(સ્વામી ચેતનાનંદજી મહારાજ વેદાંત સોસાયટી, સેંટ લુઈસ, યુ.એસ.એ.ના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેમના અંગ્રેજી પુસ્તક ‘See God with Open Eyes’ ના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)
માનસિક અજંપો અને અશાંતિ પ્રાચીન કાળમાં હતાં, વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે તથા ભવિષ્યમાં તેનું અસ્તિત્વ ચાલુ રહેવાનું. આ અજંપાને કારણે મનુષ્યને શાંતિ નથી, સુખચેન નથી. આ અજંપાને નાથવા માટે અભ્યાસ અને વૈરાગ્ય (અનાસક્તિ) એ બે મહત્ત્વના ઉપાયો છે. શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ એ બંનેએ એકસૂરે આવું કહ્યું છે. આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાજ્ઞાન દ્વારા ધ્યાનબોધ આપ્યો અને ઉદ્ધવને ભાગવતના માધ્યમથી ધ્યાનબોધનું પ્રબોધન કર્યું.
ગીતાના છઠ્ઠા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અર્જુનને સંક્ષિપ્તમાં ધ્યાન વિશે સૂચનો કર્યાં છે.
ધ્યાનનો નિયમિત અભ્યાસ
શ્રીકૃષ્ણે કહ્યું છે ‘योगी युञ्जीत सततमात्मानं’ (ગીતા ૬.૧૦)
‘યોગીએ નિરંતર મનને પરમાત્મામાં જોડવું જોઈએ.’
શ્રીકૃષ્ણનું અર્જુનને આપવામાં આવેલ આ પ્રથમ સૂચન છે. એમણે આપણને કાયમ ધ્યાનાભ્યાસ કરવાની શિખામણ આપી છે—દરરોજ તથા નિયમિતપણે—પરંતુ સવારે અને સાંજે એવો સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી.
ધ્યાન કરવા માટેનું સ્થાન
આપણે ધ્યાન ક્યાં કરવું જોઈએ?
શ્રીકૃષ્ણ આપણને જવાબ આપે છેઃ ‘रहसि स्थितः’ (ગીતા ૬.૧૦)
‘એકાંતમાં રહીને.’
એકાંતમાં ધ્યાન
શ્રીકૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે ધ્યાન એકલા કરવું જોઈએ, નહીં કે સમૂહમાં. ‘एकाकी’ (ગીતા ૬.૧૦)
‘એકલો જ.’
આત્મસંયમ કરો
શ્રીકૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ‘મન અને ઇન્દ્રિયો સહિત દેહને વશમાં રાખીને, કશાયની ખેવના રાખ્યા વિના અને સંગ્રહ રહિત’ બનીને ધ્યાન કરવું જોઈએ.
‘यतचित्तात्मा निराशीरपरिग्रहः’ (ગીતા ૬.૧૦)
ઇચ્છાઓ અને માલિકીપણાનો ભાવ મનને વિખંડિત અને અશાંત બનાવી દઈ ઈશ્વરથી વિમુખ કરી દે છે. જેનાં દેહ-મન સંયમિત નથી એના માટે ધ્યાન કરવું શક્ય નથી. ધનિક વ્યક્તિ હિમાલયની ગુફામાં કે એકાંત સ્થળે ધ્યાન કરવા જાય પરંતુ એનું મન તેના વશમાં રહેશે નહીં.
ધ્યાન માટે સ્વચ્છ સાનુકૂળ સ્થળ
ક્યાં ધ્યાન કરવું જોઈએ એ વિશે શ્રીકૃષ્ણ ગીતા ૬.૧૧માં નિર્દેશ કરે છેઃ
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम्॥
પવિત્ર સ્થાનમાં, ક્રમથી નીચેથી ઉપર—દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા; બહુ ઊંચેય નહિ અને બહુ નીચેય નહિ એવા પોતાના સ્થિર આસનને સ્થાપીને….
વિચારોનું એકત્રીકરણ
શ્રીકૃષ્ણ ગીતા ૬.૧૨માં નિર્દિષ્ટ કરે છે:
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः।
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये॥
અર્થાત્ ત્યાં એ આસન પર બેસીને મન એકાગ્ર કરીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખતા યોગીએ અંત:કરણની શુદ્ધિ માટે યોગસાધના કરવી જોઈએ.
ધ્યાન માટેનું યોગ્ય આસન
શ્રીકૃષ્ણ ધ્યાન માટેના સુયોગ્ય આસન અંગે કહે છેઃ
‘समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः’ (ગીતા ૬.૧૩)
અર્થાત્ દેહ, મસ્તક અને ડોકને સીધાં તથા અચળ રાખી સ્થિર થઈને બેસવું જોઈએ.
ધ્યાનના પ્રકારો
ધ્યાન વિષયક પોતાનું વિવેચન આગળ ચલાવતાં શ્રીકૃષ્ણે કહ્યું છેઃ
‘संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन्’ (ગીતા ૬.૧૩)
અર્થાત્ દૃષ્ટિને નાસિકાના અગ્રભાગે સ્થિર કરી તથા દિશાઓ તરફ અવલોકન ન કરીને.
બધી બાબતોમાં સમ્યક્તા
શ્રીકૃષ્ણના મત (ગીતા ૬.૧૭) મુજબઃ
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा॥
અર્થાત્ પરંતુ, યોગ્ય પ્રમાણમાં આહાર-વિહાર કરનારને, યથાયોગ્ય રીતે કર્મોમાં પ્રયત્ન કરનારાને, તેમજ યથાયોગ્ય રીતે ઊંઘનાર-જાગનારને આ દુ:ખનાશક યોગ (સિદ્ધ) થાય છે.
दीपो निवातस्थो
ધ્યાનની સ્થિતિ અંગેનું અતિ પ્રસિદ્ધ દૃષ્ટાંત આપતાં શ્રીકૃષ્ણે ગીતા ૬.૧૯માં કહ્યું છેઃ
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः॥
અર્થાત્ જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીવો હાલતો-ડોલતો નથી, (તેમ યોગીનું મન અડગ રહે છે.) એ તુલના આત્માને યોગમાં જોડનારા યોગીના વશમાં રહેલા મનની કરી છે.
ઇન્દ્રિય-વિષયોની કામનાઓનો ત્યાગ કરો
શ્રીકૃષ્ણે ગીતા ૬.૨૪માં કહ્યું છેઃ
कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः॥
અર્થાત્ સંકલ્પથી જન્મેલી બધી કામનાઓને જડમૂળથી છોડીને અને મનથી ઇન્દ્રિયસમૂહને ચારે બાજુથી વશ કરીને….
આપણી જાગ્રતાવસ્થામાં દુર્વિચારો ઉદ્ભવી શકે છે પરંતુ આપણે તેની તીવ્રતાનો પ્રબળ પ્રભાવ અનુભવતા નથી. આ દુર્વિચારો મનની અશુદ્ધિઓ સાથે મિત્રોની જેમ ભળી જાય છે પરંતુ ધ્યાન કરતી વખતે આ જ દુર્વિચારો દુશ્મનરૂપ બની જાય છે. આપણે તેનું નિર્મૂલન કરવા બળપૂર્વક પ્રયાસ કરીએ છીએ અને તે દુર્વિચારો જુસ્સાપૂર્વક સામી લડત કરે છે. મનના શુદ્ધીકરણની આ નિશાની છે. મનના દર્પણમાં દુશ્મનો જોઈ શકાય છે.
મનની પ્રશાંત સ્થિતિ કેવી રીતે મેળવવી
શ્રીકૃષ્ણે કહ્યું છેઃ
‘शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया’ (ગીતા ૬.૨૫) ‘બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું….’
આત્મા પર મન કેન્દ્રિત કરો
શ્રીકૃષ્ણે કહ્યું છેઃ
‘आत्मसंस्थं मन: कृत्वा न किञ्चिदपि चिन्तयेत्’ (ગીતા ૬.૨૫)
‘મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહીં.’
મનનું કાર્ય છે વિચાર કરવાનું. મન છે, ત્યાં સુધી વિચારો છે. સમાધિ તથા પ્રગાઢ નિદ્રા વખતે મનનો વિલય થાય છે. માનવ-મન મોટે ભાગે સાંસારિક વિચારોમાં મગ્ન રહે છે પરંતુ જ્યારે તે વિચાર-પ્રવાહ નિઃશેષ અટકી જાય છે ત્યારે ઇષ્ટચિંતન કરી શકાય છે. પતંજલિએ કહ્યું છેઃ तदा द्रष्टु: स्वरूपेऽवस्थानम्। એ (પૂર્ણ એકાગ્રતાની) સ્થિતિમાં દ્રષ્ટા (પુરુષ) પોતાની સ્વરૂપ-સ્થિતિમાં (વૃત્તિ સહિત સ્થિતિમાં) રહે છે. (પાતંજલ યોગસૂત્ર, ૧.૩)
આ પ્રકારનું ધ્યાન તથા સમાધિ સાધારણજનની પહોંચ બહાર છે તેથી શ્રીકૃષ્ણે આપણને સરળ વિકલ્પો આપ્યા છેઃ
अनन्यचेता: सततं यो मां स्मरति नित्यश:।
तस्याहं सुलभ: पार्थ नित्ययुक्तस्य योगिन:॥८.१४॥
અર્થાત્ હે અર્જુન, બીજામાં ચિત્ત ન પરોવતો જે મનુષ્ય સતત અને સર્વદા મને સ્મરે છે, તે નિત્યયોગીને હું સરળતાથી પ્રાપ્ત થાઉં છું.
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः॥१२.८॥
અર્થાત્ માટે તું મારામાં જ મન સ્થિર રાખ અને મારામાં જ બુદ્ધિ પરોવી દે. એ પછી તું મારામાં જ રહીશ. એમાં શંકા નથી.
Your Content Goes Here




