(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સંપાદકીય સહકાર સમિતિના સભ્ય છે. – સં.)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી,
જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી.
नन्दस्त्वात्मज उत्पन्ने जाताह्लादो महामनाः।
आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः॥
(10.5.1)
નંદબાબાને ત્યાં પુત્રનો જન્મ થયો નથી, પણ આનંદનું પ્રગટીકરણ થયું છે. અર્થાત્ સચ્ચિદાનંદ પરમાત્મા આનંદરૂપી પ્રાચૂર્યથી પ્રગટ થયા છે. ક્યાં? નંદબાબાના આંગણે. એ જ પરમાત્મા જ્યારે માતા દેવહૂતિથી પ્રગટ થયા ત્યારે જ્ઞાનના પ્રાચૂર્યથી પ્રગટ થયા છે.
જે ધર્મના પ્રાચૂર્યથી પ્રગટ થાય, તે સત્ના પ્રાચૂર્યથી પ્રગટ થતા હોય છે. જે જ્ઞાનના પ્રાચૂર્યથી પ્રગટ થાય, તે ચિત્તના પ્રાચૂર્યથી પ્રગટ થતા હોય છે. પણ અહીંયાં તો આનંદનું પ્રગટીકરણ થયું છે, તેથી માશ્રુતિ ભગવતી કહે છે, ‘आनन्दो ब्रह्म इति व्यजानात्’ (તૈતિરીય ઉપનિષદ, 3.6)
‘रसो वै स:’ (તૈતિરીય ઉપનિષદ, 2.7)
લોકો કહે છે, ‘રસ લો, ગંધ લો, સુગંધ લો.’ આવા આનંદોત્સવ-નંદોત્સવની વ્રજમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ઈશ્વરપ્રેમમાં શબ્દ ગીત બની જાય છે અને ઈશ્વરપ્રેમમાં ચાલ પણ નૃત્ય બની જાય છે. સમસ્ત વ્રજવાસીઓ આજે આનંદના સમુદ્રમાં હિલોળાં લઈ રહ્યા છે. તો ચાલો, આપણે પણ એકાદ ડૂબકી આ આનંદસમુદ્રમાં મારી લઈએ.
વસુદેવજીને ત્યાં ચતુર્ભુજ નારાયણનો જન્મ થયો છે. વસુદેવજીને ત્યાં ‘આત્મજ’ થયો જ નથી. આત્મજ એટલે જે પોતાની કૂખમાંથી પ્રગટ થાય. ભગવાન આત્મજ થયા નંદબાબાને ઘરે, જ્યારે વસુદેવજીને ત્યાં નારાયણરૂપે પ્રગટ થયા છે. વસુદેવજી શ્રીકૃષ્ણને સ્વયં નારાયણ તરીકે માને છે, તેથી પોતાના પુત્ર તરીકે જોઈ શકતા નથી.
ભગવાન જેના શરીરથી પ્રગટ થાય છે, એના જ સંતાન (આત્મજ) બને છે, એવું નથી. ભગવાન એના જ સંતાન બને છે, જેના હૃદયમાં ભગવાન માટે પોતાના સંતાનનો ભાવ છે. ભગવાન ભાવથી જ કોઈના પણ સંતાન બની જાય છે. ભગવાને ગીતામાં જાતે કહ્યું છે,
‘ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।’ અર્થાત્ જે ભક્તજન જે ભાવથી મારી સાથે જોડાય છે, એને એ જ સંબંધથી હું પ્રાપ્ત થઉં છું.
નંદ-યશોદાના ભાવમાં શ્રીકૃષ્ણ પોતાનું સંતાન છે, જ્યારે વસુદેવ-દેવકીના ભાવમાં સાક્ષાત્ પરમબ્રહ્મ પરમાત્મા કરુણા કરીને તેમના સંતાનરૂપે પ્રગટ થયા છે. વસુદેવ-દેવકીમાં સંતાનનો ભાવ અલ્પ છે, અને નારાયણનો ભાવ વધુ છે. જ્યારે ભગવાન કંસનો વધ કરી વસુદેવ-દેવકી પાસે ગયા ત્યારે તેમણે શ્રીકૃષ્ણને હૃદયસરસા ચાંપ્યા નથી. શા માટે? કારણ કે વસુદેવ-દેવકીના મનમાં શ્રીકૃષ્ણ પ્રત્યે ભગવાનના ભાવની પ્રબળતા વધુ છે અને સંતાનભાવની પ્રબળતા અલ્પ છે. स्वस्वजाते न शङ्कितौ (ભાગવત, 10.44.51)
જ્યારે નંદ-યશોદાની અંદર શ્રીકૃષ્ણ પ્રત્યે કેવળ પોતાના સંતાનની ભાવના જ પ્રબળ છે. એટલા માટે ભાગવતકાર કહે છે,
नन्दस्त्वात्मज उत्पन्ने जाताह्लादो महामनाः।
आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः॥
(ભાગવત, 10.5.1)
જેના ઘરે આનંદરૂપ પરમાત્મા પ્રગટ થાય છે, તેના હૃદયમાં કૃપણતા રહેેતી નથી. બંધ થયેલી મૂઠી ખૂલી જાય છે. નંદબાબાનું મન મહાન થઈ ગયું. સમગ્ર સૃષ્ટિ ભગવાનનું સ્વરૂપ છે. એવા ભગવાન સ્વયં નંદબાબાને ત્યાં પ્રગટ થયા છે, એટલા માટે નંદબાબાનું મન મહાન થયું છે. નંદબાબાએ બે લાખ ગાયોનું દાન આપ્યું, દેવતાઓની પૂજા કરી, બ્રાહ્મણોની પૂજા કરી, તેમને દાન આપ્યું, ઇત્યાદિ.
धेनूनां नियुते प्रादाद्विप्रेभ्यः समलङ्कृते।
तिलाद्रीन् सप्त रत्नौघशातकौम्भाम्बरावृतान्॥
(ભાગવત, 10.5.3)
શાસ્ત્રોનો નિયમ છે, દાન આપવાથી ધનની શુદ્ધિ થાય છે. હમણાં જે બાળક જન્મ્યો છે, એ માતાનું દૂધ પીશે, અન્ન ખાશે અને જો એ અન્ન કે દૂધ શુદ્ધ નહીં હોય તો બાળકના સંસ્કાર ખરાબ થઈ જશે. કેટલીક વસ્તુઓ એવી છે જે કાળથી, સમયથી સ્વયં આપોઆપ પવિત્ર થઈ જાય છે. જેમ કે ધરતી ઉપર પાણી પડવું. કોઈ વસ્તુ ખરાબ થઈ હોય તો એને પાણીથી ધોઈ લો, શુદ્ધ થઈ જશે. કોઈ વસ્તુ સંસ્કારથી શુદ્ધ થાય છે, ઉદાહરણ ગર્ભાદિ. કોઈ વસ્તુ તપસ્યાથી શુદ્ધ થાય છે, ઉદાહરણ ઇન્દ્રિયાદિ. કોઈ યજ્ઞથી શુદ્ધ થાય છે, ઉદાહરણ બ્રાહ્મણાદિ. ધન શુદ્ધ થાય છે દાનથી, મન શુદ્ધ થાય છે સંતોષથી. તો આત્માની શુદ્ધિ કેવી રીતે થાય છે? આત્મા તો શુદ્ધ જ છે, એની શુદ્ધિ કેવી? આત્માને તેના મૂળ સ્વરૂપે જાણી લેવાથી આપણા મનમાં નીચે મુજબની ચાર ભ્રમણાઓ રહેતી નથી.
(૧) પાપ-પુણ્યરૂપ જે કર્મ છે, એનો કર્તા સ્વયંને માનતો નથી.
(૨) સુખ-દુ:ખનો ભોક્તા સ્વયંને માનતો નથી.
(૩) લોક-પરલોક અને પુનર્જન્મ ઇત્યાદિમાં સ્વયંનું આવાગમન માનતો નથી.
(૪) સ્વયંને પરિછિન્ન (ભિન્ન) માનતો નથી.
નંદબાબાએ બ્રાહ્મણો, બંદીજનો અને વ્રજવાસીઓને ખૂબ ભેટસોગાદો આપી છે. નંદોત્સવમાં એક એક દ્વાર, એક એક ઘર, એક એક આંગણું પરિપૂર્ણ થઈ ગયાં છે. બધાના ઘર ઉપર વિવિધ રંગની પતાકાઓ ફરકાવવામાં આવી છે. બધાં ગાય-વાછરડાઓને હળદર અને તેલથી રંગીને તેમનાં શિંગડાંને સુશોભિત કરવામાં આવ્યાં છે. ગાયોના ગળામાં સુંદર ઘંટીઓ પહેરવામાં આવી છે, એમને વસ્ત્રથી ઢાંકી દેવામાં આવી છે.
सौमङ्गल्यगिरो विप्राः सूतमागधवन्दिनः।
गायकाश्च जगुर्नेदुर्भेर्यो दुन्दुभयो मुहुः॥
(10.5.4)
જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો છે તો ગોપીઓ પોતાનો સુંદર શૃંગાર કરી યશોદાના મહેલ તરફ દોટ મૂકે છે. ગોપીઓના સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરવા, શૃંગાાર કરવો, સર્વકંઈ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે જ છે. ગોપીઓનાં બધાં જ ક્રિયાકલાપો શ્રીકૃષ્ણ પ્રિત્યર્થ છે.
नवकुङ्कुमकिञ्जल्कमुखपङ्कजभूतयः।
बलिभिस्त्वरितं जग्मुः पृथुश्रोण्यश्चलत्कुचाः॥
(10.5.10)
શ્રીકૃષ્ણ-જન્મના સમાચાર સાંભળીને ગોપી બાવરી બની યશોદાજીના મહેલ તરફ દોડી રહી છે, ત્યારે એ ગોપીઓનું વર્ણન કરતાં શુકદેવજી ભગવાન કહે છે, ‘જાણે ગોપીઓના મુખ પર કોઈએ કેસર છાંટ્યું હોય! એમનું મુખમંડળ નવપરાગ સમ લાગી રહ્યું છે. હજારો જન્મથી જે બ્રહ્મસંબંધ વિચ્છેદ થયો હતો, એ બ્રહ્મસંબંધની આજે પુન: સ્થાપના થઈ રહી છે. બધી ગોપીઓ એક સુંદર વૃત્ત બનાવીને ગોળ ગોળ ઘૂમી રહી છે, રાસ અને ગરબા લઈ રહી છે. કેટલીક ગોપીઓ તો એમની ઉપર દૂધ-દહીં અને કેસરના જળની છોળો ઉડાવી રહી છે.
ગોપી કોઈ પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે ઇતરલિંગ નથી. ગોપી અર્થાત્ ગો=ઇન્દ્રિયો અને પી=પીવું. જે પોતાની સર્વ ઇન્દ્રિયોથી શ્રીકૃષ્ણનું પાન કરી રહી છે, તેનું નામ ગોપી. ગોપીઓ પોતાના હાથમાં દૂધ અને દહીંની મટુકી લઈને યશોદાજીના પ્રસૂતિગૃહની બહાર આવી પહોંચી છે. ત્યાં તો એમને યશોદામૈયાના ખોળામાં બાળકૃષ્ણનાં દર્શન થયાં. દર્શન થતાંની સાથે જ ગોપીઓને ખુલ્લી આંખે સમાધિ લાગી ગઈ છે. હજારો જન્મથી જે જીવનો બ્રહ્મસંબંધ વિચ્છેદ થયો હતો, તેની આજે પુન: સ્થાપના થઈ છે. ગોપીઓ ઉંબરાની બહાર સ્તબ્ધ બનીને ઊભી ઊભી એકીટશે બાળકૃષ્ણનાં દર્શન કરી રહી છે. યશોદામૈયા ગોપીઓને વારંવાર અંદર આવીને તેમની માટે રાખેલી ભેટસોગાદો લઈ જવાનું કહે છે, પરંતુ ગોપીઓના કર્ણપટલ પર આ શબ્દોનો પ્રહાર થતો નથી. ગોપીઓની બધી જ વૃત્તિ બાળકૃષ્ણના ચરણારવિંદમાં એકાગ્ર બની છે.
‘मुरारिपादार्पितचित्तवृत्ति:।’
ભગવાને યોગમાયાને આદેશ કરીને ગોપીઓની સમાધિ ભંગ કરાવી છે. ગોપીઓ યશોદા માતાને વૃત્ત બનાવીને ઘેરી વળી છે અને લાલાને પોતાના હૃદયથી આશીર્વાદ આપતાં કહે છે, ‘ता आशिष: प्रयुञ्जानाश्चिरं पाहितिबालके।’ (ભાગવત, 10.5.12) ‘હે ઈશ્વર વારંવાર આ બાળકની રક્ષા કરજો.’ કોઈ કોઈ ગોપી કહે છે, ‘તું તો અમારા ઘરમાં રાજા બનીને આવ્યો છો. અમારા સર્વનો પ્રિય છો. ચિરકાળ સુધી અમારી રક્ષા કરજે.’ ગોપીઓના હૃદયનો પ્રેમ નેત્રનાં અશ્રુ બનીને પ્રગટ થયો છે. ભગવાનનું પ્રથમ સ્નાન ગોપીઓનાં નેત્રોના અશ્રુઓથી થઈ રહ્યું છે.
‘યમુનાજળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા,
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા.’
ગોપીઓ એકબીજા ઉપર હળદર, ચંદન, કંકુમિશ્રિત જળનો છંટકાવ કરી રહી છે. માર્ગમાં જે કોઈ બાળક, યુવા, વૃદ્ધ મળે છે, તેને ઘેરી વળે છે અને તેની ઉપર જળનો છંટકાવ કરી, દૂધ-દહીંનો અભિષેક કરે છે.
ता आशिषः प्रयुञ्जानाश्चिरं पाहीति बालके।
हरिद्राचूर्णतैलाद्भिः सिञ्चन्त्योऽजनमुज्जगुः॥
(ભાગવત, 10.5.12)
વાજાં વાગી રહ્યાં છે, મંગળ ગીતો ગવાઈ રહ્યાં છે. કારણ કે આજે તો સ્વયં વિશ્વેશ્વર ભગવાન નંદબાબાના વ્રજમાં પ્રગટ થયા છે. ગોપબાળકો પ્રસન્ન થઈને માખણના લોંદાનો એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે.
બધા ગોપજનોએ નંદબાબાને ગામના ચોરે પાટલા પર આસન્ન કરી, એમની ઉપર હળદર, દહીં, દૂધનો અભિષેક કર્યો છે. ‘હર હર મહાદેવ’નો નાદ કરીને કેસરના જળથી સ્નાન કરાવવામાં આવ્યું છે.
नन्दो महामनास्तेभ्यो वासोऽलङ्कारगोधनम्।
सूतमागधवन्दिभ्यो येऽन्ये विद्योपजीविनः॥
(ભાગવત 10.5.15)
નંદબાબાના આનંદની કોઈ સીમા રહી નથી. નંદબાબાએ આજે પોતાના સર્વ રત્નોનો ભંડાર ખોલી દીધો છે. જ્યારે રત્નોના ભંડારના દરવાજા ખૂલી ગયા અને ગોપજન અંદર જઈને જુએ છે તો ચાંદીથી ભરેલો ભંડાર છે. એક ગોવાળ હરખપદૂડો થઈને એના માથા ઉપર જેટલી ચાંદી લેવાય એ લઈને બહાર નીકળે છે, ત્યાં તો એણે સાદ સાંભળ્યો કે સોનાનો ભંડાર ખૂલો થઈ ગયો છે. તે તુરત ચાંદી મૂકી સોનું લેવા માંડ્યો. જ્યાં સોનું લઈને બહાર નીકળવા જાય છે, ત્યાં તો સાંભળ્યું કે હીરા-મોતીનો ભંડાર ખૂલો થયો છે. આવી રીતે સમગ્ર વ્રજભૂમિ ચાંદી, સોના, હીરા-મોતીઓથી સુશોભિત થઈ ગઈ છે. નંદબાબા એવા છે કે એમને અનંત સંપત્તિરૂપ ઈશ્વર-સંપત્તિ પ્રાપ્ત છે, એટલે નંદબાબાના મનમાં દીનતા ક્યાંય છે જ નહીં.
આ સમગ્ર નંદોત્સવમાં રોહિણીજી સમાવિષ્ટ થયાં ન હતાં. પ્રોષિત-પતિકા માટે શાસ્ત્રમાં ધર્મ છે કે તે સમાજના ઉત્સવ-દર્શનથી દૂર રહે છે. જો પતિ પરદેશમાં હોય તો પત્નીએ સમાજના કોઈ પણ ઉત્સવમાં સંમિલિત થવું જોઈએ નહીં, કારણ કે ઉત્સવમાં નવશૃંગાર કરવા પડે છે. તેથી રોહિણીજી આ ઉત્સવથી દૂર રહ્યાં છે. પરંતુ જ્યારે નંદબાબાને ખબર પડી ત્યારે તેમણે રોહિણીજીને કહ્યું, ‘આ તો તમારું જ બાળક છે. કોઈ બીજાના ઘરનો ઉત્સવ થોડો છે?’ અને રોહિણીજી દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કરી ઉત્સવમાં સર્વ સાથે દિવ્ય આનંદનો સ્વાદ લે છે.
रोहिणी च महाभागा नन्दगोपाभिनन्दिता।
व्यचरद्दिव्यवासस्रक्कण्ठाभरणभूषिता॥
(ભાગવત 10.5.17)
વ્રજનું વર્ણન બે રીતે કરવામાં આવે છે. એક નિત્ય વ્રજના રૂપમાં અને એક લૌકિક વ્રજના રૂપમાં. લૌકિક વ્રજ એ છે જ્યાં વ્રજનાં નરનારી બળદગાડામાં રહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરતાં રહેતાં હતાં. વ્રજ એટલે ચાલતી-ફરતી વસતી. જ્યાં એમના પશુધનને અનુકૂળ સ્થાન મળી જાય ત્યાં રહી જતાં હતાં. નિત્ય વ્રજ માટે એવું કહેવાય છે કે એના ઘાટ પણ અમૂલ્ય હિરાઓથી જડેલા હતા. એક વાર શ્રીહરિદાસજી મહારાજ પાસે ત્યારના દિલ્હી દરબારનો શહેનશાહ અકબર આવ્યો હતો. અકબરે વારંવાર શ્રીહરિદાસજીની કંઈક સેવા કરવાની ઇચ્છા પ્રગટ કરી છે, ત્યારે હરિદાસજી મહારાજે કહ્યું, ‘અરે, અમે તો સાધુ લોકો છીએ. અમારે કશાની જરૂર નથી.’ પરંતુ અકબરની વારંવાર વિનંતીથી શ્રીહરિદાસજી મહારાજે કહ્યું, ‘જાઓ, યમુના કિનારે એક ઘાટ છે, તેની નાનકડી સીડી તૂટી ગઈ છે, એનું નિર્માણ કરી દો.’ અકબર ઘાટ જોવા ગયો તો તેની આંખો ઘાટની સીડીઓ જોઈને સ્તબ્ધ બની ગઈ છે. એક એક સીડી દિવ્ય બહુમૂલ્ય રત્નોથી ભરેલી હતી. તેનો એક ખૂણો તૂટેલો હતો. અકબર આ દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છે. તે શ્રીહરિદાસજી મહારાજ પાસે આવીને કહે છે, ‘મહારાજ, માફ કરો. હું મારી બધી બાદશાહી વેંચી નાખું તોપણ આ તૂટેલી સીડીનો ખૂણાની મરામત નહીં કરાવી શકું.’ વ્રજભૂમિની આવી દિવ્ય મહિમા છે.
Your Content Goes Here




