(સ્વામી વિવેકાનંદજી અંગેની માહિતી લેખકને એમનાં કાકી શ્રીમતી ઉષાબહેન પુરોહિત તથા અતિથિરૂપે રહેલા વયોવૃદ્ધ ભક્ત હરકિશન કંસારા (હકા બાપા) પાસેથી પ્રાપ્ત થઈ હતી. તેઓએ લેખકની સમક્ષ જે વર્ણન કર્યું હતું તેને લેખરૂપે વણીને અમને આપેલ. એ માહિતીસભર લેખ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

૨-૧૧-૧૮૯૧ ને સોમવાર, કાર્તિક સુદ એકમ, એટલે નવા વર્ષને દિવસે શ્રીવલ્લભાચાર્યના સિદ્ધાંત અનુસાર અમારે ત્યાં અન્નકોટનો ‘મનોરથ’ હતો. દર્શન બંધ થવાનાં હતાં તે પહેલાં એટલે કે સાંજના ૫.૧૫ કલાકે પંડિત શંકર પાંડુરંગની સાથે ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્ય શ્રી સ્વામી વિવેકાનંદ મહારાજ બગીમાં બેસીને આવેલ. તેમની સાથે ભાલાધારી બે અંગરક્ષકો હતા. તેઓ હવેલીના ચોકમાં આવ્યા ત્યારે પંડિતજીએ અંગરક્ષકોને કહ્યું કે તમે લોકો અહીં થોડો સમય ઊભા રહો. અંગરક્ષકો પગરખાં ત્યાં રાખીને પોતાના બૂટ ઉતારીને આગળ ચાલ્યા ત્યારે સ્વામીજીએ પોતાની ચાખડી પણ ઉતારી અને પંડિતજીની સાથે દર્શન કરવા માટે સિંહપુરમાં આવ્યા. સ્વામીજીએ પોતાનો દંડ અહીંના પાટ પાસે રાખીને દર્શન કર્યાં. ત્યાર પછી પંડિતજીએ અહીંના મુખિયાજી અમરજી ઇન્દ્રજી યાજ્ઞિક (જાની)ને સ્વામીજીનો પરિચય આપ્યો.

તેના પ્રત્યુત્તરમાં અમરજી માસ્તરે હાથ જોડીને સ્વામીજીને પ્રણામ કર્યા અને સ્વામીજીએ તેના પ્રત્યુત્તરમાં પ્રણામ કર્યા ત્યારે મુખિયાજીએ (પૂજારી) કહ્યું, ‘આપ લોકો થોડી વાર બેસો. આરતીનો સમય છે.’ ત્યારે સ્વામીજી અને પંડિતજી હવેલીમાં કાંચના હિંડોળા રાખવાની પેટી પર બેઠા. જ્યારે આરતીનો સમય થયો ત્યારે સ્વામીજી અને પંડિતજી ફરી દર્શન કરવા સિંહપુરમાં આવ્યા. આરતી પૂરી થયા બાદ જ્યારે અમરજી મુખિયાજી બહાર આવ્યા ત્યારે અન્નકોટની માહિતી આપવા સ્વામીજીએ વિનંતી કરી. ત્યારે મુખિયાજીએ કહ્યું કે આપ લોકોને બંગલામાં વ્યવસ્થા કરાવી આપું છું. ત્યાં બેસો. ત્યાર બાદ નિરાંતે ચર્ચા કરીએ. એમ કહીને ‘નારણ’ નામના એમ છોકરાને બોલાવ્યો (મારા દાદાજી). એ દશથી બાર વર્ષનો છોકરો શ્યામ વર્ણનો હતો. તેણે ધોતી પહેરી હતી ને ભાલમાં જય શ્રી ગોપાલની પરંપરાનું તિલક કરેલ. આવીને સર્વ લોકોને આદરપૂર્વક પ્રણામ કરીને તે ઊભો રહ્યો ત્યારે મુખિયાજીએ કહ્યું કે આ લોકો આપણા અતિથિ છે. એમને બંગલામાં બેસવાની વ્યવસ્થા કરી આપ. ત્યારે નારણ તેમની આજ્ઞાનું પાલન કરવાને માટે ત્યાંથી ચાલ્યો ગયો અને થોડી વારમાં આવીને આદરપૂર્વક કહ્યું કે બધી તૈયારી થઈ ગઈ છે. ત્યારે સ્વામીજીએ હાથમાં દંડ લીધો અને પંડિતજીની સાથે ઉપર બંગલામાં લાકડાની પાટ ઉપર બેઠા અને નારણ હાથ જોડીને સામે ઊભો રહ્યો. થોડી વારે મુખિયાજી આવ્યા અને બીજી પાટની ઉપર બેઠા પછી મુખિયાજીએ કહ્યું કે અન્નકોટ એ ગોપ અને ગોપીની ભાવનાથી ધરવામાં આવે છે. જ્યારે ગોકુળમાં શ્રીકૃષ્ણે ઇન્દ્રને બદલે ગોવર્ધનની પૂજા કરાવી ત્યારે ઇન્દ્રનો કોપ વ્રજ ઉપર થયો અને ભગવાને ટચલી આંગળીએ પર્વતને ઉપાડ્યો. આ કથાથી તો આપ પરિચિત છો. પર્વત તો સપાટ ના હોય, ઢાળવાળો હોવાથી અન્નકોટની સજાવટ આ રીતે કરવામાં આવે છે અને અમારા સંપ્રદાયમાં છપ્પન ભોગ પણ થાય છે. તે સપાટ સજાવવામાં આવે છે, જે રાધાજીનાં લગ્ન વખતે તેમના પિતાજીએ જાનવાળાને ભોજન કરાવેલ તે ભાવના છે.

ત્યારે સ્વામીજી બોલ્યા કે અહીં આપની હવેલીમાં મૂર્તિ નથી, તો પૂજા શેની કરો છો?

ત્યારે મુખિયાજી બોલ્યા કે મૂર્તિ નહીં પણ અમારા સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુજીની ચોથી પેઢીએ થયેલ શ્રી ગોપાલ લાલજી ને તેમના પુત્ર શ્રી ગોપેન્દ્ર લાલજીની ચરણપાદુકાની સેવા થાય છે. અમારા સંપ્રદાયમાં પૂજા નહીં પણ સેવા શબ્દનો સ્વીકાર થયેલો છે. ત્યાર બાદ ફરી મુખિયાજી બોલ્યા કે અમારામાં સુખડી એટલે ભાતનું મહત્ત્વ છે. જો આપને વાંધો ન હોય તો આપ પ્રસાદ અમારે ત્યાં લો એવી અમારી આપને વિનંતી છે. ત્યારે પંડિતજી અને સ્વામીજીએ વિનંતીનો સ્વીકાર કરેલ અને મુખિયાજીની આજ્ઞાથી નારણ બંનેના ભોજનની તૈયારી ઉપર કરીને ને નીચે જઈ સર્વ અન્ન પીરસીને ત્રાંબાના લોટામાં પાણી ભરીને મૂકી ગયો. મુખિયાજીની વિનંતીથી પંડિતજી અને સ્વામીજીએ પ્રસાદ ગ્રહણ કર્યો.

ત્યાર બાદ સ્વામીજી બોલ્યા, ‘વાહ, આ તો અદ્‌ભુત સ્વાદ હતો. આનો પ્રસાદ લઈને ખરેખર તૃપ્તિ અનુભવું છું.’ જવાની રજા માગી અને મુખિયાજીએ જવાની રજા આપી. જતાં જતાં પંડિતજીએ અને સ્વામીજીએ  નારણના માથે હાથ મૂકીને કહ્યું કે વત્સ, ધર્મ ને સત્યના માર્ગ પર ચાલજે. તારું કલ્યાણ થાઓ ને ખૂબ ખૂબ વિદ્યા પ્રાપ્તિ કરીને શ્રી ગોપાલ લાલજીની સેવા કર. એ જ અમારા આશિષ છે.

પંડિતજી, સ્વામીજી, અને મુખિયાજી જ્યારે નીચે આવ્યા ત્યારે કંસારા ભક્ત શ્રી દેવચંદ બાપા મુખિયાજીની વાટ જોઈને ઊભા હતા. મુખિયાજીને જોઈને દેવચંદ બાપાએ જય ગોપાલ કર્યા, તેના પ્રત્યુત્તરમાં મુખિયાજીએ પણ કર્યા.

મુખિયાજીએ સ્વામીજી અને પંડિતજીનો પરિચય આપ્યો અને સર્વ લોકોએ સામસામા પ્રણામ કર્યા. સ્વામીજી-પંડિતજીને વળાવવાને માટે મુખિયાજી દરવાજા સુધી ગયા.

બંને અંગરક્ષકોની સાથે વિદાય લઈને સ્વામીજી અને પંડિતજી ગયા અને મુખિયાજી મંદિરમાં આવ્યા ત્યારે દેવચંદ બાપાએ પૂછતાં મુખિયાજીએ કહ્યું કે એ લોકોને અન્નકોટ અને મંદિરની જગ્યા વિશેનો પરિચય આપેલ છે.

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.