એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં બ્રાહ્મોસમાજના અગ્રણી કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણદેવને કહ્યુંઃ
‘જો આપ રજા આપો તો હું આપનો સંદેશ લોકજ્ઞાત બનાવવા ઇચ્છું છું. એ સંદેશ ચોક્કસપણે લોકોનું કલ્યાણ ક૨શે અને વિશ્વને શાંતિ અર્પશે.’
પોતાના ચહેરા પર અદ્ભુત દિવ્યકાંતિ સાથે અને ભાવાવસ્થામાં ખુલેલાં નેત્રો સાથે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું:
‘વ્યાખ્યાનો અને વર્તમાન પત્રો દ્વારા અહીંનો (એમણે પોતે આપેલ) સંદેશ ફેલાવવાનો હજી સમય થયો નથી. સમય આવતાં આ દેહમાં રહેલ વિચારો, આદર્શો અને શક્તિ એની મેળે સર્વત્ર પ્રસરી જશે. સેંકડો હિમાલયો પણ એ શક્તિનું દમન નહિ કરી શકે.’
ત્યાર પછી તેઓ સમાધિભાવમાં આવી ગયા.(‘રામકૃષ્ણ એઝ વી સો હિમ’, સ્વામી ચેતનાનંદ, અદ્વૈતઆશ્રમ, કોલકાતા, પૃ.૨૮૭)
અવતારની ભૂમિકા વિશે વાત કરતાં સ્વામીજીએ કહ્યું છે :
‘અવતારપુરુષ જે યુગમાં જીવે છે તે યુગના પ્રવર્તક વિચારોને સૌ પ્રથમ પોતાના મનમાં કેન્દ્રિત કરે છે અને પછી એને સઘન સ્વરૂપે માનવજાતને પાછા વાળે છે.’
ભૌતિક શક્તિઓ કરતાં વિપરીત અવતારી પુરુષો આધ્યાત્મિક શક્તિને સૂક્ષ્મ રૂપે આવિષ્કૃત કે પ્રગટ કરે છે, અને આ આધ્યાત્મિક શક્તિ સામાન્ય માનવ બુદ્ધિ કે સમજણથી પર છે. વર્તમાન યુગની આવશ્યકતાને સંતોષે અને બંધ બેસે તેવા નવા વિચારોના સંદેશ સાથે શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા. સર્વપ્રથમ તો આ બધા આદર્શોને એમણે પોતાના જીવનમાં આચર્યા અને એને શક્તિથી ભરપૂર બનાવી દીધા. શ્રીરામકૃષ્ણદેવે પોતાની સતત અને સઘન સાધનાઓ અને પ્રાર્થનાઓ દ્વારા જન્માવેલી આ આધ્યાત્મિક શક્તિ શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદના નેતૃત્વ હેઠળ શ્રીઠાકુરના બીજા સાક્ષાત્ સંન્યાસી શિષ્યો દ્વારા ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં અને વિશ્વમાં સંક્રમિત થઈ. ત્યાર પછી ક્રમશઃ સાક્ષાત્ સંન્યાસી શિષ્યોના શિષ્યો અને પરંપરિત ગૃહસ્થ શિષ્યોની પેઢીઓ દ્વારા શ્રીરામકૃષ્ણદેવનો જીવન-સંદેશ અને એમની આધ્યાત્મિક શક્તિ સદૈવ વિસ્તરતા વર્તુળની જેમ પ્રસરતાં ગયાં. એને પરિણામે ‘રામકૃષ્ણ ભાવધારા’ ઉદ્ભવી. આ રીતે આપણને જોવા- જાણવા મળે છે કે રામકૃષ્ણ ભાવધારા કે ભાવઆંદોલનને પ્રબળ શક્તિશાળી બનાવવામાં અને એને પ્રેરવામાં પવિત્ર ત્રિપુટી શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદની પ્રેરણા રહી છે. એમણે આ ભાવધારાના બધા સભ્યો માટે એક સામાન્ય ધ્યેય અને આદર્શ પણ આપ્યો હતો.
શ્રીરામકૃષ્ણદેવે યુવાન શિષ્યોના વૃંદને કેળવ્યું અને સંપૂર્ણપણે ત્યાગ અને સેવાનું જીવન જીવવા પ્રેર્યું. શિષ્યોના આ વૃંદને એમણે નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ)ની નિશ્રા, માર્ગદર્શન અને સંભાળ હેઠળ મૂક્યા. આ બધા યુવાન સંન્યાસી શિષ્યો એમના સંદેશના જ્યોર્તિધર બનવાના હતા. એમના દ્વારા શ્રીરામકૃષ્ણે નવા સંન્યાસી સંઘની સ્થાપના કરી હતી. પાછળથી એ રામકૃષ્ણ મઠના નામે સુખ્યાત બન્યો. ૧૮૯૯માં ટ્રસ્ટ રૂપે એની નામનોંધણી થઈ હતી. રામકૃષ્ણ મિશન નામની એક સંસ્થાની સ્થાપના ૧ મે, ૧૮૯૭ના રોજ સ્વામી વિવેકાનંદે કરી હતી. રામકૃષ્ણ મઠના સંન્યાસીઓ અને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં દૃઢ શ્રદ્ધા ધરાવનારા ગૃહસ્થ ભક્તો આ સંસ્થા દ્વારા ચાલતાં શાળા-મહાશાળા, ઈસ્પિતાલો, ગ્રામકલ્યાણ યોજના અને વિકાસ જેવાં સેવાકાર્યોમાં સહકારથી કાર્ય કરે છે. રામકૃષ્ણ મિશનની ચેરિટેબલ સોસાયટી રૂપે ૧૯૦૯માં નામનોંધણી થઈ હતી. આજે રામકૃષ્ણ ભાવ આંદોલન અનેક ઝરણાના મિલનસમી મહાનદી બની ગયું છે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બંને સાથે મળીને મુખ્ય નદપ્રવાહ બને છે. ૧૯૫૩માં સ્થપાયેલ શ્રી સારદામઠ અને રામકૃષ્ણ સારદા મિશન એક બીજું ઝરણું રચે છે. તદુપરાંત બીજા એવા સેંકડો અસંલગ્ન, સ્વતંત્ર આશ્રમો કે અભ્યાસ વર્તુળો શ્રીરામકૃષ્ણ કે શ્રીસારદાદેવી કે સ્વામી વિવેકાનંદને નામે શરૂ થયાં છે. આ બધાં મળીને રામકૃષ્ણ ભાવ આંદોલનનું ચોથું ઝરણું રચે છે. ૧૯મી સદીના છેલ્લા દાયકાથી ક્રમશઃ ઉદ્ઘાટિત થયેલ ગુજરાતના રામકૃષ્ણ ભાવ આંદોલનના ઇતિહાસને જાણવાનો અહીં આપણે વિનમ્ર પ્રયાસ કરીશું.
સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સુખ્યાત અને વિશ્વવિજયી થયા તે પહેલાંના સમય ગાળામાં એટલે કે ૧૮૯૧-૯૨ના સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણ દરમિયાન ગુજરાતમાં આ રામકૃષ્ણ ભાવ આંદોલનને સ્થાપવાની પ્રેરણાનું તેઓ અનાયાસે એક અનન્ય સ્રોત બન્યા છે. અલબત્ત, સ્વામીજીના ગુજરાત પરિભ્રમણ પહેલાં એટલે કે ૧૮૯૦ના પ્રારંભકાળમાં એમના ગુરુભાઈઓ સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી સુબોધાનંદજી દ્વારકા, ગિરનાર અને પશ્ચિમ ભારતનાં સ્થળોની યાત્રાએ નીકળ્યા હતા. આની વિગતેવાત આ જ લેખમાં હવે પછી આવે છે.
જુલાઈ, ૧૮૯૦થી ડિસેમ્બર, ૧૮૯૨ દરમિયાન સ્વામીજી સમસ્ત દેશમાં ક્યારેક ‘વિવેકાનંદ’ ક્યારેક ‘સચ્ચિદાનંદ’ તો ક્યારેક ‘વિવિદિશાનંદ’ જેવા વિભિન્ન નામ ધારણ કરીને એક અજ્ઞાત સંન્યાસી તરીકે પરિવ્રાજક રૂપે ફર્યા. પૈસાનો સ્પર્શ નહિ કરવાના સંકલ્પ સાથે મોટે ભાગે પગપાળા અથવા કોઈ ટ્રેનની ટિકિટ કરી આપે તો એમાં જતા. આમ તેમણે કોલકાતાથી શરૂ કરીને હિમાલયથી કન્યાકુમારી સુધી પરિભ્રમણ કર્યું. નવેમ્બર ૧૮૯૧માં તેમણે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો અને ૨૬ એપ્રિલ, ૧૮૯૨માં તેમણે વડોદરા છોડ્યું ત્યાં સુધી તેઓ ગુજરાતનાં ઘણાં સ્થળોએ, અમદાવાદ, વઢવાણ, લીંબડી, ભાવનગર, ભૂજ, વેરાવળ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, માંડવી, પાલિતાણા, નડિયાદ, વડોદરા ઘૂમી વળ્યા.
આ પરિભ્રમણ દરમિયાન તેઓ લીંબડીના શ્રી યશવંતસિંહજી, ભાવનગરના શ્રી તખ્તસિંહજી, કચ્છના શ્રી ખેંગારજી ત્રીજા, પોરબંદરના વિકમતજી અને વડોદરાના શ્રી સયાજીરાવ ગાયકવાડ જેવા રાજા- મહારાજાઓના સંપર્કમાં આવ્યા. એ સિવાય જૂનાગઢના હરિદાસ વિહારીદાસ દેસાઈ, પોરબંદરના શ્રી શંકર પાંડુરંગ પંડિત, કચ્છના શ્રી મોતિચંદ લાલચંદ, વડોદરાના શ્રી મણિલાલ જશભાઈ જેવા સુખ્યાત દીવાનજીઓને મળ્યા અને સ્વામીજી સાથે રાજ્યના તેમજ સમગ્ર દેશની જટિલ સમસ્યાઓ અને એના ઉકેલ વિશે ચર્ચાઓ પણ કરી હતી. અમદાવાદના શ્રીલાલશંકર ઉમિયાશંકર, શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી, શ્રીમનઃસુખરામ ત્રિપાઠી, શ્રીછગનલાલ પંડ્યા જેવા સુખ્યાત મનીષીઓને પણ મળ્યા હતા. જામનગરના સુપ્રસિદ્ધ વૈદ્ય શ્રી ઝંડુભટ્ટજીને તેઓ સૌ પ્રથમ જૂનાગઢમાં મળ્યા હતા. એમના વિશે સ્વામીજીએ કહ્યું છે :
‘હું ઘણાં સ્થળે રહ્યો છું અને ઘણી મજાની વ્યક્તિઓને જોઈ છે, પરંતુ ઝંડુભટ્ટ જેવી ઉદાર અને ઉદાત્ત વ્યક્તિ મેં ક્યાંય જોઈ નથી.’
આમ, સ્વામી વિવેકાનંદે ગુજરાતના રાજાઓ, રાજ્યપ્રબંધકો, વિદ્વાનો અને સાક્ષ૨૨ત્નો સાથે પ્રજાકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ, ભારતની આધ્યાત્મિકતા, પ્રાચીન સંસ્કૃતિનો અમર વારસો અને તત્કાલીન ભારતની અનેકવિધ સમસ્યાઓ અને એના ઉકેલ વિશે ઘણી વિગતે ચર્ચા કરી હતી. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવ પાસેથી મળેલ આધ્યાત્મિક વારસો, તેમની પોતાની સાધના તેમજ પોતાના સતત અને અથાક ભારત- પરિભ્રમણમાંથી ભારત વિશેના નજરે જોયેલાં અને જાણેલાં સત્યોમાંથી એમને થયેલ અનન્ય અનુભવ; આ બધાંને સાથે લઈને અને તેનો સુભગ સમન્વય કરીને તેમણે ‘રામકૃષ્ણ ભાવ આંદોલન’ના સ્રોતને ગુજરાતમાં સૌપ્રથમ વહેવડાવ્યો.
સ્વામીજી ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ્યા તે પહેલાં અજમેરમાં માંડવી કચ્છના શ્યામજીકૃષ્ણ વર્મા (૧૮૫૭- ૧૯૩૦)ને મળ્યા હતા. તેઓ પછીથી રાષ્ટ્રિય નેતા બન્યા. સ્વામીજી અજમે૨માં તેમના અતિથિ રૂપે બે અઠવાડિયાથી વધુ સમય રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ઘણાને પ્રેરણા આપતું મુખપત્ર ઇંડિયન સોસિયોલોજીસ્ટ તેમજ લંડનની નજીક ઇંડિયા હાઉસમાં એમણે હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી હતી. સ્વામીજી સાથેની મુલાકાતથી એમના ૫૨ ઘણો મોટો પ્રભાવ પડ્યો હોવો જોઈએ. એને લીધે એમનામાં ભારત માટેનો ગહન પ્રેમભાવ જાગ્રત થયો હતો. અલબત્ત, ભારતના પુનરુત્થાન માટે આ બંને મહાનુભાવોએ સાધનો અલગ અલગ અપનાવ્યાં હતાં.
સ્વામીજી અજમેર થઈને પ્રથમવાર ગુજરાતમાં આવ્યા ત્યાર પછી અમદાવાદમાં ૧૮૯૧ના પશ્ચાદ્ ભાગમાં લાલશંકર ઉમિયાશંકર ત્રિવેદી (૧૮૪૫-૧૯૧૨)ને ત્યાં અગિયારેક દિવસ રહ્યા હતા. ભારત નવ જાગરણના સમયે ગુજરાતમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’, ‘બુદ્ધિવર્ધક સભા’ અને બીજી ઘણી સ્ત્રી કેળવણી અને અંત્યોદય ઉન્નતિનાં કાર્ય સાથે સંકળાયેલ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનામાં લાલશંકર એક માર્ગદર્શક અને પ્રભાવક બળ બની રહ્યા હતા.
ત્યાર પછી સ્વામીજી લીંબડીના ઠાકોર સાહેબ શ્રી સર યશવંતસિંહજી, કે.સી.આઈ.ઈ. (૧૮૫૯-૧૯૦૭)ને પણ મળ્યા હતા. યશવંતસિંહજીને આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો અને તેઓ ઉચ્ચ અભ્યાસુ તેમજ ભદ્ર સંસ્કારી રાજકુમાર હતા. તેમને સાહિત્ય ધર્મ અને દર્શનશાસ્ત્રમાં ઘણો ઊંડો રસ હતો. સ્વામીજી સાથેના સંપર્કને કારણે યશવંતસિંહજીમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું અને તેઓશ્રી એમના શિષ્ય બન્યા. ૧૮૯૨ના ઉનાળામાં મહાબળેશ્વરમાં એમને સ્વામીજીની પવિત્ર સંગાથે ઘણા દિવસો સુધી રહેવાનો લ્હાવો મળ્યો હતો. અહીં સ્વામીજી સાથે એમને શાસ્ત્ર વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. આ ચર્ચાની નોંધ એમણે પોતાની નોંધપોથીમાં કરી છે. ૧૮૯૨ના મેની ૯મીએ ઠાકોર સાહેબે આવી નોંધ કરી છે :
‘સ્વામી વિવેકાનંદના શાસ્ત્રો વિશેના ગહન જ્ઞાનથી હું આનંદ સાથે આશ્ચર્ય અનુભવું છું. એમની સાથેની ચર્ચાઓથી મારા શાસ્ત્રજ્ઞાનમાં ઘણો મોટો વધારો થયો છે.’
પોતાની પશ્ચિમની ઐતિહાસિક અમૃતયાત્રામાંથી પાછા ફર્યા પછી ઠાકોર સાહેબના આમંત્રણને લીધે સ્વામીજીએ લીંબડી જવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ જઈ ન શક્યા. જ્યારે તેઓ ખેતડીમાં હતા ત્યારે તેમને લીંબડીના ઠાકોર સાહેબ તરફથી આવવાનું આમંત્રણ મળ્યું. અને એમણે લીંબડી જવાનો નિર્ણય પણ કર્યો હતો. ૧૪ ડિસેમ્બર, ૧૮૯૭ના રોજ ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને લખેલા પત્રમાં તેઓ લખે છેઃ
‘લીંબડીના રાજા પણ હૃદયપૂર્વક મને ત્યાં આવવા લખે છે. હું ત્યાં ગયા વગર રહી શકતો નથી. જો બનશે તો હું કાઠિયાવાડનો વિદ્યુતવેગી પ્રવાસ કરીશ.’
ખેતડીથી સ્વામીજી લીંબડી જવા ઉપડ્યા અને તેઓ રતલામ જંકશન સુધી આવી ગયા પણ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ગુજરાતની મુલાકાતનો વિચાર તેમને છોડી દેવો પડ્યો.
૧૮૯૮માં સ્વામીજી કાશ્મીર ગયા અને ત્યાંથી એમણે ગુજરાત જવાનું વિચાર્યું. ૧૭ સપ્ટેમ્બર, ૧૮૯૮ની તારીખના પત્રમાં શ્રી હરિપદ મિત્રને કાશ્મીરમાંથી તેમણે આમ લખ્યું હતું :
‘હું કદાચ કચ્છ, ભૂજ, જૂનાગઢ, ભાવનગર, લીંબડી અને વડોદરાની મુલાકાતે નીકળીશ અને ત્યાર પછી કોલકાતા જવા ઉપડીશ.’
આમ છતાં પણ પોતાની નબળી તબિયતને કારણે સ્વામીજી પોતાનો હેતુ પાર પાડી ન શક્યા. પશ્ચિમના દેશોની પોતાની બીજી યાત્રામાંથી પાછા ફર્યા બાદ લીંબડીના ઠાકોર સાહેબ અને બીજાના આમંત્રણથી સ્વામીજીએ ફરી પાછા ગુજરાતમાં જવાનો નિર્ણય કર્યો. ૩ જૂન, ૧૯૦૧ના પોતાના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને બેલૂર મઠથી લખેલા પત્રમાં તેમણે આમ લખ્યું છે :
‘તમે અહીં એકાદ મહિનો આરામ કરી લો પછી તમે અને હું સાથે ગુજરાત થઈને મુંબઈ, પુના, હૈદરાબાદ, મૈસૂરથી મદ્રાસની એક મોટી યાત્રાએ નીકળીશું. શું એ ભવ્યયાત્રા નહિ હોય?’
બેલૂર મઠથી ૧૯૦૧માં કુમારી મેક્લાઉડને એમણે લખ્યું હતું :
‘તમે કેમ છો? માત્ર આટલું જ મારા બધા મિત્રોને કહેવા માટે હું મારી જાતને બોમ્બે પ્રેસિડેન્સી વિસ્તારમાં થઈને ઢસડી જઈશ. મુંબઈના લોકો માંદા પડી જાય એટલી હદે મારી રાહ જોઈ રહ્યા હતા અને મારે આ વખતે એમને મળવું જ જોઈએ.’
આ સમયે પણ બોમ્બે પ્રેસિડેન્સી વિસ્તારનાં બીજાં સ્થળો અને લીંબડીની મુલાકાત લેવાની સ્વામીજીની ઇચ્છા પૂર્ણ ન થઈ.
લીંબડીના હાલના ઠાકોર સાહેબશ્રી છત્રસાલ સિંહજીએ ૧૯૭૧માં સ્વામીજી જ્યાં રહ્યા હતા એ દરબાર હોલને ‘શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર’ નામની જાહેર સંસ્થાને સોંપી દીધો. આની પાછળ સ્વર્ગસ્થ શ્રી છબીલદાસ શાહ અને રાજમાતા શ્રી પ્રવીણકુંવરબા (સર યશવંતસિંહજીને પોતાનો વારસપુત્ર ન હોવાથી વારસદાર રૂપે પસંદ થયેલ મહારાજા દોલતસિંહજી પછી ગાદીએ આવેલા દિગ્વિજયસિંહજીનાં પત્ની)ની પ્રેરણા અને પ્રયત્નોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અત્યારે આ ટ્રસ્ટ દરબાર હોલ અને બીજી અસ્ક્યામતો રામકૃષ્ણ મિશન, લીંબડીને ૧૯૯૪માં સોંપી દેવામાં આવ્યાં છે.
પછી સ્વામીજી ભાવનગરના મહારાજા તખ્તસિંહજી (૧૮૫૮–૧૮૯૬)ને મળ્યા હતા. તેઓ ભારતના પ્રગતિશીલ અને પ્રબુદ્ધ શાસકોમાંના એક હતા. તેઓ વિદ્યાવ્યાસંગી હતા અને એમણે શાળા-કોલેજ, પુસ્તકાલય અને બીજી શૈક્ષણિક સંસ્થાઓના બાંધકામ પાછળ ઘણો મોટો ખર્ચ કર્યો હતો.
જૂનાગઢમાં સ્વામીજી દીવાનશ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના સંપર્કમાં આવ્યા. તેમણે તત્કાલીન મુખ્ય ત્રણ ગુજરાતી સાહિત્યકારો શ્રી મનઃસુખરામ ત્રિપાઠી, છગનલાલ એચ. પંડ્યા અને મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો પરિચય કરાવ્યો હતો. હરિદાસ દેસાઈ અદ્વૈત વેદાંતના અભ્યાસુ, સિદ્ધાંતનિષ્ઠ અને સુચરિત્રવાળા હતા. સ્વામીજીને હરિદાસ વિહારીદાસ દેસાઈ સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ અને સ્વામીજીએ એમને ઘણા પ્રેરક પત્રો લખ્યા હતા. ૨૦ જૂન, ૧૮૯૪ના એક પત્રમાં સ્વામીજી હરિદાસ વિહારીદાસ દેસાઈને ભારતના અને હિંદુધર્મના પુનરુત્થાન માટે પોતાની ભાવિ યોજનાનો ખ્યાલ આપે છે.
મનઃસુખરામ ત્રિપાઠી (૧૮૪૦-૧૯૦૭)નો જન્મ હરિદાસ દેસાઈના વતન નડિયાદમાં થયો હતો. તેઓ એક ગણ્યમાન્ય વિદ્વાન, નિબંધકાર, અનુવાદક અને જીવનકથાકાર તરીકે જાણીતા હતા. બ્રાહ્મોસમાજ જેવી સુધારાવાદી સંસ્થાઓની નવી સમાજ-સુધારણા વિશે તેઓ ઘણા પૂર્વગ્રહો ધરાવતા હતા. પોતાના જેવા વિચારોવાળા વિદ્વાનોની મદદથી ૧૮૭૦માં ‘ધર્મસભા’ નામની સંસ્થા સ્થાપીને ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃતના અભિગમને પ્રાધાન્ય આપવાનો તેમણે પ્રયત્ન કર્યો. ભારતના અને ગુજરાતના પ્રાચીન ધર્મની ગૌરવ ગરિમાને પુનર્જિવિત કરવા તેમણે ‘ધર્મપ્રકાશ’ નામનું સામયિક શરૂ કર્યું અને તેઓ આ સામયિકના તંત્રી પણ બન્યા. જૂનાગઢમાં થોડા દિવસો માટે શ્રી મનઃસુખરામના ઘરે અતિથિરૂપે રહેલા સ્વામીજીને એમનો સંગાથ આનંદભર્યો લાગ્યો હોવો જોઈએ. એનું કારણ એ છે કે એમના બંનેની સામાન્ય રુચિનો વિષય વેદાંતદર્શન હતો. સ્વામી અભેદાનંદજીએ પોતાની આત્મકથામાં આ હકીકતને પુષ્ટિ આપી છે. તેમને પણ મનઃસુખરામ ત્રિપાઠીના ઘરે પોતાના પ્રિયગુરુબંધુ સાથે એક દિવસોમાં રહેવાનો અને મળવાનો લ્હાવો મળ્યો હતો.
ગઈ શતાબ્દીમાં ગુજરાતી સાહિત્યના ઉત્તમ સાક્ષર ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી (૧૮૫૫- ૧૯૦૭)ના તેઓ કાકા હતા. પોતાના ભત્રીજાના જીવનના કઠિન કાળમાં મનઃસુખરામે એનું સારી રીતે જીવનઘડતર કર્યું હતું. ગોવર્ધનરામ માત્ર મહાન નવલકથાકાર ન હતા પણ તેઓ સારી ગુણવત્તાવાળા કવિ અને ગુજરાતી ભાષાના વિશિષ્ટ શૈલીના ગદ્યકાર પણ હતા. એમની સુખ્યાત નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ ચાર ભાગમાં પ્રસિદ્ધ થઈ છે અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ નવલકથા એક સિમાચિહ્ન રૂપ ગણાય છે. એમાં પવિત્ર ભારતભૂમિ પ્રત્યેનો પ્રેમભાવ પ્રગટ થાય છે; જેને કારણે આજ સુધી ટટ્ટાર ઊભી છે એવી આધ્યાત્મિક સંસ્કૃતિનાં ગુણગાન ગાયાં છે. સ્વામીજી નડિયાદમાં ગોવર્ધનરામને મળ્યા હતા કે નહિ એ વિશે કોઈ માહિતી મળતી નથી. પણ આટલું તો ચોક્કસ છે કે એમણે સ્વામીજીનાં લખાણો અને કાર્યો વિશે ઘણું વાંચ્યું હોવું જોઈએ અને સ્વામીજીના આ લખાણોના વાંચનની એમના મન પર ઘેરી છાપ પડી હતી. આ વાતનો ઉલ્લેખ એમના મૃત્યુ પછી ૧૯૫૯માં પ્રકાશિત થયેલ ‘સ્ક્રેપબૂક’ ત્રણ ભાગ, ૭ ખંડમાં આપણને જોવા મળે છે. ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ ઉશનસના અભિપ્રાય પ્રમાણે સ્વામીજીની નડિયાદની મુલાકાત પછી સરસ્વતીચંદ્રનો ત્રીજો અને ચોથો ભાગ અનુક્રમે ૧૮૯૪ અને ૧૯૦૨માં પ્રસિદ્ધ થયા હતા. એમાં ગોવર્ધનરામે કરેલી વ્યવહારુ વેદાંતની વાત પર આપણે સ્વામીજીના પ્રભાવને જોઈ શકીએ છીએ. હિમાલયના માયાવતીમાં સ્વામીજીએ સ્થાપેલા અદ્વૈત આશ્રમના સૂચિપત્રથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને એમણે ત્યાં જવાની અને રહેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
૧૮૯૨માં જૂનાગઢમાં જ સ્વામીજી નડિયાદના એક મહાન વિદ્વાન અને કેળવણીકાર છગનલાલ હરિલાલ પંડ્યા (૧૮૫૯-૧૯૩૬)ના સંપર્કમાં પણ આવ્યા હતા. તેઓ સંસ્કૃત ગ્રંથ કાદંબરીના ગુજરાતી ભાષામાં અનુવાદકર્તા રૂપે જાણીતા છે. તેઓ ગોવર્ધનરામ ત્રિપાઠીના બનેવી હતા અને જૂનાગઢ રાજ્યના શિક્ષણ નિયામક હતા. ૧૯૯૨માં પોતાની જૂનાગઢ રાજ્યની મુલાકાત દરમિયાન સ્વામીજી ઘણી વખત એમના અતિથિ પણ બન્યા હતા. તેઓ સ્વામીજીના પ્રતિભાશાળી વ્યક્તિત્વથી આકષાર્યા હતા. અને પોતાના અનૂદિત પુસ્તક ‘ક્રાઈસ્ટનું અનુકરણ’ (થોમસ કેમ્પિસના મૂળ ગ્રંથ ‘ધ ઇમિટેશન ઓફ ક્રાઈસ્ટ’નો અનુવાદ)ના પુરોવચનમાં એમણે સ્વામીજી સાથેના એ પવિત્ર સંગાથની રોમાંચક વાત કરી છે. આ ગ્રંથ ૧૯૧૫માં પ્રકાશિત થયો હતો. સ્વામીજીએ ઈશુખ્રિસ્તના અદ્ભુત અને ભવ્ય જીવનની વાત એમને કરી હતી. એટલે જ છગનલાલ પંડ્યા ઉપર્યુક્ત પુસ્તક લખવા પ્રેરાયા હતા. રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની સૌ પ્રથમ પ્રકાશિત વિસ્તૃત જીવનકથાના લેખક અને પ્રકાશક ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતાને ઉદ્દેશીને લખેલા બે પત્રમાં છગનલાલ પંડ્યાએ સ્વામીજી સાથેના એ પવિત્ર મિલનની અને ગુરુદેવ શ્રીરામકૃષ્ણનાં વચનામૃતો એમના મુખેથી પ્રત્યક્ષ સાંભળ્યાની વાત વર્ણવી છે. સાથે ને સાથે એમના પરના શ્રીરામકૃષ્ણના સાર્વત્રિક પ્રેમ અને શ્રદ્ધા, પોતાના ગુરુની કૃપાથી એમને થયેલી બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિની વાત પણ એ પત્રમાં કરી છે. સ્વામીજી પોતાની ઉચ્ચ આધ્યાત્મિકતા અને પોતાના દૃષ્ટિબિંદુની સર્વવ્યાપકતા તેમજ સાદગીથી સૌને કેવી રીતે આકર્ષી લેતા તેનું હૂબહૂ વર્ણન એ પત્રોમાં કર્યું છે. એ પત્રોમાં શાસ્ત્રીયસંગીતના જ્ઞાન અને શોખ, કળા, વિજ્ઞાન પ્રત્યેની સ્વામીજીની ઊંડી પ્રતિભા-શક્તિની વાત પણ કરી છે.
૧૮૯૨ના એપ્રિલમાં ગુજરાતના સુખ્યાત વેદાંતિક વિદ્વાન અને સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૧૮૫૮–૧૮૯૮)ને પણ નડિયાદમાં મળ્યા હતા. તેઓ ઇતિહાસ, ફિલસૂફી, ધર્મશાસ્ત્ર અને સંસ્કૃત નાટકોના ઊંડા અભ્યાસી હતા. પોતાના ૪૦ વર્ષના ટૂંકા ગાળામાં એમને શંકરાચાર્યના અદ્વૈત વેદાંતને ધ્યાનમાં રાખીને માનવ જીવન, સંસ્કૃતિ અને સભ્યતા વિશે વેધક પ્રકાશ પાડ્યો છે. એમણે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં અનેક નિબંધો લખ્યા છે. તેઓ ગુજરાતી ભાષાના સમર્થ -ગદ્યકાર અને કવિ હતા. એમના હસ્તલિખિત અપ્રકાશિત ગ્રંથોમાં સ્વામી વિવેકાનંદની અમેરિકાની મુલાકાતોનો સમાવેશ થાય છે. આ પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે એમને સ્વામીજી પ્રત્યે કેટલો હૃદયપૂર્વકનો ઊંડો આદરભાવ હતો. સ્વામીજી સાથેના ગાઢ સંપર્કને લીધે એવી પણ સંભાવના કરી શકાય કે એમણે સ્વામીજીના વેદાંતના ઉદાત્ત વિચારોની વાત પોતાના મિત્ર વર્તુળ અને તત્કાલીન ગુજરાતી સાક્ષરોને પણ કરી હશે.
પોરબંદર રાજ્યના તત્કાલીન વહીવટદાર પંડિત શંકર પાંડુરંગ (૧૮૪૦-૧૮૯૪) ને પણ સ્વામીજી મળ્યા હતા અને એમની સાથે ભોજેશ્વર બંગલામાં ત્રણ ચાર માસ જેટલો સમય ગાળ્યો હતો. એમના મોટા પુસ્તકાલયથી તેમજ ઉષ્માભર્યા અને વિદ્વત્તાપૂર્ણ વ્યક્તિત્વથી સ્વામીજી ઘણા પ્રભાવિત થયા હતા. શંકર પાંડુરંગ પંડિત પાસે સ્વામીજીએ પાણિનિના ‘મહાભાષ્ય’નો અભ્યાસ કર્યો હતો અને એમની પાસેથી ‘ફ્રેંચ’ ભાષા શીખી હતી. તેઓશ્રી માત્ર સંસ્કૃતના વિદ્વાન ન હતા પરંતુ નવ જેટલી વિદેશી ભાષાઓના તેઓ જાણકાર હતા અને મુંબઈ રાજ્યમાં તેઓ એક સારા અનુવાદક તરીકે સુખ્યાત હતા. મેક્સમૂલર જેવા વિદ્વાનોએ એમનાં સંસ્કૃત લખાણોને પ્રશંસ્યા છે. અથર્વવેદના સંપાદનકાર્યમાં એમણે સ્વામીજીની મદદ લીધી હતી. સ્વામીજીના સંપર્કમાં આવ્યા પછી અને સ્વામીજીની સામાન્યજનોના કલ્યાણની વાતો સાંભળીને તેમણે પોતાના રાજ્યમાં ઘણા સામાજિક, સુધારા કર્યા અને ઘણી કન્યાશાળાઓ સ્થાપી તેમજ નારી કેળવણીનાં કાર્યો કર્યા. સાથે ને સાથે ગ્રામ્ય વિસ્તારમાં દવાખાના ખોલીને લોકોની સામાન્ય સુખાકારી અને તંદુરસ્તી જાળવવાનાં કાર્યો પણ કર્યાં હતાં. સ્વામીજીએ કચ્છનાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓ કચ્છ રાજ્યના તત્કાલીન દીવાન શ્રી મોતીચંદ લાલચંદને પણ મળ્યા હતા. દીવાને કચ્છના મહારાજા રાવ ખેંગારજી ત્રીજાની મુલાકાત કરાવી દીધી. રાજ્યના ઔદ્યોગિક, કૃષિવિષયક તેમજ આર્થિક સમસ્યાઓની ચર્ચા સ્વામીજીએ દીવાનજી સાથે કરી હતી. તેમણે શાસકોને સામાન્ય જનસમૂહની પરિસ્થિતિ સુધારવાની આવશ્યકતા પર ભારપૂર્વક કહ્યું હતું. તત્કાલીન શાસકો આ વિશે ઘણું કરી શકે તેમ છે એવી એમને શ્રદ્ધા હતી. સોમનાથની યાત્રા વખતે સ્વામીજી મહારાજા ખેંગારજીને વેરાવળમાં પણ મળ્યા હતા. એમણે સ્વામીજીને ફરી એકવાર કચ્છ આવવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેઓ ત્યાં ગયા ત્યારે એમણે કચ્છના નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, મા આશાપુરા જેવા મુખ્ય તીર્થસ્થાનોએ જવા માટે વ્યવસ્થા કરી આપી હતી. કચ્છના મહારાજા સુસંસ્કૃત પ્રગતિશીલ અને પ્રબુદ્ધ શાસકોમાંના એક ગણાતા. તેઓ સ્વામીજી કરતાં ત્રણેક વર્ષ નાના હતા. સ્વામીજીની વાતોના રંગે રંગાઈને એમણે પોતાના રાજ્યમાં નારી કેળવણીને ઘણું મહત્ત્વ આપ્યું; ઘણાં અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ કરાવ્યો અને લોકકલ્યાણનાં ઘણાં જાહેર કાર્યો પણ કર્યાં હતાં. તેઓ સ્વામીજી સાથેની સુદીર્ઘ વાતો-ચર્ચાથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે એમણે સ્વામીજી વિશે આવા ઉદ્ગારો કાઢ્યા હતા:
‘સ્વામીજી જેમ ઘણાં પુસ્તકો વાંચ્યા પછી મગજ બહેર મારી જાય તેમ તમારી આ બધી વાતો સાંભળ્યા પછી મારું મગજ પણ આશ્ચર્યમુગ્ધ બની જાય છે. તમે આવી પ્રતિભાનો ઉપયોગ કેવી રીતે કરશો? મને તો લાગે છે કે તમે જ્યાં સુધી કોઈ અદ્ભુત કાર્યો નહિ કરો ત્યાં સુધી જંપી નહિ શકો.’ (ક્રમશઃ)
Your Content Goes Here




