ગુજરાત બિરાદરી એ પરિસ્થિતિના ગર્ભમાંથી શરૂ થયેલું સાંસ્કૃતિક અભિયાન છે, એક વિચાર છે. બિરાદરીનો અર્થ થાય છે ભાઈચારાનો સંબંધ-ભ્રાતૃભાવ. તેનું કાર્યક્ષેત્ર ગુજરાત પૂરતું મર્યાદિત હોવાને લીધે ‘ગુજરાત બિરાદરી.’
’૮૫ની સાલમાં અનામતના પ્રશ્ને જે તોફાનો થયાં અને પાછળથી કોમી વિધ્વંસ અને હુલ્લડોમાં ફેરવાઈ ગયા અને ગુજરાતનું વાતાવરણ એકદમ સંક્ષુબ્ધ બન્યું ત્યારે ગુજરાતના સંવેદનશીલ લોકો પૂ. વિમલા તાઈ ઠકારની નિશ્રામાં મળ્યા. બધાંને લાગ્યું કે રાજનૈતિક સ્વાર્થોથી ભડકાવાયેલ કોમી ઝનૂનને ભાઈચારાની ભાવનાથી જ રાહત પહોંચાડી શકાશે. જાનમાલને થયેલું નુકસાન ભરપાઈ થઈ શકશે પરંતુ નવી પેઢીની ચેતનામાં ઝેર ભરવામાં આવી રહ્યું છે તેનો ઉપાય જો તાત્કાલિક કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ ઉત્તરોત્તર બગડતી જશે. આ કાર્ય માટે ‘ગુજરાત બિરાદરી’ની સ્થાપના થઈ અને જીવનચિંતક અધ્યાત્મના વૈજ્ઞાનિક પ્રવક્તા સુશ્રી. વિમલાતાઈ ઠકારે માર્ગદર્શન આપવાની વિનંતી સ્વીકારી.
સુશ્રી. વિમલા તાઈએ પ્રથમ જ જણાવ્યું કે જેના દિલમાં આ દુર્દશાની પીડા હોય, જેઓ પોતાના રાષ્ટ્રની એકતા જાળવી રાખવા અને ભારતીય સંસ્કૃતિને ફરી જીવાડવાના અભિલાષી હોય, જેઓ પોતાના સંતાન- નવી પેઢીનું જીવતર શાંતિમય – આનંદમય બનાવવા ઈચ્છતા હોય તેઓ સાથે મળીને કામ કરે.
ગુજરાત બિરાદરીના ત્રણ જીવનમંત્રો છે: સખ્ય, સહયોગ અને સહજીવન. આજના યુગમાં માલિક-નોકર, નેતા-અનુયાયી, શાસક-શોષિતનો સંબંધ નહીં ચાલે. હવે તો બધાંએ સખ્યભાવ-મૈત્રીભાવે જ સાથે કામ કરવું પડશે. નવા સમાજનું નિર્માણ સ્પર્ધા – દ્વેષને આધારે નહીં, સહયોગના આધારે જ થઈ શકશે. સખ્ય-સહયોગ વ્યવહારોમાં અવતરશે તો જ સહજીવન શક્ય બનશે.
ગુજરાત બિરાદરીએ પ્રથમથી જ કેટલાંક કાર્યોને મુખ્ય માન્યાં છે:
(૧) આપણો દેશ વિવિધ સંસ્કૃતિ, ધર્મ, ભાષા, કોમનું સંગમ સ્થાન છે. આ સંગમને આપણે અભિશાપરૂપ નહીં, વરદાનરૂપ બનાવવાનું છે.
(૨) વ્યક્તિ પોતાના અંગત જીવનમાં પોતાનો ધર્મ પાળે પરંતુ ઘરની બહાર સમાજજીવનમાં તે આ રાષ્ટ્રનો નાગરિક છે અને તેથી નાગરિકધર્મ અને માનવધર્મને જ પ્રાધાન્ય આપવું જોઈએ.
(૩) સાચા લોકતંત્રનું સંરક્ષણ અને સંવર્ધન.
ગુજરાત બિરાદરીમાં યુવાનો સારી એવી સંખ્યામાં જોડાયા છે. આ યુવાનોના જીવનઘડતર અને સંસ્કા૨- ઘડતર માટે પૂ. વિમલા તાઈની નિશ્રામાં નિયમિતપણે યુવાશિબિરો ચાલે છે. આટલા સાતત્યપૂર્વક યુવા- શિબિરો કદાચ બીજા કોઈએ નથી કર્યા. સ્થાનિક કક્ષાએ જિલ્લા-તાલુકા-શહેર કક્ષાના શિબિરો- ગોષ્ઠિઓ- બેઠકો થતી રહી છે.
સાંપ્રત પ્રશ્નો-વિવિધ સમસ્યાઓ વિશે નાગરિકોની બેઠકો ગોઠવીને નાગરિકોની સક્રિયતા વધારવાના અને તટસ્થ નાગરિકોનો અવાજ ઊભો કરવાનો પ્રયાસ થયો છે.
ગુજરાતના અને દેશના મુખ્ય પ્રશ્નો વિશે નિષ્ણાતો અને અભ્યાસીઓને નિમંત્રીને સેમીનારો યોજ્યા છે. જેમાં મુખ્યત્વે ગુજરાતમાં પાણીની અછતના પ્રશ્ન પાણી પરિષદ, સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળ વિસ્તારમાં વધતી ખારાશ પ્રશ્ને સેમિનાર, શિક્ષણ અને અનામત પ્રશ્ને સંવાદપૂર્ણ ભૂમિકા ઊભી કરવા ગોષ્ઠિ, દેશની અર્થનીતિ, રાજનીતિ તથા વિકાસની દિશા વિશે ગોષ્ઠિ, વ્યવસ્થા પરિવર્તન વિશે તથા પંચાયતીરાજ વિશે અને માર્ક્સ ગાંધી વિશે ગોષ્ઠિઓ યોજી છે.
કેટલાક નક્કર કાર્યક્રમોમાં ’૮૫માં અમદાવાદના હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં એક વર્ષ શાંતિકેન્દ્ર ચલાવ્યું. ગુજરાતની સરહદના પ્રશ્ને તપાસ યોજીને રીપોર્ટ જાહેર કર્યો. ગામડાના પ્રશ્નો સમજવા ગામડાની મુલાકાતો, ગ્રામસ્વરાજનો વિચાર સમજાવવા પંચાયતો રાજકીય પક્ષોથી મુક્ત બને તે માટેની યાત્રાઓ કરી છે. કોમી તોફાનો સમયે મૈત્રી-યાત્રા યોજી છે. દુષ્કાળમાં રાહતકાર્યો કર્યાં છે.
આ રીતે વ્યક્તિપરિવર્તનનું અને સમાજપરિવર્તનનું કાર્ય એક સાથે ચાલતું જ રહ્યું છે. ગતવર્ષમાં કરવામાં આવેલ પ્રવૃત્તિઓ નીચે મુજબ છે:
(૧) ગાંધી સવાસો તથા વિનોબા શતાબ્દી નિમિત્તે પવનારથી બ્રહ્મવિદ્યાના ઉપાસક બહેનોની જામનગરની પદયાત્રા દરમ્યાન જામનગરના સભ્યો પણ જોડાયા અને મહિલા સંસ્થાઓ તથા મુસ્લિમ મહિલાઓ સાથે સભા કરી, ગોષ્ઠિ કરી.
(૨) ઉપલેટાની શિક્ષણ સંસ્થાઓમાં ગ્રાહક સુરક્ષા-કાયદો તથા બહેનોને સ્પર્શતા કાયદાઓ વિશે પ્રવચનો ગોઠવાયાં.
(૩) વડોદરા કેન્દ્રમાં લોકજાગૃતિ આંદોલનમાં સામેલ થઈ પ્રજામાં તે અંગે જાગૃતિ માટે સભાગોષ્ઠિઓ કરી.
(૪) ઉદારીકરણ અને ગેટકરાર અંગે જુદા જુદા કેન્દ્રોમાં ગોષ્ઠિ કરી અને તે અંગે વિશેષાંક બહાર પાડ્યો.
(૫) યુવાનોમાં અધ્યાત્મ અને યોગની દૃષ્ટિ અને ટેવ વિકસે તે માટે મૌનશિબિર, યોગશિબિર અને વિપશ્યના ધ્યાનશિબિર અંગે કૅસૅટ શૉ પણ વડોદરા, શામળાજી કેન્દ્રમાં ગોઠવવામાં આવ્યા હતાં.
(૬) જીવનમાં અસાધ્ય એવા એઈડ્ઝ જેવા જીવલેણ રોગ અંગે પણ શામળાજીના આસપાસના લોકોમાં સમજ આપી. તદ્ઉપરાંત અન્ય કેન્દ્રોમાં નિદાન કૅમ્પો પણ યોજાય છે.
(૭) પર્યાવરણની દૃષ્ટિએ જામનગર, રાજકોટ, વડોદરા વગેરે કેન્દ્રો તરફથી નૈસર્ગિક જગ્યાએ પ્રવાસ શિબિરો યોજાય છે.
(૮) સાહિત્યમાં રુચિ વિકસે તે માટે સાહિત્યકારો અથવા તેમનાં પુસ્તકો અને કાવ્યો વિશે વડોદરા, મહેસાણા, કચ્છ અને રાજકોટ જિલ્લામાં ગોષ્ઠિઓ યોજાય છે.
(૯) જાન્યુઆરી ’૯૫માં માધવપુર (ઘેડ)માં પૂ. તાઈની નિશ્રામાં યુવાશિબિર યોજાઈ ગયો. તદ્ઉપરાંત મે-જૂન માસમાં ડેલહાઉસી ખાતે પણ શિબિરો થઈ.
(૧૦) રાજકોટ અને અન્ય કેન્દ્રોમાં ભજન સંધ્યાઓ રાખવામાં આવી.
(૧૧) રાજકોટ ખાતે વિમલજીવન દર્શન અંગેની શિબિર થઈ.
(૧૨) વિધાનસભાની ચૂંટણીમાં સારા ઉમેદવારો ચૂંટાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવ્યું.
દરેક કેન્દ્રે પત્રિકા વિતરણનું કાર્ય કર્યું તેમ જ જુથ સભાઓ યોજી.
(૧૩) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારા, પ્રમાણિક અને તટસ્થ લોકો આગળ આવે તે માટે યાત્રા, પત્રિકા વિતરણ, ગ્રામસભાઓ અલગ અલગ કેન્દ્રોમાં યોજાય જ છે. આ દિશામાં આગળ વધાય તે માટે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બિરાદરીના ગ્રામ્ય કેન્દ્ર કુન્નડ ખાતે સરપંચોનું એક સંમેલન બોલાવવામાં આવેલું.
(૧૪) સુપ્રિમકૉર્ટે સ૨કા૨ને યુનિફૉર્મ સિવિલકોડ રચવાનું કહ્યું છે તે અંગે લોકોમાં જાગૃતિ વધે તે માટે એક પરિસંવાદ અમદાવાદમાં તા.૨૭/૮ના રોજ યોજાઈ ગયો.
(૧૫) મે માસમાં આદિપુર (કચ્છ) ખાતે બિરાદરીનું વાર્ષિક અધિવેશન મળ્યું અને તેમાં યુવકોને લગતા પ્રશ્નો ચર્ચાયા.
(૧૬) બિરાદરીના કેટલાક યુવાનો સ્વેચ્છાએ ગ્રામનિવાસ સ્વીકારીને ગ્રામ પુનઃરચનાનું કાર્ય કરી રહ્યા છે. મુરખડા (તા. ઉપલેટા, જિ. રાજકોટ) પેઢામલી (તા. વિજાપુર, જિ. મહેસાણા)માં બેઠા છે જ્યારે કુન્નડ (તા. જોડિયા, જિ. જામગનર)માં પ્રૌઢ નાગરિકો બેઠા છે.
Your Content Goes Here




