મહાશિવરાત્રિ પ્રસંગે

શિયજટામાંથી વહેતી ગંગા એક એવું રૂપક છે કે તેનો સંદેશ આપણે ઝીલી શકીએ તો ક્રાન્તિની નવી દિશા ખૂલી જાય. શું વ્યક્તિગત કે શું સામાજિક જીવનમાં આવા ગંગાવતરણની આજે ખાસ જરૂર છે. આ પ્રાચીન રૂપક સર્વ કાલ અને સર્વ મનુષ્ય માટે નવા જીવનનું સર્જનાત્મક સામર્થ્ય દર્શાવે છે.

શિવ પ્રશાંત મન અને નિશ્ચલ શરીરથી સુખાસને બેસી ધોધમાર ધસી આવતી ગંગાને મસ્તક પર ઝીલે છે. તેની વિશૃંખલ ધારાને તે પોતાની જટામાં બાંધે છે. તેની વિનાશક ગતિને તે જટાની ઊર્ધ્વ શિખા દ્વારા ભસ્મીભૂત જીવન પાંગરી ઊઠે એવો પંથ ખોલી બતાવે છે. આવું ચિત્રપટ આપણે અનેક સ્થળે જોયું હશે. એ ચિત્રમાં રહેલી ગંગાને આપણા જીવનપટ પર વહેતી કરીએ તો? મનુષ્યના મગજમાં અનેક જાતના તરંગો ઘૂમરી ખાતા હોય છે. તોફાની ઘોડાની જેમ તે તોડફોડ કરતા ઘસી જવા ધમપછાડા કરતા હોય છે. અને માણસ ટોળામાં ભળ્યો તો તો એ બેલગામ ધસી પણ જાય છે. આવા પ્રસંગોમાં શું કરવું જોઈએ? આપણી સમક્ષ કોઈ પ્રત્યે ઘૃણા અને ક્રોધ ધૂંધવાતાં હોય છે. માર્ગમાં આવતા પ્રતિબંધોને તોડી પાડવા અને અન્યાય તેમ જ અત્યાચારને નેસ્તનાબુદ કરવા માટે માથાં ભાંગવાનું જ મન થઈ આવે છે. અને એનો છેડો-છટકો વેર-ઝેર, ઝનૂન ભરી આક્રમકતા અને આતંકવાદમાં જ આવે છે. આ માર્ગ છે રાક્ષસી વૃત્તિનો, શિવત્વની પાવનકારી ગંગાનો નહીં.

આપણા પ્રતિભાવીને આપણે આપણા મગજમાં જ શિવજટા જેમ બાંધી શકીએ? તેને એકત્ર કરી જરા ઊંચે રહેલા ‘શિવ સંકલ્પ’ના કેન્દ્રમાં સ્થિર કરી શકીએ? પછી એને નિર્મળ પ્રવાહની જેમ વહેતો કરી શકીએ? તો જે કાર્ય વેર ઝેરનું વિષચક્ર ચલાવે છે તેમાંથી આપણે મુક્ત થઈ શકીએ કારણ કે આ પ્રવાહ સામેની વ્યક્તિ કે વર્ગ પ્રત્યેક ધ્વંસક ભાવ ધરાવતો નથી. સામેવાળો પણ ગંગાના પ્રવાહમાં પાવન થઈ શાંતિ પામે એવી જ ભાવના આપણા કાર્યને પ્રેરે છે. આવું થઈ શકે ખરું?

આપણે ઘણે ભાગે બંધ બારણાં ને દીવાલોને તોડી પાડી બહાર નીકળવા માગીએ છીએ. પણ આપણા સહુમાં એક ઊંચે રહેલી પણ અદૃશ્ય ‘સ્ટૉપર’ કુદરતે મૂકી છે. એ ‘સ્ટૉપર’ મારામાં હું ખોલી શકું તો મને અટકાવી શકે, રૂંધી શકે એવી કોઈ તાકાત સામે રહેતી નથી. મારી પોતાની બદ્ધ અવસ્થા જ બીજાના બારણાં પર હથોડા ઝીંકે છે. મારી પોતાની જ મર્યાદા મારી શક્તિને વધુ બળવાન અને વધુ વેગવાન થવા દેતી નથી. મારી શિખામાંથી મારી શક્તિને બહાર લાવતું કેન્દ્ર ખોલું તો મારામાં રહેલું શિવત્વ પ્રગટ થાય. ગંગાધર આવી ‘સ્ટૉપર’ ખોલવાનું જ્ઞાન આપે છે.

આ મહત્ કાર્ય કેવી રીતે થઈ શકે? આ કાર્ય સંઘર્ષને દૂર કરવાથી કે સંઘર્ષથી ભાગી છૂટવાથી નથી થતું. આ કાર્ય સંઘર્ષનું સ્વરૂપ જ બદલી નાખનારું છે. આ સંઘર્ષ છે દરદીને બચાવવા મથતા દાકતરનો. આ સંઘર્ષ છે ડૂબતા જણને કિનારે લાવવા માગતા તરવૈયાનો, આ સંઘર્ષ છે દારૂડિયાને ઘર ભેગો કરવા મથતા સ્વજનનો, આ સંઘર્ષ છે ગાંડાઘેલા છોકરાને રોટલો ખવરાવવા માગતી માતાનો. આવો સુદૃઢ, ધીર, શાંત સંઘર્ષ જ સરવાળે શાંતિ અને આનંદ આપે છે. આવા માણસાઈના મેદાનમાં ખેલતા ‘નિર્વેરઃ સર્વભૂતેષુ’ સર્વ પ્રાણી પ્રત્યે વેરવિહીન સિપાઈને જ સાચા રણસંગ્રામનો આનંદ અને આંતરિક વિજયની શાંતિ મળે છે.

શિવના જટામંડળમાંથી ઊર્ધ્વશિખાને ભેદી વહેતી ગંગા આ સંદેશો સંભળાવતી વહે છે. એ સહુ કોઈના પાપ-તાપ ઉત્તાપને ધોતી ધોતી, શીતળ જળમાં સ્નાન કરાવતી વહેતી રહે છે. આ પતિતપાવની, નર્યા પ્રેમની ધારામાં નથી કોઈ માટે તિરસ્કાર કે તુચ્છકાર, માણસ પોતે જ પેલો પરમ શિવનો અંશ છે. તેના પર જે મેલ, ધૂળ, કચરો જામ્યાં છે તેને દૂર કરી ઊજળોબાણ કરવા માટે તો એ ધરા પર ઊતરી આવી છે.

શિવજટામાંથી મુક્ત ગંગાનો આ ખળ ખળ વહેતો ધ્વનિ આપણે સાંભળીએ તો? આપણા લડાયક બાહુઓ અને લોહી તરસી નજરને બદલે આપણી તમામ શક્તિ પેલા આપણા મસ્તકે રહેલા ‘બ્રહ્મરન્ધ્ર’ જાણી વહેવા લાગે તો? ભારતમાં લોહીની નદીઓ વહેવાને સ્થાને ઘેર ઘેર ગંગા વહેતી થાય. આવા ગંગાવતરણ માટે ‘ભગીરથ પ્રયત્ન નહીં કરવામાં આવે તો ભસ્માવશેષ થતા ભારતને કોઈ ઉગારી નહીં શકે.’

यद् अपूर्व, यच्च अन्तः प्रजानां
तन् ‘मे मनः शिवसंकल्पमस्तु!

(જે અપૂર્વ છે, પ્રજાના અંતઃકરણમાં રહેલું છે તે મારું મન કલ્યાણકારી સંકલ્પ ધરાવતું થાઓ!)

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.