(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. – સં.)
આ મહિનાની ૨ નવેમ્બરના રોજ ગોવર્ધનપૂજા અને નૂતન વર્ષ હોવાથી આવો, આપણે ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધનલીલાનું ચિંતન કરીએ.
ગો એટલે ઇન્દ્રિયો અને વર્ધન એટલે ઇન્દ્રિયોને પુષ્ટ કરવી. ગોવર્ધનલીલા એ સર્વ ઇિન્દ્રયોને ભગવાન તરફ પુષ્ટ કરવાની લીલા છે. જ્યારે સાધક આધ્યાત્મિક સાધના તરફ આગળ વધે છે ત્યારે સાધકનું મન સાધક ઉપર વાસનાનો વરસાદ વરસાવે છે. આવી પરિસ્થિતિમાં સાધક પોતાની સર્વ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનું શરણ ગ્રહણ કરી અખંડ ભગવત્-નામ સ્મરણ કરે તો જ તેની રક્ષા થઈ શકે છે. ગોવર્ધનલીલા સાધકને આ બોધ આપે છે. ગોવર્ધનલીલા પહેલાં મથુરાની બ્રાહ્મણ-પત્નીઓ પર ભગવાનની કૃપાવર્ષાનો પ્રસંગ છે.
આ લીલા અંતર્ગત ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી અને અન્ય ગોપબાળકો ગોચારણ અર્થે થોડા મથુરા તરફ નીકળી ગયા છે. મથુરાના બ્રાહ્મણો ત્યાં યજ્ઞયાગાદિ કર્મકાંડમાં વ્યસ્ત છે. ગોપબાળકો મધ્યાહ્નના સમયે ક્ષુધાતુર થવાથી ભગવાનની આજ્ઞા લઈને મથુરાના બ્રાહ્મણો પાસે ભિક્ષા માગવા માટે જાય છે, ત્યારે બ્રાહ્મણો ન ‘ઇતિ’ કે ‘નેતિ’ કંઈ કહેતા નથી. ગોપબાળકોને હાથ દ્વારા ઇંગિત કરી ત્યાંથી દૂર હટી જવા જણાવે છે. ગોપબાળકોએ ભગવાનને આવીને આ ઘટનાની જાણ કરી. ભગવાને કહ્યું કે ‘આના કરતાં તો અમારી વૃંદાવનની લતા, વૃક્ષ, ઔષધિ સારી છે, જે અમને ઇિચ્છત ફળ આપે છે.’ યજ્ઞયાગાદિની અપેક્ષાથી ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે અને ઇન્દ્ર દેવની આરાધનાની અપેક્ષાથી વ્રજના પથ્થરની આરાધના શ્રેષ્ઠ છે. ભગવાને ગોવર્ધનલીલા દ્વારા આ પ્રતિપાદિત કર્યું છે.
ભગવાને રાસલીલા દ્વારા પારમાર્થિક રસાનુભૂતિને પ્રગટ કરી, એવી જ રીતે આધિદૈવિક રસાનુભૂતિને આધિભૌતિક બનાવવાની પ્રક્રિયા ગોવર્ધન-ધારણલીલામાં પ્રગટ કરી છે.
ભગવાન પોતાના ભક્તોનો તિરસ્કાર કે અપમાન સહન કરી શકતા નથી. હવે હાથના દેવતા ઇન્દ્ર છે. બ્રાહ્મણોએ હાથના ઇશારાથી ગોપબાળકોનો અનાદર કર્યો છે, એથી હાથના દેવતા ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે ભગવાને ગોવર્ધનલીલા કરવાનું નક્કી કર્યું; અને આ રીતે ગોવર્ધનલીલાની ધરી બંધાઈ છે.
રાસલીલા પહેલાં ભગવાને ગોપજનો, ગોપીજનો, સમસ્ત વ્રજવાસીઓ, તેમજ બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લઈ લીધા છે. હવે માત્ર દેવતાઓને પોતાના પક્ષમાં કરવાના બાકી છે, તેથી ભગવાને આ ગોવર્ધનલીલારૂપી દિવ્ય-લીલા કરી છે.
આ લીલા દ્વારા ભગવાન બતાવવા માગે છે કે દેવતાઓ સર્વસ્વ નથી. દેવતાઓને પ્રસન્ન કરવાથી દેવતાઓ એક સીમિત ફળ એક સીમિત સમય માટે જ આપી શકે છે. દેવતાઓને ફળ આપવાની શક્તિ પણ ભગવાન જ આપે છે. દેવતાઓની પૂજાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે એક સીમિત ફળ-સીમિત મર્યાદામાં અને સીમિત સમય માટે જ હોય છે. અને એ દેવતાના અધિકારમાં જે ફળ આવતું હોય તે જ ફળ જે તે દેવતા આપી શકે છે.
જ્યારે ભગવાન આ સર્વ દેવતાઓથી પરે છે, અને એ જ સર્વસ્વ ભગવાન દેવતાઓને સીમિત શક્તિ પૂરી પાડે છે. તેથી ભગવાન કહે છે કે ‘હું દેવતાઓનો પણ દેવતા છું. તેથી હે માનવ, તું દેવતાઓને મારાથી વિશેષ કે ઉપર ન જાણીશ. જો તું મારી ઉપાસના કરીશ તો હું તને ચારેય પુરુષાર્થથી (ધર્મ-અર્થ-કામ-મોક્ષથી) પૂર્ણ કરીશ.’
ભગવાનની લીલા એક છે, એના અર્થ અનેક છે. કારતક સુદ પ્રથમાનો દિવસ છે, માતા યશોદાજીએ બંને બાળકો નીલમણિ અને બલદાઉજીને સુંદર તૈયાર કરી પોતાના પિતા પાસે વંદન કરવા મોકલ્યા છે. શ્રીકૃષ્ણ અને બલરામજી પોતાના પિતાને વંદન કરી વૃંદાવનમાં થતી અદ્ભુત સુશોભનની તૈયારીનું કારણ પૂછે છે. ત્યારે નંદબાબા શ્રીકૃષ્ણ-બલરામને કહે છે કે, ‘આપણને વર્ષા ઇન્દ્ર આપે છે, અને એ વર્ષા થકી આપણા ગોધન માટે લીલું ઘાસ પ્રાપ્ત થાય છે. અને એના ફળ સ્વરૂપે આપણે દૂધ-દહીં-ઘી પ્રાપ્ત કરીએ છીએ. એથી ઇન્દ્રદેવ આપણા સર્વસ્વ છે. એટલે આપણે ઇન્દ્રપૂજાની તૈયારી કરી રહ્યા છીએ.’
ભગવાન શ્રીકૃષ્ણ નંદબાબાને કહે છે, ‘બાબા, શું તમે ક્યારેય ઇન્દ્રને જોયો છે?’ બાબા ઉત્તરમાં ‘ના’ કહે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘બાબા, આપણો આ ગોવર્ધન જે છે, તે આપણને સર્વ ફળપ્રાપ્તિ કરાવનારો છે. તે આપણા ગોધન માટે ગોચારણ પૂરું પાડે છે અને આપણા સર્વ ગોપબાળકો માટે વિવિધ પ્રકારનાં ફળ તેમજ શીતળ જળ પૂરું પાડે છે. બાબા, આપણો ગોવર્ધન ઇન્દ્ર કરતાં પણ સવિશેષ છે. બાબા, ગોવર્ધન અમારા સર્વ ગોપબાળકોની વન્યપશુઓથી રક્ષા પણ કરે છે. અને ગોવર્ધન તો આપણી સામે પ્રત્યક્ષ રૂપે વિરાજી રહ્યા છે. તો શા માટે આપણે ઇન્દ્રને બદલે ગોવર્ધનની પૂજા ન કરીએ! બાબા, આપણે ગોચારણ કરવાવાળા, વિચરણ કરનારા એક સમુદાયરૂપે છીએ. આપણા સર્વની, સર્વકાળે રક્ષા આ એક માત્ર ગોવર્ધન જ કરી રહ્યા છે. તેથી આપણે ગોવર્ધનની જ સર્વ પ્રકારે, સર્વ ઉપચારો દ્વારા પૂજા કરવી જોઈએ.’
ભગવાન શ્રીકૃષ્ણ આ રીતે જ્યારે પોતાના પિતા નંદબાબાને ગોવર્ધનની મહિમા સમજાવે છે ત્યારે તેમના પિતા નંદબાબા સહિત સર્વ વૃદ્ધ ગોપજનો આ વાતનો સહર્ષ સ્વીકાર કરે છે. જ્યાં ભગવાન સ્વયં સમજાવે, પછી આ સમસ્ત બ્રહ્માંડનો કયો જીવ તે ન સમજી શકે? અહીં ભગવાન એક સુંદર બોધ આપે છે કે ‘માતાપિતાએ કેવળ બાળકોને નાના સમજી તેમની બુદ્ધિનો અનાદર કરવાનો નથી. ક્યારેક બાળકો પણ માતાપિતાની બુદ્ધિથી વધુ સુંદર, પવિત્ર, ઉત્તમ વિચાર આપી સમાજને દોરી શકે છે. અને માતાપિતાએ બાળકોની આ સમજપૂર્વકની બુદ્ધિનો આદર કરવો જોઈએ.’
હવે આખુંય ગોકુિળયું ગામ, ગોપ-ગોપીજનો પોતાના છકડાઓ (શકટ) ઉપર દૂધ-દહીં-માખણ-ઘી તેમજ વિવિધ પ્રકારનાં છપ્પન ભોગ લઈને ગોવર્ધનની પૂજા માટે અગ્રસર થયાં છે. ભગવાન શ્રીકૃષ્ણ સર્વને લઈને ગોવર્ધનની તળેટી-મુખ પાસે જતિપુરામાં આવે છે. અહીં ભગવાન સર્વ ગોપજનો દ્વારા ગોવર્ધનની વિધિવત્ પૂજા કરી ગોવર્ધનની પ્રદક્ષિણા કરે છે.
આ લીલામાં પૂજ્ય તરીકે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં ગોવર્ધન બને છે અને પૂજક તરીકે પણ સ્વયં શ્રીકૃષ્ણ જ છે. પૂજક અને પૂજ્ય બંને શ્રીકૃષ્ણ સ્વયં જ છે. જ્યારે ઇન્દ્રને પ્રત્યેક વર્ષની જેમ ગોકુળવાસીઓ પાસેથી મળતી પૂજા બંધ થઈ ત્યારે ઇન્દ્ર કોપાયમાન થઈને પ્રલયકાલીન વાદળોને આદેશ આપે છે કે તમે સર્વ વ્રજ ઉપર કાળોકહેર વર્તાવો. ઇન્દ્રનો આદેશ થતાં વાદળોએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે. સર્વ ગોપજનો ગભરાયા છે અને શ્રીકૃષ્ણને કહે છે, ‘આપણે ઇન્દ્રની પૂજા બંધ કરી તેથી ઇન્દ્ર દેવતા આપણી ઉપર ક્રોધે ભરાયા છે. ઇન્દ્રની પૂજા બંધ કરવાથી, આપણા સર્વ ઉપર અને ગોધન ઉપર સંકટ આવ્યું છે.’
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘તમે જરાય ચિંતા કરશો નહીં, આપણો ગોવર્ધન આપણા સર્વની રક્ષા કરશે.’ એમ કહી ભગવાને સર્વ ગોપ-ગોપીજનો અને ગાય-વાછરડાંને પોતાની પાસે બોલાવી લીધાં છે. હવે ભગવાન શ્રીકૃષ્ણ અત્યંત સહજતાથી પોતાના વામહસ્તની કનિષ્ઠા આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કરે છે અને બલભદ્રજી પોતાની સહસ્ર ફેણો વડે ગોવર્ધનનું ભયંકર તોફાનરૂપી વાયુથી અને વર્ષાથી રક્ષણ કરે છે. ‘ગિરિરાજ ધરણ કી જય…!’
ઇન્દ્ર દેવતાએ સતત સાત દિવસ સુધી વ્રજવાસીઓ ઉપર આ આફત મોકલી છે. અને છતાં વ્રજવાસીઓને કંઈ જ નુકશાન થતું નથી. ઊલટાનું વ્રજવાસીઓ, ગોધન, પશુપક્ષી સર્વને ભગવાનનું નિત્ય સામિપ્ય તેમજ નિત્ય દર્શન પ્રાપ્ત થયું છે. સાત દિવસ પછી ઇન્દ્રનો ગર્વ ચૂર્ણ થાય છે અને તે કામધેનુને સાથે લઈને ભગવાનની સ્તુતિ કરી ક્ષમા માગે છે.
હવે કામધેનુ ઇન્દ્ર દેવતા સાથે ભગવાનનું પૂજન કરી ભગવાનનું ‘ગોવિંદ’ નામકરણ કરે છે.
ભગવાને જ્યારે આ દિવ્યલીલા કરી ત્યારે ભગવાનની વય માત્ર સાત વર્ષની છે. આ લીલા થકી ભગવાને સર્વ ગોપ-ગોપીજનો, ગાય-વાછરડાં, પશુપક્ષી, કીટ, સર્વને પોતાના સામિપ્યનો અને પોતાનાં દર્શનનો નિત્ય સહવાસ પ્રાપ્ત કરાવ્યો છે. ભગવાને ગોપવાસીઓને જણાવ્યું કે હું જ સ્વયં ગોવર્ધનરૂપે વિરાજિત છું. તેથી આજે પણ આપણે સર્વ ગોવર્ધનને સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ માની તેની પ્રદક્ષિણા કરીએ છીએ.
ભગવાન શ્રીકૃષ્ણે કારતક સુદ પ્રથમાને દિવસે ગોવર્ધન ભગવાનને છપ્પન ભોગ નિવેદિત કરી તેની પૂજા કરી હોવાથી આપણે સર્વ ગુજરાતીઓ કારતક સુદ પ્રથમાને પોતાનું નવું વર્ષ ગણી આ શુભ દિવસે ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાવીએ છીએ.
‘ગોવર્ધન ભગવાન કી જય…!’
‘ગિરિરાજ ધરણ કી જય…!’
Your Content Goes Here




