(જાણીતા સાહિત્યકાર અને વિદ્વાન કટાર લેખક પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈએ લગભગ એકસો ગ્રંથો લખ્યા છે. તેઓ અનેક ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓ સાથે સંલગ્ન છે. – સં.)
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ શું રણભૂમિ પર અપાયેલો જીવનના વિષાદયોગ સમયે ઉપયોગમાં આવે તેવો ઉપદેશમાત્ર છે? શું શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માત્ર આસક્તિથી વિરક્તિની યાત્રાનો ઉપદેશ છે? શું શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માત્ર અર્જુનના સાત્ત્વિક મોહના ભ્રમનિરસન માટેનો ઉચ્ચતમ ભૂમિકા ધરાવતો સંવાદ છે? કે પછી શું ભગવદ્ ગીતા સંદેહથી શરૂ થઈને ‘ગતસંદેહ’ અર્થાત્ સંદેહ આથમી ગયો, ત્યાં સુધીની વાત છે?
શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી એક નહીં, કિંતુ અનેક રત્નો પ્રાપ્ત થાય છે. એના પ્રત્યેક સૂત્રમાં જીવનની પ્રત્યેક સ્થિતિ, પરિસ્થિતિ અને જીવન-અભિગમ પ્રત્યે પ્રકાશ પ્રાપ્ત થાય છે. વ્યક્તિ પોતાની જે સમસ્યા હોય એના નિવારણ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા પાસે જાય છે અને એમાંથી એ સાંત્વના પામે છે. સ્વયં મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ‘હું જ્યારે કોઈ પણ સમસ્યામાં અટવાઈ જતો ત્યારે ગીતામાતાને શરણે જતો. થોડી જ મિનિટોમાં ગીતા મારી સમસ્યા હલ કરી નાખતી.’
ગ્રંથોના ત્રણ પ્રકાર હોય છે. એક સર્વકાલીન, બીજા સમકાલીન અને ત્રીજા સામાન્ય. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એક સર્વકાલીન ગ્રંથ છે. સર્વકાલીન ગ્રંથો એવા હોય છે કે જે કોઈ પણ કાળે અને કોઈ પણ સમયે સદાય પ્રસ્તુત હોય છે. એ ગ્રંથોમાં ગૂંથાયેલું શાશ્વત સત્ય કોઈ પણ યુગને માર્ગદર્શક બને છે. દુર્ભાગ્યે આવા ગ્રંથોને કુંઠિત માનવબુદ્ધિ અમુક સમયમાં બાંધવાની કોશિશ કરે છે. કોઈ એ ગ્રંથને સંપ્રદાયમાં બાંધે છે, તો કોઈ એ ગ્રંથ પર ધર્મનાં આવરણ ચડાવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એક એવો સર્વકાલીન ગ્રંથ છે કે જે પ્રત્યેક જમાનાને સત્યનો અનુભવ કરાવે છે. આવા ગ્રંથો ક્યારેય કાલક્ષયી બનતા નથી, એ તો કાલજયી હોય છે. એમાં ત્રણેય કાળની સમસ્યાઓનું સમાધાન હોય છે. આ કાળ એટલે વીતી ગયેલો ભૂતકાળ, પ્રવર્તમાન વર્તમાનકાળ અને આવનારો ભવિષ્યકાળ.
આવા સર્વકાલીન ગ્રંથોનું નિર્માણ કોઈ એક વ્યક્તિ કે શક્તિ દ્વારા થતું હોય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગેશ્વર શ્રીકૃષ્ણે પોતાના યોગબળ દ્વારા માનવજાતના મહાન સત્યને પ્રગટ કર્યું અને ભગવાન વેદવ્યાસે એનું આલેખન કર્યું એ હકીકત છે, પરંતુ એ સત્યને કોઈ ધર્મ, રાષ્ટ્ર કે વ્યક્તિની સીમામાં બાંધી શકાય તેમ નથી. એ બાંધવા જનાર એને સીમિત કરી દેશે. આવા સર્વકાલીન ગ્રંથો કે મહાન ધર્મોને બાંધીને માનવીએ એની સંકુચિત મનોવૃત્તિનો કેવો વરવો અને દુઃખદ પરિચય આપ્યો છે!
વર્તમાન સમયમાં માત્ર આધ્યાત્મિક કે દાર્શનિક વિષયો સુધી જ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંબંધ મર્યાદિત નથી, પરંતુ માનવજીવનના પ્રત્યેક પાસા વિશે એણે ખૂબ ઊંડાણથી વિચાર્યું છે. એણે એ બીજ રોપ્યું છે, કે જેમાંથી વૃક્ષ થયું હોય, પરંતુ એ વૃક્ષના જીવનનો આધાર તો એ બીજ હોય છે. અરે! આજની વ્યાપક એવી હૃદયરોગની બીમારી વિશે પણ એની આહારમીમાંસા માર્ગસૂચક બની શકે તેમ છે.
આજે માનવજાતે ટેક્નોલોજીની હરણફાળ ભરી છે, પરંતુ એની સાથોસાથ હૃદયરોગથી પીડિત દર્દીઓની સંખ્યા પણ એટલી જ ઝડપે વધી રહી છે. ૩૫-૪૦ વર્ષની વયની વ્યક્તિઓના હૃદયરોગના હુમલાને કારણે થયેલા અવસાનના સમાચાર આજે આઘાતજનક લાગતા નથી. અમેરિકા કે સ્વીડન જેવા દેશોમાં તો મુરબ્બીઓ મળે ત્યારે એમણે કેટલાં ‘બાયપાસ’ ઓપરેશન કરાવ્યાં છે એના ખબરઅંતર પૂછતા હોય છે.
ભોજન પ્રત્યેનો અવિવેક, કાર્ય કરવાની અયોગ્ય શૈલી અને પ્રાતઃકાળે જાગવાના અને સૂવાના નીતિનિયમના અભાવે આ બીમારીને માનવજાતે સાદર નિમંત્રણ પાઠવ્યું છે. હૃદયરોગની બીમારી ખૂબ ઝડપથી વધી રહી છે, એનું કારણ માનવીની આવી અનારોગ્યમય જીવનશૈલી છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા સૂચવે છે કે જીવનના પ્રત્યેક કર્મમાં વ્યક્તિએ પૂર્ણરૂપે તલ્લીન થવું એ પહેલી વાત છે. ભોજન કરતો હોય ત્યારે એ ભોજનમાં અને ભજન કરતો હોય ત્યારે એ ભજનમાં લીન હોવો જોઈએ. આજે મોબાઇલ અને ટી.વી.ને કારણે વ્યક્તિનું ચિત્ત ભોજન સમયે પણ અન્યત્ર ખૂંપેલું હોય છે. આજે વ્યક્તિ ભોજન કરતી વખતે ભજનનો વિચાર કરતી હોય છે અને ભજન કરતી વખતે ભોજનનો વિચાર કરતી હોય છે. જે કોઈ ક્રિયા થાય એમાં પૂર્ણ તલ્લીનતાની આવશ્યકતા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના સત્તરમા શ્લોકમાં કહ્યું છે,
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा।।
(श्रीमद् भगवद्गीता ६/१७)
“યથાયોગ્ય આહાર-વિહાર કરનારના, કર્મોને યથાયોગ્ય કરનારના, યથાયોગ્ય નિદ્રા લેનારના અને યોગ્ય સમયે ઊઠનારના દુઃખને આ યોગ દૂર કરે છે.”
જેનો આહાર અને વિહાર યોગ્ય હોય એટલે કે જે મિતાહારી હોય. અતિભોજન કરીને અકળામણ અનુભવતો ન હોય, પરંતુ થોડો ભૂખ્યો રહેતો હોય કે ઊણોદરી વ્રત કરતો હોય તે યોગ્ય આહાર કહેવાય. યોગ્ય ભોજન એ ભૂખને ખાઈ જાય છે અને વધુ ભોજન એ ભોજન કરનારને ખાઈ જાય છે. માનવીનાં દર્દોનું મૂળ એના આહારમાં રહેલું છે. એક તો એ અતિ ભોજન કરે, વારંવાર તળવામાં આવેલા તેલમાં બનેલું ભોજન ખાય, મિષ્ટ કે ચરબીયુક્ત ખોરાક લે તો પછી સામે ચાલીને હૃદયરોગને આલિંગન આપે છે. માણસ એની જીભથી પોતાની કબર ખોદતો હોય છે. એનો અર્થ એ કે એના જીભના સ્વાદના કારણે માણસ મૃત્યુ પામતો હોય છે, આથી ભૂખથી થોડો ઓછો આહાર લેવો જોઈએ. આહારને માટે હિત, મિત અને પથ્ય એમ ત્રણ બાબત મહત્ત્વની લેખવામાં આવે છે. હિત એટલે કે હિતકર અર્થાત્ જે સ્વાસ્થ્યને હિતકારક હોય તેવો ખોરાક લેવો. મિત અર્થાત્ મર્યાદિત અને પથ્ય એટલે પાચન થાય તેવો ખોરાક લેવો. આથી આપણે જાણીએ છીએ કે આ જગતમાં ભૂખને કારણે મરી જનારાઓ કરતાં વધુ પડતું ખાવાને કારણે મરી જનારાઓની સંખ્યા વધુ છે.
૧૭મા અધ્યાયના સાતમા શ્લોકમાં આ આહારની ચર્ચા મળે છે.
आहारस्त्वपि सर्वस्व त्रिविधो भवति प्रियः।
यज्ञस्तपस्ताथा दानं तेषां भेदमिमं शृणु।
(श्रीमद् भगवद्गीता १७/७)
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે આહાર પણ સહુને ત્રણ પ્રકારનો પ્રિય હોય છે, તેમ જ યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ પ્રકારનાં હોય છે. તેઓ અર્જુનને એનો ભેદ સંભળાવે છે, પણ આ સંદર્ભમાં પહેલાં ત્રણ પ્રકારના આહારનો વિચાર કરવો જોઈએ.
મનુષ્યો ત્રણ પ્રકૃતિ ધરાવતા હોય છે. સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એની આ પ્રકૃતિ સાથે આહારનો સબંધ છે. જેવો જેનો સ્વભાવ હોય, તેવો આહાર એને પ્રિય લાગે છે. વ્યક્તિના સ્વભાવ સાથે એના આહારનું અનુસંધાન શ્રીમદ્ ભગવદ્ ગીતા દર્શાવે છે. આહારની જરૂર તો એ માટે છે કે એનાથી શરીર ટકાવી શકાય છે. આ શરીર ભોગવિલાસનું સાધન નથી, પરંતુ ધર્મનું સાધન છે. શરીર પ્રત્યેની ભગવદ્ ગીતાની દૃષ્ટિ આજના દેહપ્રદર્શનના યુગમાં કેટલી બધી વિસરાઈ ગઈ છે! સ્વસ્થ શરીર દ્વારા વ્યક્તિ યોગ્ય રીતે ધર્મપાલન કરી શકે છે. જો શરીર સ્વસ્થ ન હોય તો પછી ધર્મક્રિયા કઈ રીતે થાય? ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ ઉક્તિ કેટલી યથાર્થ છે! જીવનમાં સુખ આપતાં સાધનોનો વૈભવ હોય, પ્રગતિના ઊંચા પથ પર જવાની ક્ષમતા હોય અને છતાં સ્વસ્થ શરીર ન હોય તો એ સઘળો સુખવૈભવ દુઃખ, વેદના અને વ્યાધિમાં પરિવર્તન પામે છે.
વર્તમાન સમયમાં ચોતરફ હૃદયરોગની બીમારી જોવા મળે છે, ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદેશ એ સંદર્ભમાં વિચારવા જેવો છે. આ ગ્રંથોએ મૂળગામી સત્યની વાત કરી છે, જેની ઉપેક્ષા કે અવગણના અનેક અનિષ્ટો, રોગો અને વિનાશ સર્જી શકે છે.
આ શરીરને અતિ કષ્ટ આપી, ક્રૂર અને કઠોર તપ કરી એને સૂકવી નાખવાનું અથવા તો એના તરફ સૂગ કે વેરભાવ રાખવાનું યોગ્ય નથી. આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ જેમ ધર્મ અને મોક્ષ પામવા માટે કઠોર તપ કરી શરીરને કૃશ કરવાની વાત મળે છે, તો બીજી બાજુ અતિ મિષ્ટ ભોજન અને ઇન્દ્રિયોના ભોગવિલાસ દ્વારા શરીરને ખૂબ સુખપૂર્વક રાખવાની વાત મળે છે. ‘આવું સ્વાદિષ્ટ ભોજન મળે છે તો કેમ જમવું નહીં?’ એમ કહેનારા તમને ઘણા મળશે. જીભના સ્વાદને વશ થઈ વર્તનારાઓ શરીરની ઐસીતૈસી કરીને વાનગીઓ ઝાપટતા હોય છે.
***
લંકાપતિ રાવણ મહાપ્રતાપી, યુદ્ધ વિશારદ, કુશળ રાજનીતિજ્ઞ અને ઐશ્વર્યસંપન્ન હતો. એણે કુબેર પાસેથી સોનાની લંકા અને પુષ્પક વિમાન પણ પડાવી લીધું હતું. આ રાવણે ઘોર તપ કર્યું, પરંતુ એ તપ અહંકારરહિત નહોતું. એ ઘોર તપની પાછળ એનો હેતુ તો દૈત્ય, દાનવ કે યક્ષ કોઈ તેને મારી ન શકે એવું વરદાન પ્રાપ્ત કરવાનો હતો. આ રીતે આ ઘોર તપની પાછળ રાવણનો અહંકાર રહ્યો હતો અને આવી અહંકારી વ્યક્તિ જે તપ કરે છે તે અશાસ્ત્રીય હોય છે, અર્થાત્ એ સાચું તપ હોતું નથી.
રાક્ષસોના રાજા હિરણ્યકશિપુએ પણ આવું ઘોર તપ કર્યું હતું. બ્રહ્મા પાસેથી એણે વરદાન મેળવ્યું હતું કે દેવ, અસુર, ગંધર્વ, પશુ-પક્ષી, મનુષ્યના હાથે તે મૃત્યુ ન પામે, તે અસ્ત્ર, શસ્ત્ર, વૃક્ષ, પથ્થર, લીલા કે સૂકા પદાર્થથી મરે નહીં, તે દિવસે કે રાત્રે ન મરે, તે ઉપર કે નીચે, ઘરની અંદર કે બહાર મૃત્યુ ન પામે. એને આ વરદાન હોવાથી વિષ્ણુભક્ત એવા પોતાના જ પુત્ર પ્રહ્લાદને ખૂબ હેરાન કર્યો. પ્રહ્લાદ અનેક આપત્તિઓ સહેવા છતાં અડગ રહ્યો. મહાત્મા ગાંધીજીએ તો પ્રહ્લાદને સહુથી પહેલો સત્યાગ્રહી કહ્યો હતો. હિરણ્યકશિપુનું તપ એ અહંકારયુક્ત તપ હતું અને તેથી એ તપ ભગવદ્ ગીતાના કહેવા પ્રમાણે મૂઢતાપૂર્વકનું અને શાસ્ત્રમાં ન કહ્યું હોય તેવું ઘોર તપ હતું. આવા તપનું શું પરિણામ આવ્યું તે આપણે જાણીએ છીએ. આ તપને અશાસ્ત્રીય કહેવામાં આવે છે કારણ કે રાવણને વિભીષણ, હનુમાન વગેરે શાસ્ત્રવચનો કહે છે, પણ તે એની પરવા કરતો નથી. ભગવદ્ ગીતા આવા તામસ તપથી દૂર રહેવાનો બોધ આપે છે. બીજી બાજુ કેટલાક લોકો ખાન-પાન અને ઇન્દ્રિયોના વિલાસ દ્વારા દેહનું અતિ લાલનપાલન કરે છે, તે વિશે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાની આહારમીમાંસા જોઈએ.
શ્રીમદ્ ભગવદ્ ગીતા સાત્ત્વિક આહાર કેવો હોય એ વિશે પણ વિગતે વાત કરે છે. આ સાત્ત્વિક આહાર સત્ત્વ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારો હોવો જોઈએ. વ્યક્તિના આહાર પરથી એનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. તામસી લોકોનો આહાર ઉત્તેજના જગાડે તેવો, નિદ્રા વધારે તેવો, ચરબીયુક્ત અને સ્થૂળતા ધરાવતો હોય છે, જ્યારે રાજસી વ્યક્તિનો આહાર જીવનમાં સ્ફૂર્તિ અને ત્વરા પેદા કરે તેવો હોય છે. પરંતુ સાત્ત્વિક વ્યક્તિનો આહાર લયબદ્ધ સંગીત જેવો હોય છે. એમાં સાત્ત્વિકતા, સ્વસ્થતા અને તંદુરસ્તીનો વિચાર કરવામાં આવ્યો હોય છે. સાત્ત્વિક માનવી પ્રકૃતિ અનુસાર જીવતો હોવાથી એનું જીવન વધુ સ્વસ્થ રહે છે. આનું ઉત્તમ ઉદાહરણ રામાયણમાં રાજર્ષિ ભરતના જીવનપ્રસંગમાં દૃષ્ટિગોચર થાય છે. ગુહરાજાએ ત્રણ પ્રકારના ભોજનના થાળ એમને માટે તૈયાર કર્યા હતા અને એના પરથી એમને ભરત સાત્ત્વિક છે, રાજસિક છે કે તામસિક છે એની પરીક્ષા કરવી હતી. પરંતુ આ સમયે ભરતે કહ્યું કે શ્રીરામના ચરણનાં દર્શન કર્યા સિવાય હું પાણી પણ પીવાનો નથી. આ ઉદાહરણમાં ભરતની ગુણાતીત અવસ્થા પ્રગટ થાય છે, પરંતુ ભોજન દ્વારા વ્યક્તિની પ્રકૃતિ પામી શકાય એનો આમાં સ્પષ્ટ સંકેત મળે છે.
સાત્ત્વિક આહાર લેનારી વ્યક્તિ ભોજન સમયે એ વિચાર કરે છે કે આ ભોજન મને સ્વસ્થ અને આરોગ્યમય રાખે તેવું છે કે નહીં? એમાં તેજ, તત્ત્વ અને સાત્ત્વિક બળ નિહિત છે કે નહીં. શ્રીમદ્ ભગવદ્ ગીતા કેવું ભોજન હોવું જોઈએ એની પણ વાત કરે છે. એ કહે છે કે એવો આહાર હોવો જોઈએ કે જે આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય અને પ્રીતિ વધારનારો હોય. એ રસયુક્ત હોવો જોઈએ. સ્નિગ્ધ, ચિકાશવાળો હોય એટલે કે એમાં ઘી-દૂધ પણ જોઈએ. પરંતુ એવો ખોરાક ન હોવો જોઈએ કે જે તરત જ પચી જાય તેવો હોય, બલ્કે, ‘સ્થિરા’ એટલે કે એ ભોજન થોડા સમય પછી પચે તેવું હોવું જોઈએ. વળી ‘હૃદ્યા’ એટલે કે સ્વભાવથી જ એ હૃદયને આનંદ આપનારો હોય એટલે કે બળની સાથે એ આનંદદાયી પણ હોવો જોઈએ અને આવો ખોરાક સાત્ત્વિક પુરુષોને અતિ પ્રિય હોય છે.
રાજસીવૃત્તિ ધરાવનારનો ખોરાક કેવો હોય છે? એ કડવો, ખાટો, ખારો, ગરમાગરમ, તીખો તમતમતો, કોરો, મુખ અને છાતીમાં બળતરા કરે તેવો ખોરાક ખાતો હોય છે. અતિ પ્રવૃત્તિશીલ રાજસી સ્વભાવ ધરાવનારી વ્યક્તિને એવું ભોજન પ્રિય હોય છે કે જે ભોજનથી જીવનમાં ઉત્તેજના આવે. તેઓ આહારમાં ઉત્તેજક પદાર્થો લેવાનું વધારે વિચારે છે અને તેને પરિણામે રાજસવૃત્તિ ધરાવતી વ્યક્તિ વારંવાર તીખા-તમતમતા અને ખારા પદાર્થો તરફ દોડતી હોય છે. આવી વ્યક્તિને મીઠું અને મરચું બેઉનો ભારે મોહ હોય છે અને આજે બજારમાં વેચાતી તળેલી, ચટપટા સ્વાદવાળી વાનગીઓ આ વૃત્તિ ધરાવનારાઓને વિશેષ પ્રિય છે. આજના વ્યસ્ત જીવનમાં આવી વેફર્સ કે બીજી તળેલી ચીજવસ્તુઓ ખાવાનો ભારે મહિમા જોયો છે. ટેલિવિઝન પર પણ આની લોભામણી જાહેરાતો આવતી હોય છે. આ આહાર જીભને ગમે, એનાથી મનને ધક્કો લાગે, પરંતુ આવું ભોજન એ આરોગ્યને હાનિકારક નીવડે છે. રાજસી માણસના ભોજનમાં એની પ્રકૃતિ પ્રગટ થયા વિના રહેતી નથી. એ સતત પ્રવૃત્તિશીલ હોવાથી આખી રાત પડખાં ઘસ્યા કરે છે અને કામ વગર પણ દોડધામ કરતો રહે છે. એના ભોજનમાં એવા પદાર્થો હોય છે કે જે એની ચંચળતા અને ગુસ્સાને વધારે છે.
તામસી વ્યક્તિઓના આહારની વાત કરતાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે, “તામસી લોકોને તો પ્હોર વીતી ગયેલા (ઠંડા થઈ ગયેલા) સ્વાદ અને રસમાં ઊતરી ગયેલા, ગંધાતા, રાતવાસી, બીજાએ એઠાં કરેલા, અપવિત્ર પદાર્થો જ ભાવતું ભોજન હોય છે.”
આનો અર્થ એ કે તામસી લોકોનું ભોજન એ રાજસી વ્યક્તિઓના ભોજન કરતાં તદ્દન જુદું હોય છે. જેમ કે રાજસી વ્યક્તિ તીખું-તમતમતું ભોજન પસંદ કરે છે પછી ભલે એની હોજરી અને આંતરડાંમાં ચાંદાં પડે કે એ એસીડીટીથી પરેશાન થાય, પણ તામસી વ્યક્તિ ગરમને બદલે તદ્દન ઠરી ગયેલું ભોજન જમે છે. એને અતિ ઠંડું પાણી કે આઇસ્ક્રીમ જેવા અતિ ઠંડા પદાર્થો ખૂબ પસંદ હોય છે. કારણ કે તામસી લોકોને નિદ્રા કે તંદ્રા અતિ પ્રિય હોય છે. જેનાથી ઊંઘ આવે એવા પદાર્થો એને પસંદ હોય છે. અત્યંત ઠંડા થઈ ગયેલા અને વાસી પદાર્થો એને ગમતા હોય છે.
અતિ પ્રવૃત્તિશીલ રાજસી વ્યક્તિને ઊંઘવા માટે ગોળી લેવી પડે છે, પણ અતિ ઊંઘણશી એવી તામસી વ્યક્તિને ઊંઘની બાબતમાં કુંભકર્ણનું વરદાન હોય છે. ઠંડા અને વાસી પદાર્થોથી મળેલી ઊર્જા તામસી વ્યક્તિના મસ્તક સુધી પહોંચતી નથી અને તેથી તામસી વ્યક્તિ સ્થૂળ અને ઓછી બુદ્ધિવાળો બની જાય છે. એ એવું ભોજન પસંદ કરે છે કે જે એનામાં આળસ, પ્રમાદ અને નિદ્રા વધારતું રહે. પરિણામે આવી વ્યક્તિઓને ‘અપવિત્ર’ વાનગીઓ ખૂબ ગમે છે.
વ્યક્તિના ભોજન સાથે એના મનનું અને જીવનશૈલીનું જોડાણ હોય છે. સાત્ત્વિક વ્યક્તિ એના શાંત, સ્વસ્થ શરીરને કારણે સહુને પ્રેમ આપી શકે છે. અતિપ્રવૃત્તિશીલ એવી રાજસી વ્યક્તિ પાસે પ્રેમ આપવાનો સમય હોતો નથી, જ્યારે તામસી વ્યક્તિ માત્ર પ્રેમની યાચના કર્યા કરે છે. આમ, શ્રીમદ્ ભગવદ્ ગીતાએ આહારના ત્રણ ભેદો બતાવીને એને માનવીના જીવન, પ્રવૃત્તિ અને ચિત્ત સાથે અદ્ભુત રીતે સાંકળી બતાવ્યા છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી. સંત વિનોબાજી કહે છે: ‘મારું તન માતાના દૂધથી પોષાયું છે, તો મારાં મન-બુદ્ધિ ગીતામાતાના દૂધથી પોષાયાં છે.’ વિનોબાજી સંત, ચિંતક અને દાર્શનિક હતા અને એવા દાર્શનિક પોતાના મન અને બુદ્ધિને ભગવદ્ ગીતાથી પોષણ પામેલાં કહે તેનો કેટલો બધો મહિમા છે! માતાનું દૂધ પીનારું બાળક નબળું કે દૂબળું ન હોય એમ ગીતાજ્ઞાનને પચાવનાર માણસ પુષ્ટ હોય છે. તેનું શરીર સ્વસ્થ્ય હોય, સ્વાસ્થ્ય પૂર્ણ હોય, બુદ્ધિ વિવેકી હોય, મન મસ્ત હોય અને આત્મા પ્રસન્ન હોય.
આજના યુગમાં હૃદયરોગ માનવજાતિનો મહારોગ બની ચૂક્યો છે, ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાએ આ હૃદયરોગ અંગે એક મહત્ત્વનો સંદેશ આપ્યો છે. આજે હૃદયરોગના કારણમાં વ્યક્તિના જીવનમાં પ્રાણાયામ કે અન્ય વ્યાયામનો અભાવ, વ્યસનની ખરાબ આદત અને અનુચિત આહારને માનવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાએ યોગ્ય અને ઉચિત આહારની જે વિચારણા આપી છે તે આજના યુગને અને વિશેષે હૃદયરોગ તથા અન્ય રોગોથી ઘેરાયેલા સમાજને દિશાદર્શન આપે તેવી છે. એ કહે છે કે તમે તમારા આહારનો વિચાર કરો. વ્યક્તિ કયા પ્રકારનો આહાર લે છે એના ઉપરથી તમે એનાં મન, સંસ્કાર અને સ્વાસ્થ્યને પામી શકો. એક અર્થમાં આહાર એ વ્યક્તિના મનોભાવનો અરીસો છે, આથી જ સંત કબીરે કહ્યું છે,
જૈસા અન-જલ ખાઈયે, તૈસા હી મન હોય,
જૈસા પાની પીજીયે, તૈસી બાની સોય.
આનો અર્થ એ કે વ્યક્તિ જેવું અન્ન લે, તેવું એનું મન હોય છે અને જેવું પાણી પીએ તેવી એની વાણી હોય છે.
અન્ન અને મનનો આ સંબંધ જોવા જેવો છે. ભારતીય ગ્રંથોએ આ બંનેના ગાઢ સંબંધનો ખૂબ ઊંડાણથી વિચાર કર્યો છે અને હિંદી સાહિત્યના પ્રેમચંદજી જેવા સર્જકે તો અન્નનો સંબંધ આત્મા સાથે જોડી આપ્યો છે. વ્યક્તિ આહારની બાબતમાં જેટલો સાવધાન, સ્વાદવૃત્તિ પર જેટલો સંયમી તથા મિતાહારી હોય તે વ્યક્તિના જીવનમાં વિશેષ જાગૃતિનું દર્શન થાય છે, આથી જ સાધુ, મુનિ કે યોગીના આહારની ઊંડી ગવેષણા કરવામાં આવી છે. યોગી કે સાધુએ કયા પ્રકારનો આહાર લેવો, કેટલો લેવો અને કેવો લેવો એ બધી બાબતની ગ્રંથોમાં મળતી સૂક્ષ્મ ચર્ચાનું કારણ આહારનો દેહ, મન અને આત્મા પર પડતો પ્રભાવ છે.
સમગ્ર વિશ્વમાં ભારતમાં હૃદયરોગના રોગીઓની સંખ્યા સવિશેષ છે અને દસેક વર્ષમાં એ બમણી બની જશે, ત્યારે હૃદયરોગ નોતરતા આવા ખાદ્ય પદાર્થો પર કોઈ આરોગ્ય અંગેની ચેતવણી મૂકવાની જરૂર લાગતી નથી? આથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતાએ સાત્ત્વિક આહાર પર ભાર મૂક્યો, કારણ કે તે આહાર કુદરતી રસવાળા, કુદરતી ચિકાશવાળા, જલદી ન બગડનારા અને ચિત્તને પ્રસન્ન કરનારા હોય છે. આમ, ભગવદ્ ગીતા આહારને સ્વાસ્થ્ય ઉપરાંત ચિત્ત સાથે પણ જોડે છે. જીભથી શરીર તો પોષાય છે, પણ એથીય વધારે અંતઃકરણનું પોષણ થતું હોય છે. સાત્ત્વિક આહાર પછી રાજસિક વ્યક્તિને કેવું ભોજન પ્રિય હોય તેની શ્રીમદ્ ભગવદ્ ગીતામાં માર્મિક ચર્ચા કરી છે.
‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’માં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,
“ધનંજય! જેમ આરાધના તેમ આહાર, તપ અને દાન પણ ત્રણ પ્રકારની શ્રદ્ધાવાળાઓના ત્રણ ત્રણ જાતના થાય છે, તેના ભેદો પણ સાંભળ.”
આમ કહીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના આહારના ત્રણ ભેદ દર્શાવતાં સાત્ત્વિકજનોને પ્રિય એવા આહાર, રાજસીવૃત્તિના માણસોના આહાર તથા તામસીવૃત્તિ ધરાવતા લોકોના આહાર વિશે ચર્ચા કરે છે.
આ સંદર્ભમાં વિચારીએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાએ કહ્યું કે સાત્ત્વિક આહાર લેનારી વ્યક્તિ દીર્ઘાયુષ હોય છે. હકીકતમાં આપણા હૃદયની શક્તિ અમાપ છે, પરંતુ અયોગ્ય આહાર અને વિહારને કારણે એ શક્તિ ઓછી થતી જાય છે. શરીરશાસ્ત્રની દૃષ્ટિએ માનવહૃદયમાં ઓછામાં ઓછું બસો વર્ષ કાર્ય કરવાની શક્તિ સંગ્રહિત છે, આથી ગીતાની આહાર-મીમાંસાને સમજવામાં આવે તો વ્યક્તિ હૃદયરોગ અને અન્ય રોગના ભયથી ઊગરી શકે.
ભારતીય શાસ્ત્રોમાં દેહને અન્નમય કોષ કહેવામાં આવે છે. એનો અર્થ જ એ કે આપણું શરીર ભોજનથી બને છે. સાત્ત્વિક વ્યક્તિ માત્ર એના જઠરાગ્નિને યોગ્ય એવું ગરમ અને તાજું ભોજન લેતો હોય છે. પરિણામે એના શરીરની સ્વસ્થતા અને કૅલરીનું પ્રમાણ જળવાતું હોય છે. વળી સાત્ત્વિક વ્યક્તિ એ પ્રકૃતિ સાથે તાલમેલ મેળવીને જીવતો હોય છે. એની બુદ્ધિ પણ તીક્ષ્ણ અને નિર્મળ હોય છે અને એ રીતે એનું શરીર તંદુરસ્ત અને મજબૂત રહે છે.
જે અતપસ્વી હોય, જે અભક્ત હોય અને જે અસૂયાયુક્ત એટલે કે દ્વેષભર્યો માનવ હોય તેને ભગવદ્ ગીતા આપી શકાય નહીં. આમ શા માટે કહ્યું હશે? આની પાછળનો શો ભાવ હશે? આવા નિષેધ કરવાનું કોઈ કારણ ખરું? એનો અર્થ જ એટલો કે એમને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપવા છતાં એને પૂર્ણતયા સમજી શકે નહીં અથવા તો એના ભાવોને પચાવી શકે નહીં. હકીકતમાં ગીતાનું જ્ઞાન પાત્રતા માગે છે. ગાયના આંચળને મોઢું લગાડનાર વાછરડાને (પાર્થોવત્સઃ) દૂધ મળે છે, જ્યારે માખી, મચ્છ૨ કે બગાઈને લોહી જ પ્રાપ્ત થાય છે. સાચા સંતો, ઋષિઓ તેમ જ આચાર્યોએ ગીતાનું દૂધ પાઈને સમાજને પુષ્ટ કર્યો છે. ગીતા આ દેશનું ગૌરવ છે. ગીતાના જ્ઞાનથી આ દેશ શ્રીમંત ને વૈભવવાન છે. સમજદારીપૂર્વક ગીતાનું દૂધ પાઈને સમાજને પુષ્ટ કર્યો છે. સમજદારીપૂર્વકનો ગીતાનો સ્વાધ્યાય આ દેશને સાચા અર્થમાં “સુજલામ્ સુફલામ્ મલયજશીતલામ્” બનાવી શકે, એ નિઃશંક વાત છે. અહીં ‘જિમ’માં જનારી કે ‘હેલ્થી ફૂડ’ની પાછળ દોડતી વ્યક્તિને સંદેશ છે, તો ‘જંક ફૂડ’થી આરોગ્યને નષ્ટ કરતી પ્રજા સામે ચેતવણી પણ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જેમ દાર્શનિક અભ્યાસ થાય છે તેમ આરોગ્યની દૃષ્ટિએ અને મૅનેજમેન્ટની દૃષ્ટિએ પણ ગહન અભ્યાસ થઈ શકે છે. આ ગ્રંથોમાં આપણા જીવનના એક પાસાની નહીં પણ સર્વગ્રાહી દૃષ્ટિએ જીવનનાં સર્વ પાસાંની વિચારણા થયેલી છે. એ ગ્રંથ ચિત્તની ગ્રંથિ તો તોડે છે, પણ એથીય વિશેષ એ ગ્રંથ માનવજીવનને સર્વતોમુખી રીતે યશોજ્જ્વલ બનાવે છે. સામાન્ય રીતે ગ્રંથ માત્ર એક દૃષ્ટિથી જોવામાં આવે છે પણ આવી ભિન્ન ભિન્ન દૃષ્ટિથી તેનો વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે કે ભારતીય દર્શનોમાં કેટલી બધી સર્વાંગી અને સર્વવ્યાપક વિચારણા નિહિત છે!
Your Content Goes Here




