ગોપાલ એક શ્રીકૃષ્ણનું સૌથી સુખ્યાત નામ છે. ગોપાલ એટલે ગાયો કે જીવના રક્ષક. સંસ્કૃતમાં ‘ગો’ એટલે ગાય કે જીવ એવો અર્થ થાય છે. વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવનાર ગોવાળ બન્યા હતા. એટલે જ એ ગોપાલને નામે સુપ્રસિદ્ધ છે. કેટલાક હિંદુઓ પોતાના ઘરે જમણા હાથમાં માખણનો પીંડો લઈને ભાંખોડિયાભર ચાલતા ગોપાલની ધાતુની મૂર્તિને પૂજે છે. જે વાત્સલ્યભાવે હિંદુ ભક્તો પ્રભુને ભજે છે એના માટે આ ગોપાલ એક મોટો આદર્શ છે.
અવતારોમાં ભગવાન કૃષ્ણ એક અનન્ય અવતાર ગણાય છે. એક નાના બાળક ગોપાલ રૂપે પણ એમણે અનેક ચમત્કારો સર્જ્યા છે અને અતિમાનુષી પરાક્રમો કર્યાં છે. દુષ્ટ કંસ જાણતો હતો કે તેનો ભાણેજ કૃષ્ણ એક દિવસ તેને મારી નાખશે. એટલે આ બાળગોપાલને મારી નાખવા એણે કેટલાય રાક્ષસો અને રાક્ષસીઓ મોકલ્યા. એમણે પોતાની ચમત્કારિક શક્તિથી આ દિવ્ય બાળકને મારી નાખવા અનેક યુક્તિપ્રયુક્તિ યોજી. આમ છતાં પણ બલરામ અને ગોપાલકૃષ્ણે ઘણી સરળતાથી એ બધાને હણી નાખ્યા. બાલકૃષ્ણનું વર્ણન ભાગવતમાં અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. બાલકૃષ્ણની અનેક દિવ્ય ક્રીડાઓથી અસંખ્ય લોકો એમના પ્રત્યે આકર્ષાયા હતા. સાથે ને સાથે વાત્સલ્યભાવે એમને ભજીને આધ્યાત્મિક ઉન્નતિ પણ સાધી હતી.
ઈશ્વરનો આ ગોપાલભાવ શ્રીરામકૃષ્ણના જીવનમાં અને વ્યક્તિત્વમાં સાહજિક રીતે પ્રગટ થાય છે. ગોપાલની જેમ તેઓ કામારપુકુરના ગ્રામ્ય વાતાવરણમાં જન્મ્યા હતા અને ઊછર્યા હતા. પ્રસન્નમયી અને બીજી ઘણી કામારપુકુરની ઉંમરવાન સ્ત્રીઓએ ગદાધરમાં બાલગોપાલનું દિવ્ય રૂપ જોયું હતું અને તેઓ પોતાનાં સંતાનો કરતાં પણ તેમને વધારે ચાહતાં. આ દિવ્ય અને બાળસુલભ નિર્દોષતા અને મધુરતા શ્રીરામકૃષ્ણના સમગ્ર જીવન દરમિયાન ટકી રહી હતી. એમને મળતી બધી નારીઓમાં તેઓ માતૃભાવ અનુભવતા. એટલે જ તંત્રસાધનાવાળાં ભૈરવી બ્રાહ્મણી અને અઘોરમણિ દેવી જેવી ભક્ત નારીઓ ઉંમરવાન રામકૃષ્ણમાં પણ પોતાના પ્રિય બાળગોપાલને જ જોતાં.
ભૈરવી બ્રાહ્મણી તંત્રસાધના અને વૈષ્ણવી સાધનાના પરમ જ્ઞાતા હતા. ૧૮૬૧માં તેઓ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં શ્રીરામકૃષ્ણને મળ્યાં. એ વખતે ઠાકુર ૨૪ વર્ષના યુવાન હતા. પણ શરૂઆતથી જ ભૈરવી બ્રાહ્મણી ભાવપૂર્વક માનતા કે તેઓ પોતાના પ્રિય બાળગોપાલ જ છે. તેઓ શ્રીરામકૃષ્ણ પ્રત્યે અવારનવાર વાત્સલ્ય ભાવના ઉમળકા અનુભવતાં. એક વખત માતા યશોદાના ભાવે મીઠાઈની થાળી ભરીને ગોપાલકૃષ્ણના ભાવે રામકૃષ્ણને ખવડાવવા આવ્યાં. જ્યારે તેઓ શ્રીઠાકુરની નજીક આવ્યા ત્યારે તેણે જોયું કે મથુરબાબુ પણ તેમની સાથે હતા. એટલે જ તેમણે સાવધતાપૂર્વક સંયમ કેળવીને એ થાળી હૃદયને આપી અને એ થાળીમાંથી ઠાકુર આરોગે તેવી ઇચ્છા હતી.
દક્ષિણેશ્વરની ઉત્તરના આરિયાદહના દેવમંડલ ઘાટમાં ભૈરવી બ્રાહ્મણી રહ્યાં હતાં. એક દિવસ વાત્સલ્યભાવે પોતાના હાથમાં માખણ લઈને તેઓ ‘ગોપાલ, ગોપાલ’ મોટેથી બોલવા લાગ્યાં; એ વખતે એમની આંખોમાંથી દિવ્યપ્રેમની આંસુધારા વહેતી હતી. પછી એક વખત શ્રીરામકૃષ્ણને ભૈરવી બ્રાહ્મણીને મળવાની અદમ્ય ઇચ્છા થઈ. જેમ એક નાનું બાળક પોતાની માને મળવા દોડતું જાય તેમ તેઓ દક્ષિણેશ્વરથી દેવમંડળ ઘાટ સુધી બે માઈલનું અંતર દોડીને ગયા. તેઓ ભૈરવી બ્રાહ્મણીની નજીક નીચે બેસી ગયા અને તેમના હાથમાંથી માખણ ખાઈ ગયા! પછી લોકો ભૈરવી બ્રાહ્મણીને પોતાના વત્સલ પુત્ર ગોપાલના અત્યંત વિરહ વ્યથા અનુભવતાં મા યશોદાના રૂપે જોવા લાગ્યાં.
ઠાકુરના જીવનમાં હૃદયસ્પર્શી ઘટના પ્રસંગોમાંથી ગોપાલ મા (અઘોરમણિદેવી)ની વાત સૌથી વધારે ભાવિકોને આકર્ષે તેવી છે. અઘોરમણિદેવી બાળવિધવા હતાં. તેઓ પોતાના પૈતૃક ઘરે ઊછર્યાં હતાં. પછીથી તેઓ ગોવિંદચંદ્ર દત્તનાં વિધવા સાથે અંતરંગ બન્યાં. એમણે કામારહાટીમાં એક મંદિર બંધાવ્યું હતું. તેઓ ગંગાતટે આવેલ કામારહાટી મંદિરના નારીઘરના એક ઓરડામાં રહેતાં હતાં. અઘોરમણિદેવીને એમના ગુરુએ ગોપાલ મંત્રની દીક્ષા આપી હતી. રાત દિવસ જપ કરીને તેમજ બાલ ગોપાલના દિવ્ય સ્વરૂપનું સ્મરણ કરીને તેમણે કામારહાટીમાં ૩૦ વર્ષ સુધી તપસ્વીજીવન ગાળ્યું હતું. એમના ઇષ્ટદેવે અઘોરમણિદેવીની આર્જવભરી પ્રાર્થનાઓથી ગોપાલ (કૃષ્ણ)ના અવતાર રૂપ શ્રીરામકૃષ્ણ દ્વારા એક અદ્ભુત પ્રતિભાવ મળ્યો.
૧૮૮૪ના ડિસેમ્બરમાં પોતાની સંગિની કામિની સાથે અઘોરમણિદેવીએ દક્ષિણેશ્વરના સુખ્યાત પરમહંસ દેવની મુલાકાત લીધી. પ્રથમ દર્શનથી જ તેમણે રામકૃષ્ણ પ્રત્યે અદમ્ય આકર્ષણ અનુભવ્યું. થોડા દિવસો પછી જપ કરતાં શ્રીરામકૃષ્ણને જોવાની તેમને તીવ્ર ઇચ્છા થઈ. આ ગરીબ વિધવાએ થોડા પૈસાથી થોડી નબળી ગુણવત્તાવાળા સંદેશ ખરીદ્યા અને દક્ષિણેશ્વર ગયાં. શ્રીરામકૃષ્ણે એમને જેવા જોયાં કે તરત જ તેઓ જે લાવ્યાં હતાં તે સંદેશ ખાવા આતુર બન્યા. બીજા ભક્તો શ્રીઠાકુર માટે ઘણી સારી સારી વાનગીઓ લાવ્યા હતા એટલે અઘોરમણિદેવીને પોતાની આવી સામાન્ય સસ્તી વાનગી આપતાં શરમ આવી. શ્રીકૃષ્ણને પોતાના ગરીબ મિત્ર સુદામાએ આપેલ તાંદુલ પ્રેમથી આરોગ્યા હતા તેમ શ્રીઠાકુરે એમણે લાવેલ સંદેશ પ્રેમભાવથી આરોગ્યા.
પછીની મુલાકાતો દરમિયાન અઘોરમણિદેવીને સમજાયું કે એમણે રાંધેલ ભોજન જમવા શ્રીઠાકુર આતુર રહેતા અને ક્યારેય ધર્મની વાતો ન કરતા. આમ છતાં પણ એમણે શ્રીરામકૃષ્ણ પ્રત્યે દિવ્ય આકર્ષણ અનુભવ્યું. આ રીતે બે મહિના વીતી ગયા.
એક દિવસ સવારના ત્રણ વાગ્યે કામારહાટીની આ બ્રાહ્મણી જપ કરવા બેસી ગઈ. પોતાના જપ પૂરા કરીને જપનું ફળ ગોપાલને અર્પણ કરતાં પહેલાં પ્રાણાયામ કરવા માંડ્યાં. એકાએક પોતાની ડાબી બાજુએ નજીકમાં જ બેઠેલા શ્રીરામકૃષ્ણને પોતાની જમણા હાથની હથેળીને અડધી વાળીને બેઠેલા જોયા! અત્યંત આશ્ચર્યચકિત થઈને અઘોરમણિ દેવીએ તેમનો ડાબો હાથ પકડ્યો અને તરત જ શ્રીરામકૃષ્ણદેવનો દેખાતો દેહ અદૃશ્ય થઈ ગયો અને તેને બદલે સદેહે દસ માસના સાચા ગોપાલને જોયા.
આ સુંદર બાળગોપાલે ભાંખોડિયાભર ચાલીને એક હાથ ઊંચો રાખ્યો અને તેમને કહ્યું: ‘મા, મને માખણ આપો.’ એ જ પળથી અઘોરમણિ દેવી ગોપાલની મા બની ગયાં. તેઓ તો રડી પડ્યાં કારણ કે એમની પાસે માખણ હતું નહિ. એટલે એમણે સૂકા નાળિયેરનો ગોટો આપ્યો. ગોપાલની મા પોતાના જપ પણ વધુ ન કરી શકતા કારણ કે ગોપાલ એની માળા ખેંચી જતો; એમના ખભે ચડી જતો અને આખા ઓરડામાં ઘૂંટણિયાં ખેંચતો.
એ જ સવારે અઘોરમણિદેવી સીધે સીધાં દક્ષિણેશ્વર ભાવાવસ્થામાં પોતાના ગોપાલ સાથે ‘ગોપાલ, ગોપાલ’ એમ રુદન સાથે મોટેથી બોલતાં ચાલ્યાં ગયાં. સવારના ૭.૩૦ વાગ્યે તેઓ શ્રીરામકૃષ્ણના ખંડમાં પહોંચી ગયાં. એમણે સુપેરે વસ્ત્રો પણ પહેર્યાં ન હતાં અને જાણે કે એક ગાંડા જેવા દેખાતાં હતાં અને એમની આંખો અત્યંત પહોળી થઈ ગઈ હતી. એમની સાડી જાણે કે સાવરણીની જેમ ઢસડાતી હતી. જેવા શ્રીરામકૃષ્ણે અઘોરમણિને જોયા કે તેઓ ભાવાવસ્થામાં સરી પડ્યા. જ્યારે ગોપાલની મા આવ્યાં અને એમની નજીકમાં જ બેઠાં ત્યારે તેઓ એમના ખોળામાં એક બાળકની જેમ બેસી ગયા. પછી ગોપાલના માએ શ્રીરામકૃષ્ણને પોતાની સાથે લાવેલ મલાઈ, માખણ અને કઢેલા દૂધ ખવડાવ્યાં-પીવડાવ્યાં. અવર્ણનીય આનંદ અનુભવીને ગોપાલની મા ખંડમાં નાચવા લાગ્યાં. શ્રીરામકૃષ્ણે આ બધું જોયું અને હાસ્ય સાથે એ વખતે ત્યાં ઉપસ્થિત મહિલા ભક્તોને કહ્યું: ‘જરા જુઓ, તેઓ સંપૂર્ણપણે આનંદમગ્ન બની ગયાં છે. એમનું મન અત્યારે ગોપાલના લોકમાં ચાલ્યું ગયું છે.’
ગોપાલની માએ જોયું કે આ ચંચળ દિવ્ય બાળ ગોપાલ ક્યારેક શ્રીરામકૃષ્ણમાં અદૃશ્ય થઈ જતું અને એમાંથી જ વળી પાછું પણ આવતું. શ્રીઠાકુરે એમને શાંત કરવા પોતાનો હાથ એમના હૃદય પર મૂક્યો. ગોપાલની મા આખો દિવસ દક્ષિણેશ્વરમાં રહ્યાં. એમણે સ્નાન-ભોજન પણ ત્યાં જ કર્યાં. પછી ઠાકુરે તેમને થોડાં શાંત કર્યાં અને સૂર્યાસ્ત પહેલાં ઘરે મોકલી દીધાં. અઘોરમણિ દેવી સતત બે માસ સુધી બાલ ગોપાલની બધી સારસંભાળ લેતાં આવા દિવ્યભાવમાં રહ્યાં. તેમણે જાણી લીધું હતું કે શ્રીરામકૃષ્ણ એમના બાલ ગોપાલ જ હતા. બે મહિના પછી તેમણે સતત પોતાના દેવ બાલ ગોપાલને જોયા નહિ. પણ જ્યારે જ્યારે તેઓ ધ્યાન ધરતાં ત્યારે એમને નિહાળી શકતાં.
શ્રીરામકૃષ્ણે ગોપાલ માને કહ્યું હતું: ‘તમે ઘણી સિદ્ધિ મેળવી છે. જો કળિયુગમાં આવી ભાવાવસ્થા લાંબો સમય રહે તો તમારો દેહ ટકી ન શકે.’ કળિયુગમાં આધ્યાત્મિક ઝંખનાવાળા ભક્તોને માતા અને બાળકના જેવો પ્રભુ માટેનો આ વત્સલભાવ જરૂર પ્રતિભાવ આપવાનો જ. ગોપાલ માના અદ્ભુત આધ્યાત્મિક અનુભવો આ વાતની પ્રતીતિ કરાવે છે.
૧૮૮૫માં બલરામ બોઝે પોતાના ઘરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો હતો. એ વખતે શ્રીરામકૃષ્ણ અને બીજા ભક્તો ઉપસ્થિત હતા. અઘોરમણિ આવ્યાં તે પહેલાં શ્રીરામકૃષ્ણે ધાતુની મૂર્તિમાં જોવા મળતા ગોપાલનું રૂપ ધારણ કર્યું. ઊંચે મુખ રાખીને જાણે કે કંઈક ખાવાનું માગતા હોય એવી રીતે એમણે ઘૂંટણિયે ચાલતાં ચાલતાં જમણો હાથ ઊંચો કર્યો હતો. એમની ઝંખનાભરી આંખોમાં બાળસુલભ આનંદ છલકતો હતો અને જાણે કે કંઈક ખાવાની વસ્તુની ઇચ્છા વ્યક્ત થતી હતી.
બધાએ અઘોરમણિદેવી વિશે કહ્યું: ‘અરે! અદ્ભુત પ્રેમભક્તિ. એમની પ્રેમભક્તિના આર્જવને કારણે શ્રીઠાકુરે પોતે બાલ ગોપાલનું રૂપ ધર્યું.’ જો કે એ વખતે શ્રીરામકૃષ્ણ ઉંમરવાન હતા. છતાં પણ એમનું આ બાળસુલભ દેહ સ્વરૂપ દિવ્ય અને જોનારની આંખોને એ અદ્ભુત અને સ્વાભાવિક પણ લાગ્યું. એ પ્રસંગે ત્યાં ઉપસ્થિત સૌએ એમને ગોપાલ રૂપે જોયા અને અનુભવ્યા.
શ્રીમા સારદાદેવીના જીવનમાં પણ રામકૃષ્ણને ગોપાલ રૂપે જોવાની એક રસપ્રદ ઘટના છે. ગોપાલની આ નાની મૂર્તિની પૂજા હિંદુ સદ્ગૃહસ્થોને ઘરે થાય છે. વૃંદાવનથી શ્રીમા સારદાદેવી આવી રીતે ઘૂંટણિયે ચાલતા ગોપાલની એક નાની મૂર્તિ લાવ્યાં હતાં. ત્યાર પછી એ મૂર્તિ એમના જયરામવાટીના ઘરે પૂજાવિહોણી પડી રહી હતી. એક દિવસ જ્યારે શ્રીમાએ પોતાના ખાટલા પર લંબાવ્યું ત્યારે તેણે ગોપાલને ઘૂંટણિયાં ખેંચીને પોતાના ખાટલા પાસે આવતા અને આમ કહેતાં સાંભળ્યા: ‘અરે, તમે મને અહીં લાવ્યા અને મને તો કાંધીએ ચડાવી દીધો. તમે મને કંઈ ખાવાનુંયે ન આપ્યું અને મારી સેવાપૂજા પણ ન કરી. જો તમે મારી સેવાપૂજા નહિ કરો તો બીજું કોઈ નહિ કરે!’
તરત જ શ્રીમા ખાટલામાંથી ઊભા થયાં અને જ્યાં ગોપાલની મૂર્તિ હતી ત્યાંથી લઈ આવ્યાં. એમના ગાલને હાથથી સ્પર્શીને ચુંબન કર્યું, થોડાં ફૂલ ધરીને એ મૂર્તિને ઠાકુરની છબી પાસે રાખી. એ દિવસથી જ ઠાકુરની પૂજા સાથે ગોપાલની પણ પૂજા હંમેશાં થતી રહેતી.
શ્રીમા સારદાદેવી પોતાના પતિ શ્રીરામકૃષ્ણને પોતાનું સંતાન જ ગણતા અને એટલે જ એમનું એ દૈવી માતૃત્વ સાર્વત્રિક અને પૂર્ણ હતું. દેખીતી રીતે એમને ગોપાલ અને ઠાકુરની વચ્ચે કોઈ ભેદ જણાયો ન હતો. એટલે જ એક સરખાભાવે તેઓ ગોપાલ અને ઠાકુરની સેવાપૂજા કરતા.
એક સુખ્યાત બંગાળી કહેવત છે: ‘મા કાલી કળિયુગમાં જાગી છે અને ગોપાલ પણ કળિયુગમાં જાગ્રત થયા છે.’ આ વાતની પ્રતીતિ આપણને શ્રીમા સારદાદેવી અને રામકૃષ્ણના અવતારમાંથી થાય છે. આ યુગમાં શ્રીમા કાલી પૂર્ણપણે શ્રીમા સારદાદેવીમાં જીવંત બનીને જાગ્રત થયાં અને દિવ્ય પુરુષ શ્રીરામકૃષ્ણ પૂર્ણપણે જાગ્રત અને જીવંત ગોપાલ સ્વરૂપ બન્યા.
Your Content Goes Here




