(સ્વામી મંત્રેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. – સં.)
ભગવદ્ ગીતા અને શ્રીશ્રીમાના જીવન વચ્ચે સરખામણી કરતાં આપણે આશ્ચર્ય અને વિમુગ્ધ બની જઈએ છીએ, જે ગીતામાં મહદ્ આદર્શ, ચારિત્રનો ઉત્કર્ષ ચિત્રાંકિત થયો છે, તે પૂર્ણમાત્રામાં શ્રીશ્રીમામાં વિરાજે છે.
સોળમાં અધ્યાયના પ્રથમ ત્રણ શ્લોકના દૈવી સંપદના સર્વ મુખ્યે, દ્વિતીય અધ્યાયના સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વગેરે શ્રીશ્રીમાના જીવનમાં પૂર્ણપણે પ્રસ્ફુટિત થયાં હતાં.
ગીતામાં જપયજ્ઞનો ઉલ્લેખ છે. શ્રીમા કેટલાંય કામકાજ વચ્ચે એક લાખ જપ કરતાં. સોળમાં અધ્યાયમાં સાત્ત્વિક શ્રદ્ધા, તપસ્યા, દાન તેમજ અઢારમાં અધ્યાયમાં સાત્ત્વિક જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, સુખનું જે વર્ણન છે, તે બધાં લક્ષણો પણ શ્રીશ્રીમામાં ઉજ્જવળ ભાવે પ્રગટિત થયાં હતાં.
શ્રીશ્રીમા જાણે મૂર્તિમંત ગીતા અને તેમનું જીવન તેનાથી પણ કંઈક વિશેષ જોવા મળે છે. ગીતાનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાસાંનો આપણે ઉલ્લેખ કરીશું.
શ્રીરામકૃષ્ણદેવ ભગવદ્ ગીતાનો મર્મ કહે છે, ‘તાગી, તાગી…. ત્યાગી. ગીતાનો સાર-ભાગ.’ બાહ્ય-આંતર ત્યાગમાં પણ અહંકારનો ત્યાગ શ્રેષ્ઠ ત્યાગ છે. શ્રીમા શારદાદેવીમાં આ બાહ્ય-આંતર ત્યાગ ઉપરાંત અહંકારનો ત્યાગ વધુ માત્રામાં પ્રદર્શિત થતો.
શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે જો તેઓ આટલા પવિત્ર અને ત્યાગી ન હોત તો કોણ જાણે મારા ભાવ-મહાભાવ ક્યાંય ચાલ્યા ગયા હોત! બંનેએ એક જ શય્યા પર આઠ આઠ મહિના શયન કર્યું, પરંતુ બંનેમાંથી એકેયનું મન શરીર પર નહીં. શ્રીરામકૃષ્ણદેવ એક વાર પોતાના મનને કહે છે, ‘હે! મન! આ જ સ્ત્રી-શરીર, તારી પાસે છે, વળી તારો અધિકાર છે. રે! મન! ભાવના ઘરમાં ચોરી કર્યા વગર કહે કે તારે આ જોઈએ છે?’ અને શ્રીરામકૃષ્ણદેવનું મન તરત જ સમાધિમાં લીન થઈ ગયું. ત્યાગીશ્વર, ત્યાગીશ્વરી! મહેશ્વર, મહેશ્વરી! વળી બાહ્ય ત્યાગ પણ અદ્વિતીય !
એક મારવાડી ભક્ત શ્રીરામકૃષ્ણદેવને તે સમયે ૧૦,૦૦૦ રૂપિયા આપવા ઇચ્છતા હતા, એના પર પણ શ્રીરામકૃષ્ણદેવ અત્યંત ખિન્ન અને ઉત્તેજિત થઈ ગયા અને એ રૂપિયાનો અસ્વીકાર કર્યો હતો. પછી તેને નોબતખાનામાં શ્રીમા શારદાદેવી પાસે મોકલે છે. જાણે પરીક્ષા કરવા! શ્રીમા શારદાદેવી કહે છે કે રૂપિયા અહીં આપો તો પણ તેમની જ સેવામાં વપરાવવાના છે. તેથી નહીં લઈ શકાય! મારવાડી આશ્ચર્યચકિત થઈ જાય છે. શ્રીમા શારદાદેવી પોતાની મંડળી સાથે દક્ષિણ ભારતની યાત્રા કરે છે, ત્યારે રામનાદના મહારાજા ત્યાંનો સોના-જવેરાતનો ભંડાર ખોલીને શ્રીમા શારદાદેવીને જે જોઈએ, તે લઈ લેવાનું કહે છે. પરંતુ ત્યાગીશ્વરી શ્રીમા શારદાદેવી કંઈ જ નથી લેતા! અરે મા તો શું તેની ભત્રીજી રાધુ પણ કંઈ જ નથી લેતી! અદ્ભુત લીલા!
સર્વશ્રેષ્ઠ ત્યાગ અહંકારનો! આજે જયરામવાટીમાં શ્રીમાનો જન્મદિવસ હતો. વિશેષ પૂજા-ભોજન વગેરે માટે કેટલાય ભક્તોનો મેળાવડો! શ્રીમાનાં દર્શન કરવા મોટી લાઇન લાગી. બધા પૂછવા લાગ્યા, શ્રીમા ક્યાં છે? તપાસ કરતાં ખબર પડી કે શ્રીમા પોતાના કુંટુંબની પ્રસુતા સ્ત્રીઓ માટે રાબ બનાવે છે! અહંકાર લગીરેય નહીં. નિર્વિકાર! આવી તો કેટલીય ઘટનાઓ છે.
ગીતાનો બીજાે મુખ્ય અલંકાર અનાસક્તિ. અવતારની લીલાઓ અકળ! એક વાર યોગીન-માને થતું કે શ્રીમાનો આખો દિવસ સંસારના કાર્યકલાપમાં જકળાયેલો રહે છે. એક દિવસ તેઓ ગંગા કિનારે બેસી જપ કરતાં હતાં ત્યારે તેમણે ભાવાવસ્થામાં જોયું કે શ્રીઠાકુર એમની સામે આવીને કહે છે, ‘જુઓ, જુઓ, ગંગામાં શું તરે છે?’ યોગીન-માએ જોયું કે લોહીથી ખરડાયેલું એક તાજું જન્મેલું બાળક નદીના પ્રવાહમાં વહી રહ્યું છે. ઠાકુર ફરી બોલ્યા, ‘શું ગંગા કોઈ દિવસ અપવિત્ર બને? એને (શ્રીમાને) પણ એમ જાણજો. કોઈ દિવસ સંશય ન કરતાં. એને અને આને (પોતાના શરીરને બતાવીને) અભિન્ન જાણજો.’
જીવનના અંત સમયે શ્રીમાએ એક વાર ઉદ્બોધનમાં કહ્યું હતું, ‘રાધુને જયરામવાટી મોકલી દો.’ બધાએ કહ્યું કે ‘અરે! મા! તમે તો રાધુ (શ્રીમાની ભત્રીજી) વગર રહી શકતા નથી. આખો દિવસ રાધી, રાધી કરો છો?’ શ્રીમાએ તીવ્ર દૃઢતાપૂર્વક કહ્યું, ‘તેને મોકલી દો. તેના વગર પણ રહી શકીશ.’ શ્રીમાએ પોતાનું મન કાર્ય-કલાપ અને રાધીમાંથી હટાવી લીધું હતું! હવે મનને ટકાવી રાખવા માટે કોઈ અવલંબનની જરૂર ન હતી, લીલા-સંવરણ! શ્રીમા નિર્વિકાર અને અલિપ્ત.
શ્રીમાનું બીજું એક પાસું છે, ચારેય યોગોનો સમન્વય! ગીતામાં ચારેય યોગ—કર્મ, ભક્તિ, જ્ઞાન, ધ્યાનનો ઉલ્લેખ છે. પરંતુ તેનો સમન્વય અસ્ફુટ રીતે થયો છે. સ્વામી વિવેકાનંદે પોતાના જીવન-કાર્ય અને વિચારો દ્વારા આ સમન્વયને અત્યંત ઉજ્જવળ રૂપે પ્રસ્ફુટીત કર્યો અને શ્રીમાના જીવનમાં આ ચારેય યોગોનો પૂર્ણ રૂપમાં વ્યવહારિક સમન્વય એક ઉજ્જવળ દૃષ્ટાંત અને આદર્શ બની ગયો છે.
એક રાત્રે યોગેન મહારાજ દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુર સાથે પંચવટી તરફ જતા હતા ત્યારે નોબતખાનાની પરસાળમાં શ્રીશ્રીમાના ધ્યાનસ્થ દિવ્ય દેવી સ્વરૂપનાં દર્શન કરીને આજીવન પરમ ભક્ત અને અનુગત બની ગયા હતા!
શ્રીમા સવારે ત્રણ વાગે ઊઠીને રાત્રે દસ વાગ્યા સુધી કેટલુંય કર્મ કરતાં. વળી, એ દરમિયાન વચ્ચે કેટલાય જપ કરતાં. કર્મયોગમાં કર્મની પાછળનો ભાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કોણે કેટલાં મોટાં કાર્યો કર્યાં તેના કરતાં તેનાં નાનાં કાર્યની પાછળના ભાવથી તેની મહત્તા પ્રગટ થાય છે. એક વાર કોઈએ ઘર સાફ કરી લીધા પછી સાવરણીને ઘા કરીને ફેંકી દીધી. શ્રીમાએ તરત જ કહ્યું, ‘અરે, સાવરણીએ કેટલું સેવાનું કાર્ય કર્યું અને હવે તેને આ રીતે ઘા કરી દે છે! તેને પણ સન્માન આપવું જોઈએ.’ કેટલી અદ્ભુત ભાવના! શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘તે શારદા છે, સરસ્વતી છે. જ્ઞાન આપવાં આવ્યાં છે.’ અને ખરેખર પોતાની જ્ઞાન-શક્તિથી શ્રીમા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં સંઘમાતા, સંરક્ષણ કર્તા, માર્ગદર્શક બન્યાં હતાં. તેઓ સંઘને સતત પ્રેરણા, ઉત્સાહ, શક્તિ અને રક્ષણ પૂરું પાડતાં. તે પછી અદ્વૈત આશ્રમમાં પૂજાનો વિવાદ હોય કે બ્રિટિશ ગવર્નરના વિધાનથી મઠ-મિશન પર સંશયના વાદળાં ઘેરાયા હોય, શ્રીમાનાં વિવેક, જ્ઞાન, શક્તિ અને માર્ગદર્શનથી બધું જ દૂર થયું હતું.
શ્રીમાની ભક્તિ એવી તો અપરૂપ અને આડંબર રહિત હતી કે એક વાર ઉદ્બોધનના પૂજા-ઘરમાં શ્રીશ્રીમા ઠાકુરને બોલાવી પછી અત્યંત ભક્તિભાવ, પ્રેમ, શ્રદ્ધા, સરળતાથી બાળકૃષ્ણલાલને બોલાવે છે. ‘ચાલો! બાળકૃષ્ણલાલ, ચાલો!’ બાળકૃષ્ણલાલ! એક અદ્ભુત વાતાવરણ! જાણે અનુભવતા હોય કે બાળકૃષ્ણલાલ પાછળ પાછળ ચાલે છે. બહારના એક ભક્તોને જોઈને શ્રીમા શરમાઈ ગયાં. શ્રીમામાં ચારેય યોગોનો સમન્વય પ્રસ્ફુટિત થતો હતો.
આમ તો ભગવદ્ ગીતાના કેટકેટલા આયામો છે. પરંતુ વધુ એક મહત્ત્વપૂર્ણ આયામ એટલે શરણાગતિ! અઢાર અધ્યાયની ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કેટકેટલાંય ભાવો-વિચારો-દર્શનો વગેરેનું વર્ણન કર્યા પછી અર્જુનને નિમિત્ત બનાવી જીવને જાણે કહે છેઃ
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:॥
‘બધાં કર્તવ્યો અને ઉપાયો છોડીને કેવળ મારું શરણ લે. હું તને બધાં પાપોમાંથી મુક્ત કરી દઈશ, શોક ન કર.’ (18.66)
એક સ્ત્રી કોલકાતામાં શ્રીમાના ઓરડાની બહાર આવી ખૂબ રડતી હતી. કહેતી હતી, ‘મા હું અપવિત્ર છું. હું આપના મંદિરમાં પ્રવેશવાને લાયક નથી.’ એમ કહીને એ ફરી ખૂબ રડવા લાગી. તેની આંતરિક પ્રાર્થના સાંભળીને શ્રીમા તરત જ દોડી આવ્યાં. તેને પોતાની દીકરીની જેમ સ્નેહપાશમાં ભરી લીધી. કહ્યું, ‘આવ બેટા! આવ! તને ખબર પડી કે પાપ શું છે, પશ્ચાત્તાપ થયો એ સારી વાત છે. આવ તને મંત્ર આપું. શ્રીઠાકુરનાં ચરણોમાં બધું અર્પણ કરી દે. ભય શેનો?’ શ્રીશ્રીમા આજે પણ ભગવદ્ગીતાની માફક સાધુ, ભક્તો, આશ્રિતોને ખોળે લે છે, લાડ લડાવે છે અને ભવરોગ દૂર કરે છે!!
Your Content Goes Here




