(સ્વામી સર્વપ્રિયાનંદજી વેદાંત સોસાયટી, ન્યૂ યોર્કના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી આ લેખનો ગુજરાતી અનુવાદ કરેલ છે. – સં.)

ચાલો, આપણે ભાવનાત્મક સ્થિરતાની કળા શીખવાની યાત્રાએ ઊપડીએ. આપણે પ્રાચીન યુદ્ધભૂમિની મુલાકાત લઈશું અને સ્વયં પરમાત્મા પાસેથી જ્ઞાનબોધ ગ્રહણ કરીશું—એવું જ્ઞાન કે જે શાશ્વત મુક્તિ અને સનાતન પ્રશાંતિનો સ્રોત છે.

વિષમ પરિસ્થિતિ

ભગવદ્ ગીતાનો પ્રારંભ વિષમ પરિસ્થિતિમાં થાય છે—ભાવનાત્મક કટોકટીમાં, યુદ્ધવીર અર્જુનને પોતાના સખા, આચાર્યો અને સગાંનો સંહાર કરવાની ધાસ્તીભરી આવશ્યકતા ઊભી થઈ હતી.

કોઈ પણ સભ્ય મનુષ્યની જેમ અર્જુન હિંસાથી ભયભીત થયો છે. અર્જુન શોકાગ્રસ્ત બની ગયો છે. જ્યારે આપણે અર્જુનને યુદ્ધ ન કરવા માટે શોકપૂર્વક દલીલ કરતો સાંભળીએ છીએ, ત્યારે આપણને તેનામાં તીવ્ર ભાવનાત્મક હતોત્સાહનાં ચિહ્નો જોવા મળે છે. ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુન કહે છે:

सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते॥२९॥

गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः॥३०॥

નૈતિક મૂંઝવણ અને દ્વિધામાં મુકાયેલો તથા સુયોગ્ય કર્તવ્ય-કર્મની પસંદગી કરવા અક્ષમ બનેલો અર્જુન પ્રવૃત્તિ-પથથી વિમુખ બની ગયો. તે પોતાના સખા તથા સારથિ શ્રીકૃષ્ણને વિનંતીપૂર્વક કહે છે:

कार्पण्यदोषोपहतस्वभावः
पृच्छामि त्वां धर्मसंमूढचेताः।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्॥२.७॥

તત્ પશ્ચાત્ સઘળા માનવ-સાહિત્યમાંનો મહાનતમ સંવાદ ઉદ્‌ભવે છે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિના શ્રેષ્ઠ નાટ્યાત્મક પરિવેશમાં શોકગ્રસ્ત મનુષ્ય અને પ્રેમાળ પરમાત્મા વચ્ચે આ સંવાદ સર્જાયો હતો.

પ્રતિસાદ

અર્જુનની યુદ્ધ ન કરવા અંગેની દલીલ સામે શ્રીકૃષ્ણ કેવી રીતે પ્રતિસાદ આપે છે? તેઓ અર્જુનને ક્ષત્રિય તરીકેની તેની ફરજની યાદ અપાવે છે? તેઓ અર્જુનના સ્વમાનને જાગ્રત કરે છે? તેઓ અર્જુનને ધ્યાન કરવાની ભલામણ કરે છે? તેઓ અર્જુનને તત્ત્વજ્ઞાન પીરસે છે? શ્રીકૃષ્ણ આ બધું જ કરે છે, એથીય વિશેષ તો શ્રીકૃષ્ણનો પ્રતિસાદ અને પ્રતિભાવ અધ્યાત્મલક્ષી છે.

કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યેનો આપણી ભાવનાઓનો પ્રતિભાવ આપણી વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. જ્યાં સુધી આપણે પોતાને જન્મ-મરણ, શોક અને દુઃખ, અનંત એષણાઓ અને સીમિત સાધનોથી બંધાયેલા માનીએ છીએ ત્યાં સુધી આપણે ભાવનાઓ અને લાગણીઓના પ્રચંડ આઘાતથી પછડાયા કરવાના. તેથી શ્રીકૃષ્ણનો પ્રથમ ઉપદેશ છે—‘દુર્બળતાનો શિકાર ન બન—લાગણીશીલતા’. કારણ કે, આ દુર્બળતામાં મૂળ આપણા વાસ્તવિક સ્વરૂપની ભ્રમણાયુક્ત સ્વીકૃતિ છે.

સ્વયંના અસ્તિત્વ બાબતે આપણને કેવો અધ્યાસ છે? શું આપણે દેહ છીએ? શું આપણે મન છીએ? શું આપણે દેહ-મન સંકુલ છીએ? આ અધ્યાસ સાવ મિથ્યા છે, ભ્રામક છે. આપણે નથી તો દેહ, નથી તો મન. આપણે નથી તો દેહ સાથે જન્મતા, નથી તો દેહ સાથે મૃત્યુ પામતા, જન્મ અને મૃત્યુ તો દેહનાં થાય છે.

અર્જુનને બોધપાઠ અપાય છે કે તે આત્મા છે, અને તેણે ભૂતકાળમાં અનેક વાર દેહ ધારણ કર્યો હતો અને ભવિષ્યમાં પણ તેવું થયા કરશે. અર્જુનને આત્મબોધ થાય છે કે પોતે વિશુદ્ધ ચૈતન્ય, સનાતન અને નિત્ય શુદ્ધ છે. મનુષ્ય નથી તો દેહ કે નથી તો મન, પરંતુ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એમ કહીને શ્રીકૃષ્ણ અર્જુનના વસ્તુલક્ષી અભિગમને સુધારે છે. આત્મા માત્ર વ્યષ્ટિ ચૈતન્ય નથી પરંતુ તે સમષ્ટિ ચૈતન્યનો અંશ છે. આત્મા બ્રહ્મ છે. આ સનાતન જ્ઞાન ગીતાનું કેન્દ્રવર્તી તત્ત્વજ્ઞાન છે. અર્જુન આ જ્ઞાન મેળવવા તત્પર થાય છે અને પરિણામ સ્વરૂપે ‘સ્થિતપ્રજ્ઞ’ બને છે, જે સ્થિતિમાં ભાવનાત્મક સ્થિરતા પ્રાપ્ત થાય છે.

સ્થિતપ્રજ્ઞ—સ્થિર બુદ્ધિમાન મનુષ્ય

પોતાની સમક્ષ પ્રસ્તુત કરાયેલા સર્વોચ્ચ અદ્વૈતજ્ઞાનને પામવાના ધ્યેયપૂર્વક અર્જુન સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જાણવા ઉત્સુક બન્યો.

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव।
स्थितधीः किं पृभाषेत किमासीत व्रजेत किम्॥५४॥

આના ઉત્તરરૂપે શ્રીકૃષ્ણે જણાવેલ વિવેચનમાં સ્થિર બુદ્ધિમાન મનુષ્યનાં માત્ર લક્ષણો જ વર્ણવાયાં નથી પરંતુ હજુ જેઓએ આ ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત નથી કર્યું તેમના માટેની સુસ્પષ્ટ આચારસંહિતા પણ રજૂ કરી છે.

પૂર્ણ અને પ્રબુદ્ધ મનુષ્ય માટે જે સ્થિતિ સ્વાભાવિક અને અનાયાસ–પ્રાપ્ય છે તેને સત્યાન્વેષી મનુષ્ય કઠોર પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. અન્ય શબ્દોમાં, પૂર્ણ મનુષ્યની લાક્ષણિકતાઓ સત્યશોધક માટેની આચારસંહિતા છે. સ્થિતપ્રજ્ઞની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સાધકે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના જીવનનું અધ્યાત્મ, અનુશીલન અને અનુસરણ કરવું જોઈએ.

प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान्।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते॥५५॥

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते॥५६॥

यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम्।
नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता॥५७॥

સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનાં પ્રશાંતિ, ગાંભીર્ય અને સ્થિર-મતિ પોતાના અનંતતત્ત્વના સાક્ષાત્કારમાંથી જન્મેલાં હોય છે. તેવી વ્યક્તિ આત્માના અનંતતત્ત્વમાં રાચે છે. ગીતાના સુપ્રસિદ્ધ ભાષ્યકાર શ્રીધર સ્વામી ટાંકે છે—क्षुद्रविषय अभिलाषां त्यजति। ક્ષુદ્ર વિષયસુખોની અભિલાષાઓ સહજતાથી ત્યજી દે છે. જે પ્રસંગો કે ઘટનાઓ મોટાભાગના મનુષ્યોને દુઃખ-કષ્ટથી ક્ષુબ્ધ કરી મૂકે છે, તેવી સ્થિતિમાં સ્થિર બુદ્ધિમાન વ્યક્તિ અવિચલિત રહે છે, કારણ કે તે સર્વ સ્થિતિમાં સ્વપ્રકાશિત આત્માના મહિમાને નિહાળે છે. અન્ય શબ્દોમાં, તે જુએ છે કે શુભ કે અશુભ, બધા પ્રસંગોમાં અસત્‌નો અભાવ છે અને માત્ર સત્‌નો વિલાસ છે.

જો કે આ યાત્રા દુષ્કર છે. સત્યશોધકને શીઘ્ર બોધ થઈ આવે છે કે બૌદ્ધિક જ્ઞાન એક બાબત છે અને તેવા જ્ઞાન સહિત જીવવું તે અલગ બાબત છે, જેમ કે કહેવાય છે કે કહેણી કરતા કરણી કઠિન છે. જ્યારે લોભામણી લાલચો હુમલો કરે છે અથવા તો દુર્ભાગ્ય ત્રાટકે છે ત્યારે કોરી બૌદ્ધિક ધારણાને ભાવનાત્મક સ્થિરતામાં પરિવર્તિત કરવા જતાં અસમર્થતાનો અનુભવ થાય છે. એરિક ક્રોમે કહ્યું છે, ‘આચરણ વિનાની અંતર્દૃષ્ટિ અકર્મક છે, બિનઅસરકારક છે.’ બૌદ્ધિક જ્ઞાન ખોખલું છે, તેનાથી ઊલટું ભાવનાઓ અને દૃઢમૂલ આચરણ પ્રબળપણે શક્તિમાન છે. મનુષ્ય-જીવનનો આ મહાન વિરોધાભાસ છે, મહાન કરુણાંતિકા છે કે અંતર્દૃષ્ટિ મહદ અંશે આચરણથી વિપરીત હોય છે. ‘મહાભારત’માં જોવા મળે છે કે કૌરવ-વરિષ્ઠ દુર્યોધન ફરિયાદના સૂરમાં કહે છે, ‘હું ધર્મને જાણું છું, હું અધર્મને જાણું છું. પરંતુ પ્રશ્ન છે કે મને ધર્મમાં પ્રવૃત્ત થવાની અને અધર્મથી વિરત થવાની ઇચ્છા થતી નથી.’ શું શુભ છે, તે જાણવા છતાં આપણે શા માટે તેનું આચરણ કરી શકતા નથી? શું અશુભ છે, એ જાણવા છતાં આપણે શા માટે તેનાથી વિરત બનતા નથી?

હાથી અને મહાવત

મનોવૈજ્ઞાનિક પ્રોફેસર જોનથન હેલીટે પ્રાચીન અને અર્વાચીન બંને દૃષ્ટિબિંદુથી આ ચિરંતન માનવ-સમસ્યાનું અધ્યયન કર્યું છે. આ માનવ-સ્થિતિનું વિશ્લેષણ કરવા તેઓ હાથી અને મહાવતનું પુરાણું રૂપક વાપરે છે. ફિલસૂફી અને બુદ્ધિનો સહારો લેનાર વ્યક્તિ મહાવત જેવો છે, જ્યારે બાકીનું દેહ-મન સંકુલ એ હાથી છે. હાથી પરનો મહાવતનો અંકુશ મર્યાદિત છે અને તે છે હાથીને કાર્ય કરવાનું કે કાર્ય બંધ કરવાનું. ડાબી બાજુ કે જમણી બાજુ વળવાનું કહી શકે છે. પરંતુ હાથી મદોન્મત્ત અને મનમોજી છે. જો હાથી કોઈ દુકાનમાંથી કેળાંની લૂમ ઝૂંટવી લેવા માગતો હોય તો મહાવત કંઈ કરી શકશે નહીં; એવી જ રીતે શક્તિશાળી શારીરિક પ્રક્રિયા કે પ્રવૃત્તિને સુપેરે સંચાલિત અને માર્ગદર્શિત કરવા કોરી બૌદ્ધિકતા ભાગ્યે જ સક્ષમ બને છે.

એકલો દેહ, એકલું મન મહદ્‌ અંશે અનુશાસનથી પર છે. મોટાભાગની ઐન્દ્રિક ક્રિયાઓ સ્વયંસંચાલિત છે. આપણે નિરંતર ચૈતન્ય-પ્રવાહની મધ્યે છીએ. તે પ્રવાહ મોટેભાગે સચેત બૌદ્ધિક અનુશાસન વિના, સ્વ-નિયમાનુસાર વહ્યા કરે છે. સજાગતાપૂર્વક કરાતી ક્રિયા કે પ્રવૃત્તિ વિરલ છે પરંતુ સ્વયંસંચાલિત પારંપરિક સહજ બુદ્ધિપૂર્વકની ક્રિયા કે પ્રવૃત્તિ સર્વસાધારણ છે. સ્વયંસંચાલિત ક્રિયા કે પ્રવૃત્તિ પ્રકૃતિની પેદાશ અને તેની ગુલામ છે. તે સુખ કે દુઃખ, લાભ કે હાની જેવા પ્રકૃતિગત આવેગોથી અનુશાસિત થાય છે. તેનું ધ્યેય છે—અન્ન, વસ્ત્ર, આવાસ અને સંવર્ધન. સ્વયંસંચાલિત પ્રવૃત્તિ એ હાથી છે અને આવી પ્રવૃત્તિ ઉચ્ચ ફિલસૂફીને વિશેષપણે પ્રતિસાધાત્મક નથી. હાથીને વધુ સારી પસંદગીઓ કરવામાં સહાયરૂપ બનવા માટે તેની પીઠ પર બેઠેલ મહાવત—તે છે બુદ્ધિ. મહાવત હાથીને દીર્ઘકાલીન ધ્યેય (હિંદુ ફિલસુફીમાં ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષ’ એવા નામે ગણાતા પુરુષાર્થ) માટેની દોરવણી આપી શકે છે પરંતુ તે હાથીની ઇચ્છા વિરુદ્ધ આદેશ કરી શકતો નથી.

હેલીટે ઉલ્લેખેલ હાથી-મહાવતની રૂપક-કથા વેદાંતીને કઠોપનિષદમાં વર્ણિત રથના રૂપકની યાદ દેવડાવે છે. દેહ એ રથ છે, ઇન્દ્રિયો છે અશ્વ, ઇન્દ્રિય-વિષય છે પથ, બુદ્ધિ છે સારથિ અને આત્મા છે રથી અર્થાત્‌ સ્વામી. વિવેકયુક્ત બુદ્ધિવાળો સારથિ અને પ્રશિક્ષિત શ્રેષ્ઠ અશ્વ રથના સ્વામીને ધ્યેય-સ્થાને (પુરુષાર્થ-પ્રાપ્તિ) પહોંચાડવામાં સહાયક નીવડશે. કર્તવ્યાકર્તવ્ય જ્ઞાન રહિત અને અસંયતચિત્ત ધરાવતું દેહ-મન સંકુલ આધ્યાત્મિક જીવનને હાની પહોંચાડે છે. જેવી રીતે વિવેકહીન મૂર્ખ સારથિ અને અવશીભૂત ઉચ્છૃંખલ અશ્વો રથારૂઢ અસહાય સ્વામી સહિત રથને લઈ ઊંડી ગર્તામાં જઈ પડે છે.

હિંદુ તત્ત્વચિંતકો હાથી-મહાવતની માનવ-સમસ્યાને સારી રીતે જાણતા હતા. શ્રીકૃષ્ણ અર્જુનને સાવધ કરતાં કહે છે—

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः॥६०॥

જેમ ઉચ્છૃંખલ હાથી મહાવતને ભોંયે પછાડી શકે છે તેમ ઐન્દ્રિક કામનાઓ દ્વારા બુદ્ધિ પર સહજપણે અનુશાસન સ્થાપિત કરી શકાય છે. હાથી દ્વારા મહાત કરાયેલા મહાવતની અવદશાનું શ્રીકૃષ્ણે ગીતામાં રોચક અને મનોવૈજ્ઞાનિક વિવેચન કર્યું છે:

ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते।
सङ्गात्सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते॥६२॥

क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥६३॥

સ્થિર બુદ્ધિ માટે હાથીને પાલતુ બનાવવાનું અને પ્રશિક્ષિત કરવાનું ફરજિયાત છે. શ્રીધર સ્વામી પોતાની ટીકામાં લખે છે—

इन्द्रिय संयमं विना तु स्थितप्रज्ञता न संभवति… ‘ઇન્દ્રિય-સંયમ વિના સ્થિર બુદ્ધિ પ્રાપ્ત કરવી શક્ય નથી તેથી સાધનાકાળ દરમિયાન આ સ્થિતિ મેળવવા પરિશ્રમ કરવો જોઈએ.’

નિજ સત્‌સ્વરૂપથી પ્રગટતા જ્ઞાન(પ્રજ્ઞા)ને અર્જુન સમક્ષ પ્રસ્તુત કર્યા બાદ શ્રીકૃષ્ણ તેને ઇન્દ્રિય-સંયમ દ્વારા જ્ઞાનને સ્થિર કરવાનું શીખવે છે. આ રહસ્ય કાચબા પાસેથી શીખવાનું છે.

કાચબાની જીવનરીતિ

કાચબો સુરક્ષાલક્ષી વિશિષ્ટ કળા ધરાવે છે. જ્યારે બાહ્ય ભય ઉપસ્થિત થાય ત્યારે તે પોતાનાં અંગો (છ—ચાર પગ, માથું અને પૂંછડી) કવચમાં ખેંચી લઈને બાહ્ય ભયથી રક્ષણ મેળવે છે. આ જ રીતે પ્રલોભનો અને પ્રવંચનાઓ ઉપસ્થિત થાય ત્યારે ભાવનાત્મક સ્થિરતા જાળવી રાખવા માટે સાધકે ઇન્દ્રિય-વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી લેવા સક્ષમ બનવું જ જોઈએ.

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता॥६१॥

હાથીને પાલતુ બનાવવો અને પ્રશિક્ષિત કરવો એટલે શું?—વિખરાયેલા મનને આત્મસ્થ મન રૂપે પરિવર્તિત કરવું.

ખોટા ખ્યાલને દૂર કરવો

ભાવનાત્મક સ્થિરતાને ભૂલભરી રીતે નિર્મમ શુષ્કતા ગણી લેવાય છે. ખાસ કરીને પાશ્ચાત્યોનો, ગીતાના ઉપદેશ અંગેની ગેરસમજ પાછળનો પુરાણકાલીન દૂર્ભાગ્યપૂર્ણ ઇતિહાસ છે. ડેવિડ ઈ. કૂપરે પોતાના અદ્યતન લેખમાં ટિપ્પણી કરી છે:

…અતિશય ભપકાદાર રીતે અને રંગાત્મક દૃષ્ટિએ તૈયાર કરાયેલી ગીતાની આવૃત્તિઓમાંનાં ચિત્રો જોઈને ઘણા બધા પાશ્ચાત્ય વાચકો સ્તંભિત થઈ ગયા છે, જેમાં અર્જુનને શાંતિપૂર્ણ ચિત્તે અને સ્મિતપૂર્વક શત્રુઓની કત્લેઆમ કરતો ચિત્રિત કરાયો છે, જાણે કે ખેતરોમાંના તૈયાર થયેલા પાકને કાપતો હોય. શ્રીકૃષ્ણના ઉપદેશ અંગેની ઉપરછલ્લી ગેરસમજ આવી છે—ખાસ કરીને બે બાબતની. એક, (ગીતા સંબંધે વારંવાર કરાતું દોષારોપણ) આપણે યાદ રાખીએ કે ગીતા સર્વથા હિંસાને ટેકો આપતી નથી, ગીતા-સંવાદ યુદ્ધના સંદર્ભમાં થયેલો હોવાથી, કેટલાક ઉપરચોટિયા ટીકાકારો ગીતાને યુદ્ધ સાથે સાંકળવા તત્પર છે, એથી ઊલટું, ગીતા તો માત્ર કર્મયોગ શીખવે છે (નિઃસ્વાર્થ કર્મ દ્વારા ઈશ્વર-પ્રાપ્તિ). સંભવ છે કે સદીઓના લશ્કરી-શાસનકાળ દરમિયાન સર્જાયેલાં સામૂહિક ઘૃણા અને મનોવિકૃતિઓના પરિણામે ઉદ્‌ભવેલાં બે વિશ્વયુદ્ધોએ આ ટીકાકારો પર વિકૃત અસર કરી છે અને ગીતાના વાંચનમાં એ ભાવો પ્રતિબિંબિત થયા છે. ગીતા-શાસ્ત્રનું સર્જન યુદ્ધભૂમિમાં થયું હોવા છતાં ઇતિહાસ એનો સાક્ષી છે કે હિંદુ-માણસમાં તેણે શાંતિ અને સુલહની ભાવના પ્રસ્થાપિત કરી છે. બીજું, ‘સ્થિતપ્રજ્ઞ’નો આદર્શ (સ્થિર બુદ્ધિમાન વ્યક્તિ) ભાવનાહીનતા નથી, ‘સ્થિતપ્રજ્ઞ’નો અર્થ બુદ્ધિહીનતા નથી. પરંતુ ભાવનાઓનું ઊર્ધ્વીકરણ છે. ભાવનાત્મક સ્થિરતા એ ભાવનાહીનતા નથી પણ જીવનના અગણિત પડકારો વચ્ચે ભાવનાત્મક રીતે સુસ્થિર અને સુદૃઢ રહેવું તે છે.

અંતિમ ધ્યેય

આ રીતે ઉપલબ્ધ કરેલ ચિરંતન જ્ઞાનના શ્રવણ, મનન અને નિદિધ્યાસન તથા ઇન્દ્રિય-સંયમ દ્વારા મેળવેલ પ્રજ્ઞા દ્વારા સાધક ‘અપરોક્ષાનુભૂતિ’ પ્રાપ્ત કરે છે અને અનુભૂતિ કરે છે કે તેના પોતાના દેહ–મન સહિતના સમગ્ર બ્રહ્માંડનું બ્રહ્મ અર્થાત્‌ સચ્ચિદાનંદથી ભિન્ન અસ્તિત્વ નથી.

હાથી અને મહાવતની અનુભવસિદ્ધ રૂપકકથા અદૃશ્ય થઈ જાય છે, હવે પતનનો કોઈ ભય નથી, તે સાચે જ અને શાશ્વતપણે મુક્ત છે, જીવનમુક્ત છે. આ છે ભાવનાત્મક સ્થિરતાની અંતિમ અને સર્વોચ્ચ સ્થિતિ.

Total Views: 3

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.