સ્વરૂપનાં છે. જ્યારે ચાંપાનેર નજીકના પાવાગઢનાં અધિષ્ઠાત્રી દેવી મુક્તિદાત્રી ભદ્રકાલી સ્વરૂપે છે.
આરાસુરના મંદિરમાં સોળમી સદીના કેટલાય શિલાલેખો મળે છે. એમાંના એક રાવ ભારમલની રાણીએ કોતરાવ્યો છે. એમાં રાણીએ આપેલા મોટા અનુદાનનો ઉલ્લેખ છે. માનસરોવર પર મહારાણા માલદેવનો ઈ.સ. ૧૩૫૯નો શિલાલેખ પણ છે. લોકવાયકા છે કે વિમલશાહે માતાજીની કૃપાની પરવા કર્યા વગર કુંભારિયામાં ૩૬૦ આરસમંદિરો બંધાવ્યાં એટલે માતાજીએ એનાં ૩૫૫ મંદિરો બાળીને ફક્ત પાંચ જ મંદિરો અકબંધ રાખ્યાં. પછી વિમલશાહે માતાજીની કૃપા અને આશીર્વાદ પ્રામ કરીને જ દેલવાડાનું આદિનાથનું મંદિર ઈ. સ. ૧૦૩૨માં બંધાવ્યું.
આરાસુરમાં અર્બુદનરેશ ધારાવર્ષદેવે વાવ બંધાવ્યાનો ઉલ્લેખ કુંભારિયાના ઈ. સ. ૧૨૦૦ના શિલાલેખમાં મળે છે.
આરાસુરનું અંબિકામંદિર ઈશુની આઠમી સદીથી પણ વધારે પ્રાચીન છે જ કારણ કે ઈ. સ. ૭૪૬માં વલ્લભીના પતન પછી ત્યાંના રાજા શિલાદિત્યની રાણી પુષ્પાવતી અંબિકાની યાત્રાએ આવી હોવાનું બૉમ્બે ગૅઝેટ ૫ – પૃ. ૪૪૧ જણાવે છે.
દેવી ભાગવતમાં અને કાલિકાપુરાણમાં દક્ષની પ્રસિદ્ધ પુરાણકથા છે. પોતાના યજ્ઞમાં દક્ષે શંકર સિવાય બધા દેવોને નોતર્યા. દક્ષપુત્રી – શિવપત્ની સતી વણનોતરી યશમાં આવીને અપમાનિત થઈ, યજ્ઞવેદીમાં બળી મરી, આ જાણીને ધૂંઆફૂંઆ થયેલ શંકરે અડધા બળેલા સતીદેહને ખભે ઉપાડીને વિનાશક તાંડવનૃત્ય આદર્યું, વિશ્વરક્ષા સૌએ શિવને પ્રાર્થો. વિષ્ણુએ ચક્થી સતીના શબના ઘણા ટુકડા કર્યા; સતીના દેહના આ ટુકડાઓ જુદે જુદે સ્થળે ઊડીને પડયા ને પથ્થર થઈ ગયા. શિવ શાંત થતાં આ સ્થાનો શક્તિપીઠો બની રહ્યાં. આ શક્તિપીઠોની સંખ્યા ક્યાંક પર, ક્યાંક ૭૨ કે ક્યાંક ૧૦૮ બતાવેલી છે. અને એનાં સ્થાન પણ એકસરખાં મળતાં નથી. પણ એવો એક ટુકડો આરાસુરમાં પડયો હતો એવી એક વાચના છે. એથી આરાસુરી અંબિકાની શક્તિપીઠની પ્રાચીનતા અને પવિત્રતા સિદ્ધ થાય છે.
વલ્લભીની રાણીની પૂર્વદર્શિત અંબિકાયાત્રા વખતે આરાસુરીનું મંદિર દાંતા વિસ્તારમાં આવેલું હતું. અને એ વખતે રાજકીય અધિકારીઓ રહેલા નાગર બ્રાહ્મણો એની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. કહે છે કે આજનું મંદિર એ લોકોએ જ બંધાવ્યું છે. (બૉમ્બે ગૅઝેટ-૫, પૃ. ૪૩૩)
અહીં શ્રાવણ ભાદરવામાં આ બ્રાહ્મણો સંધો કાઢતા, ભાદરવો માતાજીનો જન્મમાસ હોઈને પોતાનો પ્રથમ પૂજાનો હક તેઓ આ રીતે ઘણો સમય જાળવતા રહ્યા. એ વખતે મંદિરના આંગણામાંના ચાચરના ચોકમાં ગરબા ગવાય છે. આજે તો પગથિયાં અને ચોકનાં આરસ ઘસાઈને કાણાં વાળા થઈ ગયા છે અને આ સ્થાનકની અતિ પ્રાચીનતાની સાખ પૂરે છે.
આરાસુરના આ અંબિકા મંદિરે ઘણા લોકો પોતાના સંતાનના બાળમોવાળા ઉતરાવવા સગાં-સંબંધીઓ સાથે આવે છે અને શ્રીકૃષ્ણની પરંપરા જાળવે છે. આ અંબિકા ભક્તોમાં કેવળ શ્રોતો, સ્માર્યો, સનાતનીઓ અને જૈનો જ નહિ, પણ પારસીઓ અને મુલસમાનોનો પણ સમાવેશ થાય છે. પોતાની કામનાઓ પૂરી થયે માનતા ચઢાવે છે, શ્રદ્ધાળુઓનો યાત્રાપ્રવાહ ચાલુ જ હોય છે.
અહીં કારતક, માગશર, શ્રાવણ અને ભાદરવામાં સંઘો નીકળે છે. રોજ સવારનાં દર્શન પછી બપોરે બાર વાગ્યે ભવ્ય આરતી અને સાંજે સપ્તશતીના પાઠ, ઘંટારવ અને નગારાં વાગે છે. કેવળ ઘીનો જ ઉપયોગ અને બ્રહ્મચર્યપાલન એ અહીંની અનિવાર્ય શરતો છે. કોઈપણ જાતની અપવિત્રતા માતાજીને કોપાયમાન કરે છે, એમ મનાય છે.
મંદિરથી ત્રણેક માઈલ છેટે આવેલી ગબ્બરની ટેકરી પર કક્ષમાં માતાજી ઝૂલા પર ઝૂલી રહ્યાં છે, એમ મનાય છે. કથા કહે છે કે એક ભરવાડના ગાયના ટોળામાં માતાજીની ગાય ભળી જતાં એ ગાયના માલિકની શોધમાં ભરવાડે માતાજીને માલિક તરીકે શોધ્યાં અને એમની પાસે ગાયનું ચરામણ માગ્યું. માતાજીએ જવના દાણા આપ્યા, એણે ભરવાડે તુચ્છ ગણી ફેંકી દીધા પણ ઘેર આવી કપડા પર ચોંટેલા દાણા જોયા તો સોનાના દાણા ! ભરવાડ પસ્તાયો પણ હવે શું થાય?
આરાસુરમંદિરમાંની માતાજીની તલવાર, મહારાણા પ્રતાપે ભેટ ધર્યાનું કહેવાય છે. પ્રતાપ પોતાની ઈડરની રાણીને મળવા જાય છે એવા સમાચાર જાણીને અકબરે ઈડરગઢને ઘેરો ઘાલ્યો. પ્રતાપને આ ખબર મળતાં મેઘલી રાતે ઘોડા પર સવાર થઈ, નદી પાર કરી ગમે તેમ કરીને છાનોમાનો મળ્યે જ રહ્યો. એ વખતે એણે પોતાની મન:કામના પૂર્ણ થયે માતાજીને પોતાની તલવાર ભેટ ધરવાની માનતા માની હતી. અને સફળ થતાં માતાજીને તલવાર આપી.
ગૂજરાતમાં ખાસ કરીને શ્રીકુળનાં માતૃસ્વરૂપો – અંબિકા, લલિતા, બાલા, તુલજા અને એવાં બીજાં – પૂજાય છે. ગુજરાતમાં કાલી દક્ષિણાચારનાં છે. વામાચારની કરાલી કાલીને બદલે એ ભદ્રકાલી છે. દ્વારકાની શારદાપીઠની અધિષ્ઠાત્રી દેવી સ્વરૂપે શ્રીશંકરાચાર્યે ભદ્રકાળીને જ સ્થાપ્યાં છે.
ગૂજરાતમાં આજે પણ શક્તિપૂજાની અવિરત ધારા વિદ્યમાન છે, નવી નવી શક્તિપીઠો, ગાયત્રી, ભુવનેશ્વરી વગેરે વિવિધ નામધારી શક્તિસ્વરૂપોને આરાધતી ઊભી થાય છે. આજે પણ લોકદેવીઓનો પ્રાદુર્ભાવ થતો રહે છે. આજે પણ કલ્યાણકારી શક્તિને માતૃસ્વરૂપે પૂજવામાં આવે છે, પોતપોતાની કક્ષા પ્રમાણે આજે પણ લોકો માતૃ સ્વરૂપને કલ્પે છે.
માતાજીના ગુણાનુવાદક કવિઓ પણ ગૂજરાતમાં અનેક થયા છે. તેમાં વડનગરના નાગર બ્રાહ્મણ સોમેશ્વરદેવ (૧૧૨૯-૧૨૬૨) અને વલ્લભ ધોળા (૧૬૪૦-૧૭૫૧) સુવિખ્યાત થયા છે. સોમેશ્વરદે સુરથોત્સવ મહાકાવ્ય સંસ્કૃતમાં લખ્યું અને વલ્લભ ધોળાએ ઉત્તમ ગુજરાતી ગુણાનુવાદ પીરસ્યા છે.
ગૂજરાતની શક્તિપૂજા પ્રેરક છે. સ્વમાતા, ભારતમાતા અને જગન્માતા સુધીનાં પગથિયાં ચડવામાં આપણને એ પ્રેરણા આપે છે. આ ભાવવિસ્તૃતિની સિદ્ધિ સૌ માતૃભક્તોને સાંપડો.
Your Content Goes Here




