(શ્રી પરેશકુમાર અંતાણી નિવૃત્ત અધિક કલેક્ટર અને સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર, જૂનાગઢના પ્રમુખ છે. તેઓ દીર્ઘકાળથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે સંકળાયેલા છે. – સં.)

જૂનાગઢ જિલ્લામાં આવેલ ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચો અને હિમાલયથી પણ પૂર્વે રચાયેલ, પુરાતન કાળનો અગ્નિકૃત ખડકોનો બનેલ પર્વત છે. અહીં સિદ્ધ ચોર્યાશીનાં બેસણાં છે. પ્રાચીન અને અર્વાચીન બંને રીતે ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. દરેક ધર્મના લોકો માટે પવિત્ર યાત્રાધામ છે.

રોપ-વેની સગવડના કારણે ગિરનાર પર્વત પર યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે. ગિરનારનું સૌથી ઊંચું શિખર ગુરુ દત્તાત્રેય છે. ગિરનારમાં ૮૦૦થી વધુ મંદિર આવેલ છે. અહીંની ગુફાઓમાં સંત-સાધુ એકાંતમાં તપસ્યા કરે છે. ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર, મુચુકુંદ ગુફા, રાધા-રમણનું મંદિર અને દામોદર કુંડ, અશોકનો શિલાલેખ જેવાં જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે.

ઠાકુર-ભક્તો માટે ગિરનાર અને જૂનાગઢનું વિશેષ મહત્ત્વ છે. અહીં સ્વામી વિવેકાનંદ ત્રણ વખત આવ્યા હતા અને એક ગુફામાં તપશ્ચર્યા કરી હતી. ગિરનાર પર્વતની તળેટીમાં લોકોનો જમાવડો વર્ષમાં બે વખત થાય છે. એક મહા શિવરાત્રી મેળો.

પ્રતિ વર્ષ શિવરાત્રીના પવિત્ર દિવસે ભવનાથ મંદિર પાસે ભવ્ય મેળો ભરાય છે. તેમાં સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતોના યાત્રિકો આવે છે. શિવરાત્રીના દિવસે જુદા જુદા અખાડાના સાધુઓની શોભાયાત્રા નીકળે છે, તે લોક-આકર્ષણનું કેન્દ્ર છે. રાત્રે ૧૨ વાગ્યે ભવનાથ મંદિરમાં આવેલ મૃગી કુંડમાં સાધુના સ્નાન સાથે આ શોભાયાત્રા અને મેળો પૂર્ણ થાય છે. બીજો જમાવડો, ગિરનારની લીલી પરિક્રમા વખતે. વરસાદ પછી ગિરનારની વનરાજિ ખીલી ઊઠી હોય છે ત્યારે યોજાતી પરિક્રમા લોકમુખે લીલી પરિક્રમા તરીકે જાણીતી છે. પરિક્રમાનો માર્ગ જીણાબાવાની મઢી, માળવેલા, સૂરજકુંડ, સરકડીયા હનુમાન, બોરદેવી છે.

દર વર્ષે કારતક સુદ અગિયારસના દિવસે જિલ્લા વહીવટી અધિકારી, અગ્રણી અને સાધુસંતની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી, બંધૂકના ધડાકા સાથે રાત્રીના ૧૨ વાગ્યે પરિક્રમા શરૂ કરવા માટે ખુલ્લી મૂકે છે. પરિક્રમાવાસીઓની સંખ્યા લાખોથી ઉપર દર વર્ષે વધતી જાય છે. આ વિસ્તાર વન વિભાગ હેઠળ આવે છે, આથી પરિક્રમા ઉપર દેખરેખની કામગીરી તે કરે છે. પરિક્રમા દરમ્યાન જંગલી જાનવરોથી યાત્રિકોને બચાવવા વન વિભાગ ખાસ જહેમત ઉઠાવે છે, તે નોંધપાત્ર છે.

દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા કરવામાં આવે છે. ૩૬ કિલોમીટરની આ પરિક્રમા પુરાતન સમયથી ચાલુ છે. એક કથા અનુસાર ગિરનાર એ હિમાલયના પુત્ર છે, જે મહાદેવ અને પાર્વતીના લગ્નમાં હાજર રહી શક્યા નહીં, આથી શિવ-પાર્વતી ગિરનાર આવ્યાં અને તેમની સાથે કુબેર, વીર, નવનિધિ, જલદેવતા, અષ્ટવસુ, વગેરે આવ્યા અને ગિરનારની ૪ દિવસ સુધી પરિક્રમા કરી. આ મુજબ હાલમાં પણ પારંપરિક રીતે ૪ દિવસની પરિક્રમા થાય છે. પ્રાચીન કાળથી શરૂ થયેલ પરિક્રમા માત્ર એક જ વખત, બીજા વિશ્વયુદ્ધ વખતે બંધ હતી. કોરોના કાળમાં માત્ર સાધુસંતો દ્વારા આ પરંપરા નિભાવવામાં આવી હતી.

પહેલાંના સમયમાં ૫ દિવસમાં સાધુસંતો સીધુ-સમાન લઈ પરિક્રમા પૂર્ણ કરતા. હાલમાં પણ કેટલાય લોકો શાસ્ત્રીય રીતે પરિક્રમા કરે છે. પોતાની સાથે સીધુ લઈ જાય અને રસ્તામાં ભોજન રાંધતા અને ભજન કરતા હોય છે. સમય સાથે પરિવર્તન આવતાં પરિક્રમામાં પણ પરિવર્તન આવ્યું છે. હવે તો યુવાનો સાહસ અને શારીરિક, માનસિક મનોબળની મજબૂતીની ખરાઈ માટે પણ પરિક્રમા એક દિવસમાં પૂર્ણ કરે છે. વર્તમાન સમયમાં સામાજિક સંસ્થા દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.

પરિક્રમાના બીજા દિવસે જીણાબાવાની મઢીએ રોકાણ થાય છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામના સંત રહેતા, અને તેમણે ધૂણી ધખાવી હતી. તેથી આ જગ્યાનું નામ જીણાબાવાની મઢી પડ્યું છે. અહીં ધૂણી અને શિવજીનું મંદિર છે. પરિક્રમામાં લગભગ દરરોજ નવ કિલોમીટર જેટલો પંથ કાપવામાં આવે છે. પછીનો ઉતારો ગિરનારની મધ્યમાં આવેલ માળવેલા નામના સ્થળે થાય છે. આ જગ્યાએ સૂર્યનાં કિરણો પહોંચી શકતાં નથી તેટલી ઊંચી વેલ હોઈ આ જગ્યા એ નામે ઓળખાય છે. ઈંટની ઘોડી, સહસા વનની ઘોડી, અને નળપાણીની ઘોડી પસાર કરવી પડે. એમાંય વળી નળપાણીની ઘોડી યાત્રિકોની કસોટી કરે તેવી કઠિન છે.

ચોથા દિવસે યાત્રિકો ગિરનારની પૂર્વમાંથી શરૂ કરીને દક્ષિણ તરફ બોરદેવી સુધી ચાલતા પહોંચે છે. તે યાત્રિકો માટે રાત્રીરોકાણનું અંતિમ સ્થળ છે. રળિયામણા અને મનમોહક એવા ગાઢ જંગલ વચ્ચે આ સ્થળ છે. બાજુમાં નદી વહે છે. સ્કન્દ પુરાણમાં આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રા અને અર્જુનનાં લગ્ન થયાં હતાં. અંબિકા માતા અહીં બોરડીના સ્વરૂપમાં પ્રગટ થયાં હોવાથી આ સ્થળનું નામ બોરદેવી છે. પાંચમા અને છેલ્લા દિવસે યાત્રિકો અહીંથી ૯ કિલોમીટર દૂર આવેલ ગિરનારની સીડી પાસે પહોંચીને ભવનાથ મહાદેવનાં દર્શન કરી પોતાનાં સ્થાને પરત ફરે છે.

આ પરિક્રમાનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે આ પરિક્રમામાં જુદા જુદા વિસ્તારના લોકો, જુદા રીતરિવાજ, ધર્મ અને પહેરવેશ સાથે આવતા હોઈ તેઓની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. પરિક્રમામાં આવતા લોકો પ્રકૃતિના ખોળામાં ત્રિવિધ તાપથી મુક્ત થવા અને પુણ્યનું ભાથું બાંધવા માટે પણ આવે છે. પગપાળા આ પરિક્રમામાં કેડી, નાનાં-મોટાં ઝરણાં, સુગંધિત ઔષધિયુક્ત વાયુ લોકોને મંત્ર-મુગ્ધ કરીને દુઃખમાંથી, વ્યાધિમાંથી મુક્ત કરે છે.

આમ, ગિરનારની લીલી પરિક્રમા જિંદગીમાં એક વખત તો કરવી જ જોઈએ.

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.