દક્ષિણેશ્વરનાં મંદિરોમાં શ્રીભવતારિણી, શ્રીરાધાકાન્તજી અને બાર શિવલિંગની પૂજા પૂરી થઈ. એ પછી સમય થતાં ભોગ-આરતીનાન સમયનાં વાજિંત્રો વાગી રહ્યાં છે. ચૈત્ર માસ, બપોર થયો, આકરો તડકો. ભરતી આવવાની હજી તો શરૂઆત થઈ છે. દક્ષિણ બાજુએથી હવા આવવી શરૂ થઈ છે. પવિત્ર જળમયી ભાગીરથી ગંગા હજી હમણાં જ ઉત્તરવાહિની થઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ જમીને પોતાના ઓરડામાં જરા આરામ લે છે. રાખાલનું ગામ બસિરહાટની પાસે. ત્યાં ઉનાળામાં પાણી બહુ જ તકલીફ.
શ્રીરામકૃષ્ણ (મણિ મલ્લિકને) – જુઓ, રાખાલ કહેતો હતો કે તેના ગામમાં પાણીની બહુ જ હાડમારી છે; તે તમે ત્યાં એકાદ તળાવ ખોદાવો ને, એથી માણસો પર કેટલો ઉપકાર થશે! (સહાસ્ય) તમારે તો ઘણોય પૈસો છે. એટલો બધો સંઘરી રાખીને શું કરવો છે? પણ કહેવાય છે કે તેલીઓ બહુ ગણતરીબાજ હોય. (ઠાકુર અને બીજા ભક્તોનું હાસ્ય).
મણિલાલ મલ્લિકનું મકાન કલકત્તા સિંદુરિયાપટીમાં. સિંદુરિયાપટીના બ્રાહ્મ-સમાજના ઉત્સવ-પ્રસંગે એ ઘણા ભક્તોને આમંત્રણ આપે. ઉત્સવમાં શ્રીરામકૃષ્ણને પણ આમંત્રણ આપે. મણિલાલનો વરાહનગરમાં એક બગીચો છે. ત્યાં ઘણી વાર એકલા આવે અને એ સાથે ઠાકુરનાં દર્શન પણ કરી જાય. મણિલાલ ગણતરીબાજ પૂરેપૂરા, એમાં ના નહિ. આખા રસ્તાનું ગાડીભાડું ખર્ચીને વરાહનગર ન આવે. પહેલાં ટ્રામમાં બેસીને શોભાબજારમાં આવે, ત્યાંથી સહિયારી ગાડીમાં બેસીને વરાહનગર આવે અને ત્યાંથી પગે ચાલતા દક્ષિણેશ્વર આવે. પૈસાનો તોટો નહિ. કેટલાંક વરસ પછી ગરીબ વિદ્યાર્થીઓનાં ભરણપોષણ સારુ તેમણે એકી સાથે પચીસ હજાર રૂપિયાની સખાવત કરેલી.
મણિલાલ ચૂપ બેઠા છે. થોડી વાર પછી આમ તેમ વાતો કરતાં કરતાં વાતમાં વાત કાઢીને બોલ્યા, ‘મહાશય! તલાવડીની વાત કહેતા હતા, તે એ વાત કહી એટલે પત્યું! એમાં વળી તેલી બેલી કહેવાની શી જરૂર?’
ભક્તો કોઈ કોઈ મોઢું દાબીને હસે છે. ઠાકુર પણ હસે છે.
થોડીવાર પછી કલકત્તાથી કેટલાક જૂના બ્રાહ્મ-સમાજી ભક્તો આવી પહોંચ્યા. તેમાંના એક શ્રીયુત ઠાકુરદાસ સેન. ઓરડામાં અનેક ભક્તોનો સમાગમ થયો છે. ઠાકુર નાના પાટ પર બેઠા છે. ચહેરા પર હાસ્ય, બાલકમૂર્તિ, ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. બ્રાહ્મ-ભક્તોની સાથે આનંદથી વાતો કરી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મ-સમાજી તથા બીજા ભક્તોને) – તમે ‘પ્યેમ’ ‘પ્યેમ’ કરો છો, પણ પ્રેમ તે શું સામાન્ય વસ્તુ? ચૈતન્યદેવને ‘પ્રેમ’ થયો હતો. પ્રેમનાં બે લક્ષણ : પ્રથમ જગત ભુલાઈ જાય. ઈશ્વર ઉપર એટલો બધો પ્રેમ, કે બાહ્ય જગતના ભાન રહિત થઈ જાય. ચૈતન્યદેવ ‘વન દેખી વૃંદાવન ભાળે, સમુદ્ર દેખી યમુના નિહાળે.’
બીજું લક્ષણ, પોતાનું શરીર કે જે આટલી પ્રિય વસ્તુ, તેના ઉપર પણ મમતા રહે નહિ, દેહાત્મભાન એકદમ ચાલ્યું જાય.
ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ.
અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ, ઈશ્વરનાં નામ, ગુણ-કીર્તન, સત્ય બોલવું એ બધું.
‘આ બધાં અનુરાગનાં લક્ષણો જોવામાં આવે તો બરાબર કહી શકાય કે ઈશ્વર-દર્શનને હવે વાર નથી. શેઠ પોતાના નોકરને ઘેર જવાના છે એમ નક્કી થાય તો એ નોકરના ઘરની અવસ્થા જોઈને બરાબર સમજી શકાય. પહેલાં તો ઘરના આંગણામાંથી ઘાસ-પાદડાં, કચરો વગેરે કાઢીને સાફ થાય, ઘરમાંથી જાળાં સાફ થાય, ઝાડઝૂડ થાય. શેઠ પોતે જ શેતરંજી વગેરે સરંજામ મોકલાવી આપે. એ બધી ચીજો આવતી જોઈને માણસોને સમજતાં વાર ન લાગે કે શેઠ હવે આવી પહોંચવાના.
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત – સંચયન’ પૃ.૧૯૮-૨૦૦)
Your Content Goes Here




