(ગતાંકથી ચાલુ)

(ગાયત્રી મંત્રનું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ વિશ્લેષણ આપે છે અને તેના સૂક્ષ્મ ભાવાર્થને સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે. સ્વામી મુખ્યાનંદ અંગ્રેજી ભાષામાં લખાયેલાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવતાં ઘણાં બધાં પુસ્તકોના લેખક છે. તેઓ રામકૃષ્ણ સંધના સંન્યાસી છે.)

એક સ્વરવાળો ૐ ત્રણ અક્ષરનો બનેલો છે. સંસ્કૃતમાં જ્યારે અ અને ઉ ની સંધિ થાય ત્યારે ઓ ઉચ્ચાર થાય છે અને એમાં મ ઉમેરવામાં આવે, એટલે આપણને ૐ શબ્દ મળે છે. અ, ઉ, મ એ જગતના તમામ શબ્દોના આરંભ, મધ્ય અને અંતના પ્રતીકાત્મક અક્ષરો છે. કારણ કે આપણે જ્યારે અ નો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણું મોઢું ખોલીએ છીએ અને જયારે મ નો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણે આપણા હોઠ બંધ કરીને તેમ કરીએ છીએ અને ઉ વચમાં કંઠમાંથી બહાર પડે છે. આપણા બધાજ શબ્દોનો ઉચ્ચાર પણ આ ત્રણ રીતે જ થાય છે. હવે આગળ જોઈએ તો ધ્યાન માટે પણ ૐ (અ,ઉ,મ) એ માત્ર તમામ શબ્દોનું પ્રતીક નથી, પરંતુ સર્વ લોકનું પણ પ્રતીક છે. ભૂ:, ભુવ: અને સ્વ: એમ ત્રણેય લોકનું પ્રતિનિધિત્વ કરે છે. (પાદટીપ ૭ જુઓ)

ૐનો ઉચ્ચાર જ્યારે ગૂઢાર્થ સાથે કરવામાં આવે છે, ત્યારે જે અસ્ફુટ હં…હં અવાજ અથવા ધ્વનિ ઘંટ વાગ્યા બાદ થતા ટનન…ની જેમ લંબાયા કરે છે એ તમામ શબ્દોથી અને તમામ લોકથી પણ પર છે એવા લોકોત્તર તત્ત્વનું એટલે કે પરમ તત્ત્વનું તુરીય લોકનું પ્રતિનિધિત્વ કરે છે. આ રીતે ૐ એ ઈન્દ્રિયગોચર અને અદૃશ્ય એમ બન્ને પ્રકારનાં, સંપૂર્ણ બ્રહ્માંડના સમગ્ર અસ્તિત્વનું પ્રતીક છે અને તેથી જ ૐ એ અનંત પરબ્રહ્મની ઓળખ પણ છે, એમ કહેવામાં આવે છે. એ પવિત્રમાં પવિત્ર અને સમસ્ત વિશ્વને આવરી લેતું વૈશ્વિક નામ મનાય છે.

૪. ગાયત્રી-મંત્રનું મહત્ત્વ:

ૐ અને ગાયત્રી મંત્ર એ બંને એટલા બધા મહત્ત્વના બની ગયા છે કે એમનો ઉલ્લેખ ઘણી વાર અનુક્રમે ‘પ્રણવ’ અને ‘ગાયત્રી’ તરીકે કરવામાં આવે છે. વેદોમાં ઉપનિષદોમાં અને શ્રીમદ્ભગવદ્ગીતામાં તથા ત્યારબાદ સંસ્કૃત ભાષાના ધાર્મિક સાહિત્યમાં, એમની પવિત્રતા, મહત્તા અને અર્થપૂર્ણતા વિષે અસંખ્ય ઉલ્લેખો અને સંદર્ભો જોવા મળે છે. અહીં આપણે મુખ્યત્વે ગાયત્રી વિષેના કેટલાક ઉલ્લેખોનો નિર્દેશ કરીશું:

(અ) છાંદોગ્ય ઉપનિષદ્ ૩.૧૨

જે કાંઈ અસ્તિત્વમાં છે તે સર્વસ્વ, ખરેખર, ગાયત્રી છે. વાણી જ ખરેખર ગાયત્રી છે, કારણ કે વાણી જ ગાન કરે છે, અને જે કાંઈ અસ્તિત્વમાં છે તે, બધાનો ભય દૂર કરે છે..આવી છે ગાયત્રીની મહત્તા.

(બ) મૈત્રી ઉપનિષદ્ ૬.૨

(મૈત્રયી ઉપનિષદ્ અથવા મૈત્રાયણી ઉપનિષદ્ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે.)

“અંદર રહેલો આત્મા અને સૂર્ય, એ બંને એકબીજા તરફ ગતિ કરે છે. ભૂ:, ભુવ: અને સ્વ: એ ત્રણ મહાવ્યાહૃતિઓના ગૂઢ ઉચ્ચારો સાથે તથા સાવિત્રીની (ગાયત્રીની) પ્રાર્થના સાથે દરેક માણસે ૐ શબ્દ સહિત એ બંનેનો ખૂબ આદર કરવો જોઈએ.”

(ક) મૈત્રી ઉપનિષદ્ ૬.૭

સાવિત્રીની પ્રાર્થનાના ઉપયોગથી સૂર્યના સ્વરૂપમાં રહેલા આત્માની પૂજા.

તત્ સવિતુર્વરેણ્યમ્ જે વિશ્વનો રચયિતા છે એવો એ સાવિત્રીનો પૂજનીય વૈભવ;

બ્રહ્મને સવિસ્તાર સમજાવનારા કહે છે, “વિશ્વને પેલે પાર જણાતો સૂર્ય એ જ ખરેખર સાવિત્રી છે. જેણે આત્માની શોધ કરવી હોય તેણે, ખરેખર એને જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.”

ભર્ગો દેવસ્ય ધીમહિ

“એ દિવ્ય પરમાત્મ-તત્ત્વના વૈભવનું અમે ધ્યાન ધરીએ છીએ;”

બ્રહ્મની વિગતવાર સમજણ આપનારાઓ કહે છે: “સાવિત્રી એ જ ખરેખર, દિવ્ય પરમાત્મ- તત્ત્વ છે. તેથી એના વૈભવ તરીકે જેને ઓળખવામાં આવે છે, એનું જ અમે ધ્યાન કરીએ છીએ.”

ધિયો યો નઃ પ્રચોદયાત્

“અને એ અમારા વિચારોને પ્રેરી રહે!”

બ્રહ્મને સવિસ્તર સમજાવનારા કહે છે, “બેશક, વિચારો એ જ ધ્યાન છે, તેથી વિચારોની જ અમારામાં એ પ્રેરણા કરે !”

(ડ) મહાનારાયણ ઉપનિષદ્ (અધ્યાય ૩૩,૩૪,૩૫)

“એકાક્ષરવાળો ૐ એ જ બ્રહ્મ છે, અગ્નિ એ એનો (આ ગાયત્રી મંત્રનો) દેવતા છે. એનો ઋષિ પણ બ્રહ્મ છે. એનો છંદ ગાયત્રી છે. પરમાત્મા સાથેનું તાદાત્મ્ય એ એનો ઉદ્દેશ છે.”

“વેદોએ જેને પ્રગટ કર્યું છે, એવા અવિનાશી બ્રહ્મ વિશે અમને ઉપદેશ આપવા માટે, હે વરદાદેવી ગાયત્રી! તમે અમારી સમક્ષ પધારો. હે છંદો – (મંત્રો)ની માતા ગાયત્રી! જેનો અપરોક્ષ રીતે ઉલ્લેખ કરાયેલો છે, એવા પરબ્રહ્મનું જ્ઞાન અમને આપવાની અમારા ઉપર કૃપા કરો.”

“હે ગાયત્રી! તમે જ પ્રાણ છો, તમે જ શક્તિ છો, તમે જ બળ છો અને તમે જ સર્વમાં રહેલી તેજસ્વિતા છો.”

“તમે જ સર્વ દેવતાઓનું મૂળ છો અને તેમનું પોષણ છો. તમે જ વિશ્વ છો અને અવિધ પણ તમે જ છો. જે કાંઈ પણ અસ્તિત્વમાં છે એ બધું જ તમે છો, તેમ જ એમના જીવનનો સમયગાળો પણ તમે જ છો. તમે સર્વ વસ્તુઓથી અતિશય ચઢિયાતાં છો પ્રણવે સૂચવેલું સત્ય તમે છો. પ્રકાશની દાત્રી ગાયત્રી તરીકે હું તમારું આહ્‌વાન કરું છું; જીવનદાત્રી સાવિત્રી તરીકે હું તમારું આહ્‌વાન કરું છું. જ્ઞાન અને ડહાપણની દાત્રી સરસ્વતી તરીકે હું તમારું આહ્‌વાન કરું છું.”

ૐ ભૂઃ

પૃથ્વીમંડળ એટલે કે આધિભૌતિક જગત. આપણા ભૂલોકની જેમ અગણિત સંખ્યામાં બીજા ભૂલોકો વિશ્વનાં સૌરજગતની અંદર રહેલાં છે, તે બધાં જ આધિભૌતિક જગતની સૂચક ભૂ: વ્યાહૃતિ છે.

ૐ ભુવઃ –

સૂર્યલોકથી મહેશલોક સુધીનાં સર્વ તારક મંડળો (દેવલોક) મળીને આધિદૈવિક જગત છે, એની વાચક ભુવ: વ્યાહૃતિ છે.

ૐ સ્વ: –

વિરાટ લોકથી, હિરણ્યગર્ભ, ઈશ્વર, સાક્ષી અને પરમ અવ્યક્ત લોક સુધી રહેલ લોકોને આધ્યાત્મિક જગત કહે છે, તેની સૂચક સ્વ: વ્યાહૃતિ છે.

ૐ મહ: –

સર્વથી અધિક, સર્વ પૂજ્ય, આ આધ્યાત્મિક પ્રકાશનો પ્રદેશ. મહર્ષિલોક.

ૐ જન: –

જગત્, જીવ, સર્વનું ઉત્પાદક, વિશ્વનું ઉત્પત્તિ સ્થાન – ધ્રુવલોક.

ૐ તપ: –

જ્ઞાનરૂપ, જગતના નિયંતા, સૌથી ઉત્તમ જ્ઞાન અને ધ્યાનનો પ્રદેશ – પ્રજાપતિલોક.

ૐ સત્યમ્ –

અવિનાશી અબાધ સૃષ્ટા, સત્યનું નિવાસ સ્થાન – સત્યલોક.

“હે સૂર્યદેવ! અમારી સમજશક્તિને ચેતનવંતી કરવા માટે સમગ્ર બ્રહ્માંડના એ સર્વોત્તમ પરમ સ્રોતના એ પૂજનીય વૈભવનું અમે ધ્યાન ધરીએ છીએ. વારિ, તેજ, રસ, અમૃતથી વ્યાપ્ત એ બ્રહ્મરૂપ છે તથા ઉત્પત્તિ, સ્થિતિ અને લયાત્મક ત્રિભુવન પણ છે. આ તમામ ખરેખર ૐ છે” પ્રભુતા ભરેલા તમારા ઉત્તમ તેજનું આરાધન કરી ધ્યાન ધરીએ છીએ, જે અમારી મતિને હંમેશાં શુદ્ધ કર્મો તરફ પ્રેરે છે.

(ઈ) વ્યાસ સ્મૃતિ :

“ગાયત્રીને બ્રહ્મથી અભિન્ન ગણવામાં આવી છે. જે નિર્દિષ્ટ છે, તેનું એકત્વના જ્ઞાન સહિત એટલે કે ‘હું તેજ છું’ અથવા તો ‘હું તે જ પુરુષ છું.’ (સો- અહમ્ -અસ્મિ) એ પ્રમાણે દરેકે ધ્યાન કરવું જોઈએ.

“એને ગાયત્રી કહેવામાં આવે છે, કારણ કે એ મંત્રનું જેઓ રટણ કરે છે, જાપ કરે છે તે તમામ પ્રકારના કલંકોમાંથી મુક્ત થઈ જાય છે. (ગાયન્તમ્ ત્રાયતે).”

(૫) સંધ્યા-ઉપાસનામાં ગાયત્રી મંત્ર:

આપણે ઉપર દર્શાવ્યું છે કે ૐને શબ્દબ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દના સ્વરૂપમાં એ બ્રહ્મ છે અને વેદોનું પ્રતિનિધિત્વ કરે છે. ગાયત્રી મંત્રને ૐના વિસ્તૃત સ્વરૂપ તરીકે તેમ જ વેદોની વરદાત્રી માતા તરીકે (વરદા-વેદ-માતા) ગણવામાં આવે છે અને વેદોને ગાયત્રીના તેથી પણ આગળના વિસ્તૃત સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે.

ગાયત્રી મંત્રનું સર્વોત્તમ આધ્યાત્મિક મહત્ત્વ હોવાથી તેનો જપ અને તેની ઉપાસના બંનેનો સમાવેશ સંધ્યા તરીકે ઓળખવામાં આવતી દૈનિક પ્રાર્થના-વિધિમાં કરવામાં આવ્યો છે.

ગાયત્રીમંત્રમાં સૂર્યને પરમાત્માના પ્રતીક તરીકે સંબોધવામાં આવે છે અને સંધ્યાના પ્રાર્થના-વિધિમાં પણ એમ જ કરવામાં આવે છે. યાજ્ઞવલ્કય મુનિ કહે છે: જે સંધ્યા છે, તે જ ખરેખર ગાયત્રી છે; જે વિધિ અને ધ્યાન એમ બે સ્વરૂપે રહેલી છે.

તૈત્તિરીય બ્રાહ્મણમાં કહ્યું છે, “એ બ્રહ્મનું પ્રતીક છે એવા વિલક્ષણ જ્ઞાન સહિતની ઉત્કટ ભાવનાથી જો કોઈ શાણો પુરુષ ઉદીયમાન અને અસ્ત થઈ રહેલા સૂર્યનું ધ્યાન ધરીને સંધ્યા કરે, તો તે તમામ શ્રેષ્ઠતા અને ભદ્રતાને પામે છે. (સકલં ભદ્રં અશ્રુતે)

સંધ્યાવિધિ એ ધ્યાનનું સ્વરૂપ છે, તેથી એને ઉપાસના કે આધ્યાત્મિક ચિંતનના વર્ગમાં મૂકવામાં આવે છે. આ ઉપાસના દિવસના ત્રણ સંધિ કાળમાં એટલે કે રાત્રી અને ઉષ:કાળ (પૂર્વાહ્ન) સવાર તથા બપોર (મધ્યાહ્ન) અને સંધ્યાકાળ અને રાત્રિ (સાયં) એમ ત્રણે કાળમાં કરવાનો નિયમ છે અને દરેક સંધિકાળમાં અડતાળિસ મિનિટ સુધી તે કરવાની છે. (આધુનિક જમાનામાં જે મધ્યાહ્ન સંધ્યા ના કરી શકે, તેઓ તેને પડતી મૂકી શકે છે.) આ ઉપાસના સંધિકાળમાં જ કરવાની છે, તેથી તેને સંધ્યા-ઉપાસના તરીકે ઓળખવામાં આવે છે. એને સંધ્યા-વંદન, ભક્તિ, પૂજા અથવા આરાધના પણ ક્લેવામાં આવે છે, અને ઘણી વાર ટૂંકમાં એને ‘સંધ્યા’ પણ કહેવામાં આવે છે.

સંધિકાળને અથવા બે કાળના જોડાણસમયને જ આ ઉપાસના માટે શા કારણથી પસંદ કરવામાં આવ્યો છે ? બ્રહ્માંડના સારરૂપ આ માનવપિંડમાં રહેલો માનવી અસ્તિત્વમાં રહેલા સમગ્ર સનાતન સત્યના ચાર ભાગોનો બનેલો છે. એનાં શરીર, મન અને બુદ્ધિ આ ઈન્દ્રિયગોચર પ્રકૃતિનાં અનિવાર્ય અંગો છે. આને કારણે જ પ્રકૃતિની અવસ્થાઓ એના માનસિક બંધારણને પણ અસર કરે છે. જયારે બાહ્ય પ્રકૃતિ શાંત હોય છે, ત્યારે માનવીની અંદરની પ્રકૃતિનું વલણ પણ શાંત હોય છે. તેથી જ પ્રાર્થના, ઉપાસના, ધ્યાન, ધાર્મિકવિધિ વગેરેનો સમય નક્કી કરવા માટે અમાવાસ્યા અને પૂર્ણિમા, ગ્રહણ વગેરે જેવી વિશિષ્ટ ખગોળશાસ્ત્રીય ઘટનાઓના દર્શનની સાથે સાથે પ્રકૃતિની અનુકૂળ બાહ્ય અવસ્થાઓ અને પરિસ્થિતિઓનો લાભ તમામ સાધનાઓમાં લેવામાં આવે છે. દા.ત. જો કોઈ નાવડી ભરતીના સમયનો લાભ લઈને એ સમયે જાય, તો વધારે મહેનત વગર જલદીથી એ આગળ નીકળી જાય છે. તેથી જે સમયે પ્રકૃતિની અંદર અને બહાર વિશિષ્ટ ફેરફારો થતા હોય, તેવા ફેરફારોની સંધિના સમયને સંધ્યા-વિધિના સમય તરીકે નક્કી કરવામાં આવે છે. માનસશાસ્ત્રીય દૃષ્ટિએ જોઈએ તો પણ આપણા મનનું વાઘ જો બરોબર મેળમાં હોય તો પ્રકૃતિમાં થતા ફેરફારો આપણને આ સમગ્ર વિશ્વ વિશે વિચાર કરતા કરી મૂકે છે અને આપણી અંદર રહેલા ભવ્ય આધ્યાત્મિક સૂર્ય ઉપર ધ્યાન-ચિંતન કરવા પ્રેરે છે, તેમ જ આપણા એકલપેટાપણાના એટલે કે વ્યક્તિલક્ષિતાના અને અહંના રોજબરોજના સંકુચિત વર્તુળમાંથી આપણને ઉન્નત માર્ગે પ્રેરે છે.

સૂર્ય, લોકોના જીવનમાં થતા આ બધા ફેરફારોનો સમર્થ પ્રતિનિધિ છે. એ સમગ્ર પ્રાણીમાત્રનો “જગત્-ચક્ષુ તથા કર્મ-સાક્ષી છે. આ પૃથ્વી ઉપર થતા દિવસ અને રાત્રિનું એ નિમિત્ત કારણ છે, પરંતુ એ પોતે તો કાયમ પ્રકાશમાન જ રહે છે અને એનાથી એટલે કે દિવસ-રાત્રિથી એ જરા પણ લેપાતો નથી. ગરીબ અને તવંગર, સંત અને પાપી, વિદ્વાન અને અભણ તેમ જ જડ અને ચેતન સર્વને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એકસરખો પ્રકાશ આપે છે. માણસનું પૃથ્વી પરનું જીવન પૃથ્વી સાથે સંબંધ ધરાવતી સૂર્યથી દૃશ્યમાન ગતિ અથવા સ્થાન વડે નિયંત્રિત થાય છે. જે દરેકના હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે પ્રકાશે છે અને અંતર્યામી તરીકે દરેકના આંતરિક જીવનનું નિયમન કરે છે, એવા આધ્યાત્મિક સૂર્યની માણસને યાદ અપાવે છે. માણસના તમામ વિચારો અને કાર્યોનો તથા એના ચૈતન્યની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ ત્રણેય ભૂમિકાઓનો એ અંત:સાક્ષી છે. છતાં પણ એ આ બધાથી હંમેશાં પર રહે છે અને આ પૈકી કશાયથી એ જરા પણ લેપાતો નથી.

આકાશમાં રહેલો સૂર્ય જે જીવનદાતા (પૂષન્ ) છે અને જે તેજસ્વરૂપ (તેજસ્) છે, (જુઓ પાદટીપ નં. ૪) તે અનંત આધ્યાત્મિક સૂર્યનું દૃષ્ટિગોચર થતું મહાન પ્રતીક છે અને સાથે-સાથે તમામ ચૈતન્યનો એ સ્રાત પણ છે. એ અખિલ વૈશ્વિક જગતનો આધાર છે અને અખિલ બ્રહ્માંડના તમામ લોકના અસ્તિત્વ ધરાવતા સર્વ પ્રાણીમાત્રનો અંતરાત્મા છે. માનવી આ અખિલ વૈશ્વિક જગતનું અનિવાર્ય અંગ છે અને પરમ વ્યોમમાં અથવા તો “હૃદય આકાશ”માં (સરખાવો: તૈત્તિરીય ઉપનિષદ્ ૨.૧.૧ અને ૧.૬.૧) પણ એ આધ્યાત્મિક સૂર્ય નિવાસ કરે છે અને વ્યક્તિગત ચૈતન્યના કેન્દ્રસ્વરૂપ જીવ અથવા આત્મા તરીકે એના માનસ સરોવરમાં પ્રતિબિંબિત થાય છે. આકાશમાં દૃષ્ટિગોચર થતા સૂર્યને પ્રતીક તરીકે રાખી થતી સંધ્યા-ઉપાસના વ્યક્તિગત આત્માની વૈશ્વિક આત્મા સાથે સંધિ થતાં બંનેનું ઐક્ય સિદ્ધ થાય, એ માટેની સાધના છે. (જુઓ પાદટીપ-૪)

આથી સંધ્યા એ તો વ્યક્તિના પરમ તત્ત્વ સાથેના મિલન માટેની યોગ-સાધનાનું સ્વરૂપ છે અને સંધ્યા વિધિમાં કર્મ, ભક્તિ, ધ્યાન અને શાન, એમ ચારેય – પ્રકારના યોગના મુખ્ય અંશો તેમ જ વિશિષ્ટ લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન થાય છે એવાં પરમ સત્યનાં પ્રાકૃતિક અને આધિભૌતિક પાસાંઓ સાથેનો જ વ્યવહાર આપણાં ભૌતિક વિજ્ઞાનો દર્શાવે છે. પરંતુ ઈ. સ. પૂર્વે સાતમી સદી પહેલાં થઈ ગએલા વૈદિક વ્યુત્પત્તિશાસ્ત્રના વિદ્વાન અને ટીકાકાર યાસ્કની કૃતિ, નિરુક્તમાં જણાવ્યા પ્રમાણે એમાં જે મંત્રો અને ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, એનું અર્થઘટન પૂર્વાપર સંબંધ તથા હેતુઓને આધારે આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે કરવાનું છે:

(૧) આધિભૌતિક (પ્રાકૃતિક અથવા ભૌતિક;)

(૨) આધિદૈવિક (પૌરાણિક ધર્મશાસ્ત્રો- એટલે કે વૈશ્વિક પ્રક્રિયાઓ ઉપર સર્વોપરિ સત્તા ધરાવતા અથવા તો એને નિયંત્રિત કરતા દેવો અથવા દૈવી પરિબળો સંબંધી) અને

(૩) આધિ-આત્મિક અથવા આધ્યાત્મિક (આત્મા સંબંધી એટલે કે પોતાની જાત તથા અંદર રહેલા મૂળભૂત આધ્યાત્મિક સત્ય સંબંધી). દાખલા તરીકે વૈદ્યકીય વિજ્ઞાન માણસને એક જીવતા-જાગતા શરીરને જ ગણતરીમાં રાખે છે; માનસશાસ્ત્ર માણસના મન-સહિતના શરીર તરીકે દૃષ્ટિમાં રાખે છે; અને ધર્મ અથવા અધ્યાત્મશાસ્ત્ર એને શરીરની અંદર રહેલા ચૈતન્ય અથવા આત્મા તરીકે જુએ છે. આને કારણે જ સંધ્યા કરનારે વૈદિક મંત્રોનો ઉપયોગ કરતી વખતે કેવળ ઈન્દ્રિયો પર આધાર રાખનારી શારીરિક સંકલ્પનાઓથી ક્રમે-ક્રમે આગળ વધીને માનસિક અને ઈશ્વરવિજ્ઞાન તરફ પ્રેરતી સંકલ્પનાઓ તરફ જવાનું છે, અને આખરે જ્યારે એનું મન વિશુદ્ધ, પવિત્ર અને શાંત બને અને શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠાથી સભર બને ત્યારે એની સમક્ષ આપોઆપ જ પ્રગટ થતી અંત:પ્રજ્ઞાયુક્ત દિવ્ય સંકલ્પનાઓ તરફ એણે વિકાસ સાધવાનો છે. બીજા બધા પ્રકારની ઉપાસના તથા જપમાં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે.

બાહ્ય સૃષ્ટિની વૈજ્ઞાનિક શોધખોળો માટે તથા આપણી ઐહિક પ્રગતિ માટે આપણે ઘણાં બધાં કૃત્રિમ સાધનો તથા પ્રયુક્તિઓને ઉપયોગમાં લઈએ છીએ. બરાબર એવી જ રીતે, આપણી અંદરની સૃષ્ટિની શોધ માટે તથા આધ્યાત્મિક પ્રગતિ માટે, અથવા તો, કહો કે, પારમાર્થિક વિકાસ માટે, ધાર્મિક વિધિઓ જપ, ધ્યાન વગેરે જેવાં કેટલાંક અસરકારક કૃત્રિમ, મનોભૌતિક સાધનોની જરૂર છે. તમામ વિકાસ પામેલા ધર્મો આધ્યાત્મિક પ્રગતિ માટે તેમ જ ઈશ્વરદર્શન માટે અથવા આત્મસાક્ષાત્કાર માટે આવશ્યક સાધનોનો નિર્દેશ કરે છે, જેમાં ધાર્મિક વિધિઓનો સમાવેશ પણ થયો હોય છે. “દરેક વ્યક્તિમાં સુપ્તપણે રહેલી દિવ્યતાને અભિવ્યક્ત કરવી” એને જ સ્વામી વિવેકાનંદ ધર્મનું વિશિષ્ટ લક્ષણ ગણાવે છે.

૭. અ, ઉ અને મ્ એ ત્રણ ઉચ્ચારોના સંમિલનથી ૐ એવા ઉચ્ચારની ઉત્પત્તિ થાય છે. ઓમ્ની આ ત્રણ માત્રાઓ છે, ધ્વનિનાં ઘટકો છે. વધુમાં, વળી, તેમાં અર્ધ-માત્રા અને માત્રા નહિ એવી અ-માત્રા છે. હળવો અસ્ફુટ એવો ધ્વનિ છે, જે સાંભળી શકાય એવો ધ્વનિ બંધ થયા પછી પણ ઘંટના અવાજની માફક ચાલુ રહે છે અને એને સૂક્ષ્મ ગ્રહણશક્તિથી તેમ જ એકાગ્રતાથી જ પકડી શકાય છે. આ ધ્વનિ સ્વયં સ્ફુરિત છે તથા પૃથ્વીના આદિકાળનો એટલે કે ખૂબ પ્રાચીન છે અને તેનેઅનિર્મિતઅથવા તોઅનાહત-ધ્વનિ તરીકે વર્ણવવામાં આવ્યો છે, અને તે જ પરમ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે.

ૐ જે બ્રહ્મનું ધ્વનિ પ્રતીક છે, તેને સૃષ્ટિ-સર્જનના આરંભકાળે ઉત્પન્ન થએલો ધ્વનિ ગણવામાં આવે છે. ઓમ્ની ત્રણ માત્રામાંથી ગાયત્રીનાં ત્રણ ચરણની ઉત્પત્તિ થઈ. (ગાયત્રી છંદમાં સાવિત્રી અને ત્રણ ચરણતેના ત્રણ વિભાગ દર્શાવે છે.) ગાયત્રી છંદનો આ મંત્ર ખૂબ પવિત્ર ગણવામાં આવતો હતો અને એ લોકપ્રિય થયો, તેથી તે ગાયત્રી તરીકે પ્રખ્યાત થયો. જેમ કેગીતાનો અર્થગાન એમ થાય છે; બીજી ત્રીસ પ્રકારનીગીતાછે, છતાં પણ શ્રીમદ્ભગવદ્ગીતા ખૂબ જાણીતી થઈ ગઈ છે, તેથીગીતાતરીકે તેનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. અને તેનાં ત્રણ ચરણમાંથી ત્રણ વેદો ઉત્પન થયા, તેમ જ ભૂ, ભુવ : અને સ્વ : એમ ત્રણ વ્યાતિઓ જે વિશ્વના ત્રણેય લોકનું એટલે કે ત્રિભુવનનું પ્રતિનિધિત્વ કરે છે, તેનો જન્મ થયો. ઓના અ માંથીતત્ સવિતુર્વરેણ્યમ્પ્રગટ થયું, જે ૠગ્વેદ તથા ભૂ:ની વૈશ્વિક સપાટીમાં વિસ્તરણ પામ્યું; ઉ માંથીભર્ગો દેવસ્ય ધીમહિ -પ્રગટ થયું, જે યર્જુવેદ તથા ભુવ:ની સપાટીમાં વિસ્તાર પામ્યું અને મ્ માંથીધિયો યો ન: પ્રચોદયાત્ પ્રગટ થયું, જે સામવેદ તથા સ્વ:ની સપાટીમાં વિસ્તરણ પામ્યું. પ્રથમ વેદ સ્તુતિને એટલે ભક્તિને સમર્પિત છે; બીજો વેદ એ ક્રિયા પર એટલે કે કર્મને સમર્પિત છે અને ત્રીજો વેદ જ્ઞાન પર એટલે કે જ્ઞાનને સમર્પિત છે. જુદા જુદા મંત્રોનું ધ્યાન કરવાથી જે તે મંત્રના મહત્ત્વ મુજબ જુદા જુદા હેતુઓ સિદ્ધ થાય છે. પરંતુ મન જયારે અ-માત્રા ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે અતીન્દ્રિય પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.

૮. સરખાવો:- શ્વેતાશ્વતર ઉપનિષદ્ (૬, ૧૧):

તમામ પ્રાણીમાત્રમાં એ એક જ તેજસ્વી પરમાત્મ તત્ત્વ ગુપ્તપણે રહેલું છે. એ સર્વવ્યાપી છે, અને સર્વ જીવોનો એ અંતરાત્મા છે. બધાં જ કર્મો ઉપર એ સર્વોપરિ સત્તા ભોગવે છે અને બધા જીવો એનામાં નિવાસ કરે છે. એ આંતરસાક્ષી છે. દરેક માનવીમાં એ ચેતનાનો સંચાર કરે છે અને સનાતન છે તથા ઈન્દ્રિયગોચર થતી પ્રકૃતિની ત્રણેય વિશિષ્ટ લાક્ષણિકતાઓથી મુક્ત છે, સ્વતંત્ર છે, નિર્ગુણ છે.

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

Total Views: 492

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.